ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ?

0
4054

અહેવાલ- ભરત પંચાલ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે, તેવો નિર્દેશ કર્યો છે. અમિત શાહે પોરબંદરમાં ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં થશે. અમિત શાહે આજે કરેલ નિવેદન ખુબ મોટું માનવામાં આવી રહ્યું છે, જે નિવેદન પછી તમામ પક્ષો એલર્ટ થયા છે અને હવે રાજકારણ પણ ગરમાશે.

અમિત શાહના નિવેદન પછી તેના કેટલાય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. હજી સુધી ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી, તે પહેલાં જ અમિત શાહે નિર્દેશ આપી દીધો છે.

આ દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી પર શાબ્દિક હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતી ચશ્માં પહેરવાની જરૂરિયાત છે, જે ઈટાલીમાં ન બન્યા હોય તેવા. ત્યાર પછી તેમને ગુજરાતમાં વિકાસ દેખાશે. જો રાહુલ ગાંધીને ગુજરાતના સ્વપ્ન આવતા હોય તો તેને પુરા કરવા માટે તેમણે ઈટાલી નહી, પોરબંદર આવવું પડશે.

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. હમણાં જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવ્યાં હતાં. દ્વારકાધીશના દર્શન કરીને તેમણે રોડ શો કર્યો હતો, ત્યારે તેમણે રાજ્ય સરકારની ખૂબ ટીકા કરી હતી. વિકાસનું શું થયું, ત્યારે ગ્રામજનો કહેતાં હતા કે વિકાસ ગાંડો થયો છે. પીએમ મોદીને કામગીરી પર પણ તેમણે આલોચના કરી હતી. પીએમ મોદી એક પછી એક જુઠ્ઠુ બોલી રહ્યાં છે, અને લોકોને ભરમાવી રહ્યા છે. તેઓ એટલું બધું જુઠ્ઠુ બોલ્યાં છે કે વિકાસ પાગલ થઈ ગયો છે.

જવાબમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના બ્યુગલ ફૂંકવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રાની શરૂઆત તેમણે કરમસદથી કરાવી છે, જે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન છે. આજે અમિત શાહે બીજી ગૌરવ યાત્રા પોરબંદરથી શરૂ કરાવી છે. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસ પછી ગૌરવ યાત્રા કાઢીને ભાજપ જનતાને સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી આપશે. તેમાંય ખાસ કરીને પટેલોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય ચૂંટણીપંચે મતદાર યાદી અપડેટ કરવાથી માંડીને વીવીપેટ મશીનથી મતદાન કરાવવા સુધીની તૈયારીઓ કરી છે. ભાજપ, કોંગ્રેસ, આપ, અને શંકરસિંહ બાપુનો જનવિકલ્પ પક્ષે કમર કસી લીધી છે. ચૂંટણીપ્રચારના પ્લાનિંગ ચાલી રહ્યા છે. પ્રદેશ ચૂંટણી ઈન્ચાર્જ અરૂણ જેટલી બે વખત ગુજરાત આવીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી ગયાં છે. ગુજરાત વિધાનસભામાં હાલ 182 ધારાસભ્યોની બેઠક છે. જેમાં હાલ ભાજપના 118 ધારાસભ્યો છે. અમિત શાહે 150 પ્લસનો ટાર્ગેટ આપ્યો છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં અંદાજે 22 વર્ષથી ભાજપની સરકાર સત્તામાં રહી છે.

હવે પીએમ મોદી ફરીથી 7-8 ઓકટોબરે ગુજરાત આવી રહ્યા છે, નરેન્દ્ર મોદી બે દિવસમાં અનેક લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ જાહેરસભાની સંબોધન પણ કરશે. તાજેતરમાં જ તેઓ જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરી ગયા છે. તેમજ રાહુલ ગાંધી પણ બીજી વખત 9-10-11 ઓકટોબર મધ્ય ગુજરાતના ગામડાઓને ખુંદશે, અને કોંગ્રેસના રાજની સિદ્ધિઓને વર્ણવશે. બીજી તરફ શંકરસિંહ બાપુ પણ જનસંવેદના યાત્રા લઈને ગુજરાતના ગામડે ગામડે ફરી રહ્યાં છે. ગુજરાતમાં જનવિકલ્પ આવી ગયો છે, એમ કહીને ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. એટલે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ અને જનવિકલ્પ પક્ષ એમ કુલ ચાર પક્ષો વચ્ચે ચૂંટણી લડાશે. જો કે ગુજરાતની જનતાએ બે જ પક્ષને સ્વીકાર્યો છે, એવું અત્યાર સુધીનો ઈતિહાસ બોલે છે.

પણ અમિત શાહે બીજી ઓકટોબરે ગાંધી જયંતિના દિવસે ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો છે. આ વખતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ મડાશે. કારણ કે પાટીદારો અને ઠાકોર ભાજપની સરકારની સામે ઉભા છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ પાટીદારો અને ઠાકોરોને કેવી રીતે મનાવી લે છે.