30 માર્ચે અમેરિકાના 28 શહેરમાં એકસાથે ‘ચાય પે ચર્ચા’..

શિકાગો- લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી ઓવરસીઝ દ્વારા ‘ચાય પે ચર્ચા’નો કાર્યક્રમ યોજાવામા આવનાર છે. અમેરિકામાં પહેલી વખત એક સાથે ૨૮ શહેરમાં બીજેપી ઓવરસીસ દ્વારા  ‘ચાય પે ચર્ચા’ નો કાર્યક્રમ યોજવામાં આવશે.

આગામી તારીખ ૩૦ માર્ચના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વીડિયો કોન્ફરન્સ કરી અમેરિકાના ૨૮ સ્થળો પર એક સાથે ‘ચાય પે ચર્ચા’ નો કાર્યક્રમ યોજાશે. અગાઉ ગત લોકસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ શહેરોમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના પગલે અમેરિકામાં ભાજપ દ્વારા પહેલી વખત આ પ્રકારે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

અમેરિકાના બીજેપી ઓવરસીઝના પ્રવકતા નિરવ પટેલે આ અંગે જણાવ્યું હતું કે,  લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમેરિકામાં વસતા મૂળ ભારતીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અને ભારતની ભાજપની સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરેલા કામો અંગે પણ ચાય પે ચર્ચાના આ કાર્યક્રમમાં જાણ કરવામાં આવશે.

આગામી ૩૦ માર્ચના રોજ અમેરિકાના સમય પ્રમાણે સાંજે  ૬:૩૦ કલાકે એક સાથે ૨૮ શહેરમાં સંબિત પાત્રા વીડિયો કોન્ફરન્સ યોજી ‘ચાય પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં દેશની ભાજપ સરકારે કેવા પ્રકારના કામ કર્યા તેમજ NRI માટે સરકાર કેવી સુવિધા ઉપલબ્ધ કરશે તે તમામ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવશે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ