એ ભયાનક દ્રશ્ય બેડરૂમમાં સુતેલા પ્રશાંતની નજર સમક્ષ તરવરી રહ્યું હતું

પ્રશાંતે રાત્રિનું ભોજન પતાવ્યું અને સોફા પર ટીવી જોવા બેઠો. ટીવી જોતા જોતા હાથમાં મોબાઈલ ઉઠાવ્યો અને વોટ્સએપ પર આવેલા મેસેજ વાંચવા લાગ્યો. એક મેસેજ જોઈને તેનો ચહેરો ઠંડો પડી ગયો. કપાળ પર કરચલીઓ આવી અને તેની આંખો ઝીણી થઇ.

મેસેજ તેના ઓફિસના ગ્રુપમાં હતો. ચીફ એકાઉન્ટ ઓફિસરે લખ્યું હતું કે ગયા મહિનાના કેસ એકાઉન્ટમાં ત્રણ લાખની ભૂલ આવી છે. પછી બીજા મેસેજમાં પ્રશાંતને ટેગ કરીને કહ્યું હતું કે કાલે સવારે આવીને મને ઓફિસમાં મળો.

પ્રશાંતનું મન તરત જ ગયા મહિનાના એકાઉન્ટના આંકડાઓ વિશે વિચારવા લાગ્યું. પોતે તો બધા જ હિસાબ બરાબર રીતે કરીને આંકડા ગોઠવ્યા હતા અને તેમાં કોઈ ભૂલ યાદ પડતી નહોતી. તો પછી આ ત્રણ લાખની ગડબડ થઈ કેવી રીતે?

પ્રશાંત હવે ટીવી સામે બેઠો હતો પણ તેનું મગજ ઓફિસમાં હતું. થોડીવાર પછી તેની પત્ની પ્રવિણા વાસણ વગેરે કામ પતાવીને તેની પાસે આવી અને સોફા પર બેસી ટીવીની ચેનલો બદલવા લાગી. ‘શું જોવું છે?’ પ્રવિણાએ એ પૂછ્યું.

પ્રશાંતના કાનમાં શબ્દો ગયા તો ખરા પણ તેનો અર્થ ન સમજાયો હોય તે રીતે તેણે કોઈ પ્રતિભાવ ન આપ્યો.

‘તમને પૂછું છું ફિલ્મ જોવી છે કે સીરીયલ?’ પ્રવિણાએ કોણીથી ઠોંસો મારતા પ્રશાંતનું ધ્યાન ભંગ કર્યું.

‘હમમ, શું થયું? જે જોવું હોય તો લગાવ.’ પ્રશાંતે વાતને ટાળી અને ટીવી સામે ચહેરો તો ફેરવ્યો પરંતુ હજી તેના મગજમાં તો એ ચીફ એકાઉન્ટ ઓફિસરનો મેસેજ અને ગયા મહિનાનું એકાઉન્ટ જ ચાલતું હતું. ‘સાલી આપ ભૂલ થઈ કઈ રીતે મારાથી?’ આ પ્રશ્ન વારંવાર તેના મગજની દીવાલોમાં અથડાયા કરતો હતો.

થોડીવાર ટીવી જોયા પછી પતિ પત્ની બંને બેડરૂમમાં ઊંઘવા ગયા અને પત્ની તો આખા દિવસની થાકેલી પથારીમાં પડતા જ ઘસઘસાટ ઊંઘી ગઈ પરંતુ પ્રશાંતના મનમાં જાગેલી ચિંતા તેને ઊંઘવા દેતી નહોતી.

‘પેલી શીલાએ તો કંઈ ભૂલ નહીં કરી હોય ને? કદાચ એણે જ કર્યું હશે મને ફસાવવા માટે આ બધું.’ હવે પ્રશાંત ગયા મહિને બનેલી બધી ઘટનાઓ યાદ કરવા લાગ્યો અને શીલાએ કેવી રીતે તેના એકાઉન્ટમાં ફેરફાર કર્યો હોઈ શકે તેને શક્યતાઓ ચકાસવા લાગ્યો. થોડીવાર શીલાના વિચારોમાં રહ્યા બાદ પ્રશાંતનુ મન બીજા દિવસે ઓફિસમાં શું બની શકે તેની શક્યતાઓ અંગે વિચારવા લાગ્યું. તેની નજર સમક્ષ પુરી ઘટનાનું દ્રશ્ય ઊભું થયું.

પ્રશાંત સવારમાં ચીફ એકાઉન્ટ ઓફિસરની કેબિનમાં હાજર થયો. ચીફ એકાઉન્ટ ઓફિસરે પોતાના ચશ્મા નાક પર સરખા બેસાડ્યા અને પ્રશાંત સામે ગંભીર નજર કરતાં હાથથી તેને ખુરશી પર બેસવા ઈશારો કર્યો. પ્રશાંત હજુ ખુરશી પર બેઠો નહોતો ત્યાં ચીફ એકાઉન્ટ ઓફિસરે તેને કહ્યું, ‘મને તારી પાસે આવી ઉમ્મીદ ક્યારેય નહોતી પ્રશાંત. આ કંપનીએ તારા માટે શું નથી કર્યું? તને જોઈતી હતી ત્યારે મકાન માટે લોન આપી અને તારી તબિયત સારી નહોતી ત્યારે ત્રણ મહિનાની ચાલુ પગારે રજાઓ પણ આપી. તેમ છતાં તે આવો વિશ્વાસઘાત કર્યો?’

ચીફ એકાઉન્ટ ઓફિસરે પ્રશાંતને અલગ અલગ રીતે આ ભૂલ માટે ઘણું સંભળાવ્યું અને પછી કહ્યું, ‘તને મેનેજર સાહેબે પોતાની ઓફિસમાં બોલાવ્યો છે. ચાલ મારી સાથે.’

પ્રશાંતના હાથ પગ ધ્રુજવા લાગેલા અને મુશ્કેલીથી તે ચીફ એકાઉન્ટ ઓફિસરની પાછળ પાછળ મેનેજરની ઓફિસમાં પ્રવેશ્યો હતો.

‘પ્રશાંત તું મારી સાથે આવું કરી કેમ શકે?’ મેનેજર કંપનીના માલિકનો દીકરો હતો એટલે કંપની તેની પોતાની જ હતી. પ્રશાંત કંઈ જવાબ આપે તે પહેલા મેનેજરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને તેણે પ્રશાંતને ખીજાવાનું શરૂ કરી દીધું હતું. ‘તારા જેવા ચોર અને ઠગારા લોકોને કારણે જ સૌનો વિશ્વાસ તૂટે છે પ્રશાંત. હવે તો હું તને જેલના સળિયા ન ગણાવું તો મારું નામ પણ અશોક નહીં. તે આજ સુધી આ કંપનીની ભલાઈ જોઈ છે હવે તું આ કંપની શું કરી શકે છે તેની તાકાત પણ જો.’

પ્રશાંત હજુ કંઈ બોલવા જાય તે પહેલા તો અશોકે તેના સેક્રેટરીને ફોન કરી અને પોલીસને બોલાવવા કહી દીધું. ત્યારબાદ પ્રશાંતે કેટલીય સફાઈ આપવાની કોશિશ કરી પરંતુ ૨૦ મિનિટમાં તો પોલીસ ત્યાં આવી ગઈ અને પ્રશાંતને બધા કર્મચારીઓની વચ્ચે ધકેલતા જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

આ બધું દ્રશ્ય બેડરૂમમાં સુતેલા પ્રશાંતની નજર સમક્ષ તરવરી રહ્યું હતું. તેનું આખું શરીર પરસેવાથી રેબજેબ થઈ ગયું હતું અને તે ડરથી ધ્રુજી રહ્યો હતો.

‘તમારી તબિયત તો સારી છે ને? પ્રશાંતના ડઘાવાથી ઉઠી ગયેલી તેની પત્ની પ્રવિણાએ પ્રશાંતને હલાવતા પૂછ્યું.

‘શું? શું? હા, હા, મારી તબિયત સારી છે. તું તારે સુઈ જા. ખાલી જરા ગરમી જેવું લાગતું હતું.’ પ્રશાંતે પત્નીને ઊંઘવાનું કહીને પોતે પણ આંખ બંધ કરી. પરંતુ આખી રાત આવા જ વિચારોથી તેનું મન ભરાયેલું રહ્યું. માંડ માંડ કરીને તેને બે ત્રણ કલાક ઊંઘ આવી હશે કે સવારે સાત વાગ્યે એલાર્મ વાગી ગયું. જલ્દીથી નાહી ધોઈને તૈયાર થઈને જેમ તેમ નાસ્તો પતાવીને તે રોજ કરતા 15 મિનિટ વહેલો ઓફિસે જવા નીકળી ગયો.

ઓછી ઊંઘ થવાને કારણે તેની આંખો બળતી હતી અને ચહેરો પણ ફ્રેશ નહોતો લાગતો. મગજમાં ચિંતા હતી કે આજે તો તેને ખૂબ ઠપકો પડશે અને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. મનોમન તે પ્રાર્થના કરી રહ્યો હતો કે પોલીસ ફરિયાદ ન થાય તો સારું. તે હજુ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે ભૂલ ક્યાં થઈ ગઈ હતી અને તે કેવી રીતે ચીફ એકાઉન્ટ ઓફિસર અને મેનેજરને સમજાવશે કે તેનો કંઈ વાંક નથી. પણ તેઓ માનશે કે કેમ એ વાતની ચિંતા પ્રશાંતને ખાઈ રહી હતી.

તે ઓફિસમાં પહોંચ્યો અને પોતાના એકાઉન્ટની એક્સેલ ફાઇલ ખોલીને તેમાં ફરીથી ચેક કરવા લાગ્યો કે ક્યાં ભૂલ થઈ છે. તેણે હજુ અડધું એકાઉન્ટ ચેક કર્યું હશે ત્યાં તો ચીફ એકાઉન્ટ ઓફિસરનો ફોન આવ્યો. તેને ઓફિસમાં બોલાવ્યો હતો. પ્રશાંત પોતાની ડાયરી અને પેન લઈને તથા કેવી રીતે પોતાની સફાઈ આપવી તેના અંગે વિચારતો વિચારતો તે ઓફિસમાં પહોંચ્યો.

પ્રશાંતને પ્રવેશતો જોઈ ચીફ એકાઉન્ટ ઓફિસરે પોતાના ચશ્મા નાક પર ગોઠવતા આંગળીનો ઈશારો કરીને તેને ખુરશી પર બેસવા કહ્યું. હજુ પ્રશાંત બેઠો નહોતો ત્યાં ચીફ એકાઉન્ટ બોલવાનું શરૂ કર્યું. ‘પ્રશાંત તું આવી ભૂલ કેવી રીતે કરી શકે?’ આટલું સાંભળતા જ પ્રશાંતની સામે રાત્રે કલ્પેલું આખું દ્રશ્ય સેકન્ડના દશમાં ભાગમાં ઊભું થઈ ગયું અને તેના ચહેરા પર પરસેવો આવી ગયો.

‘સર, સર…’ પ્રશાંત કંઈક બોલવા જઈ રહ્યો હતો ત્યાં ફરીથી તેને વચમાં અટકાવિને ચીફ એકાઉન્ટ ઓફિસરે કહ્યું, ‘અરે પ્રશાંત આ ત્રણ લાખ રૂપિયા આપણા એક્સપોર્ટ ઈમ્પોર્ટના બિઝનેસમાં કરન્સી એક્સચેન્જ લોસને કારણે દેખાય છે. તને એ ખબર નથી કે જ્યારે રૂપિયામાંથી ડોલર અને ડોલરમાંથી રૂપિયો લઈએ ત્યારે જે એક્સચેન્જમાં નફો કે નુકશાન થાય તેનું એક અલગ મથાળું બનાવવું પડે જેથી કરીને હિસાબ મેળવવામાં ભૂલ ન થાય? તારી આ બેદરકારીને લીધે મને ચિંતા થઈ કે આ ત્રણ લાખનો ગોટાળો કેવી રીતે થઈ ગયો. સવારે જોયું તો મને સમજાયું કે આ એક્સચેન્જ લોસ બુક કરવાનું તું ભૂલી ગયો લાગે છે. એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ આંકડો મોકલવામાં આવ્યો નહોતો. મે આ કાગળો મંગાવ્યા છે એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી. તેના આધારે એક્સચેન્જ લોસ બુક કરી લે અને એકાઉન્ટ મેળવી લે.’

‘ઓકે સર.’ પ્રશાંત તેને આપેલા કાગળ લઈને જલ્દીથી ઓફિસની બહાર નીકળ્યો. તેના મનમાં રાહત થઈ કે આ તો કંઈ મોટી વાત હતી જ નહિ. શા માટે તે નાહકનું આખી રાત એ બધું વિચારીને હેરાન થયો કે જે બન્યું જ નહોતું? તેને સમજાયું કે પોતે તકલીફને કારણે નહીં પણ તકલીફની શક્યતાને કારણે જ પોતાના પર જુલ્મ કરી રહ્યો હતો. જે પરિસ્થિતિ આવી જ નહોતી તેના ભયથી તે હેરાન થઈ રહ્યો હતો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)