પોષી પૂનમઃ આદ્યશક્તિ મા અંબાજીનું પ્રાગટ્ય

જે પોષી પૂનમનો પવિત્ર દિવસ છે.પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ. આજે એક એવો પવિત્ર અને ભક્તિ કરી લેવા જેવો દિવસ છે કે જે એક સ્વયં સિદ્ધ દિવસ છે. આ પવિત્ર દિવસ એટલે પોષી સુદ પૂનમનો દિવસ. પોષી સુદ પૂનમના દિવસે જગત જનની આદ્યશક્તિ મા અંબાનું પ્રાગટ્ય થયું હતું. આજના દિવસે માંના ભક્તો માં અંબાની પૂજા, અર્ચના અને આરાધના કરીને માંના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

 

મા અંબાના પ્રાગટ્યને લઈને મૂલતઃ બે કથાઓ પ્રચલિત છે. પરંતુ આપણે જ્યારે પોષી પૂનમના મહાત્મ્યની વાત કરી રહ્યા છીએ ત્યારે જાણીશું કે આજના દિવસે માં અંબાનું પ્રાગટ્ય થયું હતું, તેની કથા વિશે આપણે જાણીએ. વર્ષો પહેલા એક ભયંકર દુષ્કાળ પડ્યો હતો. મનુષ્ય સહિત જીવમાત્રને જીવવું મુશ્કેલ થઈ ગયું હતુ. પૃથ્વી પરના મનુષ્ય સહિત પશુ-પક્ષીઓ જેવા તમામ જીવો ભૂખે ટળવળતા હતા. એવો ભયંકર સમય હતો કે જ્યારે ખાવા માટે કોઈની પાસે કોળીયો પણ રહ્યો નહોતો. આવા સમયે માતાજીના તમામ ભક્તોએ હ્યદયપૂર્વક માતાજીની પ્રાર્થના કરી, ભક્તોએ કરેલી પ્રાર્થના સાંભળી આદ્યશક્તિ માં અંબા પ્રગટ થયા. માતાજીએ ભક્તો પર પોતાની અપાર કૃપા વરસાવી અને સૂકી તેમજ વેરણ બનેલી ધરતી પાછી લીલીછમ બની. માંની કૃપાથી પૃથ્વિ પર અઢળક શાકભાજી અને ફળફળાદી ઉત્પન્ન થયા. અને ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું અને એટલે જ પોષ માસની માસની આ પૂનમને શાકંભરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.

આસો અને ચૈત્રી નવરાત્રીની સાથે પોષ મહિનામાં આવતી નવરાત્રીનું પણ વિશેષ મહાત્મ્ય છે. પોષી નવરાત્રીના દિવસો દરમિયાન શક્તિ ઉપાસકો અર્થાત માતાજીના ભક્તો નવરાત્રીના ઉપવાસ કરે છે અને કેટલાક ભક્તો તો માત્ર શાકભાજી ખાઈને નવરાત્રીના ઉપવાસ કરે છે. અંબાજી મંદિરમાં શાકોત્સવ માતાજીના પ્રાગટ્ય દિવસે મનાવાય છે. જેમાં વિવિધ શાકભાજી, ફળો, પકવાન સહિત ભાવતા ભોજનનો અન્નકૂટ ભાવપૂર્વક રીતે માતાજીને ધરાવાય છે.

 

 

 

 

 

 

 

અંબાજી મંદિરમાં ખાસ ઉજવણી

પોષી પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે સવારે સાત વાગ્યે ધજા અને માતાજીના શસ્ત્રો સાથે શક્તિના ભક્તો ગબ્બર કે જે માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન છે ત્યાં અખંડ દીવાની જ્યોતમાંથી દીવા સ્વરૂપે શક્તિ જ્યોતને ધામધૂમથી લઈને આવે છે. અહીંયા ઉપસ્થિત હજારો ભાવિકો મા અંબાના જયઘોષ સાથે તેને વધાવી લે છે. આ પછી મા અંબાની નગરયાત્રા શરૂ થાય છે. શક્તિદ્વારથી શણગારેલી બગીમાં માતાજીની છબી સાથે જ્યોત અને હાથી ઉપર માતાજીની પ્રતિમાને બિરાજમાન કરીને ધામધૂમથી ગામના રાજમાર્ગો ઉપર પરિક્રમા કરાવાય છે. આમ સાક્ષાત આદ્યશક્તિ અંબે મા ભક્તોને દર્શન આપવા નીકળે છે.

તો આ સિવાય આજના દિવસે સુવર્ણ જડિત માતાજીના મંદિરને દિવ્ય રોશનીથી શણગારવામાં છે. રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવે છે. ઢોલ-નગારા, બેન્ડવાજા, રાજસ્થાનના ઘૂમર નૃત્ય સાથે માતાજીની શાહી સવારી ભક્તોના માનસને દિવ્ય ઉર્જાની સાથે પવિત્રતા પ્રદાન કરે છે. સમગ્ર કાર્યક્રમ બાદ માતાજીના ભક્તોને સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે.

અહેવાલ- હાર્દિક વ્યાસ