લોકસભા, વિધાનસભા ચૂંટણીઓ સાથે યોજવા ચૂંટણી પંચ તૈયાર

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે તે પછી એમની સરકાર અનેક મહત્વના નવા નિર્ણયો લેતી રહી છે. તેનો એક પ્રસ્તાવ છે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે જ યોજવાનો.

ચૂંટણી પંચે આ પ્રસ્તાવ વિશે કહ્યું છે કે ૨૦૧૮ના સપ્ટેંબર સુધીમાં પોતે એ માટે સજ્જ થઈ જશે. એ પછી કેન્દ્ર સરકાર ઈચ્છે તો બધી ચૂંટણીઓ એક સાથે યોજવાનો નિર્ણય જાહેર કરી શકે છે.

ચૂંટણી પંચે તેની ઈન્ટરનેટ આધારિત એપ્લિકેશન – ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર નેટવર્ક લોન્ચ કરી છે. આ એપ્લિકેશન શરૂ કરવા પાછળનો ચૂંટણી પંચનો હેતુ દેશમાં ચૂંટણીઓ કુશળતાપૂર્વક યોજવાનો છે. પંચે કહ્યું છે કે ૨૦૧૮ના સપ્ટેંબર સુધીમાં પોતે દેશમાં બંને પ્રકારની ચૂંટણીઓ સાથે યોજવા સજ્જ થઈ જશે.

ચૂંટણી પંચે શું માગ્યું હતું?

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ ચૂંટણી પંચે સરકારને કહ્યું હતું કે આવી ચૂંટણીઓનું આયોજન કરવા માટે એની અમુક જરૂરિયાતો છે. સરકારે એને તે જણાવવા કહ્યું હતું. ચૂંટણી પંચે વોટર-વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ મશીન્સ (VVPAT) મશીનો ખરીદવા માટે ભંડોળની માગણી કરી હતી.

સરકારે એને તે માટે રૂ. ૩,૪૦૦ કરોડ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ખરીદવા માટે રૂ. ૧૨,૦૦૦ કરોડની ફાળવણી કરી દીધી હતી.

હવે ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત (ઉપરની તસવીરમાં ઈન્સ્ટેમાં)એ કહ્યું છે કે ચૂંટણી પંચ પાસે ૨૦૧૮ના સપ્ટેંબર સુધીમાં ૪૦ લાખ VVPAT મશીનો આવી જશે એટલે તે બધી ચૂંટણીઓ સાથે યોજવા સક્ષમ બની જશે.

VVPAT મશીનોની જરૂર શા માટે?

ઉલ્લેખનીય છે કે બહુજન સમાજ પક્ષ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવા વિરોધ પક્ષોએ એવો આરોપ મૂક્યો ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં એવી રીતે ચેડાં કર્યાં હતા કે વોટ ભાજપના ખાતામાં જ જતા હતા. ૧૬ જેટલા પક્ષોએ ચૂંટણી પંચને કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા રહે એ માટે ફરી પેપર બેલટ પદ્ધતિ જ અપનાવવામાં આવે. ત્યારબાદ ચૂંટણી પંચે આયોજનની કામગીરી VVPAT મશીનો માટે શિફ્ટ કરી હતી.

આ મશીનમાં મતદાન કરનારને એક સ્લિપ (ચબરખી) જોવા મળે છે જેમાં એણે જે પાર્ટીને વોટ આપ્યો હોય તે પાર્ટીનું ચૂંટણી પ્રતિક દર્શાવેલું હોય છે જેથી મતદાર જાણી શકે છે કે એની પસંદગી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં બરાબર રીતે રેકોર્ડ થઈ છે.

(જુઓ, આવી રીતે કામ કરે છે, VVPAT મશીન)

httpss://twitter.com/CollectorBaroda/status/915516071402074112

બધી ચૂંટણીઓ એક સાથેઃ વડાપ્રધાન મોદીનો આઈડિયા

વડાપ્રધાન મોદીએ ૨૦૧૬માં પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે દેશમાં લોકસભા તથા તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે જ યોજવી જોઈએ. અલગ અલગ રીતે ચૂંટણીઓ યોજવાથી આચારસંહિતા અમલમાં મૂકાવાને કારણે શાસન ઠપ થઈ જતું હોય છે. વળી, અવારનવાર ચૂંટણીઓ યોજવાનો ખર્ચ પણ મોટો આવે છે. જેમ કે ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી યોજવા પાછળ રૂ. ૧,૧૦૦ કરોડનો ખર્ચ થયો હતો તે ૨૦૧૪ની ચૂંટણી પાછળ વધીને રૂ. ૪૦૦૦ કરોડ થયો હતો. જો બધી ચૂંટણીઓ સાથે યોજવામાં આવે તો આ ખર્ચમાં ઘણો ઘટાડો થઈ શકે છે.