વિજ્ઞાને પણ માન્યુંઃ આ છે સક્સેસ મંત્ર

અત્યારના આ ફાસ્ટ યુગમાં આપણે એટલા બધા વ્યસ્ત બની ગયા છીએ કે આપણે પોતાની જાત માટે પણ સમય ફાળવી શકતા નથી. તો બીજો યક્ષ પ્રશ્ન એ છે કે અત્યારની યુવા પેઢી ધર્મ અને તેમા બતાવેલા જીવન ઉત્તમ બનાવવાના વિચારોને માનવા માટે તૈયાર નથી. પરંતુ એક વાત તો સો ટકા સાબીત થયેલી છે કે વિજ્ઞાન પણ ધર્મ આગળ ટૂંકુ પડ્યું છે. વૈજ્ઞાનીકો આપણા ઋષીમુનીઓ વર્ષો પહેલા જે વાત સાબીતી સાથે કહી ગયા હતા તેને સ્વીકારી રહ્યા છે. અને જીવનને ઉત્કૃષ્ઠ અને ઉત્તમોત્તમ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે “ધ્યાન”. તો આવો જાણીએ કે આખરે 21મી સદીના ટેક્લોલોજીકલ યુગમાં આપણે પણ માત્ર ધ્યાનના સહારે આપણું જીવન કેવી રીતે બદલી શકીએ.

ધ્યાનનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. મનુષ્યની સામાન્ય જીવનચર્યા ધ્યાન દ્વારા નવી દ્રષ્ટી પ્રાપ્ત કરે છે. ધ્યાન કરે એટલે કપાળના ભાગમાં રહેલું આજ્ઞાચક્ર જાગૃત થાય છે અને આ જ આજ્ઞાચક્ર સાથે માણસની બૌદ્ધીકતા જોડાયેલી હોય છે. એટલે સરળ ભાષામાં એમ કહી શકાય કે ધ્યાન કરવાથી મનુષ્યનો બૌદ્ધિક વિકાસ થાય છે અને મનુષ્યની બૌદ્ધીક ક્ષમતામાં અકલ્પનીય વધારો થાય છે. તો માત્ર બૌદ્ધીક ક્ષમતા જ નહી પરંતુ મનુષ્યના વિચારો, આવેગો અને જીવન જીવવાના દ્રષ્ટીકોણમાં મોટો ફેરફાર થાય છે. હવે બૌદ્ધીક ક્ષમતા, વિચારો, અને આવેગો જો યોગ્ય બની જાય અને મનુષ્યમાં પોઝીટીવીટી આવી જાય તો મનુષ્ય સ્વયં ધન્યતા પ્રાપ્ત કરી લે છે અને તે મનુષ્ય જે પણ ક્ષેત્રમાં હોય છે ત્યાં તેના પ્રગતીના દ્વાર ખૂલતા જ રહે છે કારણ કે તેની વિચાર શક્તિ, વિચારવાની રીત,  અને કાર્યપદ્ધતી ધ્યાનના કારણે બદલાઈ હોય છે અને સાથે જ તેનામાં ભરપુર પોઝીટીવીટીનું સંચારણ થયું હોય છે.

વૈજ્ઞાનિકોએ માન્યું ધ્યાનનું મહત્વ

આમ તો ધ્યાન પર સમય અનુસાર શોધ થતી રહે છે પરંતુ પૂર્વ પેનીસિલ્વેનિયા વિશ્વ વિદ્યાલયના સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલી એક શોધમાં ધ્યાનથી મનુષ્યના વિકાસની વાતને માનવામાં આવી છે. આ શોધમાં શોધકર્તાઓએ જાણ્યું કે કેવી રીતે ધ્યાન દ્વારા મસ્તિષ્કને ત્રણ ચરણોમાં એકાગ્રચિત્ત કરી શકાય છે. તો સાથે જ સક્રિય રહેતા મસ્તિષ્કને પ્રત્યેક બિંદુ પર એકાગ્રચિત્ત કરી શકાય છે. આ શોધ દરમિયાન કેટલાક લોકોને એક મહિના સુધી રોજ 30 મીનિટ સુધી ધ્યાનની અવસ્થામાં રાખવામાં આવ્યા. અને એક મહિના બાદ તેમના મસ્તિષ્કની ક્રિયાઓને માપવામાં આવી અને તેમની માનસિક ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સંશોધન બાદ પરીણામ અકલ્પનીય આવ્યું. સંશોધન બાદ પરીણામ સ્વરૂપે જાણવા મળ્યું કે જે લોકોએ એક મહિના સુધી દરરોજ 30 મીનિટ ધ્યાન કર્યું હતું તેમના વ્યવહાર અને તેમના શરીરની ઉર્જામાં મોટુ પરિવર્તન દેખાયું અને તે લોકો પહેલા કરતા વધુ પોઝીટીવ અને તેજસ્વી બની ગયા હતા.

ધ્યાન કરવાની પદ્ધતી

ધ્યાન કરવા માટે આમ તો અનેક વિસ્તૃત પદ્ધતીઓ ઉડાણપૂર્વક બતાવવામાં આવી છે. પરંતુ અહીંયા અમે Chitralekha.com ના દર્શકો માટે ધ્યાનની એક સરળ પદ્ધતી બતાવવા જઈ રહ્યા છીએ.

સૌ પ્રથમ તો એક આસન પર પલાઠી વાળી બેસી જાવ(શક્ય હોય તો પૂર્વ દિશામાં મુખ રાખીને અથવા ઈશ્વરની સામે મુખ રાખીને). ત્યાર બાદ તમારા મનમાં જે વિચારો અથવા આવેગો ચાલી રહ્યા છે તેને તમારા ઈષ્ટદેવના નામ સ્મરણ દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. ધીમે-ધીમે આ વિચારો નિયંત્રણમાં આવી જાય અને તમને લાગે કે હવે ધ્યાન થઈ શકશે ત્યાર બાદ તમે જે કોઈપણ દેવી દેવતાને માનતા હોય તેમનું નામ સ્મરણ કરવાનો પ્રયત્ન કરો. પ્રયત્ન કરો કે તમારૂ ચિત્ત ઈશ્વરમાં એકાગ્ર બને. થોડા સમયમાં લાગશે તે ઈશ્વરીય ચેતના સાથે તમારો સીધો સંપર્ક થઈ ગયો છે. અને ત્યાર બાદ અડધો કલાક કે કલાકના સમય બાદ ઈશ્વરના શ્રી ચરણોમાં વંદન કરીને તમારા ધ્યાનને પૂર્ણ કરો. પરંતુ યાદ રાખો કે જેટલું ધ્યાન વધારે કરશો તેટલું ફળ વધારે મળશે. સામાન્ય રીતે નિત્ય એક અથવા બે કલાક પદ્ધતી અનુસાર અને યોગ્ય રીતે ધ્યાન કરવામાં આવે તો મનુષ્યનું જીવન ચોક્કસ બદલાય છે.  

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)