ચૂંટણી ગિફ્ટઃ ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દરરોજ એક નવી રાહતોની લ્હાણી કરી રહી છે, પણ આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે ગુરુવારે બપોર બે વાગ્યે ઢગલાબંધ રાહતોની લ્હાણી કરી નાંખી છે. પાટીદારો સામેના તમામ કેસો પાછા ખેંચવાની પણ જાહેરાત કરી હતી.

ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે વારાફરતી દીવાળી અગાઉની ભેટ આપતાં હોય તેવી રીતે જાહેરાતો કરી હતી. તેમજ રાહુલ ગાંધી સામે પણ આક્ષેપો કરવાનું પણ તેઓ ચુક્યા ન હતા. રાહુલ ગાંધીને પ્રદેશ નેતાઓ ચિઠ્ઠીમાં લખીને આપી દે છે, અને તે વાંચી જાય છે, તેનો શું અર્થ છે, તેમને ખબર નથી હોતી.

કર્મચારીઓને રૂા.૩૫૦૦ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે

નાયબ મુખ્‍યપ્રધાન અને નાણાપ્રધાન નિતીનભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દીવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને રૂા.૧૧.૮૭ કરોડનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અંદાજે પાંત્રીસ હજાર કર્મચારીઓને લાભ મળશે.

એસ.ટી.નિગમના કર્મચારીઓને ૨૧ માસના HRAની રકમ ખાસ કિસ્‍સામાં ચુકવાશે

નિતીનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના અધિકારી-કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના સેટલમેન્‍ટ મુજબ HRAની ૨૧ માસની રકમ ખાસ કિસ્‍સામાં ચુકવાશે. એસ.ટી. નિગમના અધિકારી-કર્મચારીઓને તા.૦૧.૦૪.૨૦૦૯ થી તા.૩૧.૧૨.૨૦૧૦ સુધીના સમયગાળા માટે સુધારેલ એચ.આર.એ ના તફાવતની રકમ, ખાસ કિસ્‍સામાં ચુકવાશે. તે માટે રાજય સરકારને રૂા.૬૮.૬૯ કરોડની નાણાંકીય સહાયની રકમ એસ.ટી. નિગમને ફાળવી આપેલ છે, જેના કારણે એસ.ટી.ના કર્મચારીઓને તેનું ચુકવણું કરી દેવામાં આવશે. જેનો લાભ નિગમના ૪૧૦૦૦ કર્મચારીઓને મળશે.

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે આનંદના સમાચાર

ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે રાજય સરકારે મહત્‍વનો નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્‍યુ કે કાયમી અસમર્થ બને તો તેવા સંજોગોમાં રહેમરાહે નોકરી અપાશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્‍યુ થાય ત્‍યારે તેના વારસદારોને જીવન નિર્વાહ માટે તકલીફ ન પડે તે માટે મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણીની સરકારે નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકાઓમાં જો વારસદાર નોકરીના બદલે જો રોકડ સહાયની માંગણી કરે તો મહાનગરપાલિકા સહાય આપી શકશે. પરંતુ પછી તેના વારસદારને આ હકક મુજબ નોકરી મળશે નહીં.

રાજયની નગરપાલિકાઓમાં જગ્‍યા પર ફરજ બજાવતા કાયમી સફાઇ કર્મચારીઓ અશકતતા કે માંદગીના કારણોસર કે અન્‍ય અસામાન્‍ય કારણોને લીધે ફરજો બજાવી શકે તેમ ન હોય, અશકતતા/માંદગીના કારણે નોકરી કરવા અસમર્થ બને તેવા કિસ્‍સાઓમાં રહેમરાહે નોકરી આપવામાં આવશે, તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે શહેરી વિકાસ વિભાગે આ માટે ૪૮% મહેકમ ખર્ચની જે મર્યાદા હતી તે સફાઇ કામદારોની ભરતી કરવા માટે કેટલીક શરતો સાથે રદ કરી છે, જેથી હવે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માટે નગરપાલિકાને વધુ સત્તા મળશે.

 

ઉર્જા નિગમની વિવિધ કંપનીઓમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા ફિકસ પગારદાર કર્મચારીના વેતનમાં વધારો

ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, ગુજરાત સરકારે તેના અધિકારી/કર્મચારીઓને ૭ માં પગાર પંચના લાભો પુરો પાડયા છે. સાથે સાથે ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં પણ ઉત્તરોતર વધારો કર્યો છે. ત્‍યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેની સહયોગી કંપનીઓમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોના ફિકસ પગારમાં પણ નોંધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે, જેનો લાભ ૭,૦૪૯ કર્મચારીઓને મળશે અને વિદ્યુત કંપનીઓને રૂા.૨૨.૬૯ કરોડનું વધારાનું ભારણ થશે.

આ નિગમોમાં ચાર કેડરોમાં વિદ્યુત સહાયકો ફરજો બજાવે છે. જેમાં ઇલેકટ્રીકલ આસીસ્‍ટન્‍ટ/ હેલ્‍પર, જુનીયર આસીસ્‍ટન્‍ટ, પ્‍લાન્‍ટ એટેડન્‍ટ (ગ્રેડ-૧), જુનીયર એન્‍જિનીયર કેડરના ૭૦૪૯ જેટલા કર્મચારીઓને આ લાભો મળશે. જેમાં ઇલેકટ્રીકલ આસીસ્‍ટન્‍ટ/ હેલ્‍પરના કિસ્‍સાઓમાં રૂા.૨૫૦૦, જુનીયર આસીસ્‍ટન્‍ટ અને પ્‍લાન્‍ટ એટેડન્‍ટ (ગ્રેડ-૧)ના કિસ્‍સામાં રૂા.૩૫૦૦ તથા જુનીયર એન્‍જિનીયર કેડરમાં રૂા.૫૦૦૦ નો વધારો કરાયો છે.

ઔડા વિસ્‍તારમાં આવતા રીંગ રોડ પર થ્રી અને ફોર વ્‍હીલર વાહનો પર લેવાતો ટોલ ટેકસ નાબૂદ

અમદાવાદના ઔડા વિસ્‍તારની હદમાં આવતા સરદાર પટેલ રીંગ રોડ પર નાના વાહનો એટલે કે પેસેન્‍જર રીક્ષા અને ફોર વ્‍હીલર કાર પર લેવામાં આવતો ટોલ ટેક્ષ નાબૂદ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણય થી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના ગ્રામ્‍ય વિસ્‍તારના હજારો નાગરિકોને લાભ મળશે.

ઔડાની આ દરખાસ્‍તને મંજૂરી આપવામાં આવી છે. રીંગ રોડ ઉપર દિવસ દરમિયાન અંદાજે ૧૧,૦૦૦થી વધુ મોટરકાર અને રીક્ષા પસાર થાય છે, જેનો અંદાજિત રૂા.૮ કરોડ જેટલો ટોલ ટેક્ષ ઔડા દ્વારા ટોલ ટેક્ષ કંપનીને ચુકવાશે. શહેરી વિકાસ વિભાગ અને ઔડા દ્વારા લેવાયેલ આ નિર્ણય થી આ રીંગ રોડ ઉપરથી પસાર થતાં લાખો નાગરિકોને સમય સાથે નાણાની પણ બચત થશે.

 

 8 લાખથી વધુ અધિકારી/કર્મચારી- પેન્શનરોને એક ટકા મોંઘવારી ભથ્થાનો લાભ

રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી અને પેન્શનરોને ૧ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્ય સરકારને ૨૭૩ કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉપાડવો પડશે. રાજ્યના અધિકારી / કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. રાજય સરકારના અધિકારી / કર્મચારીઓ તેમજ પેન્‍શનરોને મળી કુલ-૮,૨૦,૭૬૪ અધિકારી / કર્મચારીઓને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરીને પગાર અને પેન્‍શન ચુકવવામાં આવી રહ્યુ છે. તેના ઉપર હવે આ એક ટકા મોંઘવારી ભથ્થું તા.૦૧.૦૭.૨૦૧૭ થી રોકડમાં ચુકવવામાં આવશે.