‘ભારત જોડો’ થી મતદારો જોડાશે?

– તો, રાહુલ ગાંધીની બહુચર્ચિત ભારત જોડો યાત્રા એના અંતિમ ચરણમાં આવી ચૂકી છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં એના સમાપન સમારોહમાં શરદ પવાર, મમતા બેનરજીથી માંડીને અખિલેશ યાદવ સહિતના તમામ નાના-મોટા વિપક્ષી દળો હાજર રહે એ માટે મલ્લિકાર્જુન ખડગેએ બધાને પત્ર લખીને આમંત્રણ આપ્યું છે. ઇરાદો સ્પષ્ટ છેઃ 2024 પહેલાં વિપક્ષી દળોને એકજૂટ કરવાનો. અલબત્ત, એમાંથી કેટલા આવે છે અને આવે છે એમાંથી ય કેટલા છેક 2024ની ચૂંટણી સુધી કોંગ્રેસની સાથે ટકી રહે છે એ તદ્દન સામા છેડાનો સવાલ છે.

7 સપ્ટેમ્બર, 2022ના રોજ દક્ષિણ ભારતમાં કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા અત્યારે અગિયારમા રાજ્ય પંજાબમાંથી પસાર થઇ રહી છે. 30મી એ કશ્મીરમાં એનું સમાપન થશે ત્યારે એ 150 દિવસમાં 12 રાજ્યમાંથી 3750 કિલોમીટરનું અંતર કાપી ચૂકી હશે. સાડા ત્રણ હજાર કિલોમીટરની આ સફરમાં રાહુલ ગાંધીને દક્ષિણથી ઉત્તર સુધીનું ભારત જોવાની તક મળી છે. કમલ હસન, રઘુરામ રાજન જેવા સેલેબ્રિટીઝથી માંડીને સાવ અદના કહી શકાય એવા લોકો સાથે વાતો કરવાની, એમને સમજવાની તક મળી છે. આ તકનો ઉપયોગ એ ક્યાં, કેવી રીતે અને કેવો કરી શકે છે એ તો ભવિષ્યમાં ખબર પડશે, પણ રાહુલની આ યાત્રા બધાનું ધ્યાન ખેંચવામાં ધાર્યા કરતાં વધારે સફળ રહી છે એટલું સ્વીકારવું પડે.

આમે ય, ભારતીય રાજકારણમાં ‘યાત્રાનું રાજકારણ’ હંમેશ મહત્વનું રહ્યું છે. એલ. કે. અડવાણીની અયોધ્યા યાત્રા, મુરલી મનોહર જોશીની એકતા યાત્રા, નરેન્દ્ર મોદીની ગુજરાત ગૌરવ યાત્રા, ચંદ્રશેખરની ભારત યાત્રા, એન. ટી. રામારાવની ચૈતન્ય રથમ યાત્રા જેવી અનેક યાત્રાઓ જે તે વ્યક્તિને કે પક્ષને ફળી છે. મમતા બેનરજી સહિત અનેક પ્રાદેશિક નેતાઓ પણ પોતપોતાના રાજ્યમાં યાત્રાની મદદથી સત્તારોહણ સુધી પહોંચવામાં સફળ થયા છે.

સવાલ એ છે કે, યાત્રાનું રાજકારણ કે રાજકારણની યાત્રા બીજા બધાને ફળી એવી રાહુલ ગાંધીને ફળશે? 2024ની ચૂંટણી નજીક હોવા છતાં ય હજુ દૂર છે, પણ હાલના તબક્કે ભારત જોડો યાત્રાનું રાજકીય ફળ રાહુલને મળે એની સામે ચાર મુખ્ય અવરોધ દેખાઇ રહ્યા છેઃ

એકઃ ભારત નહીં, પક્ષને જોડવાનો પડકાર

રાહુલ ગાંધી કે કોંગ્રેસ નેતૃત્વ માટે ભારતને જોડવો કદાચ પક્ષને જોડવા કરતાં વધારે સહેલું છે. યાત્રાએ રાજસ્થાનના દરવાજે દસ્તક દીધા એ પહેલાં જ અશોક ગેહલોત-સચિન પાઇલટ વચ્ચે જે ટકરાવ સર્જાયો એ શમ્યો નથી. હિમાચલમાં જીત મળવા છતાં મુખ્યમંત્રી પસંદગીના મુદ્દે જે આંતરિક ઘર્ષણ ચાલ્યું એ શમ્યું નથી. હજુ તો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી વખતે બધાને એક કરવાનો પડકાર તો ઊભો જ છે. મલ્લિકાર્જુન ખડગેની પ્રતિભા એવી નથી કે એમના નેતૃત્વમાં બધા એકજૂટ થઇને કામ કરે. કોંગ્રેસમાં સંગઠનના દરેક સ્તરે જૂથવાદ છે. હાઇકમાન્ડ એક હદથી વધારે શિસ્તનો કોરડો વીંઝી શકે એમ નથી. મધ્ય પ્રદેશમાં જીત્યા પછીય સિંધીયા-કમલનાથના ઝઘડામાં સત્તા ગુમાવવી પડી. પંજાબમાં અમરિન્દર-સિધ્ધુ વચ્ચેની તુતુમેંમેંમાં સત્તા ગઇ. રાજસ્થાનમાં પાઇલટ-ગેહલોતના ગજગ્રાહમાં સત્તા જતા જતા રહી ગઇ. આ ત્રણેય ઉદાહરણ સાક્ષી છે કે, રાહુલ-પ્રિયંકા પ્રાદેશિક નેતાઓ વચ્ચે સુમેળ કરાવીને સાથે રાખી શકે એવી રાજકીય સમજ એમનામાં નથી. રાજકીય પક્ષોમાં જૂથવાદ નવી વાત નથી. ભાજપમાં ય જૂથવાદ ઠાંસીઠાંસીને ભર્યો છે, પણ નેતૃત્વની કુશળતા એમાં જ છે કે કોનો, ક્યાં, કેટલો ઉપયોગ કરવો અનો કોને, ક્યારે, કેટલું મહત્વ આપવું. નરેન્દ્ર મોદી પાસે એ કુશળતા છે એટલે જૂથવાદ દબાયેલો છે. રાહુલમાં એ પરિપક્વતા નથી. રાહુલના નામે કોંગ્રેસી ઉમેદવાર ચૂંટણી જીતી શકતો નથી એટલે એમની એ સ્વીકૃતિ ય નથી.

અને, અફકોર્સ, બધાને સાથે રાખવા જે અનિવાર્ય છે એ ‘સત્તાનો મધપૂડો’ કોંગ્રેસ પાસે નથી એટલે ગણગણાટ કરતી પ્રાદેશિક મધમાખીઓને જોડી રાખવી એ રાહુલ માટે આ યાત્રા પછી ય મોટો પડકાર છે.

બેઃ સાથી પક્ષોમાં સ્વીકૃતિ

એક જમાનો હતો, જ્યારે કોંગ્રેસ એક તરફ અને ભાજપ સહિત જનતા દળ અને બીજા પ્રાદેશિક પક્ષો એક તરફ હતા. આજે ભાજપ એક તરફ છે અને કોંગ્રેસ સહિત વિપક્ષી દળો સામે છે, પણ બન્ને પરિસ્થિતિમાં ઘણો ફરક છે. આજે વિરોધી પક્ષો કોંગ્રેસને મુખ્ય વિરોધી પક્ષ તરીકે સ્વીકારીને એના નેતૃત્વમાં એક થવા તૈયાર નથી.

એના બે કારણ છેઃ એક તો, કોંગ્રેસ એના ઇતિહાસની સૌથી નબળી પરિસ્થિતિમાં છે. અન્ય પ્રાદેશિક પક્ષો ભૂતકાળમાં કોંગ્રેસથી દાઝેલા છે એટલે જૂની દુશ્મનાવટને સહેલાઇથી ભૂલી શકે એમ નથી. શરદ પવાર, અખિલેશ, નીતિશ કુમાર, મમતા, નવીન પટનાઇક કે અન્ય પ્રાદેશિક નેતાઓ એટલા ભોળા કે ઉદાર નથી કે નબળી પડેલી કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારીને એને પોતાના રાજ્યમાં મજબૂત બનવા દે! કોંગ્રેસ નબળી રહે તો જ રાષ્ટ્રીય રાજકારણમાં એમનો ભાવ બોલાય એટલે પ્રાદેશિક પક્ષો એક હદથી વધારે કોંગ્રેસની સાથે રહીને એને મજબૂત થવા દે એમ નથી.

બીજું કારણ છે રાહુલનું રાષ્ટ્રીય નેતા તરીકેનું મર્યાદિત કદ. શરદ પવાર, મમતા કે નીતિશને હજુ ય પ્રધાનમંત્રીપદના સપનાં પજવ્યા કરે છે અને અખિલેશ કે જગનમોહન રેડ્ડી હજુ રાહુલને નેતા તરીકે સ્વીકારવામાં ખચકાટ અનુભવે એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં રાહુલ ગાંધી માટે વિરોધ પક્ષોને કોંગ્રેસની સાથે એક મંચ પર લાવીને મોદી-ભાજપ સામે સંયુક્ત રીતે લડત આપવી એ અઘરું છે.

જ્યાં સુધી રાહુલ ગાંધી ચૂંટણીના રાજકારણમાં પોતાની અનિવાર્યતા પૂરવાર ન કરી શકે, જ્યાં સુધી એ પોતાની અપીલથી કે પોતાના રાજકારણથી પક્ષને જીતાડી શકવાની ક્ષમતા પૂરવાર ન કરી શકે ત્યાં સુધી એમને સાથી પક્ષો તરફથી સંપૂર્ણ સમર્થન મળે એવી શક્યતા ઓછી છે.

 

ત્રણઃ યાત્રાનું સમર્થન મતની ગેરેંટી નથી

નો ડાઉટ, રાહુલની ભારત જોડો યાત્રાને સમાજના વિવિધ વર્ગમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. યાત્રાના મૂળ ઉદ્દેશ કે વિચાર સાથે અસહમત થવાનું કોઇ કારણ પણ નથી. ઘણા લોકો ખુલીને યાત્રાના સમર્થનમાં આગળ આવ્યા છે. રાહુલ જ્યાં જ્યાં ગયા ત્યાં મોટી સંખ્યામાં લોકો એમની સાથે જોડાયા છે અને ભીડ એકત્ર કરવામાં પણ રાહુલ અને કોંગ્રેસને સફળતા મળી છે.

પણ શું આ ભીડ અને સમર્થન રાહુલને 2024માં મતની ગેરેંટી આપી શકે? યાત્રાને અખિલેશ યાદવે ય આવકારી છે, પણ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ સાથે મળીને લડશે એવી ગેરેંટી ખરી? એમ તો રામ જન્મભૂમિ ટ્રસ્ટના ચંપત રાયે પણ રાહુલને આશિર્વાદ અને શુભેચ્છા આપી છે, પણ ચંપત રાય જેમાં છે એ વિશ્વ હિન્દુ પરિષદ કે રામ જન્મભૂમિ સાથે સંકળાયેલા સંગઠનો કોંગ્રેસને ચૂંટણીમાં મત આપે? સૌથી મોટી સમસ્યા એ છે કે, યાત્રાનો જે મુદ્દો છે એ 2024માં ચૂંટણીનો મુદ્દો બની શકે એવી શક્યતા ઓછી છે.

ચારઃ રાહુલ ગાંધી સારા માણસ ખરા, પણ…

ભારત જોડો યાત્રાએ રાહુલ ગાંધીની વ્યક્તિગત ઇમેજ બદલવામાં ફાળો આપ્યો છે એ વાત સાચી. રાહુલ વિશે સોશિયલ મિડીયામાં જે નકારાત્મક ઇમેજ હતી, જે હદે એમની મજાક ઉડાવાતી હતી એમાં ખાસ્સો ઘટાડો થયો છે. રાહુલ પોતાને એક ‘અલગ રાહુલ’ તરીકે ઉપસાવવામાં પણ અમુક અંશે સફળ થયા છે. એમના વિશે તદ્દન નકારાત્મક અભિપ્રાય ધરાવતા લોકો ય યાત્રા દરમ્યાન એમણે દાખવેલી મક્કમતા, ઝનૂન અને પ્રતિબધ્ધતાથી પ્રભાવિત થઇને સ્વીકારતા થયા છે કે, ના, રાહુલે આ યાત્રા યોજીને કાંઇ ખોટું નથી કર્યું. પોતાના તરફ સહાનુભૂતિ વધારવામાં પણ યાત્રાએ રાહુલને મદદ કરી છે.

પણ, અગેઇન, એનાથી રાજકારણી તરીકે રાહુલની લોકપ્રિયતા વધી છે?  ભારત જોડો યાત્રા એમને એક સારા માણસ તરીકે ચીતરવામાં સફળ રહી છે, પણ એમણે એક સારા રાજકારણી પૂરવાર થવાનું હજુ બાકી છે. ચૂંટણીમાં જ્ઞાતિ-જાતિ-ધર્મ-પ્રાદેશિકતા ઉપરાંત પર્સનાલિટી પણ એક મોટું ફેક્ટર છે. ભાજપ પાસે એના માટે નરેન્દ્ર મોદી જેવું ટ્રમ્પ કાર્ડ છે. 2014માં યુપીએ સરકાર સામે સત્તાવિરોધી માહોલમાં જે રીતે નરેન્દ્ર મોદીએ પોતાની જાતને મસીહા તરીકે મતદારો સમક્ષ પેશ કરી એ જ રીતે રાહુલ ગાંધીએ મતદારો સમક્ષ પોતાની જાતને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે પેશ કરવી પડશે. દેશના લોકોની જે અપેક્ષા નરેન્દ્ર મોદી સંતોષી શકે એમ નથી કે સંતોષી શક્યા નથી એ અપેક્ષા પોતે પૂરી કરશે એવી મતદારોમાં છાપ ઉભી કરવી પડે. પોતાની રાજકીય કુનેહ પણ પૂરવાર કરવી પડશે. આ કુનેહ એમની પોતાની હોવી જરૂરી છે, સલાહકારોની નહીં.

રાજકારણમાં એક સારા માણસ હોવું અને એક સારા રાજકારણી હોવું એ બન્ને વચ્ચે ફરક છે. રાહુલ ગાંધી  સામે આ ભેદ ઓગાળીને પોતાની નવી ઇમેજ મતદારો સમક્ષ મૂકવાનો પડકાર સૌથી મોટો છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]