નિરાશા અને સ્પર્ધા સામે લડત: એક મનોવૈજ્ઞાનિકની પાંચ વાત

ક યુવાન સ્ત્રી પરેશાન છે, એક યુવક પણ પરેશાન છે. તેઓ સૌ તંદુરસ્ત છે, અને સુખી ઘરના સભ્ય છે છતાં તેઓ સતત માનસિક તાણ અને ઉપેક્ષાઓ સહન કરી રહ્યા હોય તેવું લાગે છે. તેઓ પાસે આરામથી જીવવા જોઈએ, તે બધું જ છે, છતાં તેઓ તેને ધ્યાને નથી લેતાં. પરિણામ એ આવે છે કે તેઓ હતાશા તરફ ચાલ્યાં જાય છે, તેમનું જીવન સતત સરખામણી અને શો-બાજીનું માધ્યમ બની ગયું છે. તેઓ સોશિયલ મીડિયા અને ફોટોગ્રાફીની સ્પર્ધા અનુભવી રહ્યાં છે. આ બધાની વચ્ચે તેમની યુવાનીનો અમુલ્ય સમય વેડફાઈ રહ્યો છે. તેમની કારકિર્દી દિશા નક્કી કરે તે પહેલા તેઓ ડીપ્રેશન અને ભય અનુભવી રહ્યાં છે. લગ્ન બાબતે કે સામાજિક જવાબદારી બાબતે તેઓને કોઈ જ રસ રહ્યો નથી. તેઓ સતત સરખામણી અને તરંગી દુનિયાની અંદર ખોવાઈ રહ્યાં છે.

વિચાર ૧: નોટમાં લખી લો, કોઈ તમારા વિષે શું વિચારે છે? તે તમારા હાથની વાત નથી.

તમારું જીવન અમુલ્ય છે, તમે એકમાત્ર વ્યક્તિ છો, તમારા જેવા બીજા વ્યક્તિ કુદરતે નથી બનાવ્યા. તમે તમારા જીવનમાં ડોકિયું કરો, તમે જે બનવા ઈચ્છો છો એ બનો. લોકો તમને શું કહેશે? તમારા ફોટા લાઈક કરશે કે નહિ કરે? તેની પાછળ સમય ના બગાડશો. દુનિયાને તમારા કાર્યથી મતલબ છે. તમે બધાને મદદરૂપ બનો, સમાજને નાની કે મોટી કોઈપણ ભેટ કે સેવા આપી શકો તો તે કરો, તે તમારામાં આનંદનો સંચાર કરશે. તમે ઓઈને બદલી નથી શકવાના, આજે તમારા પ્રશંસક કાલે તમને ના પણ મળે, આ વાતને સમજો.

વિચાર ૨:અન્ય પર પ્રભાવ પાડવા માટે ના જીવો.

સોશિયલ મીડિયા અને ફોટો શેરીંગ એપ્સના લીધે આજે લોકો તુરંત પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. પરંતુ તમારું ખરું જીવન વાસ્તવિક જીવન તમે જે કાર્ય કરી રહ્યા છો, જ્યાં રહો છો ત્યાં છે. જયારે તમે બીજા પર પ્રભાવ પડવાની કોશિશ કરો છો, ત્યારે તમે સામેવાળાની જરૂરિયાત પ્રમાણે પોતાને બદલી રહ્યા છો. તેના પરિણામે તમે તમારો ‘સ્વતંત્ર સ્વભાવ’ અને ‘ઓળખ’ તમે ગુમાવી રહ્યા છો. જે છેવટે હતાશા તરફ લઇ જશે. તમે જે છો તે જ રહો.

વિચાર ૩:દરેક વ્યક્તિ સાથે સરખામણી ના કરશો, દરેક વ્યક્તિ પાસે પોતાની તકલીફ પણ છે અને તે પણ તમારી જેમ જ મહેનત કરી રહી છે.

બીજાના ભાણામાં લાડુ મોટો જ લાગે છે. આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ સતત મહેનત અને સ્પર્ધામાં જીવી રહી છે. તમે જે જુઓ છો, તે સિક્કાની એક બાજુને જ જુઓ છો, જરા એની બીજી બાજુ પણ જુઓ. દરેક વ્યક્તિ પાસે સતત અપેક્ષાઓ રહે છે, દરેક વ્યક્તિ એક ઉમરના દાયરામાં આપણી જેમ જ મહેનત કરી રહી છે. તેઓ જ્યાં છે તે સંજોગ અને મહેનત ના લીધે છે, બધાને સરખા સંજો નથી મળતા. તેઓને તમારા સાથી મુસાફર સમજો, કોઈ નાનું કે મોટું નથી, બધા જ મહેનત કરીને જીવીરહ્યા છે, નાના મોટા દરેકનું જીવન સન્માનનીય છે જ.ઘણીવાર લોકો પાસે સાધન અને સ્વાસ્થ્ય પણ નથી હોતા.

વિચાર ૪:જે ચીજ તમે નથી બદલી શકવાના તેને આજે જ મનમાંથી વિદાય આપો.

આપણે જયારે કોઈ પણ ચીજ કે જીદને વિદાય આપીએ છીએ, ત્યારે આપણે શાંતિ અને હાશનો અનુભવ કરીએ છીએ. આપણે જયારે પોતાને સ્વીકારી લઈએ છીએ, ત્યારે સમગ્ર દુનિયા પણ આપણને સ્વીકારી લે છે. ભૂતકાળને તમે બદલી નથી શકતા. તમે જેટલું કરી રહ્યા છો, તે બિલકુલ બરાબર અને તમારી ક્ષમતા મુજબ છે, તેમાં વિશ્વાસ રાખો. સતત વધુની અપેક્ષામાં તમે હતાશા તરફ વળી જશો. તમે પોતાને પોતાની જાતને હમેશા વફાદાર રહ્યા જ છો. જીદ અને ખોટી અપેક્ષાઓને અલવિદા કહો, ત્યાંથી જ શાંતિ અને સુખની શરૂઆત થશે.

વિચાર ૫: ઘટનાઓને મનુષ્ય પોતે મતલબ આપે છે, ઘટનાનો પોતાનો કોઈ મતલબ નથી. (મુક્તિ?)

મનુષ્ય જયારે કોઈ પણ ઘટનાને મુલવે છે ત્યારે તે પોતાને જે ‘માફક’ આવે તે અર્થ જ આપે છે. પરંતુ અહી એક મોટી સમસ્યા છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમને નથી ગમતી, તો તમે તેનો હમેશા વાંક જ જુઓ છો, અજાણ્યે પણ તમે તેનો વાંક શોધી જ લો છો. તમને તે નથી ગમતી તે તેના‘મૂળ’માં છે, જે તમારા હાથમાં છે. મનુષ્ય પોતે પહેલા જ નક્કી કરી લે છે, કે ઘટનાનો શું ‘મતલબ’ કાઢવો. અને પછી તેને સાબિત કરવા ‘કારણ’ આપે છે. માટે જો તમે પોતાને ‘મુક્ત’ કરવા ઈચ્છો છો, તો એ બિલકુલ તમારા હાથમાં જ છે. ક્યાંક લખી લેજો કે, નેગેટિવ વિચારો પાછળ તમારી નેગેટીવ ‘માન્યતા’ છે, બીજું કશું જ નહીં.

નીરવ રંજન