રાહુલનો ચૂંટણીપ્રચારઃ કઈ રીતે નોખો છે?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પડી ગયું છે. 9 ડીસેમ્બરે યોજાનાર મતદાન માટે ઉમેદવારીપત્ર ભરવાનો સમય આવી ગયો. આ સાથે લોકશાહી સત્તાનો બીજો પાયો શરુ થયો. જોવા જેવું એ છે કે આપણાં લોકશાહી રાષ્ટ્રમાં જ્યાં લોકો અને નેતાઓ વચ્ચે સદા સંપર્કનો તાંતણો હોવો જોઇએ ત્યાં લોકસંપર્કો અને નવસર્જન યાત્રાઓના ‘રાઉન્ડ’ શિડ્યૂલ કરી કરીને નેતાઓ મોં બતાવવા અને વોટ ઉઘરાવવા આવે છે તે જાગૃત મતદાતાને મનમાં ને મનમાં મરકલું કરાવી રહે છે કે ભઇ, અમને ખબર જ છે કે તમે અમને કઇ રીતે મનાવવાનો પ્રયત્ન કરવાના છો.દેશના વિકાસ માટે સ્પષ્ટ મુદ્દાઓ અને યોજનાઓ સાથે ચૂંટણી લડવાના આગ્રહી નાગરિકો હશે કદાચ, પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીના આગોતરાં પ્રચારકાર્યો પર નાંખી નજરે સમજી શકાય છે કે રાજકીય પક્ષો માટે ભારતનો સરેરાશ નાગરિક જાણે ‘ભોળવી લેવાનું મટિરિયલ’ બનતાં જઇ રહ્યાં છે. રાજકીય પક્ષો માટે અંતિમ લક્ષ્ય એ નથી કે દેશના ઉજ્જળ ભવિષ્ય માટે નક્કર આયોજન સાથે કામ કરવા લોકોની રાજીખુશીથી સત્તા લેવી, એ લક્ષ્ય છે કે ચૂંટણીની ચોપાટમાં સામા પક્ષને કેવી ધોબીપછાડ આપી સત્તાના સિંહાસને બિરાજીએ. મતદાતા માત્રને એક પક્ષના પ્રલંબ શાસને વોટબેંકમાં ઘડી દીધાં છે તે નગ્ન સત્ય છે. KHAM -ખામ થિયરી હોય કે PODA- પાટીદાર-ઓબીસી-દલિત-આદિવાસી-પોડા થિયરી..જનતાને જાણીબૂઝીને, કયો મતદાતાસમાજ કેટલાં વોટ ધરાવે છે તેને હડપ કરવાના ગણતરીભર્યાં ગણિતો માંડીને ચૂંટણીપ્રચારની ભરપુર રાજનીતિ થતી આ વખતના પ્રચારકાર્યમાં સ્પષ્ટ દેખાઇ રહી છે.

અનેક સમાજ વચ્ચે વિખરાયેલો હિંદુસમાજ, અમુક મુદ્દાઓને લઇને સદાય ભયભીત અને અસુરક્ષા અનુભવતો મુસ્લિમસમાજ, અશિક્ષણ અને ગરીબીથી પીડાતો આદિવાસી સમાજ…આ દ્રષ્ટિ કેળવી છે આપણાં રાજકીય પક્ષોએ સીત્તેર વર્ષના શાસનમાં..મુસ્લિમસમાજ એટલે કોંગ્રેસની જ બાપીકી મિલકત, પાટીદાર સમાજ એટલે ભાજપનો જ હામી સમાજ…આવાં આવાં જાતિગત સમીકરણોની માયાજાળમાંથી પર થઇને ક્યારે ભારત દેશના સુશાસન માટેના મુદ્દા લેશે રાજકીય પક્ષોના ધુરંધરો, તે હાલ તો ભગવાનેય નથી જાણતો.

ગુજરાત વિધાસસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસની ખામ થિયરીએ એકસમયે તેને 149 બેઠકોની બહુમતી અપાવી દીધી હતી. ત્યારે એ જ માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી કોંગ્રેસના પ્રમુખપદની ગાદી શોભાવતાં, રાષ્ટ્રીય રાજકારણમાં વંશપ્રાપ્ત દરજ્જો ધરાવનારા, દેશની જનતાના માથે બેસાડી દેવાયેલાં ગાંધીપરિવારના તરણે વૈતરણી તરવા પાટીદાર-ઓબીસી-દલિત-આદિવાસી-પોડા નામનો પૂળો લઇને કોંગ્રેસ સમસ્ત પ્રચાર એજન્ડામાં કૂદી છે. સૌને ખબર છે કે ગુજરાત કોંગ્રેસના ભલભલા હોદ્દે બેઠેલાં લોકોએ પણ તેમની રોજિંદી ક્રિયાઓ માટે હાઇકમાન્ડની આંગળી ઊંચી થાય તેની રાહ જોવી પડતી હોય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અંતે છેવટે રાજ્યની પ્રજાની બાગડોર સંભાળવાની છે તેવા સીએમ પદ પર બેસનાર નેતાની પ્રાપ્તિ થવાની છે. ગુજરાતમાં શું સીએમ રાહુલ ગાંધી સત્તાસ્થાન શોભાવવાના છે? રાહુલ ગાંધી જ નહીં સ્વતંત્ર ભારત દેશના ઇતિહાસમાં પહેલીવાર એ બન્યું છે કે નહેરુ-ઇન્દિરા ગાંધી વંશના ફરજંદે ગુજરાતની ભૂમિની ચારેદિશાનું ભ્રમણ કર્યું છે અને ગુજરાતના લોકોને મળ્યાં છે, ગુજરાતના  મંદિરોમાં ચરણમાં મૂક્યાં છે. રાહુલને મૂર્તિને પ્રણામ કરતાં આવડશે કે કેમ તેની શંકા ખુદ ગુજરાત કોંગ્રેસના નેતાઓની આંખોમાં તેમની મંદિર દર્શનના સમયની તસવીરોમાં પણ ઝલકે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ પદે કઇ રીતે આવ્યાં, શું લોકોની વચ્ચેથી કામ કરતાંકરતાં નેતૃત્વ કેળવ્યું છે અને સત્તાની સીડીના કદમકદમ કેળવાયાં છે…? ભગવાનની ખાતર. એવું જૂઠું કોઇ નહીં કહી શકે! તેઓ જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી-શ્રીમતી ગાંધીના પુત્ર હોવાથી લોકશાહી દેશમાં લોકોને પંસદ કરવાનાં જ છે તેવાં નેતા નથી બનાવાયાં? રાહુલ ગાંધી સજ્જન અને સહૃદયી વ્યક્તિ છે, પરદેશમાં ભણેલાં છે એ વાત માનીને પણ એટલું તો સ્પષ્ટ જ છે કે વંશાધીન વડાપ્રધાન પદ પર બેસાડવાની એમની કોંગ્રેસ નેતાગીરીની મનશા પૂર્ણ કરવા જે ખેલ ખેલવાનો હોય તે પ્રજામાં વૈમનસ્ય ખડું કરીને પણ કરવું જ એ ભારતના ભવિષ્ય માટે નિશ્ચિતપણે ન થવા જેવું છે. રાહુલ ગાંધીને પરાણે રાજકારણમાં ઉતારવામાં આવ્યાં તે જગવિદિત છે. શું રાષ્ટ્રીય પક્ષ કહેવાતો સદીપુરાણો પક્ષ એટલો સક્ષમ નથી કે તેનો નેતા પ્રજામાંથી સબળ નેતૃત્વ લઇને આવે?

ગુજરાત કોંગ્રેસનું પોતીકું વજૂદ જ નથી?  કોંગ્રેસના શાસનમાં પક્ષઅનુશાસનને લઇને નિર્વિરોધ સત્તાકેન્દ્ર એક જ હોય તે લોકશાહી પરંપરાનું સન્માન છે? ગુજરાત કોંગ્રેસ માટે કહેવાય છે કે તેમાં નેતા જ એટલા બધાં છે કે કાર્યકર્તા કોઇ હોઇ જ ન શકે. ગામડે-ગામડે, તાલુકે-તાલુકે- જિલ્લે-જિલ્લે શું ગાંધી પરિવારનો સિક્કો છે? આ સ્તર પર ઝૂઝીને નેતૃત્વ લેનાર લોકો કેમ ગુજરાતની સત્તા મેળવવાના સંઘર્ષ માટેના ચૂંટણીપ્રચારના કામમાં હાથ જોડીને છેવાડે ઊભેલાં દેખાય છે?

કૃપા કરીને એમ ન કહો કે કોંગ્રેસમાં કોઇ અવાજ નથી. તેની કારોબારી બેઠકો અને જીપીસીસીની નિયમિત મુલાકાત લેનારાં લોકોને ખબર છે કે તેમાં કોનો કયો અવાજ છે. ઊભરતાં અગ્રણીઓનો ટાંટિયો ક્યાંથી અને ક્યારે ખેંચવાનો છે તેની બધી તડજોડ કોંગ્રેસમાં ખૂબ છે. સૂરતમાં એટલે તો ભરસભામાં રાહુલ ગાંધીને આ મુદ્દો સાંભળવો પડ્યો હતો. તેમનો જવાબ હતો કે, ગહેલોતજીને એટલે જ તો અહીં મોકલ્યાં છે…આ જવાબની પાછળની નગ્ન સચ્ચાઇ છે કે આખેઆખી ગુજરાત કોંગ્રેસનો સ્ક્રૂ ટાઇટ રાખવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનના મારવાડી નેતાને મોકલવા પડ્યાં છે, કોઇ કોંગ્રેસી ગુજરાતી નેતાનું એ પાણી નથી કે રાજ્યમાં દાયકાઓ સુધી શાસન કર્યાં પછી પણ ખોંખારીને પોતાનું માન રખાવી શકે.?તમે જોયું હશે કે રાહુલે ગુજરાતમાં બે માસથી જેટલાં આવરાજાવરાં કર્યાં તેમાં તેમની પ્રચાર એજન્સીએ આપેલી લાઇન પ્રમાણે વર્ત્યાં છે. જીએસટી પાસ કરવામાં કોંગ્રેસની પણ સહમતિ જ હતી, એમ તો વેપારીઓને થોડું યાદ કરાવાય? પાટીદારોને બંધારણની પર જઇને, સુપ્રીમની અવગણના કરીને કઇ રીતે અનામત આપશે તેવું ચોખ્ખું કહીને માંડ મળી રહેલાં મત થોડાં ગુમાવાય..પાટીદાર સમાજમાં યુવા નેતા બનવાની પ્રથમ સભા જીએમડીસીની સભા હતી? ના, એ પહેલાં તેની નેતૃત્વની સઘન તાલીમ થઇ ચૂકી હતી તે ઘણાં નેતાં મોઘમમાં જાણે-જણાવે છે. અલ્પેશનું તો વળી જબરું છે ભાઇ, કોંગ્રેસમાંથી જિલ્લાકક્ષાની ચૂંટણી લડી ચૂક્યો છે ને વળી રાહુલ ગાંધીના માન ખાટીને ‘કોંગ્રેસમાં જોડાયો’! રાહુલને ખબર જ નથી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો જ છે. ઓબીસી પત્તું તાજું કરવું જરુરી તો હતું. કોંગ્રેસના સત્તાપ્રાપ્તિના ત્રિપાંખીયાં જંગમાં ત્રીજા નંબરે છે દલિત કાર્ડ, નેતા નામ છે જિગ્નેશ મેવાણી…આ કાર્ડ કન્હૈયાકુમાર જેવા લેફ્ટિસ્ટ વિચારધારાનું અનુયાયી છે અને આ વિચારધારાથી ભારતનો ઇતિહાસ રક્તરંજિત બની ચૂક્યો છે તેનાથી કોણ ઇન્કાર કરી શકશે?

ભાજપ કંઇ રાષ્ટ્રવાદી, વિકાસવાદી નેતૃત્વનો ઠેકો લઇને બેઠેલો પક્ષ છે ? કોંગ્રેસને જાતિવાદી, વંશાનુગામી, પરિવારવાદી, લોકહિતની ઉપેક્ષા કરનાર, ગુજરાતની ઉપેક્ષા કરનાર, ગુજરાતમાં માફીયારાજ સર્જનાર, જીવાદોરી નર્મદા પરિયોજનાને લઇને અનેક અન્યાયો કરનાર…એવું કહેવા માત્રથી દૂધે ધોયેલ થઇ જાય છે? ના. વિકાસવાદી ગાણાંની વચ્ચે જે પહેલાં કોંગ્રેસના રાજમાં થયો તેવો જ ભ્રષ્ટાચાર અને ઘમંડની રાજનીતિમાં ભાજપીઓ પડવા માંડ્યાં છે. જાતિવાદ ભૂલાવી માંડ મોટાભાગની પ્રજાને પ્રગતિ અને સમૃદ્ધિની રાહ તરફ ફંટાવવાનો આશાવાદ પ્રજાએ સેવ્યો હતો તેમાં ભાજપ હવે પ્રજાના માનસમાં પાછો પડ્યો છે તે નક્કર હકીકત છે. ભાજપ પાટીદારોને પોતાનો પક્ષ મનાવી 22 વર્ષથી રાજ્યમાં સત્તારુઢ થયો છે.બાવીસ વર્ષમાં ગુજરાતના શહેરોની સ્કાયલાઇન બદલી છે, માર્ગવ્યવહાર ઝડપી બન્યો છે, આધુનિક જીવનશૈલીની ઘણી સુવિધાઓ ઝૂંપડાઓમાં પણ નાગરિકોને ટેરવે રમી રહી છે. તો પણ ભાજપે શિક્ષણની ઘોર ખોદી છે કે સરકારી નોકરીઓના મુદ્દે વર્ષોથી કામ કરી રહેલાં કર્મચારીને ટૂંકા પગારમાં રાખી મૂકી તેમના હકનું નથી છીનવ્યું? એ ઇન્કાર ન કરી શકાય તેટલી કક્ષાએ ભાજપે ગુજરાતના લોકોની ઉપેક્ષા કરી છે. જે જવાબદારી રાજ્યસત્તા તરીકે ઉઠાવવાની જ હોય તેને ખાનગીકરણના નામે કેટલાક જૂથોના ફાયદા ખાતર લૂંટાલૂટમાં જનતાને ધકેલી દેવાનું વ્યાપક અહિત ભાજપે જ કર્યું છે. 22 વર્ષ પહેલાં પ્રજાની જે આશા સાથે ભાજપે શાસન મેળવ્યું હતું તેની રાહ પરથી ભાજપ ભટક્યો છે. કોંગ્રેસે જે ભૂલ કરી કરી તેમને સામે ચાલી સત્તા અપાવી હતી તેવાં જ વર્તનવ્યવહાર હવે ભાજપમાં જોવા મળે છે. ગુજરાત કોંગ્રેસના એટલાં બધાં  નેતાઓ લઇ આવ્યાં કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું તેવી છાપ પ્રજામાં પડી છે. ભાજપની ખાસિયત હતી કે તેમાં જનપદમાંથી કામ કરીકરી કાર્યકર્તાઓ નેતૃત્વ સંભાળી પ્રજા સમક્ષ હાજર થતાં હતાં. પણ આ વખતે આ લોકશાહી પક્ષ પણ ભાઇભત્રીજાવાદમાં ટિકીટો ફાળવવાનો કોંગ્રેસનો રાહ અપનાવતો નજરે પડવાની મોટી શક્યતા છે. કોઇ નેતા અમુકતમુક ચૂંટણી જીતતો રહે એટલે એના પરિવારને જ ટિકીટ આપવી પડે તેવું જે તે પક્ષ માનતો થઇ જાય છે તેમ જ શું પ્રજા પણ માને છે?ગુજરાતી નાગરિકની સૂઝબૂઝ જાતિવાદી, પરંપરાવાદી, ફોટો પડાવવાથી,. રોડ સાઇડે નાસ્તાં કરવાથી, સેલ્ફીઓ ખેંચવાની, હીરાઘસુ મશીન ડેમો કરવાથી,મંદિરોમાં દર્શન કરવાની ખબર પડવાથી, બંધ એસી હોલમાં વેપારીઓની વાતો સાંભળવાથી, આબાલવૃદ્ધોને મળવાથી, ખેડૂતોને મળવાથી… એવા એવાં ‘નવાં અંદાજ’ ની નેતાઓની હીરોઇક ઇમેજ બિલ્ડંગની કૂટનીતિમાં અંજાઇ જવામાં બાધિત થઇ જવાની છે?  દેશદેશમાં ફરી ફરી લોકશાહી રાષ્ટ્રમાં કેવી રીતે કામકાજ થાય છે તેવું નજરે નિહાળનાર પાકો ગુજરાતી હરવાફરવાના ગતકડાંની માયાજાળથી નહીં, શું કામ કર્યું છે તે ઝીણી નજરે જોતો જ રહે છે. આ એ મતદાતાની તાકાત જ છે જેણે ભારતના બંધારણના અમલને સીત્તેર વર્ષે પ્રાણવંત રાખ્યું છે. પક્ષોએ કરેલાં પ્રચાર તો ઠીક છે ભાઇ, અમારે તો અમારો લોકાધિકાર વાપરવાનો છે, મતાધિકાર વાપરવાનો છે એટલે મત તો આપીશું પણ એમ ન માનશો કે તમારી બધી વાતે પ્રજા તરીકે સહમતિ છે.

મતની તાકાત શું તે દરેક રાજકીય પક્ષને ખબર છે પણ જનતાને નહીં હોય તો એવી સ્થિતિ લોકશાહીના પ્રાણને આઈસીયુમાં લઇ જનાર નીવડી શકે છે તેવી સતર્કતા દરેક મતદાતા કેળવે એ પ્રચારની રોશનીની ચકાચૌંધ વચ્ચે જરુરી છે. લોકશાહી દેશ તરીકે આપણે ક્યાં છીએ અને આપણાંમાંથી જુદા પડી બનેલાં દેશ ક્યાં છે તેના લેખાંજોખાં કરવાથી સમજાય જ છે કે વોટિંગથી આવેલો પક્ષ લોકોને ન ભૂલે, લોકોના હિતને ન ભૂલે..અને ભૂલે તો ભગાડી દેવાનો મિજાજ કેળવવાનો સમય એટલે ચૂંટણીનું ટાણું. જે કામ ટાણે થાય એ વાણે ન થાય.

અહેવાલ- પારુલ રાવલ