2019ની ચૂંટણીમાં મહત્ત્વના બનશે 19 મુદ્દાઓ

ભારતની ચૂંટણીમાં કેટલાક મુદ્દા સદાબહાર છે, કેટલાક સિઝનલ. ગરીબી હટાવાનો મુદ્દો સદાબહાર છે, 70 વર્ષ પછી સરકારને લાગ્યું કે ઉજળિયાતમાં બિચારા 66,000 રૂપિયા મહિને કમાનારી વ્યક્તિ ગરીબ છે એટલે તેમને માટે અનામત જોઈશે. પરંતુ અનામતનો મુદ્દો પોતે સિઝનલ છે. પ્રારંભમાં એસસી, એસટીની અનામત આવી ત્યારે અમે આપી છે એમ કહીને કોંગ્રેસે બે દાયકા કાઢ્યા હતા. કોંગ્રેસને હટાવીને જનતા મોરચો આવ્યો ત્યારે ઓબીસી માટે મંડલ પંચ બેસાડ્યું હતું. જનતા મોરચો તેનો અમલ ના કરી શક્યો, પણ વી. પી. સિંહે ઓબીસીને રાજી કર્યા કે અમે તમને અનામત આપી. હવે ભાજપ સવર્ણોનું તુષ્ટિકરણ કરશે કે અમે તમને અનામત આપી. લઘુમતી તુષ્ટિકરણનો મુદ્દો તો સદાબહાર છે જ. છેલ્લા ચાર દાયકાનો બીજો એક સિઝનલ મુદ્દો રામમંદિરનો છે, તે પણ હજી એક કે બે દાયકા ચાલશે તેમ લાગે છે. 2019ની ચૂંટણીનો પ્રચાર પ્રથમ દિવસે વડાપ્રધાનની મુલાકાત સાથે જ શરૂ થઈ ગયો છે. આવો જોઈએ કયા 19 મુદ્દાઓ ગાજતા રહેશે.

  • અનામત નંબર વન મુદ્દો બની જાય તેવું પણ બને. જોકે રામમંદિરનો મુદ્દો સ્પર્ધામાં રહેશે, પણ તેની સુનાવણી કેવી રીતે થાય છે તેના પર આધાર છે.
  • અનામતનો કાયદો હજી આવ્યો નથી, પણ તેનો આધાર બની શકે તેવો બંધારણીય સુધારો કલમ 15 અને 16માં કરાયો છે. રાષ્ટ્રપતિની સહી પછી કાયદો બનાવવાનો માર્ગ મોકળો થશે. પરંતુ તેની સામે ઑલરેડી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે. તેથી 50 ટકાની મર્યાદા સંસદે કાઢી નાખી છે, પણ બંધારણના હાર્દને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ રાખે છે કે કેમ તેની કસોટી થશે.
  • જુદા જુદા રાજ્યોમાં અનામતનો મુદ્દો જુદી જુદી રીતે ચગશે. તામિલનાડુ પણ 10 ટકા બિનઅનામત વર્ગની અનામત દાખલ કરવા નિર્ણય કરે તો અનામતની કુલ ટકાવારી 79 ટકા થઈ જાય તેમ છે. તામિલનાડુમાં પ્રથમથી જ 69 ટકા અનામત છે. આટલી મોટી અનામત રાજ્યમાં હોય તો તેની સામે અસંતોષ અને કાનૂની પકડાર જાગી શકે છે. ના લાગુ પાડવામાં આવે તો પણ અસંતોષ જાગી શકે છે.

  • જાહેરાત તો એવી કરી છે કે બિનઅનામત વર્ગના બધાને લાભ મળશે. મહિને 66,000 કમાનારા કુટુંબને પણ લાભ મળશે. પણ ચાલાકી એ કરવામાં આવી છે કે સુધારામાં સ્પષ્ટ ઉલ્લેખો કરવામાં આવ્યા નથી. આવક મર્યાદા રાજ્યોએ સ્વંય નક્કી કરવાની છે. તથા અનામતનો કાયદો કરતી વખતે જ્ઞાતિઓની યાદી મૂકે અને તેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બાદ રાખે તેવું પણ બની શકે છે. તેની સામે તેલંગણા સરકાર મુસ્લિમોને 12 ટકા અનામતની વાત કરે છે તે વિશેષ કરીને મુસ્લિમ જ્ઞાતિઓનો ઉલ્લેખ કરી શકે છે. કેરળની સરકાર ખ્રિસ્તી જ્ઞાતિઓનો ઉલ્લેખ કરી શકે છે. આ રીતે રાજ્યો પ્રમાણે અલગથી મુદ્દાઓ ઊભા થઈ શકે છે.
  • અયોધ્યા કેસની સુનાવણી વધુ એક વખત પાછી ઠેલાઈ છે. 29 જાન્યુઆરીએ હવે પાંચ જજોની બેન્ચ નક્કી કરશે કે રોજબરોજ સુનાવણી થશે કે સમયાંતરે. રોજેરોજ સુનાવણી થશે પ્રચાર માટે રોજેરોજ કંઈક ને કંઈક સામગ્રી મળતી રહેશે. રોજેરોજ સુનાવણી નહિ થાય તો પણ કોંગ્રેસ સુનાવણી આગળ વધવા દેતી નથી તેવો પ્રચાર થશે.
  • રામ મંદિરના મુદ્દે ઉત્તર પ્રદેશમાં અલગથી પ્રચાર થશે, અને દેશમાં અલગ રીતે પ્રચાર થશે. પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળો ચાલી રહ્યો છે તે ત્યાં સંત સંમેલનો કરીને રામમંદિર માટેના મુદ્દાને જીવંત રાખવામાં આવશે.

  • બાકીના રાજ્યોમાં રામમંદિર અમારા માટે ચૂંટણીનો મુદ્દો નથી, પણ આસ્થાનો મુદ્દો છે. તથા અમે અદાલતના ચુકાદાની રાહ જોઈશું તેવો પ્રચાર ભાજપ કરશે. તેમ કરીને પણ રામમંદિરનો મુદ્દો જીવંત રાખશે તો ખરો જ.
  • રામમંદિરના મુદ્દાને વિપક્ષ પણ જીવંત રાખશે. મંદિર વહી બનાયેંગે, કિન્તુ તારીખ નહિ બતાયેંગે એમ કહીને વિપક્ષ પ્રહારો કરશે કે ભાજપ રામમંદિરને ચૂંટણી મુદ્દો બનાવે છે. એ રીતે રામમંદિરનો મુદ્દો વિપક્ષ માટે પણ મુદ્દો તો છે જ. લઘુમતી તુષ્ટિકરણમાં કામ આવે તેવો આ મુદ્દો છે.
  • વિપક્ષના લઘુમતી તુષ્ટિકરણ સામે ભાજપ ત્રિપલ તલાકનો મુદ્દો ચલાવશે. મુસ્લિમ નારીને આ સરકારને ન્યાય આપ્યો છે એમ જણાવીને મુસ્લિમ મહિલાઓના મતો માટે કોશિશ કરાશે. છેલ્લા દાયકામાં મહિલા મતદાનનું પ્રમાણ વધ્યું છે અને સ્ત્રીઓ કુટુંબ પ્રમાણે નહિ, પણ સ્વતંત્ર રીતે મતદાન કરે છે. તેથી મહિલા મતોનો અલગથી ફાયદો થઈ શકે છે.

  • નરેન્દ્ર મોદીને મહિલા અને યુવા મતો વિશેષ મળે છે. તેમાં ત્રિપલ તલાકને કારણે મુસ્લિમ મતો મળે ઉપરાંત ઉજ્જવલા યોજનાના કારણે અન્ય મહિલાઓના મતો મળી શકે છે. તેથી ઉજ્જવલા સ્કીમ એટલે કે ઘરે ઘરે ગેસનું કનેક્શન આપવાનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં અગત્યનો મુદ્દો બની રહેશે.
  • ઘરે ઘરે વીજળીનો મુદ્દો પણ અગત્યનો બનશે. ઘરે વીજળી પુરુષ કરતાંય સ્ત્રીને વધારે ઉપયોગી થાય છે. અહીં પણ ઉજ્જવલાની જેમ સ્ત્રી મતોનો પણ ફાયદો લેવા સરકાર કોશિશ કરી શકે છે. ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજના વિશેષ સફળ રહી હતી અને તે મોડેલ આધારે કેન્દ્રમાં પણ નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે.

  • કિસાન કલ્યાણનો મુદ્દો પણ સદાબહાર છે, પણ તેના સ્વરૂપો બદલાતા રહે છે. કિસાન માટે સિંચાઈની સુવિધાની એક જમાનામાં વધારે વાતો થતી હતી. સિંચાઈની સુવિધા વધ્યા પછીય ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે. તેથી કિસાન માટે ટેકાના ભાવ, પાક વીમો, લોન માફી, વીજ કનેક્શન, યુરિયાની ઉપલબ્ધિ જેવા મુદ્દા અગત્યના બન્યા છે. કોંગ્રેસની રાજ્ય સરકારોએ તરત જ દેવા માફી કરી છે તેનો ભરપુર પ્રચાર બીજા રાજ્યોમાં પણ કરાશે. મોદી સરકાર દેવા માફીમાં માનતી તે મુદ્દો પણ ચગાવાશે.
  • બેન્કોનું દેવું લઈને ઉદ્યોગપતિઓ વિદેશ ભાગી ગયા તે મુદ્દો પણ ચૂંટણીનો અગત્યનો મુદ્દો બનશે. પણ આ મહદ અંશે શહેરી મુદ્દો છે અને માત્ર ટીવી ડિબેટનો મુદ્દો છે. તેના કારણે મતદાન પર સીધી અસર થવી મુશ્કેલ છે. પરંતુ મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, વેપારીઓની સરકાર છે અને ખેડૂત તથા પછાત વર્ગ વિરોધી છે તેવું દેખાડવા માટે આ મુદ્દો વિપક્ષ ચગાવશે.
  • ભાજપનો ટેકેદાર વર્ગ નાના અને મધ્યમ ઉદ્યોગો અને વેપારીઓ. તેમના માટે જીએસટી હજીય માથાનો દુખાવો બની રહ્યો છે. હાલમાં તેમાં મોટી રાહતોની જાહેરાત થઈ છે. છેલ્લે મળેલી જીએસટીની કાઉન્સિલની બેઠકમાં 40 લાખનું ટર્નઓવર હોય તો જીએસટી રિટર્નમાંથી મુક્તિ મળશે. દોઢ કરોડ સુધી કૉમ્પોઝિટ રિટર્ન ભરી શકાશે તેવા સુધારા થયા છે. હજી એક બેઠક મળે તેવી શક્યતા છે. તેમાં તથા બજેટમાં પણ જીએસટીના મુદ્દે અથવા નાના ઉદ્યોગો અને વેપારીઓ માટે કોઈ જાહેરાત થવાની શક્યતા છે.

  • બંધારણીય સંસ્થાઓના હાથ બાંધી લેવાનો મુદ્દો. આ મુદ્દો પણ એવો છે જે ટીવી ડિબેટમાં ગાજતો રહે છે, પણ બહુમતી મતદારોને સમજાતું હોતું નથી કે આમાં આપણને શું અસર થાય. આમ છતાં સરકારની એક છાપ ઊભી કરવામાં આવા મુદ્દા કામના હોય છે. આ પણ સમયાંતરે આવતો ચૂંટણી મુદ્દો છે. ઇન્દિરા ગાંધીના જમાનામાં પણ અદાલતોના કાંડા મરડવામાં આવતા હતા. સીબીઆઈનો દુરુપયોગ કોંગ્રેસ કરતી આવતી હતી. હવે ભાજપે તેમાં નવી ઊંચાઈ હાંસલ કરી છે. સીબીઆઈના ડિરેક્ટરને ધરાર કાઢી મૂકવામાં આવ્યા. આ મુદ્દાઓ પ્રાદેશિક પક્ષો વધારે ચલાવશે. ચંદ્રબાબુ નાયડુ અને મમતા બેનરજીએ સીબીઆઈને પોતાના રાજ્યોમાં કામ કરવા દેવા સામે લાલ આંખ કરી છે. માયાવતી અને અખિલેષે સીબીઆઈ તેમની સામે તપાસ કરવાની ધમકી આપતી હોવાની વાતો કહી છે.
  • સૌથી વધુ ગાજનારા અનામતના મુદ્દા સાથે જોડાયેલો રોજગારીનો મુદ્દો ગાજતો રહેશે. વિપક્ષની હિંમત ના ચાલી અને બે જ દિવસમાં વિરોધમાં ચર્ચા કરી, પણ બંધારણીય સુધારાને ટેકો આપી દીધો. પરંતુ હવે વિપક્ષ રોજગારી ઊભી જ નથી થઈ તે મુદ્દો ચલાવશે. અનામત તો આપી, પણ નોકરી ક્યાં છે તે સવાલ પૂછાતો રહેશે. મોટા ભાગના નિષ્ણાતો સ્વીકારે છે કે દેશનો જીડીપી વધી રહ્યો છે, પણ નોકરીઓ વધી રહી નથી.

  • આ બધા વચ્ચે સૌથી અગત્યનો મુદ્દો બનશે ગઠબંધનનો. કયો પક્ષ કોની સાથે જોડાણ કરે છે તેની ચર્ચા રહેશે. તે ચર્ચા દ્વારા એક બીજા પર પ્રહારો થતા રહેશે. ભાજપે અત્યારથી જ ચોકિદાર સામે ચોર લોકોની મંડળી ગઠબંધન કરી રહી છે એમ કહીને ઠગબંધન કહેવાનું શરૂ કર્યું છે. બીજા બાજુ ગઠબંધનના કારણે જ ભાજપ સામે ટકી શકાશે તે સમજી ગયેલા પ્રાદેશિક પક્ષો સમાધાન માટે તૈયાર થઈ ગયા છે. બિહારમાં જોડાણ થઈ ચૂક્યું છે, એસપી-બીએસપીએ દોસ્તી કરી લીધી છે. સૌથી અગત્યના સમાચાર મહારાષ્ટ્રમાંથી આવશે કે શિવસેના ભાજપ સાથે રહેશે કે કેમ.

  • રફાલનો મુદ્દો પણ ભૂલાઈ જવાનો નથી. મોદી સરકાર મિશેલને પકડી લાવી છે એટલે અગસ્ટા વેસ્ટલેન્ડને આગળ કરીને કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના આરોપો થતા રહેશે. પરંતુ રાહુલ ગાંધીએ મક્કમતાથી રફાલનો મુદ્દો પકડી રાખ્યો છે. રફાલમાં છેલ્લે ગોવાની એક ઓડિયો ટેપ આવી હતી. તેમાં એક પ્રધાન એવું કહેતા હતા કે મનોહર પર્રિકર રફાલ સોદાની ફાઇલો સાચવીને બેઠા છે. આવી વાતો આગામી દિવસોમાં પણ આવતી રહેશે અને રફાલનો મુદ્દો પણ ચાલતો રહેશે એમ કહી શકાય.

  • સગાવાદ, ભ્રષ્ટાચાર, સબરીમાલામાં સ્પષ્ટ થયું તેમ રૂઢીવાદ, આતંકવાદ, નક્સલવાદ, પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક, બાંગલાદેશીઓની ઘૂસણખોરી, પ્રાંતવાદ, પરપ્રાંતીયો પર હુમલા, ગુનાખોરી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ, રસ્તા અને પાણીની સુવિધાઓ જેવા કાયમી મુદ્દોઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ ચાલતા રહેશે. ગૌરક્ષાનો મુદ્દો રામમંદિરના મુદ્દાની સાથે પેરેલલ ચાલશે. તેમાં લઘુમતી તુષ્ટિકરણ અને બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો ભળતો રહેશે. આ મુદ્દાઓ તથા અન્ય મુદ્દાઓ ચગાવવા માટે ફેક ન્યૂઝનો આશરો, સોશ્યલ મીડિયામાં ગપગોળા વગેરે પણ 2019ની ચૂંટણીમાં દેખાતા રહેશે.