તમારી શાંતિ અને સુખ હણતા આ શત્રુઓને ઓળખી લો…

પણે ઘણા તીર્થસ્થાનોમાં ફરીએ છીએ, ઘણી જગ્યાએ જઈને મસ્તક નમાવીએ છીએ. પરંતુ મનની શાંતિ અને આનંદ ધાર્મિક સંસ્થાઓમાં જલ્દી મળતા નથી, તેવો આજે લગભગ બધાને અનુભવ થઇ રહ્યો છે. મનની શાંતિ ત્યારે જ મળી શકે જયારે આપણે આપણા વિચારો બદલવા માટે તત્પર થઈએ,વિચારો બદલાયા, માન્યતાઓ બદલાઈ, ખોટી માન્યતાઓ અને વાતોથી આપણે દુર ગયા અને પોતાને સ્વીકારી લીધા ત્યારે જ સાચી શાંતિ પ્રાપ્ત થશે. ઘણીવાર આપણે માત્ર આપણા પૂર્વગ્રહ અને હઠાગ્રહ આ બેયને લીધે દુઃખી થઈએ છીએ.ભગવાન બુદ્ધે કહ્યું હતું કે દુઃખ વસ્તુઓની ઈચ્છા અથવા મહત્વાકાંક્ષા, ખોટા દર્શન એટલે કે ચીજો અને ઘટનાઓના ખોટા વિવરણ અને મનુષ્યના ક્રોધથી જન્મે છે. મનુષ્યને સૌથી વધારે જો કઈ તકલીફ આપતું હોય તો તે છે, તેનું મન અને કમાલની વાત છે કે સૌથી વધુ સુખ પણ તેનું મન જ આપે છે. લોભ કોઈપણ સંજોગોમાં સારો નથી. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે ધર્મનું આચરણ શરૂઆતમાં તકલીફ આપે છે, પરંતુ અંતિમ પરિણામ સુખદાયી જ છે. સારા કાર્યો કરવા અને ધર્મનું આચરણ કરવું, શરૂઆતમાં ચોક્કસ તકલીફ આપશે પણ અંતે તે સુખ અને શાંતિ પણ આપશે. સંસારમાં પણ જે ચીજો મીઠી છે તે શરીરને નુકસાન કરે છે, અને કડવી ચીજો જેમ કે લીમડો શરીરને ગુણ આપનાર છે.ભારતીય દર્શનમાં દરેક તકલીફનો ઉપાય છે, જીવન જીવવાની અનમોલ ચાવીઓ ધાર્મિક શાસ્ત્રોમાં પડેલી છે. મનુષ્યને દુઃખથી બચવું હોય તો તેણે તેના સુખના ખરા શત્રુઓને ઓળખવા પડશે, આ શત્રુઓને જો તે માત કરશે તો સુખ તેની પાસે આવ્યું જ સમજો. સુખએ તમારો જન્મસિદ્ધ અધિકાર છે, મનનું મૂળ સ્વરૂપ સ્પષ્ટતા અને શાંતિ છે. મન પોતે પૂર્વગ્રહોથી મુક્ત છે, આપણે તેને પૂર્વગ્રહો અને જીદ આપીએ છીએ.

મનુષ્યની શાંતિ હણનારા શત્રુઓના નામ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર.

બરાબર ઓળખી લેજો, આ છ શત્રુઓને, સંકલ્પ લઇ લો કે આ છ શત્રુઓને આજથી જ તમારી પર શાસન કરવા દેશો નહિ. તેઓજ ખરા અર્થમાં તમારી શાંતિને છીનવી રહ્યા છે. દરેક દુઃખ કે તકલીફનું મૂળ આ છ શત્રુઓ જ હશે.

કામના બળતા અગ્નિ જેવી છે, કામનાએ ચીજવસ્તુઓની પણ હોઈ શકે. એકવાર કામ જાગ્રત થાય એટલે જોતજોતામાં તેનું સ્વરૂપ મોટું થઇ જાય છે. ઇચ્છાઓ ઉપર માત્ર વિચાર કરો એટલે એ કામનાઓ બની જાય છે. વિચારમાંથી ઈચ્છા અને કામના બનતા વાર નથી લાગતી. પછી મનુષ્યને તે બળવાન હાથીની માફક પોતાની પાછળ ઢસડી જાય છે. માટેકામને કાબુમાં રાખવો, તેની માટે પાંચ ઇન્દ્રિયોને પણ કાબુમાં મુકવી.

ક્રોધ, ક્રોધની પાછળ ‘પસ્તાવા’ સિવાય કશું બચતું નથી. ક્રોધિત મનુષ્ય પસ્તાશે તે પહેલથી નક્કી જ હોય છે. ક્રોધનો સીધો હુમલો બુદ્ધિ પર થાય છે અને પછી શરીર પર. લોભ, લોભ એટલે સાક્ષાત બંધન, લોભ થયો એટલે તમે પરિસ્થિતિના ગુલામ થયા સમજો. લોભવશ મનુષ્યને શું નથી કરવું પડતું?મોહ, મોહનો અર્થ બહુ વિશાળ છે, મોહ એટલે ‘ખોટું દર્શન’. ઉપર છલ્લા આકર્ષણથી સહુ કોઈ છેતરાય છે. ચીજો જેવી દેખાય છે તેવી હોતી નથી. મોહને લીધે સત્ય પર પડદો પડી જાય છે. મોહગ્રસ્ત મનુષ્યને સત્યનું ભાન નથી થતું, ઘણીવાર તો બધું ગુમાવા છતાં મનુષ્ય મોહિત જ રહે છે. જેમ કે,માત્ર રૂપનો મોહ હોવો, મનુષ્યને મનુષ્યના બીજા ગુણો-અવગુણો જોવા નથી દેતો. અંતે મનુષ્યને જયારે સત્ય સામે આવે છે, ત્યારે મોહભંગ થાય છે. શરીરની અંદર માંસ, વિષ્ટા અને પસ ભરેલું છે, તે સત્ય હોવા છતાં મનુષ્ય ક્યારેય તેનો સ્વીકાર નથી કરતો. શરીર સુંદર છે, પણ વિચારો મલીન છે તે કોઈ સ્વીકારતું નથી. પૈસો છે પણ સંસ્કાર નથી તે પણ કોઈ સ્વીકારતું નથી, પરિણામે સત્ય જયારે સામે આવે છે ત્યારે દુઃખ અને માત્ર દુઃખ જ મળે છે. મૃત્યુએ સત્ય છે, તેને પણ મોહિત મનુષ્ય ક્યારેય નજર સામે નથી લાવતો.મદ અને મત્સરની વાત કરીએ, ક્યારેય કોઈ પણ વાતનું અભિમાનના રાખવું. ઈશ્વરે તમને ગુણો આપ્યા હોય તો નમ્રતા પણ કેળવો. તમારું અભિમાન તમારા દુશ્મનો વધારે છે, તમને લોકોની નજરમાં નીચા લાવે છે. માટે અભિમાન છોડીને નમ્રતા કેળવો, કરુણા રાખો. દરેક જીવને મદદ કરો. મત્સર એટલે ઈર્ષ્યા, બધા શત્રુઓમાં ઈર્ષ્યા સૌથી મોટું નુકસાન કરે છે, તે ગમે ત્યાં શાંતિ ભંગ કરે છે. તેનો સીધો હિસાબ, તમારો અને માત્ર તમારો સમય અને મનનો બગાડ છે. તમે કોઈની ઈર્ષ્યા કરો છો તેનાથી માત્ર તમારું જ નુકસાન છે. ઈર્ષ્યા પોતાની સાથે લઘુતાગ્રંથિ લાવે છે. સામેપક્ષે કોઈના ગુણોની અનુમોદના કરવાથી તમારામાં પણ તે ગુણોનો સંચાર થાય છે, માટે પ્રશંસા બધાના ગુણોની કરજો પણ ઈર્ષ્યા ક્યારેય કરતા નહિ.

નીરવ રંજન