ભગવાન બુદ્ધના શબ્દો: મનુષ્ય જીવન અતિદુર્લભ! ધર્મશ્રવણ અતિ ઉત્તમ!

ચ્છાઓ અને અજ્ઞાનતામાંથી અસંતોષ જન્મે છે, આ અસંતોષ દુઃખ બને છે. સંસાર માત્ર અનિશ્ચિત છે, દરેક પ્રાણી જીવને જન્મ મરણમાંથી પસાર થવું પડે છે. શરીર પણ આપણું સગું રહેતું નથી. શરીરને પણ દુઃખ અને રોગોમાંથી પસાર થવું જ પડે છે. કોઈ રાજા છે તો તેને પણ મૃત્યુ મળે છે, કોઈ ધનિક છે તો તેને પણ મૃત્યુ મળે છે, સુંદર રથના પૈડા પણ સમય આવ્યે ઘસાઈ જાય છે, તેમ આ શરીર પણ સમય આવ્યે રોગમય બની જાય છે. પરંતુ સુખપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરેલ ધર્મ અને સારા કર્મ તેમ જ રહે છે.

જેમ આભે અડતા મોટા પર્વત એકબીજાને ભેટે છે, તેમ મૃત્યુ સમય આવ્યે દરેક જીવને પોતાની અંદર સમાવી લે છે. રાજા, પ્રજા, રાગી, વૈરાગી કોઈ પણ મૃત્યુ સામે ટકી શકતું નથી, કોઈ ગુફામાં સંતાઈને બેઠેલાને પણ સમય આવ્યે મૃત્યુ શોધી લે છે અને તેને દેહ ત્યાગ કરવો પડે છે. હાથીના ઝુંડ, મોટા રથ અને મોટી સેના વડે પણ મૃત્યુ ટાળી શકાતું નથી, સોના અને જમીન વડે પણ મૃત્યુ ખરીદી શકાતું નથી. માટે જ બુદ્ધિમાન અને ધર્મી મનુષ્ય સદા જાગ્રત રહીને ધર્મમાં રત રહે છે, મન, વચન અને કર્મ વડે તે સમગ્ર જગતનું હિત કરતા કરતા પોતાના જીવનું પણ કલ્યાણ કરે છે. આવો બુદ્ધિમાન મનુષ્ય અહી અને પછી પરલોકમાં પણ સુખેથી રહે છે.

મનુષ્યને જયારે પોતાના જ કુકર્મનો બદલો મળે છે ત્યારે તે ડઘાઈ જાય છે, શરણ શોધવા અહી તહી ભટકે છે. જયારે અંત સમયે મૃત્યુનો દેવતા તેને પૂછે છે કે તે જગતમાં કેડથી વળી ગયેલા શરીર, તૂટીગયેલા દાંત, ચાલ્યા ગયેલા વાળ, ચીમળી ગયેલ ત્વચા, ઉભો ના થઇ શકે તેવો અશક્ત મનુષ્ય ના જોયા? તે ના જોયું કે એક સમય એવો આવે છે કે જયારે મનુષ્યને બીજા લોકો ઊંચકીને ખાટલામાં મુકે છે? જો તે આ બધું જોયું તો ક્યારેય તને સારા કર્મ કરવાનો વિચાર ના આવ્યો? તારી ગતિનો તે ક્યારેય વિચાર ના કર્યો?

ઘમંડ, આળસ,અશ્રદ્ધા મનુષ્યને ધર્મથી વિમુખ કરે છે. ધર્મ કોઈનો પોતાનો નથી, જે ધર્મને સેવે છે તે ધાર્મિક બનીને પોતાનું કલ્યાણ કરે છે. જોતમે પોતાનું કલ્યાણ ઇચ્છતા હોવ તો તમારે ધર્મ પાલન અને ઉત્તમ આચરણમાં લાગી જવું જોઈએ, તાના સિવાય કોઈ માર્ગ નથી. એક ક્ષણ પણ બગાડવી તમને અનેકગણું નુકસાન કરી શકે છે. ઘણા શ્રમ અને મહેનતથી મનુષ્યે ધર્મનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે, સતત તોળાતા મૃત્યુના ભય સામે, અનિત્ય સંસાર અને ક્ષણિક સુખોની સામે માત્ર ધર્મ જ તેનું રક્ષણ કરી શકે છે.

જેમ હરણ વીણાના સંગીતને સાંભળે તેમ ધર્મનું શ્રવણ કરવું જોઈએ. એક એક કરીને કોઈ દરેક ગાયને દિશા બતાવે તેમ ધર્મની એક એક રુચા પર મનન કરવું જોઈએ. જેમ અબોલ મનુષ્ય એક એક કોળીયો ચાખીને ખાય તેમ ધર્મની દરેક રુચા પર ધ્યાનમગ્ન થઈને ઊંડાણથી વિચાર કરવો જોઈએ. જેમ કપિલા ગાય આખા મેદાનમાં ધીરે ધીરે ફરે, તેમ ધર્મની દરેક રુચા પર મનુષ્ય ધીરે ધીરે આચરણ કરે. જેમ વાદળા ખસતા સૂર્ય પ્રકાશે, તેમ ધર્મી મનુષ્યે ધાર્મિક રુચાઓના અર્થ સુધી પહોંચવું જોઈએ.

મતલબ વગર યાદ રાખવું નકામું હોય છે, મતલબ યાદ રાખવો પણ રુચા ભૂલી જવી પણ તકલીફ આપે છે. સમજણ હોય તો જ મતલબ અને રુચા મનુષ્યને આનંદ આપે છે, મનુષ્ય જીવન અતિદુર્લભ છે. કોઈ કાચબો દરિયાના તળેથી સપાટી પર આવે અને તેને કોઈ તરણું મળી જાય અને તેની પર બેસીને કિનારે પહોંચે તેવું દુર્લભ છે મનુષ્ય જીવન.

પાણી પર દોરેલા ચિત્રની જેમ આપણો ભૂતકાળ ક્યારેય પાછો નથી આવતો. માન-અપમાન, સફળતા-નિષ્ફળતા કેવા અનિત્ય છે! અને મૃત્યુ પણ કેવું અનિત્ય અતિથી છે! અનિત્ય સંસારમાં ભવિષ્ય વિષે અંદાજ કાઢવો એ સૂકાયેલ નદીમાં જાળ પાથરીને બેસવા જેવું છે. વર્તમાનમાત્ર જ મનુષ્યના હાથમાં હોય છે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ માત્ર ને માત્ર ધર્મ શ્રવણ જ હશે!

નીરવ રંજન