ગુજરાતમાં ભાજપ આવશે કે કોંગ્રેસ ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પતી નથી કે તરત ચોરેને ચૌટે બસ એક જ વાત ચર્ચાય છે ભાજપ આવશે કે કોંગ્રેસ? કોની સરકાર રચાશે?, ભાજપ આવશે તો કોણ મુખ્યપ્રધાન? અને ધારોકે કોંગ્રેસ આવી તો મુખ્યપ્રધાન કોણ? અને જો ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે આવી તો રૂપાણી સીએમ બનશે ખરાં? આવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે. પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ પુરું થયું છે. પણ 2012ની વિધાનસભાની ચૂંટણી કરતાં 2017માં મતદાન 3.61 ટકા ઘટ્યું છે. મતદાનની ટકાવારી વધવાની ધારણા હતી, પણ મતદાન ઘટતાં હાલ ભાજપ અને કોંગ્રેસ બન્ને ખેમામાં ચિંતાનું મોજું છે, શું થયું હશે કોને ફાયદો થશે. હવે તો 18મી ઝડપથી આવે તો ખબર પડે. હાલ તમામના જીવ પડીકે બંધાઈ ગયાં છે.2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર દેશ અને વિદેશની નજર છે. ચૂંટણી પ્રચારમાં પણ કયારેય ન થયો હોય તેવો વાણીવિલાસ થયો. નવા મુદ્દા ઉછળ્યાં, જૂનાં મુદ્દાને ઉલેચી ઉલેચી કાઢવામાં આવ્યાં, હિન્દુત્વનું કાર્ડ ખેલાયું, રામ ભગવાન પણ આવ્યાં, ઔરંગઝેબ પણ આવ્યાં, ‘નીચ’ જેવા શબ્દનો પ્રયોગ થયો, એકતરફ વિકાસની વાત હતી, તો બીજી તરફ નોટબંધી અને જીએસટીથી દેશની પ્રજાને પડેલી હાલાકી હતી, ભાજપમાંથી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી અને સામે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ પ્રચારમાં આગેવાની લીધી હતી. મતદાનના છેલ્લાં અઠવાડિયામાં તો એવું લાગતું હતુ કે નરેન્દ્ર મોદી વર્સિસ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે. પણ બન્નેમાંથી એકેય નેતા ચૂંટણી લડતાં નથી, માત્ર તેમના પક્ષની કમાન સંભાળી હતી. પણ તેઓ વધારે હાઈલાઈટ્સ થયાં. અન્ય નેતાઓ ચૂંટણી પ્રચારમાં કોઈએવો નોંધનીય પ્રભાવ પાડી શક્યાં નથી. બોલીવૂડ પણ ના ચાલ્યું, પીએમ મોદીના ચૂંટણી પ્રચારમાં પાછળથી વિકાસ શબ્દ જ જતો રહ્યો હતો. માત્ર કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધીના પેઢી રાજ અને ભ્રષ્ટાચાર પર સીધા આક્ષેપ હતા. તો સામે રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપના નેતાઓનું ઘમંડપૂર્વકનું(અહંકારીરીતે) રાજ ચલાવવું, જાતિવાદ વગેરે મુદ્દા રજૂ કરીને પ્રજા પાસે મત માગ્યાં હતાં.

તો ભાજપ માટે બીજી બાજુ ખૂબ વરવી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને માટે માથાના દુઃખાવા જેવો બની રહ્યો. અંતે હાર્દિકે કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ભાજપને મત નહીં આપવાના શપથ લેવડાવ્યા હતાં. વર્ષોથી પાટીદારો ભાજપ સાથે રહ્યાં, અને આ વખતે હાર્દિક પટેલના કહેવાથી પાટીદારો કોંગ્રેસ સાથે રહ્યાં એવું માનવામાં આવશે, જો કોંગ્રેસ જીતશે તો. સેક્સ સીડી બહાર આવી હોવા છતાં હાર્દિક પટેલની સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેલીમાં ભીડ જોવા મળી હતી, ભલે તેના એકસમયના ગાઢ સાથીદાર બાંભમીયાએ આક્ષેપ કર્યો હોય કે પૈસાથી રેલીઓ યોજાઇ છે. હાર્દિક પાટીદારોની ભીડ એકઠી કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવડાવ્યાં ત્યારે ભાજપને હરાવવાનો મુદ્દો તેને માટે મહત્ત્વનો હતો, અનામત લેવાનો નહીં.પાટીદારો પછી ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસમાં જોડાઈને વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારી પણ નોંધાવી હતી. ઠાકોર સમાજને એકઠો કરવામાં અલ્પેશ ઠાકોરને સારી સફળતા મળી છે. દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસના ટેકા સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં. આમ આ ત્રણ ફેકટર ભાજપ માટે મોટો પડકાર હતાં.

ઠાકોર સમાજ અને દલિત સમાજ તો કોંગ્રેસના જ હતાં. પણ પાટીદારોના ભાગલા પડ્યાં જે ભાજપને નુકશાનકર્તા સાબિત થશે. ગ્રામ્ય વિસ્તારોના પાટીદારો ભાજપ વિરુદ્ધ ગયા છે તેવો સર્વે છે. પણ શહેરના પાટીદારો ભાજપ સાથે રહ્યાં છે. બીજું ભાજપને માર પડશે તો સૌરાષ્ટ્ર, સૂરત અને ઉત્તર ગુજરાતમાં…

એક તો મતદાન ઘટ્યું, અને બીજુ પાટીદારોમાં ભાગલા પડ્યાં, જે ભાજપને નુકશાનકર્તા છે. અત્યાર સુધીનું ગણિત હતું કે મતદાનની ટકાવારી વધે તો ભાજપને ફાયદો થાય, પણ જ્યારે ટકાવારી ઘટે તો ભાજપને દેખીતું નુકશાન થાય તે સ્વભાવિક છે. હાલ તો ભાજપ દ્વારા 150 પ્લસ બેઠકો મળવાનો દાવો કરાઈ રહ્યો છે. તો સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની કહેવા પ્રમાણે 132 બેઠકો કોંગ્રેસને મળે છે. એક્ઝિટ પૉલમાં ગુજરાતમાં ભાજપની સરકાર રચાઈ રહી છે, તેમ 110થી વધુ બેઠકો આવવાનો સર્વે રજૂ કર્યો છે. આમ તો એક્ઝિટ પોલ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં સાવ ખોટા પડ્યાં હતાં. જેથી હવે એક્ઝિટ પોલ પર કોઈને વિશ્વાસ રહ્યો નથી. આપણે વાત કરતાં હતાં કે ભાજપને કેટલુ નુકશાન થશે. તો દેખીતી વાત છે કે કોઈ ચમત્કાર થાય તો જ ભાજપને સ્પષ્ટ બહુમતી કરતાં વધુ બેઠકો મળશે.

આ વખતની ચૂંટણીમાં અપક્ષોનો રાફડો ફાટ્યો છે. એક અભ્યાસ અનુસાર 2012ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં 60 બેઠકો એવી હતી કે જેમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ જ ઓછી સરસાઈ મળી હતી. તે વખતે જીપીપી મેદાનમાં હતું. આ વખતે પાટીદારો ભાજપ સામે છે. જેથી ઓછા માર્જિનવાળી અને બળવાવાળી 60 બેઠકો પર ભાજપ માટે ખૂબ જ કપરા ચઢાણ હશે. ભાજપ આવી બેઠક પરથી જીતશે તો પણ ખુબ ઓછી સરસાઈથી જીત મેળવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 12 બેઠકો એવી હતી, કે જેમાં ભાજપે 5000થી ઓછા મતથી જીત મેળવી હતી. જેના નામ પર નજર કરીએ તો આણંદ, સાવરકુંડલા, ડેડિયાપાડા, બાપુનગર, મોરબી, જામનગર દક્ષિણ, થરાદ, કરજણ, રાધનપુર, ગાંધીનગર ઉત્તર, પાવી જેતપુર, પાદરા અને અંજાર બેઠકનો સમાવેશ થાય છે. આ વખતે આ 12 બેઠકોના પરિણામ ટ્રેન્ડ સેટર બની રહે તો નવાઈ નહીં.

ભાજપના 20થી વધુ નેતાઓ અને કાર્યકરો ટિકીટ નહી મળતાં બળવો કરીને અપક્ષ કે એનસીપીમાં ઉમેદવારી કરી છે. આવા બળવાખોર કાર્યકરો પણ ભાજપનો ખેલ બગાડી શકે છે. જામનગર ગ્રામ્ય, સાંણદ, કપડવંજ, મહેમદાવાદ અને લૂણાવાડામાં બળવાખોરો ભાજપને નુકશાનકર્તા સાબિત થશે. ભાજપમાં ટિકીટ નહી મળતાં તેવા નિરાશ થયેલા ઉમેદવારો પણ જેને ટિકીટ મળી છે, તેવા ઉમેદવારોને હરાવવા પાછળથી દાવપેચ ખેલ્યાં હશે, તે પણ ભાજપને નુકશાન કરી શકે છે.

18 ડિસેમ્બરે કોંગ્રેસને 61 બેઠકો પર જેટલી વધુ બેઠકો મળે તે બધુ બોનસ છે. પણ ભાજપને જેટલી ઓછી બેઠકો મળશે તે દેખીતું નુકશાનકારક સાબિત થશે. ટૂંકમાં આ ચૂંટણી વિકાસ, શાંતિ, સલામતી, હિન્દુત્વ, નીચ, ગુજરાતનો દીકરો, જીએસટીની રામાયણ, નોટબંધીથી મુશ્કેલીઓ, કોંગ્રેસનો ભષ્ટ્રાચાર, અનામત આંદોલન, જાતિવાદ, વંશવાદ જેવા અનેક ફેકટરો પર લડાઈ છે. હવે 18 ડિસેમ્બરે ઈવીએમ ખુલશે પછી જ ખબર પડશે કે પ્રજા કયા મુદ્દા સાથે ગઈ છે અને પ્રજાને શું જોઈએ છે અને શું નથી ગમ્યું?

અહેવાલ- ભરત પંચાલ