ચિકન કે ઈંડાં ખાતા પહેલા મરઘીઓ પર થતાં અત્યાર વિશે જાણો…

વિશ્વમાં ભારતને સૌથી મોટો ઈંડાં ઉત્પાદક દેશ બનાવવા માટે પોલ્ટ્રી ઉદ્યોગે ઘણી સમજૂતી કરવી પડી છે જેમાં લાખો પક્ષીઓની કતલ થઈ છે. આ પ્રક્રિયાથી મનુષ્યોમાં મોટી સંખ્યામાં બીમારીઓ ફેલાવી છે.  છેલ્લાં 30 વર્ષોમાં મેં પોલ્ટ્રી ઉદ્યોગ વિશે કેટલીય વાર લખ્યું છે. જેમાં પક્ષીઓ કઈ કઈ બીમારીઓથી પીડિત હોય છે અને તેઓ મનુષ્યોને શું આપે છે. તમને ખબર હોવી જોઈએ કે પ્રત્યેક પક્ષીઓનો જન્મ કેવી રીતે થાય છે.

દેશમાં મોટા ભાગે મરઘાં કૃત્રિમ ગર્ભાધાનથી પેદા થાય છે. મરઘીઓ કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય છે જેથી એને IVF પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયા કેટલી નાજુક અને દર્દનાક છે તમે તમારી જાતને મરઘો કે મરઘીને સ્થાને મૂકી જુઓ.

કૃત્રિમ ગર્ભાધાનનો પ્રારંભ નર મરઘાના વીર્યના સંગ્રહથી થાય છે. એ પ્રક્રિયા દરમ્યાન એની પર ભયંકર ત્રાસ આપવામાં આવે છે. કેટલીક વાર મરઘાંની પાંખો પણ એ માટે કાપી દેવામાં આવે છે. વળી, વીર્યનો સંગ્રહ પ્રતિદિન કરવામાં આવે છે. કેટલાંક નર મરઘાં બ્રીડિંગ (પ્રજનન)ની સીઝન દરમ્યાન જ જીવિત રહે છે. એ પછી મરઘીના પ્રજનન અંગમાં એ વીર્યને એક સિરિંજથી નાખવામાં આવે છે. એ માટે આજકાલ AI ગનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

2016માં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એનિમસ ફોર એનિમલ રાઇટ્સે ભારતમાં મુખ્ય હેચરીઝની મુલાકાત લીધી હતી. જે ઈંડા અને માંસ- બંને માટે મરઘીનું પ્રજનન કરે છે. તેમણે જોયું હતું કે કર્મચારીઓ નર મરઘામાંથી વીર્ય કાઢવા માટે મરઘાને પાંજરામાંથી બહાર કાઢવા માટે તેમને ખેંચીને ઇજા પહોંચાડતાં ઇન્જેક્શન લગાવે છે. એમની આસપાસ જીવાણુ હોય છે, જેથી વીર્ય પણ દૂષિત થાય છે. દરેક પક્ષીનું નિરીક્ષણ કરતાં માલૂમ પડ્યું હતું કે એમનાં જનનાંગો સૂજી ગયાં હતાં અને સંક્રમિત થયાં હતાં. એમનાં લીવર સંક્રમિત અને લોહી અને આંતરડાંઓમાં જીવાણુ હતા.

સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે કૃત્રિમ ગર્ભાધાનથી ઇન્ફેક્ટિયસ બ્રોન્કાઇટિસ વાઇરસ, ચિકન એનિમિયા વાઇરસ, માઇકોપ્લાઝમા અને કેમ્પિલોબેક્ટર જેવા અનેક રોગો થાય છે. એમાં સાલ્મોનેલા વાઇરસ વીર્યના માધ્યમથી મરઘીમાં પ્રવેશે અને એ પછી એ રોગ મનુષ્યોમાં દાખલ થાય છે. એ રોગાણુ માદા મરઘીઓના અંડાશયમાં રહી જાય છે અને એ પક્ષી સોલ્મોનેલા દૂષિત ઈંડાં આપે છે. દેશમાં હજ્જારો લોકો સાલ્મોનેલા વાઇરસથી બીમાર થઈ ચૂક્યા છે અને એનું મુખ્ય કારણ દૂષિત ઈંડાં છે.

મરઘાઓમાંથી કૃત્રિમ ગર્ભાધાન માટે વીર્ય જમા કરવામાં આવે છે, એ પછી મરઘીઓમાં ગર્ભાધાન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી મરઘાઓની સેપ્ટિમીમિક બીમારી અનેક મરઘીઓમાં ફેલાય છે. આ રોગથી પક્ષીઓને લકવો થઈ જાય છે અને એ એનિમિક થઈ જાય છે, ઘણી વાર બેહોશ પણ થઈ જાય છે. જેના પરિણામ સ્વરૂપે 2016માં તામિલનાડુમાં એવિયન એન્સિફેલામાઇટિસનો રોગચાળો ફેલાયો હતો. મોટા ભાગના નર પક્ષીઓનું વીર્ય દૂષિત હોય છે જેથી એ વીર્યમાંથી રોગ પ્રસરવાની શક્યતા વધુ હોય છે અને એ મનુષ્યોમાં પણ ફેલાવાની સંભાવના પ્રબળ બને છે.

પોલ્ટ્રી ખેડૂતો અને પશુઓના ડોક્ટરોને સંક્રમણનું ઊંચું જોખમ રહેલું છે. કેમ્પિલોબેક્ટરવાળા સંક્રમિત લોકોનો વારંવાર લોહીવાળા ઝાડા, તાવ અને ગંભીર પેટના રોગ થાય છે. એવિયેન ઇન્ફ્લુએન્ઝા અને ન્યુકેસલ ડિસીઝ જેવા જિનેટિક રોગ કૃત્રિમ ગર્ભાધાનની પ્રક્રિયાથી નિરંતર એક જોખમ રહેલું છે, કેમ કે એ શારીરિક તરલ પદાર્થોના માધ્યમથી ફેલાઈ શકે છે. પોલ્ટ્રી પ્રોસેસિંગ પ્લાન્ટ્સના સંપર્કમાં આવવાથી કન્જક્ટિવાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝા જેવાં લક્ષણો થઈ શકે છે.

કૃત્રિમ ગર્ભાધાન કેમ જરૂરી છે? કેમ કે મરઘાંઓમાંથી માંસ માટે બનાવવામાં આવતા બ્રોઇલરને પોલ્ટ્રીમાં રાખવામાં આવે છે, જેથી એમની પ્રજનન ક્ષમતા ઘણી ઓછી હોય છે. એમને બંધિયાર પાંજરામાં રાખવા ઉપરાંત એમના પગ ટૂંકા, પહોળી છાતી અને માંસ વધુ હોય છે તેમ જ શરીરનું વજન ભારે હોય છે. બ્રોઇલરનો ઝડપી વિકાસ પર ભાર મૂકવામાં આવતા નર પક્ષીઓના પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે અને પ્રજનન ક્ષમતા વચ્ચે નકારાત્મક સંબંધને કારણે ઘટાડો થાય છે.

મરઘાના સામાજિક, સંવેદનશીલ અને બુદ્ધિમાન પક્ષી સૂર્ય ઊગવાની સાથે બાંગ પોકારે છે, જે એને ભોજન અને પાણી શોધવામાં મદદ કરે છે અને એને સમયની પણ સમજ હોય છે, પણ હેચરીઓમાં એનું માનસિક સંતુલન બગડી જાય છે. એક મરઘો મરઘીને આકર્ષવા માટે સામાન્ય સંજોગોમાં –પ્રેમાલાપ માટે વ્યવહાર જેવા કે પીંછાં છોડવા, એક સર્કલમાં નૃત્ય કરવું વગેરે કરે છે અને કુદરતી સંભોગ માણે છે, પણ પોલ્ટ્રી શ્રમિકો દ્વારા સામુહિક રીતે થતાં અત્યાચારને લીધે-  એના ડર અને દર્દની કલ્પના તો કરી જુઓ. ચિકન ના ખાઓ, કમસે કમ એના પર અત્યાચારના હિમાયતી તો ના બનો.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)