આચાર્યનું પણ આવજોઃ આરબીઆઈમાં વધુ એક રાજીનામું

વિરલ આચાર્યે આરબીઆઈના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ફરીથી ભણાવવા જતાં રહેવાનાં છે. ઉર્જિત પટેલે ચૂંટણી પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. ઉર્જિત પટેલ મોદી સરકારના માનીતા અને સરકારે જ પસંદ કરેલા અધિકારી મનાતાં હતાં. આમ છતાં તેમને ફાવ્યું નહોતું અને અધવચ્ચેથી રાજીનામું આપી દીધું હતું. ઉર્જિત પટેલના કાર્યકાળ વખતે જ વિરલ આચાર્ય સમાચારોમાં ચમક્યાં હતાં. ડેપ્યુટી ડિરેક્ટર તરીકે તેમણે સરકારની દખલગીરીની આખરી ટીકા કરી હતી. તેમણે એક સમારંભમાં આરબીઆઈ જેવી નાણાં સંસ્થાઓની સ્વાયત્તતા શા માટે જરૂરી છે તેવું ભાષણ આપ્યું હતું. દુનિયામાં જેમની પ્રતિષ્ઠા હોય તેવી આરબીઆઈ જેવી સંસ્થામાં જો સરકાર રાજકીય દખલગીરી કરશે તો વિશ્વના વેપારી વર્તુળોમાં ખોટી છાપ પડશે એમ તેમનું કહેવું હતું.

અર્થતંત્રની બાબતમાં આરબીઆઈના સક્ષમ અધિકારીઓ નિર્ણય કરે તે જ ઉચિત છે. સરકાર તેમને અટકાવવા કોશિશ કરશે તો વિશ્વાસ ઓછો થશે અને બ્રાઝીલમાં થયું છે તેમ આંતરરાષ્ટ્રીય રોકાણકારો દેશથી દૂર થતાં રહેશે એમ તેમણે કહેલું. તેઓ ઉર્જિત પટેલની પણ નજીક મનાતાં હતાં. તેથી તેમણે કરેલી ટીકા ઉર્જિત પટેલની સહમતીથી થઈ હતી તેમ માનવામાં આવે છે. ઉર્જિત પટેલે આ બાબતમાં કોઈ વિશેષ સ્પષ્ટતાઓ કરી નહોતી. સરકારની ગણતરી તે વખતે આરબીઆઈ પાસે રિઝર્વમાં પડેલી મોટી રકમ લઈ લેવાની હતી. નોટબંધીના અવિચારી પગલાંને કારણે અર્થતંત્રની કેડ ભાંગી ગઈ હતી. સરકાર એવા શેખચલ્લીના સપનામાં રાચતી હતી કે નોટબંધીના કારણે સવા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે અને લોકોની નજરે ચડે તેવા વિકાસ કાર્યો કરીને વાહવાહી મેળવી શકાશે.

થયું એવું કે માત્ર 8000 કરોડ જેટલા મૂલ્યોની નોટો જ પરત આવી ન હોતી. બાકીનું 99.3 ટકા નાણું પરત ફર્યું હતું. તેથી કોઈ વિન્ડફોલ સરકારને મળ્યો નહોતો. તે પછી આરબીઆઈ પાસે પડેલી અનામતની જંગી રકમમાંથી મોટી રકમ લઈ લેવાની કુમતિ કોઈએ સરકારને સૂઝાડી હતી.

ઉર્જિત પટેલે પણ તેનો વિરોધ કર્યો હતો. અમુક પ્રમાણમાં અનામત રકમ આરબીઆઈ પાસે પડી રહે તે જરૂરી છે અને આવા નિર્ણયો રાજકીય રીતે નહીં, પણ આર્થિક રીતે જ લેવા જોઈએ એવો તેમનો પણ મત હતો. એથી સરકારના દબાણ બાદ ઉર્જિત પટેલે પણ પોતાની મુદત પહેલાં રાજીનામું આપી દીધું હતું. ઉર્જિત પટેલ પછી વિરલ આચાર્યને આરબીઆઈના વડા બનાવાયા. તેમની મુદત ફેબ્રુઆરી 2020માં પૂરી થવાની હતી. જોકે તેમણે આઠ મહિના જ રાજીનામું આપી દીધું હતું. ચૂંટણીઓ ચાલતી હતી તે વખતે જ તેમણે પોતાનું રાજીનામું મૂકી દીધું હતું. રાજીનામા માટે સ્વાભાવિક છે કે તેમણે અંગત બાબતોનું જ કારણ આપ્યું છે. તેમનો પરિવાર અમેરિકામાં રહે છે અને પોતે પરિવાર સાથે રહેવા માગે છે અને ફરીથી એકેડેમિક ક્ષેત્રમાં જવા માગે છે તેવી વાત જાહેરમાં કહેવામાં આવી છે.

ખાનગીમાં શું કારણ હશે તે તરત જ બહાર આવશે નહીં. રઘુરામન રાજન પણ રાજીનામું આપીને જતાં રહ્યાં ત્યારે અમેરિકામાં ફરી તે યુનિવર્સિટીમાં એકેડેમિક ક્ષેત્રમાં પાછા ફરવાની જ વાત કરી હતી. તેમણે નોટબંધીનો વિરોધ કર્યો હતો અને સલાહ આપી હતી કે આવું ખોટું પગલું ભરશો મા. તેમની વાત માનવામાં આવી નહોતી અને નોટબંધી કરીને અર્થતંત્રને ભારે નુકસાન કરવામાં આવ્યું હતું.

ઉર્જિત પટેલને સરકાર સાથે શરૂઆતમાં સારા સંબંધો રહ્યાં પણ તેમને પણ સરકારની અને તેના કેટલાક પ્રધાનોની કામ કરવાની પદ્ધતિ માફક આવી રહી નહોતી. તેથી તેમણે પણ રાજીનામું આપ્યું, તે પછી સ્પષ્ટ લાગતું હતું કે વિરલ આચાર્ય લાંબો સમય રહેશે નહીં. નવી સરકાર આવ્યા પછી આરબીઆઈમાં ફેરફારો થશે તે સ્પષ્ટ જ હતું. જોકે તેમણે કદાચ ચૂંટણીઓ દરમિયાન જ રાજીનામું આપી દીધું હતું. તેમને ખ્યાલ આવી ગયો હશે કે નવી ગઠબંધનની સરકાર આવશે ત્યારે પણ તેમના માટે એક્સટેન્શન શક્ય નહોતું. મોદી સરકાર ફરી આવે તો પણ એક્સટેન્શનની શક્યતા નહોતી.

બીજું વધારે સારા મેન્ડેટ સાથે સરકાર આવી છે અને સરકારને ખ્યાલ છે કે અર્થતંત્ર ભારે ભીંસમાં છે. નોકરીઓ છે નહીં અને વિદેશી કે દેશી મૂડીરોકાણ વધી રહ્યું નથી. ગ્રામીણ ક્ષેત્ર રોજગારીની સમસ્યા વધારે વિકટ છે. ગયા વખતે દુકાળે મુશ્કેલી વધારી હતી. ગામડાંના માણસની આવક વધી નથી, તેથી ખર્ચ પણ વધ્યો નથી. શહેરમાં મધ્યમ વર્ગને પણ અસર થઈ રહી છે. કારનું વેચાણ તો ઘટ્યું, પણ મોટર સાયકલનું વેચાણ પણ હાલના સમયમાં ઘટ્યું છે. આ સંજોગોમાં નવી ટર્મ માટે આવેલી સરકારે આર્થિક બાબતોમાં અલગ રીતે વિચારીને પગલાં લેવાં જરૂરી બન્યાં છે.

સરકાર બીજી ટર્મમાં ફ્રેશ એપ્રોચ સાથે આર્થિક નીતિ ઘડશે ત્યારે પોતાને છ મહિના માટે પણ કામ કરવાનો અર્થ નથી તેમ વિરલ આચાર્યે વિચાર્યું હશે. તેથી તેમણે સામેથી સરકારને નવા આરબીઆઈના વડાની નિમણૂક કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. હાલમાં જોકે સરકારની પ્રાયોરિટી બજેટ રજૂ કરવાની છે. તેથી નવા ડિરેક્ટરને આવતાં થોડો સમય લાગી શકે છે. બજેટ તૈયાર થઈ ગયું છે. નાણાં વિભાગના અધિકારીઓએ હલવો બનાવીને મીજબાની કરવાની પ્રથા પૂરી કરી દીધી છે. બજેટ પ્રિન્ટિંગ માટે જતું રહ્યું છે. પાંચ તારીખે તેને રજૂ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે કે સરકાર હવે કઈ દિશામાં જવા માગે છે. જોકે આ બજેટ પૂર્ણ કક્ષાનું નથી અને સરકારને વિચારવાનો પૂરતો સમય પણ મળ્યો નથી. એટલે કેટલીક બાબતોમાં મહત્ત્વના નિર્ણયો સિવાય, મોટા પાયે નીતિ પરિવર્તન જોવા મળે તેવી આશા પણ નથી.

 

આગામી ફેબ્રુઆરીમાં નવું અને આ સરકારનું પૂર્ણકદનું બજેટ આવશે ત્યારે સ્પષ્ટ થશે કે સરકારની દિશા કઈ છે. સરકારે આરબીઆઈ ઉપરાંત નીતિ આયોગ, સીબીઆઈ, કેગ, નેશનલ સ્ટેટિસ્ટિક્સ વિભાગ, જીડીપીના આંકડાં તૈયાર કરતો વિભાગ, વેપાર અને ઉદ્યોગ ખાતું, જીએસટીનું તંત્ર, સીધા કરવેરાનું તંત્ર, આવકવેરાનો સ્લેબ સીધો જ વધારીને પાંચ લાખ કરવાનો વગેરે બાબતમાં ઊંડો વિચાર કરીને પગલાં લેવા જરૂરી બન્યાં છે. આવા સંજોગોમાં વિરલ આચાર્યનું રાજીનામું બે રીતે જોઈ શકાય છે. વધુ એકવાર આરબીઆઈએ સરકારની દખલગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે એવું પણ કહેવાશે.

સાથોસાથ સરકાર હવે વધારે બહુમતી સાથે આવી છે અને અર્થતંત્ર માટે વિશેષ પ્રયાસો કરવા જરૂરી છે ત્યારે આરબીઆઈમાં લાંબા ગાળા સુધી સરકાર સાથે વિશ્વાસમાં રહીને કામ કરી શકે તેવા અધિકારીની પણ જરૂર છે. સરકાર બજેટ રજૂ કર્યા પછી આ દિશામાં વિચારી શકે તે માટે પણ વિરલ આચાર્યનું રાજીનામું યોગ્ય સમયે જ તેમ કહી શકાય. સાત મહિના પછી તેમની જગ્યાએ નવા વડા આવવાના જ હતાં. બીજું નવી સરકારે હજી કામ શરૂ જ કર્યું જ છે, તેથી કોઈ નવી બાબતે વિવાદ થયાની પણ શક્યતા ઓછી છે. તેથી નવી સરકાર આવે પછીના ફેરફારો તરીકે પણ આને જોઈ શકાય છે. જોઈએ હવે વેપારઉદ્યોગ, સરકારી વર્તુળો અને વિપક્ષ આ મુદ્દે કેવી ટીપ્પણી કરે છે અને કેવો વિવાદ થાય છે અથવા તો નથી થતો.