ગુરુપૂર્ણિમાઃ ગુરુર મૂકાવી ગહનમાં પ્રવેશ કરાવતું પર્વ

ષાઢી પૂર્ણિમાએ આજે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. જ્યાં સંતોસાધુઓનો હંમેશા આદરસત્કાર થયો છે તેવી ગુજરાતની ઊર્વરા ભૂમિ પર પણ અનુયાયીઓ દ્વારા તેમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ અર્પનાર ગુરુજનની ભાવવંદના સાથે ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે.આ અવસરે વિશેષ વાંચન…

ગુરૂનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. ગુરૂ શબ્દની સંધી છૂટી પાડીએ તો સમજી શકાય કે “ગુ” અર્થાત અંધકાર અને “રુ” અર્થાત પ્રકાશ. એટલે કે જીવનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જે ગતિ કરાવે તે “ગુરુ”. કોઈપણ વ્યક્તિના જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય છે. ગુરુ વિનાનો મનુષ્ય એ મંજીલ વિનાના પ્રવાસ જેવો હોય છે. તે જીવન રૂપી પ્રવાસ તો કરે છે તે પરંતુ પરમાત્મા કે જ્ઞાન રૂપી મંજીલ મળતી નથી.

गुरूर्ब्रह्मा गुरूर्विष्णु गुरूर्देवो महेश्वरः।
गुरुः साक्षात परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥

અર્થાતઃ ગુરુ એ જ બ્રહ્મા (કારણ કે તે જ શિષ્યને નવો જન્મ આપે છે), ગુરુ એ જ વિષ્ણુ (કારણ કે તે જ શિષ્યની રક્ષા કરી તેના જીવનનું પાલન કરવામાં તેને મદદ કરે છે), ગુરુ એ જ મહેશ્વર કહેતા ભગવાન શિવ (કારણ કે તે જ શિષ્યમાં રહેલા તમામ દોષોનો સંહાર કરે છે) ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ છે, આવા ગુરુને હું વંદન કરૂં છું.

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ દિવસે ‍શિષ્‍ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરુનુ પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. આમ તો ધણાં ગુરુ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ, જે ચાર વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોત-પોતાના ગુરુઓને વ્યાસજીનાં અંશ માની તેમની ભક્તિથી પૂજા-અર્ચના કરવી જોઈએ.

ગરુની ભૂમિકા ભારતના ઈતિહાસમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી મર્યાદિત નથી રહી પરંતુ જ્યારે રાજા રજવાડાઓનો સમય હતો તે સમયમાં રાજ્ય પર કોઈ આપદા આવી પડે ત્યારે પણ જે-તે રાજાઓ પોતાના ગુરુની સલાહ લેતા અને ગુરુજી કહે તેમ જ કાર્ય કરતા અને તે વિપત્તિમાંથી પોતાના રાજ્યને ઉગારી લેતા.
અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરુનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો. ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.

ध्यान मूलं गुरु मूर्ति, पूजा मूलं गुरु पदम् ।
मन्त्र मूलं गुरु: वाक्यं, मोक्ष मूलं गुरु कृपा ।।

અર્થાતઃ ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુનું સ્વરૂપ છે, પૂજા કરવા માટે ગુરુના ચરણ કમલ છે, ગુરુનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.

કહેવાય છે કે કોઈપણ વ્યક્તિએ જીવનમાં ઉન્નતિ અને જ્ઞાન તેમજ ઉચ્ચ જીવનના પથ પર આગળ વધવું હોય તેને ગુરુ તો હોવા જ જોઈએ. કારણ કે ગુરુ તો પથ દર્શક છે જે શિષ્યના જીવનમાં રહેલી તૃટિઓને દૂર કરી તેને એક સામાન્ય મનુષ્યમાંથી એક ઉચ્ચ કોટીનો મનુષ્ય બનાવે છે. અને એટલે જ કહેવાયું છે કે….

ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ,

ગુરુ બિન સંશય ના મિટે, ચાહે બાંચલો ચારો વેદ

અર્થાતઃ ગુરુ વગર જીવનમાં જ્ઞાન ન ઉપજે, ગુરુ વગર જીવનના કોઈપણ ભેદ ન મટે, ગુરુ વગર જીવનના કોઈપણ પ્રકારના પ્રશ્નો અથવા શંકાઓ ન મટે, પછી ભલેને વાંચીલો ચારેય વેદ  

સદગુરુને સાક્ષાત પરબ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે. સદગુરુનું અનન્ય ચિંતન વાસ્તવમાં સદાશિવનું ચિંતન છે. જ્યારે એક શિષ્ય પોતાના ગુરુજીના વચનોને આત્મસાત કરે છે ત્યારે દરેક વિદ્યા, પછી ચાહે તે લૌકિક હોય કે અલૌકિક કે પછી આધ્યાત્મિક તે તેના જીવનના સારતત્વને સમજી લે છે. હકીકતમાં તો શિષ્યની સમર્પિત ભાવના અને જ્ઞાનપિપાંસા જ તેને સદગુરૂની અંતર્ચેતનાથી જોડે છે ત્યારે શિષ્યના વિચારોમાં ગુરુજીનું જ્ઞાન પ્રસ્ફૂટિત થાય છે અને તેના આત્મીયશીલ વ્યવહારથી સંપૂર્ણ જગત આત્મીય બને છે. કહેવામાં આવ્યું છે કે કર્મ જ નહી પરંતુ મન અને વાણીથી પણ આપણે આપણા ગુરુજીની આરાધના કરવી જોઈએ.

ગુરુનું મહત્વ સમજાવતા રામચરિતમાનસમાં સંત તુલસીદાસજીએ કહ્યું કે…

गुर बिनु भवनिधि तरइ न कोई।
जों बिरंचि संकर सम होई।।

અર્થાતઃ ભલે કોઈ બ્રહ્મા અને શંકર સમાન કેમ ન હોય પણ તે ગુરુ વીના ભવસાગર પાર ન કરી શકે.

પૃથ્વિના આરંભથી જ ગુરુની અનિવાર્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વેદો, ઉપનિષદો, રામાયણ, ગીતા, કે ગુરૂગ્રંથ સાહેબ તમામ ધર્મગ્રંથોમાં તેમજ તમામ સંતો દ્વારા ગુરુની મહાત્મ્યતા સમજાવવામાં આવી છે. ગુરુ અને ભગવાન વચ્ચે કોઈ અંતર નથી.

 (અહેવાલઃ હાર્દિક વ્યાસ)