મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વતમાળામાં બિરાજમાન ભીમાશંકર મહાદેવ, પ્રાગટ્યની દિવ્ય કથા…

વિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. 12 મહિનાઓમાં શ્રાવણ માસનું સૌથી વધારે મહત્વ રહેલું છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ભક્તિ કરવાનો મહિનો. ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે જ્યોતિર્લિંગના દર્શન કરીએ છીએ. ત્યારે આવો આજે દર્શન કરીએ 12 જ્યોતિર્લિંગો પૈકીના એક જ્યોતિર્લિંગ એવા ભીમાશંકર મહાદેવના. 

મહારાષ્ટ્રના પૂણે શહેરથી લગભગ 110 કિ.મી. ઉત્તર-પશ્ચિમ અને ગાંવખેડાથી 50 કિ.મી.ના અંતરે સહ્યાદ્રિ પર્વતમાળામાં આરુઢ છે ભોળાનાથનું ધામ ભીમાશંકર મંદિર. આ સ્થળેથી ભીમા નદી નિકળીને દક્ષિણ પશ્ચિમ દિશામાં વહીને રાયચૂર જિલ્લામાં કૃષ્ણા નદી સાથે મળી જાય છે. આ સ્થાનને ભગવાન શિવના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગના રૂપમાં પૂજવામાં આવે છે. ભીમાશંકર ભારતમાં જોવા મળતા બાર જ્યોતિર્લિંગમાંથી એક હોવાથી વિશ્વ પ્રસિદ્ધ પણ છે. નોંધનીય છે કે બાર જ્યોતિર્લિંગોમાં પાંચ મહારાષ્ટ્રમાં સ્થિત છે. આશરે 3,250 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર આખા દેશમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે.

પૌરાણિક મહત્વ

ભીમાશંકર જ્યોતિર્લિંગના પ્રાગટ્ય અંગે મુખ્યત્વે ત્રણ કથાઓ પ્રચલિત છે. જેમાંથી પ્રથમ અને વધારે યાદ રહેતી ભગવાન ભોળાનાથે ત્રિપુરાસુરનો સંહાર કર્યો તેની છે.

ત્રેતાયુગમાં ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ, કે જે ભગવાન શિવનો પરમ ભક્ત હતો, તેણે એકવાર આકરી તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન ભોળાનાથે ત્રિપુરાસુરને વરદાન માંગવાનું કહેતા, રાક્ષસે સ્વર્ગ, મૃત્યું અને પાતાળનું રાજ માંગી લીધું. આ વરદાન મળતા જ ત્રિપુરાસુર મદમસ્ત અને અહંકારી બની ગયો. પોતાને મળેલી શક્તિઓનો દુરુપયોગ કરીને ત્રિપુરાસુરે ત્રણેય લોકમાં ત્રાસ મચાવ્યો. દેવલોકમાં પણ સમસ્ત દેવતાગણોની સ્થિતી નિર્બળ બની ગઈ. આથી સમગ્ર દેવતાગણ ત્રિપુરાસુરના ત્રાસથી છુટકારો પ્રાપ્ત કરવા માટે ભગવાન ભોળાનાથના શરણે ગયા. ભગવાન પણ આ જોઈને ક્રોધિત થઈ ઉઠ્યા.

ત્રિપુરાસુરનો સંહાર કરવા માટે ભગવાન શિવે પોતાનું વિશાળ સ્વરુપ ધારણ કર્યું. એક સમયે તો ત્રિપુરાસુર પણ ભગવાન ભોળાનાથનું આ પ્રલયકારી રુપ જોઈને ભયભીત બન્યો, છતા તેણે યુદ્ધ ચાલું રાખ્યું. આ યુદ્ધ લાંબો સમય સુધી ચાલ્યું અને છેવટે કાર્તિક પૂર્ણિમાના દિવસે પોતાના શસ્ત્રથી ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો.

યુદ્ધ બાદ ભગવાન ભોળાનાથ પોતાના નિવાસ સ્થાન કૈલાસ જઈ રહ્યા હતા. ત્યારે વિશ્રામ લેવા માટે તેઓ થોડો સમય સહ્યાદ્રી પર્વતની ઉંચી જગ્યા પર બેઠા. આ સમયે ભગવાન શિવના શરિરમાંથી પરસેવાની સહસ્ત્ર ધારાઓ નિકળીને નીચે પડવા લાગી અને તેનો એક પ્રવાહ બનીને એક કુંડમાં આવીને ભીમરથ નદીના રુપમાં વહેવા લાગ્યો, જે આગળ જતા ભગીરથી-ભીમા નદી તરીકે પ્રચલિત બની. 

દેવો અને ભક્તોએ ભગવાન ભગવાન મહાદેવજીને આ સ્થળે કાયમી વસવાટ કરવા માટે વિનંતી કરી. ભગવાન મહાદેવે આ વિનંતીનો સ્વીકાર કર્યો અને જ્યોતિર્લિંગ સ્વરુપે અહીંયા ભગવાન મહાદેવજી બિરાજમાન થયાં. ત્રિપુરાસુરના મૃત્યુ બાદ તેની શોકાતુર પત્નીઓ શાકિની અને ડાકીની ભગવાન શિવના શરણે ગઈ અને પોતાની જીવન રક્ષાની પ્રાર્થના કરી. ભગવાન ભોળાનાથે તેમની પ્રાર્થનાનો સ્વિકાર કર્યો અને તેમને અભય વચન આપ્યું કે ડાકિની અને શાકિની આ ક્ષેત્રમાં નિર્ભય બનીને નિવાસ કરી શકે છે, આ ક્ષેત્ર તમારું જ રહેશે. ભગવાન શિવજીનું નામ જપતાં પહેલા ભક્તો ડાકિની અને શાકિનીના નામનું ઉચ્ચારણ કરશે.

પદ્મપુરાણની બીજી કથા દૈત્યરાજપુત્ર ભીમાસુર અંગેની છે. પ્રાચીન કાળામાં ડાકિની વનમાં દાનવોના રાજ્યમાં દૈત્યરાજ કુંભકર્ણનું રાજ હતું. આ દૈત્યરાજે આસપાસના વિસ્તારોમાં ભારે ત્રાસ ફેલાવ્યો હતો. આ સમયે પ્રિયધર્મ નામના એક રાજાએ પોતાના પુણ્યકર્મોથી આ દૈત્યરાજનો વધ કર્યો. દૈત્યરાજ કુંભકર્ણના પુત્ર ભીમાસુરે પિતાના મૃત્યુંનો બદલો લેવા માટે બ્રહ્માજીનું તપ કર્યું. પ્રસન્ન થયેલા બ્રહ્મદેવે વરદાન માંગવાનું કહેતાં, ભીમાસુરે પોતાને પ્રચંડ સામર્થ્ય આપવાનું અને કોઈપણ માનવ યુદ્ધમાં મને મારી ન શકે તેવું વરદાન આપવા માટે કહ્યું. બ્રહ્મદેવે તેને વરદાન આપ્યું.

બ્રહ્મદેવના વરદાનથી ભીમાસુર અધિક ઉન્મત થઈને એકપછી એક રાજ્યો જીતવા લાગ્યો. ભીમાસુરે પ્રિયધર્મના રાજ્ય પર હુમલો કરીને તેની સેનાને હરાવી. ભીમાસુપરે જોયું કે પ્રિયધર્મ હાજર નહોતા. રાજા પ્રિયધર્મ શિવપૂજામાં મગ્ન હતાં. તેઓ “ઓમ નમઃ શિવાય“ના જપ સાથે શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરી રહ્યાં હતાં. ત્યારે જ ભીમાસુરે પ્રિયધર્મ પર હુમલો કર્યો. પ્રિયધર્મની ભક્તિથી પ્રસન્ન થયેલા શિવજી રાજાની રક્ષા કરવા માટે પ્રગટ થયાં અને શિવલિંગના સ્થળે જ્વાળાઓ પ્રગટ થઈ, જેમાં ભીમાસુર ભસ્મ થયો. આ સ્થળે ભગવાન મહાદેવ પ્રગટ થયાં. રાજા પ્રિયધર્મએ ભગવાન ભોળાનાથને આ સ્થળે કાયમી બિરાજમાન થવા માટે વિનંતી કરી, રાજા પ્રિયધર્મની આ અરજીનો ભગવાન ભોળાનાથે સ્વિકાર કર્યો. આમ ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પ્રગટ થયાં તે સ્થાન પર સ્વયંભૂ અને તેજસ્વિ જ્યોતિર્લિંગ બની ગયું. આ સ્થાન પર ભગવાન ભોળાનાથે ભીમાસુરનો વધ કર્યો હોવાથી તે સ્થાન ભીમાશંકર તરીકે પ્રચલિત બન્યું.

આવાગમન

ભીમાશંકર મુંબઈથી ૨૦૦ કિમી અને પુનાથી ૧૨૭ કિમી દૂર આવેલું છે. મંચર થઈને ભીમાશંકર પહોંચી શકાય છે. એક અન્ય રસ્તો વાડા થઈને રાજગુરુનગર મારફતે જાય છે. આ સ્થળે જઈ તેની પ્રાકૃતિક સુંદરતા માણી એક દિવસમાં પુના પાછું ફરી શકાય છે. પ્રકૃતિ પ્રેમીઓ, પર્વતારોહકો, જંગલ પ્રેમી અને પક્ષી નિરીક્ષકો માટે ભીમાશંકર સારું સ્થળ છે. અહીં આવવાની સૌથી સારી ઋતુ ચોમાસું અને શિયાળો છે.

પુનાથી ભીમાશંકર જવા રાજ્ય પરિવહનની બસો મળી રહે છે. પુનાથી ભીમશંકરનો પ્રવાસ પાંચ કલાકનો છે. મહાશિવરાત્રિના દિવસે જ્યારે અહીં યાત્રાળુઓની વધુ ભીડ હોય છે ત્યારે વધુ બસો છોડવામાં આવે છે. આ સ્થળે મુંબઈ-પુના માર્ગના સેન્ટ્રલ રેલ્વેના કર્જત સ્ટેશનેથી પણ જઈ શકાય છે. જોકે કર્જતથી ભીમાશંકર જવા કોઈ પાકો માર્ગ નથી. તહેવાર દરમિયાન માત્ર પગપાળા યાત્રાળુઓ આ માર્ગ પર જાય છે.

ઔરંગાબાદ કે અહમદનગરથી અહીં આવતી વખતે અહમદનગર નજીકના ૩૦ કિમી દૂર આવેલા અલેફાટા આગળથી વળી જવું પડે છે. ત્યાંથી ૬૦ કિમી દૂર મંચર સુધી પહોંચવું પડે છે. મંચરથી બીજા ૬૦ કિમી પછી ભીમાશંકર આવે છે. (ઔરંગાબાદથી અહમદનગર ૧૧૨ કિમી છે)

અન્ય રસ્તો નાશિક-પુના રોડ પર આવેલા સંગમનેરથી પસાર થાય છે. સંગમનેરથી મંચર પહોંચી ફરી તે જ માર્ગ લેવો પડે છે.

પુનાના શિવાજીનગર એસટી ડેપોથી સવારના ૫.૩૦થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ હોય છે. રાજ્ય પરિવહનની બસો પુનાથી -> રાજગુરુ નગર -> ચાસ કામન ડેમ -> વાડા -> ભીમાશંકર; કે પુનાથી -> રાજગુરુ નગર -> મંચર -> ઘોડેગાંવ -> ભીમાશંકર; મુંબઈ થી -> ચાકણ [પુનાનો બહારનો ભાગ] -> રાજગુરુ નગર(ખેડ) -> મંચર -> ઘોડેગાંવ -> ભીમાશંકર આ માર્ગે ચાલે છે. 

 – પૂજા

  • મંદિર ખુલવાનો સમય – ૪.૩૦ સવારે
  • આરતી – ૫:૦૫ સવારે
  • દર્શન – સવારે ૫ વાગ્યાથી ૧૧:૩૦ વાગ્યા સુધી
  • આ સમય દરમિયાન અભિષેક નહી – સવારે ૧૧:૩૦ થી ૧૧:૫૦ સુધી
  • મહાપૂજા – ૧૨:૦૦ બપોરે
  • મહા નૈવેદ્ય – ૧૨:૩૦ બપોરે
  • અભિષેક અને સામાન્ય પૂજા – બપોરે ૧૨:૩૦ થી ૨:૩૦ સુધી
  • શ્રૃંગાર પૂજા – બપોરે ૨:૪૫ થી સાંજે ૩:૧૫ સુધી
  • આરતી – સાંજે ૩:૧૫ થી ૩:૩૦
  • શ્રૃંગાર દર્શન – ૩:૩૦ સાંજે થી ૭:૩૦ સાંજે

 

હાર્દિક વ્યાસ