ધીમે ધીમે પાર્થિવની ગુસ્સો કરવાની આદત વધતી ગઈ અને

પ્રિયા અને પાર્થિવના લગ્નને સાત વર્ષ થયા હતા. તેમની બાળકી huધ્રુવી પણ છ વર્ષની થવા આવી હતી. પાર્થિવ પહેલા તો માત્ર સોશિયલ ડ્રીંકર હતો એટલે કે પાર્ટીમાં કે મિત્રો સાથે ક્યારેક ક્યારેક એકાદ પેગ પી લેતો પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી તેનું પીવાનું વધી ગયું હતું. હવે તો તે ઘરે એકલા બેસીને પણ પીવા લાગ્યો હતો. તેના પીવાના દિવસો અને પ્રમાણ બંને વધી ગયા હતા. પાર્થિવ પોતાની મર્યાદા કરતા પણ વધારે પી લેતો અને તેને કારણે અનેક લોકોની વચ્ચે બેઇજ્જતી કરાવતો. પ્રિયાને આવા કેટલાય પ્રસંગોએ ભોંઠા પડવા જેવું થતું.

એક વખત તો મિત્રના ઘરે ડિનર હતું ત્યાં પાર્થિવે એટલો નશો કરી લીધેલો કે તેને શું બોલે છે અને શું કરે છે તેનું ભાન જ નહોતું. તેણે ટેબલ પર ચડીને અને નાગીનના ગીત પર જમીન પર લોટીને ડાન્સ કરેલો. પ્રિયા અને તેના મિત્રો શરમના માર્યા કંઈ બોલ્યા તો નહીં પરંતુ આવું વર્તન કોને ગમે?

ત્યારબાદ ઘરે આવીને પ્રિયાએ તેના વર્તન અંગે વાત કરી ત્યારે પાર્થિવ ખૂબ ગુસ્સે થયેલો અને તેણે પ્રિયા પર હાથ પણ ઉઠાવ્યો. ધીમે ધીમે તેની ગુસ્સો કરવાની આદત વધતી ગઈ અને માત્ર પ્રિયા પર જ નહીં પરંતુ ધ્રુવી પર પણ તે ગુસ્સે થઈ જતો. એકવાર તો તેણે છ વર્ષની બાળકીને તમાચો પણ ઝીંકી દીધેલો. આવા અનેક કિસ્સાઓ બની ગયેલા અને હવે પ્રિયા મિત્રો અને સગા-સંબંધીઓમાં પાર્થિવ સાથે જતા ગભરાવા લાગેલી.

પરંતુ આજે તેની પાસે કોઈ ઉપાય નહોતો. તેનું હમણાં જ પ્રમોશન થયેલું અને એટલે ઓફિસના લોકોએ ઘરે પાર્ટી માંગેલી. અનાયાસે અને ડરતા ડરતા પ્રિયાએ ઓફિસના કેટલાક કલીગ અને બોસને આજે રાત્રે ડિનર માટે બોલાવ્યા હતા. પ્રિયાએ ડિનરની તૈયારી કરવા ઓફિસમાંથી રજા લીધેલી.

પાર્થિવ સાંજે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે પ્રિયાએ કહેલું, ‘પાર્થિવ, આજે તું જરાય નહિ પીવે, પ્લીઝ. મારી ઓફિસના કલીગ અને બોસની સામે તું મને નીચું જોવા જેવું ન કરાવીશ. હું તેમની સામે ફરીથી નહિ જઈ શકું. તું પીવે તો તને ધ્રુવીના સમ છે પ્લીઝ.’ પ્રિયાએ ખુબ વિનંતી કરેલી.

‘હા હા, હું એક ટીપું પણ નહિ પીવ. તું ચિંતા ના કર.’ પાર્થિવે પ્રિયાને વચન આપ્યું.

‘થેન્ક યુ.’

જો કે પ્રિયાને પાર્થિવની વાત પર ભરોસો તો નહોતો એટલે તે મનોમન પ્રાર્થના કરી રહી હતી કે કેમેય કરીને ડિનર જલ્દી પતી જાય અને સૌ પોતપોતાના ઘરે રવાના થઇ જાય ત્યાં સુધી પાર્થિવ પોતાની જાતને સંભાળી લે તો સારું.

સાંજ પડી એટલે પ્રિયાના કલીગ આવવા માંડ્યા. લગભગ સાડા સાત સુધીમાં બધા મહેમાન પ્રિયાના ઘરમાં હતા. તેના બોસ પણ આવી ગયા હતા. પ્રિયાએ સૌને ડ્રિન્ક અને સ્ટાર્ટર માટે આગ્રહ કર્યો. પોતપોતાની રીતે જેમને જે ગમ્યું તે સૌએ લીધું અને વાતોએ ચડ્યા.

‘વોટ ઇઝ યોર ડ્રીંક, પાર્થિવ?’ પ્રિયાના એક કલીગે પૂછ્યું.

‘ઇટ્સ ઓકે. આઈ એમ ફાઈન. હું જ્યુસ લઈશ.’ પાર્થિવે કહ્યું.

પ્રિયાનું ધ્યાન વારે વારે પાર્થિવ પર જતું હતું. તેને ચિંતા હતી કે ક્યાંક એ ગ્લાસ ન ઉઠાવી લે. જો તે એકવાર શરુ કરશે તો પછી અટકાવવો મુશ્કેલ પડશે. પરંતુ પાર્થિવના આ જવાબથી પ્રિયાને મનમાં થોડી નિરાંત થઇ. તેણે આશાભરી આંખે પાર્થિવ સામે જોયું. બંનેની નજર મળી. પાર્થિવને પ્રિયાની આંખમાં લાચારી અને વિનંતી દેખાઈ. તેણે હળવું સ્મિત આપ્યું અને પ્રિયાને વિશ્વાસ અપાવ્યો કે પોતે આજે નહિ પીવે. પ્રિયાએ આંખોથી જાણે આભાર માનતી હોય તેવો ભાવ પ્રગટ કર્યો તે પાર્થિવ સમજી શક્યો.

સૌ પોતપોતાની રીતે વાતો કરી રહ્યા હતા અને પોતપોતાના ગ્લાસમાં જે રીતે ફાવે તે રીતે ડ્રિન્ક ભરી રહ્યા હતા.

‘એક પેગ તો લે?’ પ્રિયાની એક કલીગે પાર્થિવને વાઈનની બોટલ ઓફર કરતા પૂછ્યું.

‘નો, થેન્ક્સ. આજે હું માત્ર જ્યુસ લઇ રહ્યો છું.’ પાર્થિવે જવાબ આપ્યો અને પ્રિયા તરફ જોયું. પ્રિયાની આંખો તો પાર્થિવને જ જોયા કરતી હતી.

‘પ્રિયા, શું યાર? તારા હસબન્ડને આજે તે જ્યુસ પર રાખ્યો છે? ઘરે ગેસ્ટ બોલાવે અને પતિને જ્યુસ પર રાખે તે કેવી રીતે ચાલે?’ એ કલીગે પ્રિયા તરફ ફરતા ખભા ઉછાળીને કહ્યું.

‘અરે રેવતી, તું મારા હસબન્ડને જે પીવું હોય તે પીવા દે અને અહીં આવ. હું તને કઈંક ઇન્ટરસ્ટિંગ બતાવું.’ પ્રિયાએ પોતાની કલીગ રેવતીને પાર્થિવ પાસેથી ખેંચીને પોતાના ડ્રોઈંગ રૂમના ખૂણામાં લઇ ગઈ જ્યાં એક પેઇન્ટિંગ લાગેલી હતી. તેણે રેવતીને એ ચિત્ર વિષેની વાતમાં મશગુલ કરી અને પાર્થિવ પર નજર કરી. પાર્થિવ પણ તેને જ જોઈ રહ્યો હતો. બંનેની આંખો મળી. પ્રિયાની આંખોમાં પાર્થિવ સ્પષ્ટ વાંચી શકતો હતો: થેન્ક યુ.

પાર્થિવથી આ નજર ન સહેવાઇ. તેને લાગ્યું કે પ્રિયા તેને લઈને આટલી વિવશ શા માટે છે? શા માટે તે આટલી ડરે છે? શું તેનું વર્તન ખરેખર જ એટલું શરમજનક હોય છે? આજ પહેલા પાર્થિવે ક્યારેક આ વાત પર વિચાર કર્યો નહોતો પરંતુ આજે પ્રિયાની આંખોમાં તેના માટે જે પ્રેમ અને આદર દેખાઈ રહ્યો હતો, જે વિવશતા જણાતી હતી તેનાથી તેનું હૈયું પીગળી ગયું. તેને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો કે તેને કારણે એની પત્નીને આટલી ચિંતા લઈને જીવવું પડે છે.

‘પાર્થિવ, યુ કાન્ટ સે નો ટુ ધીસ સ્મોલ પેગ. આ નાનો પેગ તો તારે લેવો જ પડશે.’ એ પ્રિયાના બોસનો અવાજ હતો. તેણે પાર્થિવ માટે એક નાનો પેગ બનાવ્યો હતો અને તેનો હાથ પાર્થિવ તરફ લંબાયેલો હતો.

પાર્થિવે સ્મિત કરતા કહ્યું, ‘એક્ચુલી…’

‘નો, હવે કઈ જ નહિ સાંભળું. તારે અમને કંપની આપવી જ પડશે.’ બોસે આગ્રહ કર્યો.

પાર્થિવ અને પ્રિયાની આંખો મળી. આ વખતે પ્રિયાની આંખોમાં લાચારી વધારે દેખાતી હતી.

‘પ્રિયા, તું બોલ પાર્થિવને. અમને પોતાના ઘરે બોલાવીને તારા હસબન્ડને આ રીતે જ્યુસ પર રાખે છે તે ન ચાલે. અમારી સાથે એક ડ્રિન્ક તો તેણે પણ લેવું જ પડે.’ બોસનો આગ્રહ વધી રહ્યો હતો.

પ્રિયાને સમજાતું નહોતું કે હવે શું બોલે. એકતરફ તેના બોસનો આગ્રહ અને બીજી તરફ પતિના પીયને બેકાબુ થઇ જવાનો ડર. તેણે પાર્થિવ સામે અસહાય નજરે જોયું. તેમની આંખો મળી. પ્રિયાની આંખોમાં ડર હતો પરંતુ પાર્થિવની આંખોમાં વિશ્વાસ હતો.

‘ઓકે, મેં તમને સૌને કહ્યું નથી એટલે તમે આગ્રહ કરો છો. ખરેખર મેં ડ્રિન્કીંગ એકદમ છોડી દીધું છે, હંમેશને માટે. એવું નથી કે હું આજે તમારી સાથે નથી પીતો, મેં તદ્દન જ ડ્રિન્ક બંધ કર્યું છે. આજ પછી તમે મને બીજે ક્યાંય પણ પિતા નહિ જુઓ.’ પાર્થિવે મોટા અવાજે પાર્ટીમાં એનાઉન્સ કયું.

પ્રિયાને આ શબ્દો પર વિશ્વાસ કરવો કે નહિ તે તો ન સમજાયું પરંતુ પાર્થિવની આંખોમાં જે પ્રેમ અને મક્કમતા દેખાઈ રહ્યા હતા તે જોઈને પ્રિયાને સમજાઈ ગયું કે તે સાચું કહી રહ્યો હતો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)