જસદણનો ચૂંટણી જંગઃ બાવળિયાના બળના પારખાં…

સદણ પેટાચૂંટણીનો જંગ મહત્ત્વના પડાવે છે. તારીખના એલાનથી લઇને શરુ થયેલો રાજકીય માહોલ સતત સળવળતો રહ્યો કે બનાવી રાખવામાં આવ્યો. મુદ્દે સદા કોંગ્રેસની બેઠક ગણાતી જસદણ બેઠકનો જંગ કેમ શાખ-પ્રતિષ્ઠાના નામે આ વખતે મહત્ત્વનો બની રહ્યો છે. તેના કેટલાક પાસાં સમજી રાખવા જેવા છે, આગામી સમયમાં લોકસભા ચૂંટણી ઢૂંકડી જ છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની કારમી હાર પછી ગુજરાતમાં જસદણ વિંછીયાની પેટા ચૂંટણી 20 ડિસેમ્બર યોજાઈ રહી છે, ત્યારે આ સંજોગોમાં જસદણની પેટા ચૂંટણીની એક બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ થઈ પડ્યો છે. તેની પાછળ અનેક કારણો છે. તેમાં સૌથી પહેલું કુંવરજી બાવળિયા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક પર આ ચૂંટણી જીત્યાં હતાં. પછી તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયાં અને સાંજે પ્રધાનપદ મળ્યું. તે બેઠક પર ફેરચૂંટણી યોજાઈ રહી છે. માટે આ બેઠકની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે.

ભાજપમાંથી કુંવરજી બાવળિયા અને કોંગ્રેસમાંથી અવસર નાકિયા મેદાનમાં છે. અત્યાર સુધી કોંગ્રેસમાં જ રહેલા કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા પછી હવે તેમની કારર્કિદી દાવ પર લાગી છે, જેથી તેઓ જસદણ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. કોળી મતદારોની બહુમતીવાળો વિસ્તાર છે. કોળી મતદારોને રીઝવવા માટે કુંવરજીભાઈ અને અવસર નાકીયાએ ખૂબ પ્રચાર કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે નાકનો પ્રશ્ન હોવાથી ચૂંટણી પ્રચારમાં ખૂબ જોર લગાડ્યું છે. આવો પ્રચાર તો વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ નહોતો થયો.

જસદણની ચૂંટણીમાં કુંવરજીભાઈની સામે કોંગ્રેસે જે ઉમેદવાર ઉભા રાખ્યા છે તે જિલ્લા પંચાયતના સભ્ય અને એકવખતના કુંવરજીના ટેકેદાર હતા. તે અવસર નાકીયાને જીતાડવા માટે કોંગ્રેસે નવજોત સિદ્ધુ સહિત પ્રદેશ કોંગ્રેસની આખી ટીમ જસદણમાં ઉતરી પડી છે. તો સામે કુંવરજીભાઈ માટે પ્રચાર કરવા શ્રીમતી રુપાણી સહિત કેબિનેટના પ્રધાનો અને પક્ષ પ્રમુખ, પ્રવકતા પણ મેદાનમાં ઉતરી પડ્યાં હતાં. રાજ્ય સરકારે ગઈકાલે 625 કરોડ રૂપિયાના વીજબિલ માફ કરી દીધા છે. આ જાહેરાત પછી ચૂંટણી પંચે સરકાર પાસે 24 કલાકમાં જવાબ માગ્યો છે. ચૂંટણી આચારસંહિતા લાગુ હોવાથી સરકાર જાહેરાત કરી શકે કે નહી તેની ચર્ચા ચાલી રહી છે. ટૂંકમાં જસદણનો જંગ જીતવા માટે સરકારે પાસા ફેંક્યાં છે, તેવો કોંગ્રેસનો આક્ષેપ છે.

આમ જોવા જઈએ તો 1971થી જસદણ બેઠક કાયમ માટે કોંગ્રેસની રહી છે. એક વખત અપક્ષ ઉમેદવાર અને એક વખત ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી કુંવરજીભાઈ 9,255 મતની લીડથી જીત્યા હતા. 2009માં જ્યારે પેટા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસ તરફથી કુંવરજી બાવળિયાના પુત્રી ભાવનાબહેન બાવળિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પણ તેમને ભાજપના ભરત બોઘરાએ હરાવ્યા હતા. ત્યારે પહેલીવાર ભાજપનું ખાતું આ બેઠક પર ખુલ્યું હતું. પણ પછી 2012માં કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ સામે ભાજપના ભરત બોઘરા હાર્યા હતા. અને તે પછી 2017માં જસદણ બેઠક કોંગ્રેસમાંથી કુંવરજી જીત્યા હતા.

હવે વાત એવી છે કે જસદણના મતદારો કોંગ્રેસમાંથી નીકળી ભાજપમાં જોડાયેલા કુંવરજીભાઈને સ્વીકારે છે કે નહી. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યાં તે પહેલા કુંવરજીભાઈના ટેકેદારો અને ભાજપના નેતાઓ એમ કહેતાં હતાં કે કુંવરજીભાઈ ખાસ્સા એવા માર્જિનથી ચૂંટણી જીતી જશે. પણ ભાજપના ગઢ ગણાતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો સફાયો થયો પછી ભાજપના નેતાઓ ઢીલા પડી ગયાં છે, અને બૂથ મેનેજમેન્ટમાં જોડાઈ ગયા હતા, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસે ઉત્સાહ સાથે મજબૂત થઈને પ્રચાર શરૂ કર્યો હતો. અને હવે કોંગ્રેસ કહે છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તો જીત્યાં… હવે જસદણ પણ લઈશું.

સામાન્ય રીતે કોંગ્રેસમાંથી કુંવરજીભાઈ જીતતાં હતાં, પણ પાર્ટી બદલ્યા પછી પહેલીવાર ભાજપમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યાં છે. જસદણની કોળી પ્રજા તેમને ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરીને મત આપશે કે કેમ…? તે તો 20 ડિસેમ્બરે જ ઈવીએમને ખબર પડશે અને તેનું 23 ડિસેમ્બર મતગણતરી વખતે પરિણામ સૌને જાણવા મળશે.

ગુજરાતની તાસીર એવી રહી છે કે પક્ષપલટો કરનારાને પ્રજા સ્વીકારતી નથી. હવે જોઈએ જસદણની પ્રજા કુંવરજીને કેટલો પ્રેમ કરે છે. બીજુ નોંધનીય છે કે કુંવરજીની તરફેણમાં પ્રચાર કરવા માટે કોઈ સ્ટારપ્રચારકો આવ્યાં જ નહી. સિવાય કે નરેશ કનોડિયા જસદણમાં પ્રચાર અર્થે આવ્યા હતા..પહેલાં પરેશ રાવલ, સ્મૃતિ ઈરાની અને હિતુ કનોડિયા આવવાના છે, એવી જાહેરાત થઈ ગઈ હતી. પણ કોઈ દેખાયાં નથી. જો કે છેલ્લેછેલ્લે રાજકોટને એઈમ્સ મળી છે, અને વડાપ્રધાનને આભાર વ્યક્ત કરવા સુધીની ભ્રામક જાહેરાતો થઈ ગઈ છે.

 

અહેવાલઃ પારુલ રાવલ