ચતુર્થ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરઃ નર્મદા નદી અહીંયા વહે છે “ॐ” આકારમાં…

0
1168

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિનો મહિનો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિ કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો. ભગવાન શિવ લિંગ સ્વરુપે બીરાજે છે. અને આપણા ત્યાં 12 જ્યોતિર્લિંગોનો પણ અનન્ય અને દિવ્ય મહિમા રહેલો છે. દરેક જ્યોતિર્લિંગનું અલગ મહત્વ અને અલગ મહાત્મ્ય છે. દરેક જ્યોતિર્લિંગ સાથે એક અદભૂત કથા જોડાયેલી છે. ત્યારે આવો આજે આપણે જાણીએ 12 જ્યોતિર્લિંગો પૈકીના ચોથા જ્યોતિર્લિંગ એવા ઓમકારેશ્વર મહાદેવના મહત્વ અને મહાત્મ્ય વિશે.12 જ્યોતિર્લિંગોમાં ચતુર્થ જ્યોતિર્લિંગ છે, ઓમકારેશ્વર મહાદેવ. આ મધ્યપ્રદેશના શિવપુરીમાં સ્થિત છે. અહીંયા બે જ્યોતિર્લિંગોની પૂજા કરવામાં આવે છે. ઓમકારેશ્વર અમે મમલેશ્વર. શિવમહાપુરાણના કોટિરુદ્રસંહિતાના 18માં અધ્યાયમાં આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ એક એવું જ્યોતિર્લિંગ છે કે જે નર્મદા નદીના ઉત્તરી તટ પર સ્થિત છે.

નર્મદા નદીના મધ્ય ઓમકાર પર્વત પર સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ હિંદુઓની પરમ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા માં નર્મદા સ્વયં ॐ ના આકારમાં વહે છે. હિંદુઓમાં તમામ તીર્થોના દર્શન બાદ ઓમકારેશ્વરના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ છે. તીર્થ યાત્રી તમામ તીર્થોનું જળ લાવીને ઓમકારેશ્વરમાં અર્પિત કરે છે, અને ત્યારબાદ જ તમામ તીર્થોની યાત્રા પૂર્ણ માનવામાં આવે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું જે મંદિર છે તે પાંચ માળનું છે, જેના પ્રથમ માળ પર ભગવાન ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે, ત્રીજા માળ પર સિદ્ધનાથ મહાદેવ બીરાજે છે, ચોથા માળ પર ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે અને પાંચમા માળ પર રાજેશ્વર મહાદેવ બિરાજમાન છે. ઓમકારેશ્વર મંદિરના સભામંડપમાં 60 મોટા સ્તંભ છે જે 15 ફૂટ ઉંચા છે. આ જ પરિસરમાં તીર્થયાત્રીઓ માટે ભોજનાલય ચલાવવામાં આવે છે જ્યાં ઓછા પૈસામાં સારુ ભોજન પ્રસાદી ભક્તોને પીરસવામાં આવે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અંગે મુખ્ય ત્રણ કથાઓ પ્રચલિત

એકવાર નારદજી ભ્રમણ કરતા-કરતા વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં પર્વતરાજ વિધ્યાંચલે નારદજીનું સ્વાગત કર્યું અને કહ્યું કે હું સર્વગુણ સંપન્ન છું, મારી પાસે બધું જ છે, મારી પાસે તમામ પ્રકારની સંપદા છે. વિંધ્યાચલની અભિમાનયુક્ત આ વાતો સાંભળીને નારદજીએ ઉભા રહીને ઉંડો શ્વાસ લીધો. ત્યારે વિંધ્યાચલે નારદજીને પૂછ્યું કે તમાને મારી પાસે કઈ કમી દેખાઈ કે જેને જોઈને તમે ઉંડો શ્વાસ લીધો? નારદજીએ વિંધ્યાચલને કહ્યું કે તમારી પાસે બધું જ છે પરંતુ તમે સુમેરુ પર્વતથી ઉંચા નથી. તે પર્વતનો ભાગ દેવતાઓના લોક સુધી પહોંચ્યો છે અને તમારા શિખરનો ભાગ ત્યાં સુધી ક્યારેય નહી પહોંચી શકે. આવું કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ ત્યાં ઉભેલા વિંધ્યાચલને ખૂબ દુઃખ થયું અને તે પર્વત હતાશ થયો.ત્યારે જ વિંધ્યાચલ પર્વતે ભગવાન શિવની આરાધના કરવાનો નિર્ણય કર્યો. જ્યાં સાક્ષાત ઓમકાર વિદ્યમાન છે, ત્યાં તેમણે શિવલીંગની સ્થાપના કરી અને સતત 6 મહિના સુધી પ્રસન્ન મનથી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. આ પ્રકારની વિંધ્યાચલની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયાં. તેમણે વિંધ્યને કહ્યું કે વત્સ હું તારા પર પ્રસન્ન થયો છું. તું કોઈપણ વરદાન માંગી શકે છે. ત્યારે વિંધ્યએ ભગવાન પાસે વરદાન માંગ્યું કે મને સારી બુદ્ધી આપો, કે જે મારા સર્વ કાર્યોને સિદ્ધ કરે અને મારી સતત વૃદ્ધિ થતી રહે. ભગવાન શિવે વરદાન આપ્યું. આ સમયે દેવતાઓ અને ઋષિઓ પણ ઉપસ્થિત થયા અને ભગવાન શિવની પૂજા કરીને ભગવાનને કહ્યુંઃ કે હે દેવોના દેવ મહાદેવ, હે ભોળાનાથ તમે હંમેશા માટે અહીંયા બિરાજમાન થઈ જાઓ.

ભગવાન શિવે આ તેઓની વાતનો સ્વિકાર કર્યો અને આ સ્થળે એક જ ઓમકાર લિંગ હતું જે બે સ્વરુપોમાં વહેંચાઈ ગયું. પ્રણવમાં જે ભગવાન શિવ હતાં તે ઓમકાર નામથી ઓળખાયા અને પાર્થિવ લિંગમાં જે શિવજ્યોતિ પ્રગટી તેનું નામ પરમેશ્વર, અમરેશ્વર-મમળેશ્વર નામ પ્રચલિત બન્યું. આજે પણ નદીની વચ્ચે અમરેશ્વરનું મુખ્ય જ્યોતિર્લિંગ છે. અને ગામના કિનારા પાસે મમલેશ્વર જ્યોતિર્લિંગ છે. શ્રદ્ધાળુઓ બંન્ને સ્થાનોએ ખૂબ શ્રદ્ધા અને આસ્થા પૂર્વક દર્શનાર્થે આવે છે.

ઓમકારેશ્વર મહાદેવ સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો…

હિંદુ ધર્મના પુનરુદ્ધારક જગદગુરુ આદિશંકરાચાર્યએ આ જ સ્થળે નાની વયે તેમના ગુરુ ગોવિંદ ભગવત પાદાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. અગસ્ત્ય ઋષી અને ગુરુ નાનકદેવની તપસ્યાનું સ્થળ એટલે પણ ઓમકારેશ્વર.

અહીંયા જ થઈ ॐ શબ્દની ઉત્પત્તિ…

પુરાણોમાં વાયુપુરાણ અને શિવમહાપુરાણમાં ઓમકારેશ્વર મહાદેવનું વર્ણન છે. એવું માનવામાં આવે છે કે આ જ મંદિરમાં ભગવાન શિવના પરમભક્ત ભગવાન કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર કુબેરને સ્નાન કરવા માટે અહીંયા ભહવાન શિવે પોતાની જટામાંથી કાવેરી નદી ઉત્પન્ન કરી હતી. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ॐ ના આકારમાં છે અને એટલા માટે તેમને ॐકારેશ્વર કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીંયા જ ॐ શબ્દની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મુખથી થઈ હતી.

ભગવાન શિવ અહીંયા શયન માટે આવે છે…

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગો પૈકીનું એકમાત્ર જ્યોતિર્લિંગ છે કે જ્યાં ભગવાન શિવ શયન કરવા માટે આવે છે. મંદિરના પુજારીઓ અનુસાર શિવ ભક્ત અહીંયા વિશેષ રુપથી ભગવાન શિવના શયન દર્શન કરવા માટે આવે છે. માન્યતા એપણ છે કે ભગવાન શિવ સાથે અહીંયા માતા પાર્વતી પણ રહે છે.

ચોપાટ મૂકવાનું વિશેષ મહત્વ…

આમ તો ભગવાન શિવના વિશ્વભરમાં અગણીત મંદિરો છે પરંતુ આ મંદિરનું એક વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર મંદિરમાં ભગવાન શિવ અને જગદંબા માતા પાર્વતી માં અહીંયા આવીને ચોપાટ રમે છે.આ ક્રમ સદિઓથી ચાલ્યો આવે છે. નર્મદા કીનારે ઓમકાર પર્વત પર બનેલું ઓમકારેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગો પૈકી એક છે. મંદિરના પુજારી અનુસાર માન્યતા છે કે અહીંયા રોજ ભગવાન શિવ અને માતા પાર્વતી અહીંયા આવીને ચોપાટ રમે છે. શયન આરતી બાદ જ્યોતિર્લિંગ સામે રોજ ચોપાટ મુકવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. પુજારીએ જણાવ્યું કે રાત્રીના સમયે અહીંયા કોઈપણ વ્યક્તિ આવી શકતું નથી, પરંતુ ઘણીવાર અહીંયા ચોપાટના પાસા એવી રીતે વિખેરાયેલા મળે છે કે જાણે અહીંયા આવીને કોઈ ચોપાટ રમ્યું હોય.દર વર્ષે શિવરાત્રીના રોજ ભગવાન શિવ માટે નવા ચોપાટ લાવવામાં આવે છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આદિકાળથી સોળ સોમવારની પરંપરા ચાલી આવે છે. સોળ સોમવારની વ્રત કથામાં ભગવાન શિવ અને જગદંબા માતા પાર્વતીના ચોપાટ રમવાનો ઉલ્લેખ મળે છે.

ઓમકારેશ્વર બાબાની શાહી સવારી….

ઓમકાર બાબા અને મમલેશ્વર ભગવાનને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાની પ્રજાના દુખ:સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને વાજતે-ગાજતે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઇ જવામાં આવે છે. અને પછી અહીંથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ માટે નિકળે છે.

દર સોમવારે થનાર આ આયોજન શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વિશિષ્ટ હોય છે.તેમના આરાધ્યના દર્શન માટે શહેરમાં દરેક તરફ ભક્તોની ભીડ જામે છે. તો પછી છેલ્લાં સોમવારના મનોહર દ્રશ્યનું તો શું કહેવું. છેલ્લાં સોમવારના દિવસે અહીં ગુલાલ હોળી રમવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ગુલાલથી ભરાઇ જાય છે.

સ્થાન

આ સ્થળ ભારતના મધ્ય પ્રદેશના ખાંડવા જિલ્લામાં આવેલું છે. મધ્ય પ્રદેશના મોર્તક્કાથી આ સ્થળ ૨૦ કિ.મી દૂર આવેલું છે. આ સ્થળ પવિત્ર નદી નર્મદાથી બનેલું છે. આ નદીએ ભારતની પવિત્ર નદીઓમાંની એક મનાય છે જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે.વાહન વ્યવહાર

આ સ્થળ ટાપુ પર આવેલું હોવાથી અહીંયા પહોંચવા માટે બોટ ઉપલબ્ધ છે આ ઉપરાંત બે પુલ દ્વારા પણ અહીં પહોંચી શકાય છે.

હવાઈ માર્ગ : ઈંદોર હવાઈ મથક ૯૯ કિમી, ઉજ્જૈન હવાઈ મથક ૧૩૩ કિમી દૂર.

રેલ માર્ગ: સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલવેની રતલામ -ખાંડવાખંડમાં ઓમકારેશ્વર રોડ અહીંથી ૧૨ કિમી દૂર છે. પણ તે મુખ્ય લાઈન પર નથી. મુંબઈ અને દીલ્હીથી જોડાયેલ અન્ય મુખ્ય રેલ્વે મથક ઈંદોર છે જે અહીંથી ૭૭ કિમી દૂર છે.

રોડ માર્ગ: ઓમકારેશ્વર મધ્ય પ્રદેશના મુખ્ય શહેરો અને ગામડાઓથી રસ્તા માર્ગે જોડાયેલું છે. ઈંદોર, ઉજ્જૈન, ખાંડવા (૬૧ કિમી) અને ઓમકારેશ્વર રોડથી નિયમિતે બસ સેવા ઉપલબ્ધ છે. ખાંડવા સ્ટેશનેથી ઓમકારેશ્વર પહોંચવા ૨.૫ કલાક લાગે છે. ખાંડવાથી ઓમકારેશ્વર જતાં રસ્તામાં ડાબી તરફ ગાયક કિશોર કુમારનું સ્મારક જોઈ શકાય છે.