ચૂંટણી ક્યાં સુધી જ્ઞાતિવાદના સમીકરણ પર લડાશે?

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી ખૂબ જ મહત્વની બની છે. નરેન્દ્ર મોદી વગરના ગુજરાતમાં ચૂંટણી જીતવી ભાજપ માટે કપરાં ચઢાણ સમાન છે. હા પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર કરવા માટે કાર્યકરની જેમ મહેનત કરી છે, પણ તેઓ ભારતના બની ગયાં છે, હવે તેઓ ગુજરાતનો પોતાનો ગઢ બચાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, અને જોરશોરથી પ્રચાર પણ કર્યો છે. બે વખત તેઓ ગુજરાત આવી ગયા અને કોંગ્રેસે ઉઠાવેલ તમામ મુદ્દાઓનો જવાબ મોદીએ એક જ જાહેરસભામાં આપી દીધો. આ તો થઈ ચૂંટણી પ્રચારની વાત… પણ ખરેખર જોવા જઈએ તો દરેક ચૂંટણીમાં જ્ઞાતિવાદનું સમીકરણ ગોઠવાય છે. ભાજપ ભલે વિકાસની વાત કરે, વિકાસના નામે મત માગે અને કોંગ્રેસ પાટીદારોને અનામત આપવાની લાલચ આપી, નોટબંધી અને જીએસટીનો વિરોધ કરીને મત માગી રહી છે. તેમ છતાં હકીકત એવી છે કે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જ્ઞાતિના સમીકરણો ગોઠવ્યાં છે.ભારત દેશ આઝાદ થયા પછી આજે 70 વર્ષે પણ ભારત દેશની ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણો ગોઠવાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય કે કયા સુધી આ જાતિવાદ ચાલશે. કોઈપણ પક્ષ હોય… બન્નેની વિચારધારા અલગ છે, તેમ છતાં દરેક પોલિટિકલ પાર્ટીને જાતિવાદનો સહારો લેવો પડે છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં ભાજપ અન કોંગ્રેસે સર્વે કરીને જાતીવાદી સમીકરણો ગોઠવ્યા છે. પટેલની વસ્તી હોય ત્યાં પટેલ ઉમેદવાર… પાછા ભાજપે પણ પટેલને ટિકીટ આપી હોય અને કોંગ્રેસે પણ પટેલને ટિકીટ આપી હોય… તેવી રીતે કોળી સમાજ, ઠાકોર, ઓબીસી, એસસી-એસટી, જૈન, બ્રાહ્મણ, ક્ષત્રિય, મુસ્લિમ વિગેરે સમુદાયની વસ્તીને આધાર પર રાખીને ટિકીટ અપાઈ છે.

જ્ઞાતિ આધારિત ટિકીટનું સરવૈયું

જ્ઞાતિ 

પાટીદાર

ઓબીસી

એસટી

એસસી

બ્રાહ્મણ

જૈન

ક્ષત્રિય

મુસ્લિમ

અન્ય

કુલ

ભાજપ

52

58 

28

13

10

04

12

00

05 

182 

કોંગ્રેસ

42

62

25

14

06

02

10

06

09

176

અન્યમાં સિંધી, બિન ગુજરાતી અને લોહાણા સમાજના વર્ગનો સમાવેશ થાય છે. બંધારણની જોગવાઈ મુજબ અનુસુચિત જન જાતિ માટે કુલ 27 બેઠકો અને અનુસુચિત જાતિ માટે 13 બેઠકો અનામત હેઠળ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બન્ને તબક્કાના ઉમેદવારો જાહેર થઈ ચુક્યા છે. મેન્ડેટ અપાઈ ગયો, ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. ટિકીટ નહી મળતાં લોકોનો વિરોધ થયો છે, ભાજપ અને કોંગ્રેસમાં નારાજ થયેલાઓની સંખ્યા વધી છે. આ નારાજ ઉમેદવારો પાર્ટીને કેટલા વફાદાર રહેશે, તે પણ પ્રશ્ન છે. અંતે પક્ષના ઉમેદવારો પક્ષને જ ભારે પડે છે, તેવી સ્થિતી સર્જાઈ છે.ભાજપે 150 પ્લસ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે જૂના જોગીઓને રિપીટ કરવા પડ્યા છે, નવા કાર્યકરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાની સ્થિતી કફોડી બની છે, ભાજપના જ પ્રવકતાઓને ટિકીટ નથી અપાઈ, ભાજપના કેટલાય સીનીયર નેતાઓ છે, કે જેમણે પાર્ટી માટે જીવન આપ્યું છે, તેમને છેક છેલ્લી ઘડી સુધી ટિકીટ આપવાનું આશ્વાસન હતું, પણ ખરેખર ટિકીટ અપાઈ નથી, પણ હોબાળો થયા પછી પાર્ટીના મોવડી મંડળ દ્વારા તેમને યોગ્ય પદ આપવામાં આવશે, તેવો હાલ તો દિલાસો અપાયો છે. બીજી તરફ કોંગ્રેસ પણ સજીવન થઈ હોય તેમ કોંગ્રેસમાં પણ ટિકીટ મેળવવા માટે હલ્લાબોલ થયો છે, ભારે હોબાળો થયો અને પાર્ટી સામે ભારે નારાજગી પણ દેખાઈ આવી છે. કોણ જાણે કોંગ્રેસે પણ જાતિનો આધાર આપીને સૌને સમજાવ્યા છે. હાલ તો બધુ શાંત થયું છે. પણ આ નારાજગી ઈવીએમમાં જોવા મળશે, તે વાત નક્કી છે.

હવે પાછા આવીએ જ્ઞાતિવાદના સમીકરણ પર… આ વખતની ચૂંટણીમાં પાટીદાર ફેકટર કી રોલ ભજવશે. હાર્દિક પટેલનું અનામત આંદોલન ભાજપ માટે કપરા ચઢાણ સમાન બની ગયું છે. પાટીદારોમાં ભાગલા પડ્યા છે. કોંગ્રેસે પાટીદારોને અનામત આપવાની લાલચ આપી છે, અને વચનો પણ આપ્યા છે. હાર્દિક કોંગ્રેસ તરફ વળ્યા છે. વર્ષોથી પાટીદાર વર્ગ ભાજપ સાથે જોડાયેલો છે, અને હવે કોંગ્રેસમાં જવું તેમને રુચતું નથી. અને હાર્દિકના આંદોલન પર વિશ્વાસ રહ્યો નથી. કારણ કે પાસના કાર્યકરો ચૂંટણી લડવાના છે, જેથી પાટીદારોનો વિશ્વાસભંગ થયો છે. ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસ સાથે રહીને વિધાનસભાના ચૂંટણી જંગમાં ઝપલાવી દીધું છે. આ ત્રણેય નેતાઓએ અગાઉ રાજકારણમાં નહી આવવાનું પોતાના ભાષણમાં કહી ચુક્યા છે. અભી બોલા અભી ફોક જેવું છે, આંદોલનના ત્રણેય નેતાઓ અંતે ચૂંટણી જંગમાં આવી જ ગયા છે. જેથી હવે તેમની જ્ઞાતિવાળા તેમના પર કેટલો ભરોસો મુકે છે, તે તો ઈવીએમ ખુલે પછી જ ખબર પડશે.

ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે. વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં કહ્યું હતું કે પાટીદાર મુખ્યપ્રધાનોને આ કોંગ્રેસે જંપીને રાજ કરવા દીધુ નથી. આ એ જ લોકો છે, ઓળખી લેજો… એમ કહીને પાટીદારોને ખબરદાર કર્યા હતા. હું ગુજરાતનો દીકરો છું, એમ કહીને ગુજરાતવાસીઓને જણાવ્યું હતું કે હું ગુજરાતનો જ છું. કોંગ્રેસના જાતિવાદ અને વંશવાદ પર પણ મોદીએ ટિપ્પણી કરી હતી અને ભાજપે ગુજરાતમાં કરેલા વિકાસની વાત કરી હતી. પણ દરેક ચૂંટણીમાં જાતિવાદનો મુદ્દો તો ઉછળે જ છે…

ગુજરાતના 4 કરોડ 31 લાખ મતદાતાઓ હવે શિક્ષિત બની ગયા છે. અને આ મતદાતાઓ પાછા યુવાન છે, તેમને બધી જ ખબર છે કે જ્ઞાતિવાદનો આધાર લઈને ચૂંટણી લડનાર કોણ છે. પણ થાય શું… દરેક પોલિકટિકલ પાર્ટી જ્ઞાતિવાદનો આધાર જ લે છે. પણ હવે આ પેટર્ન આ વખતની ચૂંટણીમાં ખોટી પડે તો દરેક પક્ષોને ખબર પડશે કે હવે આ ગણિત નહી ચાલે…
અહેવાલ- ભરત પંચાલ