રાજસ્થાનમાં હવે ખરી લડાઈ કોંગ્રેસની આંતરિક લડાઈ હશે

લોકતંત્રમાં ચૂંટણી આવે ત્યારે હરિફ રાજકીય પક્ષો એકબીજા સામે લડે. ચૂંટણી ના હોય ત્યારે રાજકીય પક્ષોમાં સૌ નેતાઓ અથવા જૂથો આંતરિક લડાઈ લડે. આ દુનિયાના પ્રમાણમાં વિકસિત દેશોની રાજકારણની તાસીર છે. રશિયા અને ચીન જેવા દેશોમાં માત્ર આંતરિક લડાઈ જ અગત્યની હોય છે. હરિફ પક્ષ ફક્ત દેખાવ ખાતર હોય છે. આંતરિક લડાઈમાં નેતા જીતે ત્યારે હરિફ જૂથોના ઓલમોસ્ટ ખાત્મો બોલાવી દેવાય. ચીનમાં શી જિનપિંગ બિનધાસ્ત આજીવન પ્રમુખ બની ગયા છે. તેમને હવે ચૂંટાવાની ચિંતા નથી. રશિયામાં વ્લાદિમીર પુટીને ચૂંટણી જીતવા માટેનો દેખાવ અને ગોઠવણ કરવી પડે છે.ભારતીય રાજકારણમાં પણ ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો એકબીજા સામે લડી લે. (પછી હોંશિયાર સીએમ વિપક્ષના બે ચાર મહત્ત્વના નેતાઓને સાચવી લે, જેથી ફરીથી જીતી શકાય. ગુજરાતમાં આ ખેલ બે દાયકા ચાલ્યો છે. નરેન્દ્ર મોદી કોંગ્રેસના પાંચ નેતાઓને ‘સાચવી’ લેતા હતા.) ભારતના લોકતંત્રમાં વિશેષતા એ છે કે ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષમાં આંતરિક રીતે પણ નેતાઓ લડી લે. ઘણીવાર સામો પક્ષ કેટલો મજબૂત છે, તેના કરતાં સ્વપક્ષમાં કેટલી ઓછી આંતરિક લડાઈ છે તેના આધારે પણ બળાબળની કસોટી થતી હોય છે.
રાજકીય પક્ષોમાં નેતાઓ વચ્ચે આંતરિક સ્પર્ધા નવી વાત નથી કે નવાઈની વાત નથી.
મૂળ સ્પર્ધા કરવા ટેવાયેલા લોકો જ રાજકારણમાં આવ્યા હોય છે, એટલે તેમને ચેન પડે નહીં. પરંતુ બીજા દેશોમાં આંતરિક સ્પર્ધાને થોડી પદ્ધતિસરની કરવામાં આવી છે. ચૂંટણી ના હોય ત્યારે આંતરિક સ્પર્ધા ચાલે, અમેરિકામાં તો સત્તાવાર રીતે ચાલે અને આખરે ઉમેદવારો નક્કી થાય ત્યાર પછી આંતરિક સ્પર્ધા પૂરી અને હરિફ પક્ષ સામેની લડાઈ ચાલી. ભારતમાં ઉમેદવારોની પસંદગી એટલે કે ટિકિટોની વહેંચણી વખતે જ સૌથી વધુ આંતરિક સ્પર્ધા જામે છે. તેમાં વ્યક્તિગત લડાઈ ઉપરાંત સ્થાપિત હિતો, જ્ઞાતિ જૂથોની સ્પર્ધા પણ હોય છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેમાં આ પેટર્ન કોંગ્રેસમાં વધારે સ્પષ્ટપણે આ વખતે પણ દેખાઈ રહી છે. ભાજપ એ પેટર્નમાંથી બાકાત નથી. વસુંધરા રાજે સામે જબરો અસંતોષ છે. જશવંત સિંહના પુત્ર હાલમાં જ પક્ષ છોડીને ગયા. થોડા મહિના પહેલા એક જૂના ધારાસભ્ય જુદા થયા અને નોખો પક્ષ બનાવ્યો છે. પણ વર્તમાન સ્થિતિમાં ભાજપનું મોવડીમંડળ એટલું પાવરફૂલ બન્યું છે કે બળવાને દાબી દેવામાં આવે છે. ભારે વિરોધ છતાં રાજેનું રાજીનામું લેવાયું નથી. (વિરોધને કારણે કોઈનું રાજીનામું ના લેવું એ નરેન્દ્ર મોદીની પદ્ધતિ છે, જે સફળતાપૂર્વક ચાલી છે. હાલમાં તેમાં સંઘના કહેવાથી અપવાદ કરવો પડ્યો અને એમ. જે. અકબરનું રાજીનામું લેવું પડ્યું.)
ટૂંકમાં ભાજપના આંતરિક જૂથની ચર્ચા માટે જરૂરી મસાલો મળતો નથી, જ્યારે કોંગ્રેસમાંથી ભરપુર માહિતી મળતી રહે છે એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેમાં કોંગ્રેસ સારી સ્થિતિમાં છે ત્યારે કેવી જૂથબંધી નડશે તેનો અફસોસ અત્યારથી વ્યક્ત થવા લાગ્યો છે. તે અફસોસ અને અસંતોષ પત્રકારો સુધી પહોંચે છે અને રાજસ્થાનમાં રાજકીય ગોસીપ પ્રમાણે સચિન પાયલટને પક્ષમાં હવે કોંગ્રેસના વસુંધરા રાજે કહેવાવાનું શરૂ થયું છે. રાજે તુંડમિજાજી મનાય છે. કાર્યકરો સાથે સારી રીતે વાત કરતા નથી. સચિન પાયલોટ માટે પણ એવી ફરિયાદો શરૂ થઈ છે.
એ ફરિયાદો પાછળ રાજસ્થાનના વર્ષો જૂના જ્ઞાતિ જૂથો છે. ભાજપમાં પણ આ જ જૂથો સક્રીય છે, પણ કોંગ્રેસમાં વધારે પ્રબળ રીતે તેમનો સંઘર્ષ દેખાય છે. પોતાના જ્ઞાતિ જૂથોની આગેવાનીને કારણે મજબૂત બનેલા નેતાઓએ વ્યક્તિગત રાજકારણ જેટલું જ મહત્ત્વ જૂથના રાજકારણને આપવું પડે. ઘણા વર્ષો પછી કોંગ્રેસ પક્ષ એક ગુર્જર નેતા સચિન પાઇલટને આગળ કરી રહ્યો છે. તેના કારણે ગુર્જરની સામે મીણા જૂથમાં સળવળાટ છે. ગ્રામીણ વિસ્તારોમાં બીજા હરોળની જ્ઞાતિ લડાઈમાં ગુર્જર અને મીણા સીધા ટકરાતા હોય છે. ગુર્જર અને રાજપૂત, ગુર્જર અને જાટ, અને ગુર્જર અને યાદવ વચ્ચે સ્પર્ધા ખરી, પણ મુખ્ય સ્પર્ધા ગુર્જર અને મીણા વચ્ચે હોય છે. ગત દાયકામાં ગુર્જર અનામત માટે અને મીણા અનામત માટે આંદોલનો થયા હતા. કિરોડીમલ મીણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા હતાં. તે પછી પણ કોંગ્રેસમાં મીણા નેતાઓનું નાનકડું જૂથ છે, પણ મજબૂત નેતા ના હોવાથી આખરે ગુર્જર જૂથે માથું કાઢ્યું છે એમ તેમને લાગે છે. તેથી ટિકિટની વહેંચણી પછી આ લાગણી વધારે સ્પષ્ટ બનશે તો કોંગ્રેસે સંભાળવું પડશે.જુદા જુદા સર્વેમાં અત્યારે સચિન પાઇલોટનું નામ આગળ આવ્યું છે. મુખ્યપ્રધાન તરીકે કોને પસંદ કરો છો તેવા સવાલના જવાબમાં એક સર્વેમાં પાઇલોટને 36 ટકા સમર્થન મળ્યું. મુખ્યપ્રધાન હોવા છતાં રાજેને રાત્ર 27 ટકા, જ્યારે કોંગ્રેસના જૂના નેતા અશોક ગેહલોતને 24 ટકા સમર્થન મળ્યું. ગેહલોતને સાથે રાખીને કોંગ્રેસ યુવા નેતા તરીકે પાઇલોટને પ્રોજેક્ટ કરે છે તેનો આ ફાયદો દેખાયો છે. પરંતુ રાજકારણમાં કોઈ સ્પર્ધા કે મહાત્ત્વકાંક્ષા કાયમ માટે ખતમ થઈ જતી નથી. ગેહલોતને રાષ્ટ્રીય રાજકારણમાં વધારે સક્રીય કરાયા છે, પણ તેઓ રાજસ્થાનમાંથી પોતાનો પગ નીકળી ના જાય તેની કોશિશ કરશે. ઉમેદવાર પસંદગીની કવાયતમાં પાઇલટ અને ગેહલોત વચ્ચે ચણભણ શરૂ થયાની ગોસીપ છે. આ વાત આગળ વધશે કે ઠરી જશે તેના પર કોંગ્રેસના દેખાવનો ઘણો મદાર રહેશે.ગુર્જર અને મીણા ઉપરાંત બંને પક્ષોમાં રાજપૂત અને જાટ જૂથો પણ વર્ચસ્વ માટે કોશિશમાં લાગેલા હોય છે. હરિયાણા સરહદે યાદવ જૂથો પોતાનું વર્ચસ જળવાઈ રહે તે માટે કોશિશ કરતા હોય છે. આઝાદી પછી આ પાંચ જૂથો વચ્ચે વર્ચસની લડાઈ ચાલતી રહી તેમાં ભૈરોસિંહ શેખાવતને લાંબો સમય સત્તા મળી હતી. તેથી લાંબા સમયથી રાજપૂત ભાજપના ટેકામાં રહ્યા છે, જ્યારે બાકીના જૂથો કોંગ્રેસ તરફ ઢળતા રહ્યા છે. પરંતુ કોંગ્રેસમાં આખરી નિર્ણય દિલ્હીથી મોવડીમંડળ લેતું હોય છે, તેના કારણે જૂથબંધીમાં સ્થાનિક મજબૂત કોણે છે, તેના કરતાં દિલ્હીમાં કયા નેતાનું ચાલે છે તે મહત્ત્વનું હોય છે. દિલ્હીના આધારે કોઈ નેતાની તરફેણ થાય, ત્યારે તેમના હરિફ જ્ઞાતિ જૂથો પક્ષને જ નુકસાન કરતાં હોય છે.
આ વગદાર જૂથોની સામે ટકી રહેવા માટે અન્ય નાના જૂથો અને દલિતો તથા મુસ્લિમોએ પણ કોશિશ કરવાની હોય છે. જ્ઞાતિ જૂથો વચ્ચે વર્ચસની લડાઈમાં ઘણીવાર પક્ષનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે, સિવાય કે મુસ્લિમો. દલિતો ભાજપ અને કોંગ્રેસમાંથી કયો ધારાસભ્ય ઓછો નડી શકે છે તે ધ્યાનમાં લઈને પસંદગી કરતા હોય છે. મુસ્લિમો માટે બિનભાજપી પક્ષોનો જ વિકલ્પ હોય છે. કોંગ્રેસ પણ પસંદ ના પડે એવું બને, ત્યારે બીએસપી કે પ્રાદેશિક પક્ષ તરફ નજર દોડાવવામાં આવે, પણ છેવટે કોણ જીતી શકે તેમ છે તેના આધારે નિર્ણયો લેવાતા હોય છે. રાજસ્થાનમાં દલિતો વિરુદ્ધ તોફાનોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા બનાવોમાં ગુર્જરો વધારે સંડોવાયેલા રહ્યા છે. તેના કારણે ભાજપ કોશિશ કરશે કે દલિતોને ગુર્જર વિરુદ્ધ ભડકાવે. પાઇલટ ગુર્જર નેતા છે અને આમ પણ માથાભારે કોમ હેરાનગતિ કરે છે, ત્યારે તેમના નેતા મુખ્યપ્રધાન બને તો ત્રાસ વધશે તેવો પ્રચાર કરવાની કોશિશ થશે. જોકે રાજપૂત અને જાટની જોહુકમી પણ દલિતોએ ભોગવવી પડે છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં દલિતો અને ગુર્જરો સામસામે આવી જાય તેવી શક્યતા વધારે હોય છે.
બીએસપી સાથે ગઠબંધન નથી થઈ શક્યું તે પણ મહત્ત્વનો મુદ્દો સાબિત થઈ શકશે. સચિન પાઇલટની ઇચ્છા ગઠબંધન કરવાની હતી, પણ ગેહલોત જૂથ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માનતા હતાં કે આ વખતે મજૂબત સ્થિતિ છે ત્યારે બેઠકો બીએસપીને ફાળવીને બગાડવાની જરૂર નથી. રાષ્ટ્રીય કક્ષાના રાજકારણને ધ્યાનમાં રાખીને પણ કોંગ્રેસ અને બીએસપી વચ્ચે ગોઠવણ થઈ શકી નથી. તેની અસર સ્થાનિક રાજકારણમાં અલગ રીતે પડશે. કોંગ્રેસમાં આજે જ્યારે ગુર્જર જૂથનું વર્ચસ્વ આમ પણ વધ્યું છે, ત્યારે દલિતોને સાથે રાખવા માટે તેઓ તૈયાર નથી તેવી લાગણી કોંગ્રેસના દલિતો જૂથોને પણ થઈ શકે છે.
પત્રકારો અને વિશ્લેષકો કેટલીક તાર્કિક દલીલો સાથે સ્થિતિની ચર્ચા કરતાં હોય છે, છતાં રાજકીય નેતાઓ જુદા જ પ્રકારના નિર્ણયો લેતા હોય છે. તેની પાછળનું કારણ આ પ્રકારની આંતરિક જૂથબંધી અને પક્ષને નુકસાન થતું હોય તેના ભોગે પણ હરિફ જૂથને નુકસાન કરવાનું રાજકારણ પ્રબળ બનતું હોય છે. ગુજરાતની ચૂંટણીમાં તેનો વારંવાર અનુભવ થાય છે. જીતવાની શક્યતા હોવા છતાં અમુક જૂથ જીતી ના જાય તે માટે આંતરિક જૂથબંધી એટલી પ્રબળ બને કે સરવાળે સમગ્ર પક્ષને હાર મળે. ભાજપમાં હાલમાં એવી સ્થિતિ છે કે એક જૂથ અત્યંત મજબૂત છે અને તેમના હરિફ જૂથો ચેલેન્જ કરી શકે તેમ નથી. કોંગ્રેસમાં પણ ત્રણેક દાયકા પહેલાં એ સ્થિતિ હતી. તેનો અર્થ એ થયો કે ચૂંટણીના મેદાનમાં ખરેખર પક્ષ જીતતો નથી, પણ આંતરિક લડાઈમાં કોઈ એક જૂથ સંપૂર્ણપણ સર્વોપરી થઈ જાય ત્યારે આખરે પક્ષ એક થઈને લડે અને ચૂંટણીમાં જીતે. ભારતીય રાજકારણની આ પણ અજબ તાસીર છે, અને સમજવી જરા  અટપટી અને અઘરી છે.