સુષમા સ્વરાજઃ યુવાન વયે રાજકારણમાં આવ્યાં અને છવાઈ ગયાં..

વિધાનસભ્ય, સંસદસભ્ય અને વિદેશ પ્રધાન સહિતના કેન્દ્રીય કેબિનેટનાં હોદ્દાઓ પર કામગીરી બજાવીને ભારતનાં સૌથી વગદાર નેતાઓમાં ગણાયેલાં સુષમા સ્વરાજનું મંગળવાર, 6 ઓગસ્ટે રાતે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. એમનાં ઓચિંતા અવસાનથી ભારતભરમાં સોપો પડી ગયો છે.

ભારતીય જનતા પાર્ટીનાં કદાવર નેતા 67 વર્ષનાં હતાં. એમણે મંગળવારે રાતે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. એમને તરત જ દિલ્હીની ‘એમ્સ’ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં પાંચ ડોક્ટરોએ એમનો ઈલાજ કર્યો હતો અને એમને ભાનમાં લાવવાનાં તમામ પ્રયાસો કર્યા હતા, પણ તેઓ એમાં સફળ થયા નહોતા.

સુષમા સ્વરાજની ખ્યાતિ એક પ્રખર અને તેજસ્વી વક્તા, પ્રભાવશાળી સંસદસભ્ય, કુશળ વહીવટકાર તરીકેની રહી હતી. તેઓ દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન હતાં અને દેશનાં બીજાં વિદેશ પ્રધાન હતાં.

25 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો

1952ની 14 ફેબ્રુઆરીએ જન્મેલાં સુષમાજીએ રાજકારણમાં એમની સફરનો આરંભ 25 વર્ષની વયે કર્યો હતો. તેઓ એમની પહેલી ચૂંટણી 1977માં લડ્યાં હતાં. હરિયાણાની અંબાલા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ દેશનાં સૌથી યુવા વયનાં વિધાનસભ્ય બન્યાં હતાં. હરિયાણાના એ વખતના મુખ્ય પ્રધાન દેવીલાલે 25 વર્ષીય સુષમાજીને પોતાની સરકારમાં સામેલ કર્યા હતા. એ સાથે જ તેઓ દેશમાં સૌથી યુવાન વયે કેબિનેટ પ્રધાન બન્યાં હતાં. એ રેકોર્ડ આજે પણ યથાવત્ છે.

વાજપેયી સરકારમાં પ્રધાન બન્યાં

સુષમા સ્વરાજ ભાજપના લોહપુરુષ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીને પોતાનાં રાજકીય ગુરુ માનતાં હતાં. 90ના દાયકામાં અડવાણી અને વાજપેયીની છત્રછાયામાં સુષમા સ્વરાજ રાજકારણમાં આવ્યાં અને છવાઈ ગયાં હતાં. 1996માં થયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ દક્ષિણ દિલ્હીમાંથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ 13 દિવસ માટે રહેલી વાજપેયીની સરકારમાં તેઓ માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યાં હતાં.

દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યાં

1998ના માર્ચમાં કેન્દ્રમાં બીજી વાર વાજપેયીની સરકારમાં સુષમા સ્વરાજમાહિતી અને પ્રસારણ પ્રધાન બન્યાં હતાં, પરંતુ અમુક મહિના બાદ એમને રાજીનામું આપવું પડ્યું હતું અને દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યાં હતાં. પરંતુ ત્યારબાદ દિલ્હીમાં વિધાનસભાની થયેલી ચૂંટણીમાં તેઓ હારી ગયાં હતાં. પાર્ટીની હાર બાદ સુષમા સ્વરાજે વિધાનસભ્યપદ છોડી દીધું હતું અને રાષ્ટ્રીય રાજકારણમાં પુનરાગમન કર્યું હતું.
1999માં તેઓ કર્ણાટકના બેલ્લારીમાંથી તે વખતનાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે ચૂંટણી જીત્યાં હતાં, પણ હારી ગયાં હતાં.

દેશનાં બીજાં મહિલા વિદેશ પ્રધાન બન્યાં

2009 અને 2014ની લોકસભા ચૂંટણી સુષમા સ્વરાજ મધ્ય પ્રદેશના વિદિશામાંથી લડ્યાં હતાં અને જીત્યાં હતાં. 2014માં જીતીને તેઓ નરેન્દ્ર મોદીની સરકારમાં વિદેશ પ્રધાન બન્યાં હતાં. ઈન્દિરા ગાંધી બાદ સુષમા સ્વરાજને દેશનાં બીજાં વિદેશ પ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.

વિદેશ પ્રધાન તરીકે સુષમા સ્વરાજ સોશિયલ મિડિયા પર ખૂબ સક્રિય રહ્યાં હતાં અને દેશમાં તેમજ વિદેશમાં વરતાં ભારતીયોને મદદ કરતાં રહ્યાં હતાં.

સ્વાસ્થ્યને કારણે એમણે 2019ની લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો.

સુષમા સ્વરાજનાં લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયા હતા. સ્વરાજ કૌશલ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ હતા અને 1990થી 1993 દરમિયાન મિઝોરમના ગવર્નર તરીકે સેવા બજાવી હતી. કૌશલ પણ સંસદસભ્ય બન્યા હતા – 1998 અને 2004 વચ્ચેના સમયગાળામાં. સુષમા અને સ્વરાજને એક દીકરી છે, બાંસુરી.

સુષમા સ્વરાજ પોતે લૉ ગ્રેજ્યુએટ હતા અને એમણે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી હતી. તેઓ સાત વખત સંસદસભ્ય તરીકે અને 3 વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.