મહાવિનાશમાં પણ હતું એ અડીખમઃ કેદારનાથ જ્યોતિર્લિંગનો જાણો મહિમા

શ્રાવણમાસ એટલે ભક્તિનો માસ, શ્રાવણમાસ આવતાં જ દરેક મંદિરો ધૂન-ભજન-કથા- કીર્તન, મંત્રજાપથી ગુંજી ઊઠે છે. શિવજીના મંદિરોમાં ભગવાન ઉપર પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. યજ્ઞો દ્વારા આહુતિઓ અપાય છે. શ્રાવણમાસમાં મંદિરોમાં કથાના આયોજનો કરવામાં આવે છે. ભગવાન શિવજી અવિનાશી નિત્ય અને ચિન્મય છે. તેમ જ તેમની અનંત લીલાઓ મંગળમય, કલ્યાણમયી છે. શિવ એટલે કલ્યાણ. સાક્ષાત કલ્યાણમય મૂર્તિ એટલે શિવ. શિવજી હંમેશા ચિન્મય ભાવગમ્ય છે. તેથી જ ખાસ કરીને શિવજીના લિંગનું પૂજનઅર્ચન કરવામાં આવે છે.

આજે શ્રાવણ સ્પેશિયલમાં અમે તમને જણાવી રહ્યાં છીએ, કેદારનાથ જ્યોતિર્લિગ વિશે….

કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું કેદારનાથ મંદિર?

કેદારનાથ ધામ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે ને ત્રણ બાજુએથી તો બરફાચ્છાદિત પહાડોથી ઘેરાયેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરનુ નિર્માણ પાંડવોએ હજારો વર્ષ પહેલાં કરાવ્યું હતું. પાંડવો દ્વારા દ્વાપર યુગમાં આ સ્થળે શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું. મહાભારત કાળમાં આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતાં. પાંડવોના વંશજોએ બાદમાં પંચકેદારનાથમાં બાકીના ચાર મંદિરોનું નિર્માણ કરાવ્યું. વર્તમાન મંદિરની પુનઃસ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં કરવામાં આવી હતી. હિન્દુ ઘર્મનો પૂનરોદ્ધાર કરીને શંકરાચાર્યજીએ કેદારનાથમાં જ સમાધિ લીધી હતી.

હિમાલયની ચારધામ યાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે. પૌરાણિક કથા અનુસાર હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતાં હતાં. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે પ્રકટ થયાં અને તેમની પ્રાર્થનાને જોઈને જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા વિરાજમાન રહેવાનું વરદાન આપ્યું. આ સ્થળ કેદારનાથ પર્વતરાજ હિમાલયના કેદાર નામક શ્રૃંગ પર આવેલું છે.

શું છે મંદિરની વિશેષતાઓ?

એક તરફ 22 હજાર ફૂટ ઉંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22,700 ફૂટ ઉંચો ભરતકુંડ. કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે. અહીંયા પહાડ જ નહીં પરંતુ પાંચ નદીઓનો પણ સંગમ થાય છે, મંદાકિની, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી. આ નદીઓનું ખાસ અસ્તિત્વ નથી રહ્યું પરંતુ અલકનંદાની સહાયક મંદાકિની નદી આજે પણ અવિરત વહે છે. તેના જ કિનારે કેદારેશ્વર ધામ છે. અહીંયા શિયાળામાં કેદારનાથ ધામની ચારેય બાજુ ભારે બરફવર્ષા થાય છે. આ ઉત્તરાખંડનું સૌથી મોટું શિવ મંદિર છે, જે કટવા પથ્થરોના વિશાળ શિલાખંડોને જોડીને બનાવાયું છે. આ શિલાખંડ ભૂરા રંગના છે.

મંદિર લગભગ 6 ફૂટ ઊંચા ચબૂતરા પર બનેલું છે. લગભગ 85 ફુટ ઉંચું, 187 ફુટ લાંબુ અને 80 ફુટ પહોળું છે કેદારનાથ મંદિર. તેની દીવાલો 12 ફુટ પહોળી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવાઈ છે. આટલા ભારે પથ્થરોને આટલી ઉંચાઈ પર લઈ જઈને મંદિર કેવી રીતે બનાવાયું તે આજે પણ એક રહસ્ય છે.

કેવી છે મંદિરની વાસ્તુકલા

આ મંદિર કત્યુરી શૈલીનું છે. તે 3562ની ઉંચાઇ પર છે. મંદિરના આગળના ભાગમાં આદિ શંકરાચાર્યની સમાધિ આવેલી છે. આ મંદિર વાસ્તુકલાના એક આદર્શ નમૂનારૂપ મનાય છે. તેના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે “ઇન્ટરલોક”થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પૂર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યાં છે.

કેવી છે અત્યારની સ્થિતિ?

કેદારનાથ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તેનો પહેલો ભાગ ભૂગર્ભ આશરે 8 હજાર વર્ષ જૂનો મનાય છે. બીજો ભાગ એટલે દર્શનમંડપ જ્યાં લોકો પ્રાર્થના-ઉપાસના કરે અને ત્રીજો ભાગ સભામંડપ દર્શનાર્થે. મંદિરમાં મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહની ચારે તરફ પ્રદિક્ષણા પથ છે. બહાર પ્રાંગણમાં નંદી વાહન સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર એક હજાર વર્ષથી સાર્વજનિક રીતે પૂજાતું આવ્યું છે.

વર્ષમાં 6 મહિના ખુલ્લું રહે છે મંદિર

દીવાળીના બીજા દિવસે એટલે કે, ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખીમઠમાં આવેલા ઓમકારેશ્વર મંદિરમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે. ત્યારે તે ઉત્તરાખંડની યાત્રા પ્રારંભ થાય છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અન્ય આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના બાદ પણ તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે.

કેવી રીતે કરવામાં આવે છે ભગવાનની પૂજા ?

મંદિરના ગર્ભ દ્વારમાં અણિયારા પત્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પૂજા થાય છે. મંદિરની અંદર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભૂ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહાર નીકળે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે.

અસહ્ય ઠંડી, વારંવાર પડતો વરસાદ અને સૂસવાટા મારતા પવનને સહન કરીને કેદારનાથ મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ચોક્કસ સલામ કરવી પડે. મે જૂન તેમ જ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યાત્રિકોનો ભારે ધસારો જોવા મળે છે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ હોવાથી યાત્રીઓની સંખ્યો ઓછી જોવા મળે છે.

ભયંકર પૂર વખતે કેવી રીતે અડીખમ રહ્યું હતું આ મંદિર?

4 વર્ષ પહેલા કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો  કે મંદિર ચોક લાશો, કાટમાળથી ભરાઈ ગયો હતો. ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. સાડા 11 હજાર ફીટની ઊંચાઈ પર બાબા કેદારનાથ વિરાજમાન છે અને બસ આ જ મંદિર હવે બાકી બચ્યું હતું. વાદળ ફાટવાથી અહી એવી તબાહી મચી હતી કે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. 6 ફીટના જે માળખા પર મંદિર બન્યું છે બસ એ જ બચી ગયું હતું.

 

એમ પણ કહેવાય છે કે પૂરના પાણી આવ્યાં તે પહેલાં મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પૂરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયું હતુ. મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં અત્યાર સુધીમાં જે નવા બાંધકામો થયાં હતાં તે તમામ નામશેષ થઇ ગયા હતાં.

 

વરસાદના પ્રચંડ તોફાનમાં આ મંદિરના આસપાસના પાક્કા બાંધકામો પૂરના પાણીમાં તણાઈ ગયાં અને હજારો લોકો ભોગ બન્યા છે ત્યારે સમગ્ર મંદિરના માળખાને ઉની આંચ પણ આવી નહોતી. ત્યારે સૌ કોઇના મનમાં એવો પ્રશ્ન સર્જાય તે સ્વભાવિક છે કે પ્રચંડ પૂરના પાણી છતાં મંદિરને કેમ કોઇ નુકસાન ન થયું ?  આર્કિટેક અને ખાસ કરીને બાંધકામના નિષ્ણાંતો એમ કહે છે કે કેદારનાથના મંદિરનું સમગ્ર બાંધકામ 6 ફુટ ઉંચા એક ચોરસ અને પહોળા પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું છે.

 

છેવટે એ પ્રશ્ન તો થાય જ કે એવું તે શું છે આ મંદિરમાં? હજારો વર્ષ જૂનાં આ મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો. જ્યારે કે આસપાસ મોર્ડન ટેકનોલોજીથી બનેલ મકાન, હોટલો, વગેર પત્તાની જેમ વિખરાઈ ગયાં હતાં. શું આ ફક્ત કુદરતનો જ ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકાર.

 

અહેવાલઃ પરેશ ચૌહાણ