જાપાનમાં આધ્યાત્મની નવી દ્રષ્ટિ, સ્વચ્છતા છે આધ્યાત્મિક વિષય

0
2077

ક વહેલી સવાર છે, દુનિયામાં સૌથી પહેલા જાગી જતાં લોકોના દેશ જાપાનમાં ચહલપહલ શરુ થઇ ચુકી છે. ક્યોતોમાં એક શાળામાં ભૂલકાંઓ પુસ્તકો નથી ભણી રહ્યાં પણ સવારમાં પહેલાં સફાઈ કરી રહ્યાં છે. જી હા! રોજ સવારે ક્લાસમાં પહેલુ કામ તેમને માટે સફાઈનું જ હોય છે, પહેલો પીરીયડ ‘સફાઈ’ નો… જાપાનમાં આ સુટેવને તેમની ભાષામાં ‘ઓ સોજી’ કહે છે. આશરે ૨૦ મિનીટ સુધી બાળકો દરેક ચીજવસ્તુથી લઇ, ફ્લોર, બાથરૂમ બધું જ સ્વચ્છ કરે છે. છેલ્લો પીરીયડ પણ સફાઈનો જ છે.

મન અને જીવનમાં જગ્યા હોય તો કઈ સર્જન થાય, માટીના ઘડાનું કાર્ય ખાલી ‘જગ્યા’ આપવાનું છે. તે જ પ્રમાણે જીવનમાં, મનમાં, મકાનમાં અને વિચારોમાં પણ જો ‘જગ્યા’ થાય તો જ કશુક નવું સર્જાઈ શકે. આપણને મંદિર, પહાડ અને દરિયા કિનારા ખૂબ પસંદ છે, કારણ કે ત્યાં કુદરતે જગ્યા મૂકી છે, મંદિર માનવે બનાવ્યાં છે પણ ત્યાં પણ ‘સ્વચ્છતા’ અને ‘જગ્યા’ હોય છે. આ જગ્યા અને સ્વચ્છતા જ છે, જે પવિત્ર છે. લાઓત્સે કહે છે કે ખાલીપામાંથી જ સર્જન થાય છે, માટે જીવનમાં જો સુખ અને શાંતિનો અનુભવ કરવો હોય તો સ્વચ્છતાને અપનાલો અને બિનજરૂરી ચીજોને ગુડબાય કહો.

 

જાપાનના ઝેન સાધુને કોઈકે પૂછ્યું કે, તમે ચા પીવાને કઈ રીતે આધ્યાત્મ સાથે જોડો છો? જૈન સાધુઓ જયારે ચા પીવે છે ત્યારે ચાના એક એક ઘૂંટ અને તેની મહેકને ધીરે ધીરે માણે છે. ચા બનાવવી પણ તેમની માટે આધ્યાત્મ છે, જયારે તમે કોઈ પણ કાર્યમાં મન પરોવો છો ત્યારે તે કાર્ય ઈશ્વરીય બની જાય છે. તમે તમારા ખરા અસ્તિત્વમાં આવો છો, તમે અને કાર્ય એક થઇ જાઓ છો ત્યારે કાર્ય ઉત્તમ બને છે. રોજે રોજ મંદિરમાં જયારે સફાઈ થાય છે, ત્યારે આ સફાઈ મંદિર સાથે અમારા આત્મા અને મનની પણ થઇ રહી છે તેવો અમે અનુભવ કરીએ છીએ, તેઓ બોલ્યાં.

જયારે પણ તમે બિનજરૂરી ચીજોથી દૂર જાઓ છો ત્યારે તમે તમારા માટે ઉત્તમ સમયની વ્યવસ્થા કરો છો. જયારે તમે સફાઈ કરી રહ્યાં છો ત્યારે તમે અનુભવો કે તમે તમારા મલીન વિચારોને પણ તમારાથી દૂર કરી રહ્યાં છો. ખરાબ વિચારો, રૂઢિચુસ્ત અને ખોટી માન્યતાઓને વિદાય આપી રહ્યાં છો. હવે તમને લાગશે કે સ્વચ્છતા એ બિલકુલ આધ્યાત્મિક વિષય છે.

તમારા ઘર, ઓફિસ કે કારમાં માત્ર 20 ટકા જ એવી ચીજો છે જે તમને ખરેખર કામ આવી રહી છે, બાકીની ચીજો ત્યાં શું કરી રહી છે? જયારે કોઈ જગ્યા ગંદી હોય છે, ત્યારે તમારું મન નકારાત્મક વિચારો ગ્રહણ કરવા લાગે છે. તે તમારી તબિયતને પણ નુકસાન કરે છે. તમે એવા જીવનનું સર્જન કરી શકો છો, જ્યાં માત્ર જરૂરી ચીજો સાથે પુષ્કળ જગ્યા, સ્વચ્છતા અને કીમતી સમય છે.

જયારે મનુષ્યને દુઃખ આવે છે, ત્યારે કોઈ ચીજ નહીં, પરંતુ સંબંધ અને પ્રિયજનોનો પ્રેમ તેને જીવનમાં વિશ્વાસ આપે છે, ચીજો નહીં! મન, શક્તિ અને સમય માર્યાદિત છે માટે મહત્વના કાર્ય અને ચીજો જ તમારી પાસે રાખો. જયારે પણ તમે સફાઈ કરો છો, ત્યારે મન પરોવીને સફાઈ કરો, સફાઈ કર્યા બાદ તમે ખરેખર આનંદનો અનુભવ કરશો.

આપણે જયારે ધૂળમાટી સાફ કરીએ છીએ ત્યારે આપણે મનમાં બાઝી ગયેલા દૂષિત વિચારોને પણ દૂર કરીએ છીએ. સફાઈમાં વિતાવેલ સમય આપણી માટે આરાધના બની જાય છે, સફાઈમાં વિતાવેલ સમય બાબતે કયારેય કોઈને પસ્તાવો નથી થતો. આપણું ઘર ગમે તેવું હોય નાનું કે મોટું, ત્યાં આપણી સાથે આપણો આત્મા અને ઈશ્વર પણ વસે છે, આત્મા શરીરમાં રહે છે, શરીર ઘરમાં રહે છે. માટે દેહની કાળજી લો તે જ રીતે ઘરની પણ કાળજી લો. જયારે સફાઈ થાય છે, સ્વચ્છતા થાય છે ત્યારે જ ઈશ્વરનો નિવાસ થાય છે, મન શાંત થાય છે અને જીવન સંભાવનાઓથી ભરપુર બની જાય છે.‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ સ્વચ્છતામાં ઈશ્વરનો નિવાસ છે.

વિચારપુષ્પ: તમારી આસપાસની‘બિનજરૂરી ચીજો’ એક સમયે ‘ધન’ હતી.

નીરવ રંજન