#तुगलकीमहारानी V/S #FakeCases_RiskForSociety નો જંગ

લખાય છે ત્યારે ટ્વિટર પર #तुगलकीमहारानी એવો હિન્દીમાં ટ્રેન્ડ ચાલ્યો છે. સ્વાભાવિક છે કે આતુરતા જાગે કે આ તુગલકી મહારાની કોણ છે? લોકો કેમ આવો ટ્રેન્ડ ચલાવી રહ્યા છે?હકીકતે રાજસ્થાનની વસુંધરા રાજે સરકારે એક વટહુકમ પસાર કર્યો છે. આ વટહુકમ રાજસ્થાનના સેવારત અને પૂર્વ ન્યાયાધીશો, મેજિસ્ટ્રેટ, લોકસેવકની સામે પૂર્વ મંજૂરી વગર તપાસથી બચાવવા માટે છે તેમ કહેવાય છે.

૭ સપ્ટેમ્બરે ફોજદારી કાયદાઓ (રાજસ્થાન સુધારા) વટહુકમ ૨૦૧૭ લાવવામાં આવ્યો હતો. આ વટહુકમ કોઈપણ આરોપો સામે જ્યાં સુધી તપાસની મંજૂરી ન મળે ત્યાં સુધી માધ્યમોને તેના પર લખવા કે દર્શાવવા પર પ્રતિબંધ પણ મૂકે છે. વટહુકમ મુજબ, કોઈ મેજિસ્ટ્રેટ એવી વ્યક્તિ કે જે ન્યાયાધીશ, મેજિસ્ટ્રેટ કે લોકસેવક છે તેની સામે તપાસનો આદેશ નહીં આપે અને તેની સામે તપાસ પણ નહીં થાય. અધિકારીઓને ૧૮૦ દિવસનો રાહતગાળો આપવામાં આવ્યો છે.

વટહુકમમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા, ૧૯૭૩ને સુધારાઈ છે અને લોકસેવકનાં નામ, સરનામાં, તસવીરો, તેમની પારિવારિક વિગતો પ્રકાશિત કરવા, મુદ્રિત કરવા કે તેનો પ્રચાર કરવા પણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમનો ઉલ્લંઘન કરનારને બે વર્ષની જેલની સજા થઈ શકે છે.

આવા ક્રૂર કાયદા સામે ટ્વિટર પર #तुगलकी महारानी એવો ટ્રેન્ડ ચાલ્યો છે. સ્વાભાવિક છે કે આ તુગલકી મહારાની રાજસ્થાનનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા માટે વપરાઈ રહ્યું છે.

આમ આદમી પક્ષની અંદર હાંસિયામાં ધકેલાઈ ગયેલા ડૉ. કુમાર વિશ્વાસને આ સમાચારથી નવજીવન મળ્યું છે. તેમને રાજસ્થાનના પ્રભારી બનાવાયા હતા. તેમણે ટ્વીટ કર્યું છે કે

અબ ક્યાં સાંસ ભી આપ સે પૂછ કર લે રાજસ્થાન? #तुगलकी महारानी

  • ટીકે નામના એક ટ્વિટર વપરાશકારે લખ્યું, ‘મોદી કહેતે હૈં ન ખાઉંગા, ન ખાને દૂંગા, લેકિન તુગલકી મહારાની કહતી હૈ, ખાઉંગી, ખાને ભી દૂંગી ઔર બચાઉંગી ભી.’
  • જિયા નોમાનીએ લખ્યું, ‘રાજસ્થાન સરકાર કી ઘોષણા, સરકારી અધિકારીઓ કે ખિલાફ બિના ઇજાજત કે જાંચ નહીં હો સકેગી, ઉત્તર કોરિયા મેં આપકા સ્વાગત હૈ’
  • આયુષ પાંડેએ લખ્યું કે રાજસ્થાન સરકાર તેની ચિતા પોતે જ તૈયાર કરી રહી છે. આ સરમુખત્યારશાહી પ્રકારના આદેશો તેમને નુકસાન પહોંચાડશે.
  • દપીન્દરસિંહે લખ્યું કે ટૂંક સમયમાં આ દેશમાં પણ લાગુ પડશે. મને લાગે છે કે રાજસ્થાન લિટમસ કસોટી છે.
  • તો સંગ્રામ રાઠોરે કૉંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું કે સોનિયા ગાંધી ક્યારે સ્કેમક્વીનમાંથી તુગલકી મહારાની બની ગયા?
  • આ જ રીતે ભાજપના એક શુભચિંતક અંકિત ગુંજલે લખ્યું કે રાજસ્થાન ભાજપનો આઈટી સેલ ક્યાં છે? વસુંધરા રાજે સામે તુગલકી મહારાનીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ સમય તમારું કૌશલ્ય સાબિત કરવાનો છે.

જોકે આની સામે #FakeCases_RiskForSociety એવો ટ્રેન્ડ પણ ચાલ્યો છે. તેમાં કેટલા ખોટા કેસ થયા અને મિડિયા ટ્રાયલ થયા તેની વાત કરીને રાજસ્થાન સરકારના કાયદાનો પરોક્ષ બચાવ કરાઈ રહ્યો છે.

  • દીપક એમ રાગવાનીએ લખ્યું કે ‘પોસ્કો’ (પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઍક્ટ)ના દુરુપયોગથી ખોટા કેસ વધી ગયા છે જે સમાજ માટે જોખમ છે. આથી તેમાં સુધારાની જરૂર છે. તેણે સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ શ્રીકૃષ્ણના ચિત્ર સાથે એક વાક્ય તસવીર રૂપે મૂક્યું છે કે નવા બળાત્કાર વિરોધી કાયદામાં કેટલાક એવા સુધારા છે જે જરૂરિયાતથી વધુ કઠોર અને નિર્દય છે.
  • મહિલા ઉત્થાન મંડલે એવું લખ્યું છે કે દહેજના નહીં, પરંતુ નિર્લજ્જ પત્નીઓ દ્વારા ખોટા દહેજના કેસો કરાઈ રહ્યા છે જે સમાજ માટે શરમજનક બાબત છે.
  • એક હિન્દુકિંગ નામના ટ્વિટર વપરાશકારે લખ્યું કે કર્નલ પુરોહિતને નવ વર્ષ પછી જામીન બતાવે છે કે આપણા દેશમાં નિર્દોષોને કેટલી યાતના અપાઈ રહી છે.
  • તો મહિલામંડલ જીઝેડબી નામના વપરાશકારે આરુષિ તલવારનાં માતાપિતાની તસવીર સાથે લખ્યું કે આરુષિ કેસે દર્શાવ્યું છે કે એક ખોટો કેસ કઈ રીતે નિર્દોષ તલવાર દંપતીઓના જીવનમાં ખળભળાટ મચાવી દીધો.