હનુમાન વિવાદઃ યોગી આદિત્યનાથના સામાન્ય જ્ઞાનનો અભાવ

નુમાન કોણ હતા તે સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે. સામાન્ય જ્ઞાન એટલે જનરલ નોલેજ. ભાષાનો ખેલ અજબ છે. સામાન્ય જ્ઞાન એમ સીધું કહીએ તો જ્ઞાન સામાન્ય થઈ જાય, પણ અંગ્રેજી શબ્દ જનરલ નોલેજનો અનુવાદ કરીને સામાન્ય જ્ઞાન કરીએ તો સાર્વત્રિક પ્રકારનું અ-વિશેષ એવું જ્ઞાન એમ આપણે સમજીએ. ભાષાનો વિકાસ સંસ્કૃત્તિ અને તેના બોલનારાની સજ્જતા સાથે થાય છે. થોડામાં ઘણું કહી શકાય, પણ સમજનારા જોઈએ. લોકકથાઓ, દંતકથાઓ, કહેવતોમાં ડહાપણ એટલું સરસ રીતે વ્યક્ત થતું હોય છે કે ભણેલો પણ ઘણીવાર સમજી શકે નહિ. એટલે જ સરળ લોકો કહેતા હોય છે કે ભણેલા ભૂલે.ભણેલા ભૂલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓ બેફામ બોલે છે, તેના કારણે તો લાગે જ છે કે આ ભણેલા નેતાઓ ભૂલી રહ્યા છે અને લોકોને ભૂલવાડવા માગે છે. પણ પ્રજા તેમનાથી વધારે સમજુ અને શાણી છે. પ્રજા નેતાઓ કરતાં સ્થિતિને વધારે સારી રીતે જાણે છે. તેથી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હનુમાનને લોકદેવતા, વનવાસી, ગિરિજન, વંચિત અને દલિત ગણાવ્યા ત્યારે સભામાં હાજર લોકો પણ ખડખડાડ હસી પડ્યા હશે. પોતાને યોગી કહેવડાવતા આદિત્યનાથના સામાન્ય જ્ઞાનથી સૌ કોઈ ખડખડાડ હસી રહ્યા છે. યોગીને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હોય એવી અપેક્ષા ઝાઝી નથી, પણ ‘સામાન્ય જ્ઞાન’ હશે તેવી ધારણા હતી. તેમનામાં સામાન્ય જ્ઞાન પણ ના નીકળ્યું અને નકરું અજ્ઞાન વ્યક્ત થયું.

કેન્દ્રીય પ્રધાન સત્યપાલ સિંહ

રાજકારણ કરવા નીકળેલા યોગી અજ્ઞાની હોય તેવા નવાઈ ના લાગવી જોઈએ. તેમને વળી ધર્મ, અધ્યાત્મ, જીવ અને શિવ એક જ છે વગેરે ચિંતન ક્યાંથી સમજાય – તેઓ તો મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ કરીને રાજકારણનો ધંધો કરવા નીકળેલા ખંધા નેતા છે. સામાન્ય માણસને પણ પૂછો પણ તેઓ હનુમાનદાદા વિશે યોગી કરતાં વધારે સારી વાત કહી શકે. હનુમાન ચાલીસાનું પઠન કરનારા પણ થોડુંક વર્ણન અંજની પુત્ર પવન સૂતનું કરી શકે. એ વાત જુદી છે કે ચાલીસાનું પઠન કરનારામાંથી તેનો અર્થ સમજવાની કોશિશ કરનારા કેટલા, પણ તેઓ એટલું સમજે છે કે હનુમાન લોકદેવતા છે અને તેઓ આવા દલિત અને ગિરિજનને ભેદભાવથી પર છે.યોગીએ કરેલું હનુમાનનું વર્ણન તદ્દન ખોટું છે. તેઓ વંચિત પણ નહોતા અને દલિત પણ નહોતા. વનવાસી નહિ, પણ વનની વચ્ચે વસેલા નગરમાં રહેનારા હતા તેથી વનવાસી પણ ના કહેવાય. તેમના પિતા કેસરી તેમના સમાજના અગ્રણી હતા. હનુમાન પોતે પણ સેનાપતિ કહેવાય. એટલે વંચિત કહી શકાય નહિ. વાલી અને સુગ્રીવનું નાનું સરખું રાજ્ય હતું અને હનુમાન તેમના સૌથી નીકટના સાથી હતા.

હનુમાન ચાલીસાની આ થોડી પંક્તિઓ યોગીએ કદીક વાંચી હોત તો પણ આવું ગપ્પું ના હાંકત…

હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ,

કાંધે મૂંજ જનેઊ સાજૈ.

શંકર સુવન કેસરી નંદન,

તેજ પ્રતાપ મહા જગ વંદન.

વિદ્યાવાન ગુની અતિ ચાતુર,

રાજકામ કરિબે કો આતુર.

 

હાથમાં વજ્ર અને ધ્વજ રાખનારા હનુમાનના ખભે જનોઈ પણ છે. તેઓ શંકરના અવતાર છે અને તેથી મહાપ્રતાપી એવા તેમને જગત વંદન કરે છે. વિદ્યાવાન પણ છે, ચતુર પણ છે અને રાજકાજની ફરજ નિભાવવા આતુર છે.

આ વર્ણન રાજાશાહી પરિવારના હનુમાનનું છે. રાજા રામ અયોધ્યાના એટલે મોટા રાજ્યના રાજા થયા, પણ વાલી, સુગ્રીવ અને હનુમાનનું પણ નાનું સરખું રાજ્ય વનમાં છે એટલે જ તેમની વચ્ચે બે રાજ્યો વચ્ચે થાય તેવી સમજૂતિ થઈ હતી. તેઓ સંયુક્ત તાકાતથી રાવણ સામે લડ્યા હતા.

એ સિવાય સૌથી જાણીતી પંક્તિઓ નિયમિત હનુમાનચાલીસા ના બોલનારા લોકોના કાને પણ પડી હશે.

રામદૂત અતુલિત બલ ધામા,

અંજનીપુત્ર પવનસુત નામા.

હનુમાન માતા અંજની અને પિતા પવન દેવના પુત્ર છે. શિવના અવતાર ઉપરાંત પવન દેવના પણ પુત્ર. વળી માતા અંજની વિશે પણ કથા છે કે તેઓ મૂળ અપ્સરા હતી. રાબેતા મુજબ શ્રાપ પામી હતી એટલે વનમાં નિવાસ કરનારી તરીકે જન્મી હતી. તેમણે તપથી શંકરને ખુશ કર્યા એટલે શંકરે વરદાન માગવા કહ્યું. તેમણે શિવ જેવો જ શક્તિશાળી પુત્ર માગ્યો. શંકરના વીર્યને લઈને પવનદેવ આવ્યા હતા એટલે પણ પવનપુત્ર થયા. આવી જાતભાતની કથાઓ શાસ્ત્રોમાં મળતી હોય છે. શાસ્ત્રોની વાત કરનારા યોગીએ યોગ્ય રીતે તેમને વાંચ્યા હોત કોઈ પણ સંજોગોમાં તેમને દલિત કહી શક્યા ના હોત.

પરંપરાગત રીતે વિશ્લેષણ કરો તો પણ સ્પષ્ટ છે કે હથિયાર રાખનારા હનુમાન ક્ષત્રિય હતા. વળી તેઓ જનોઇ પણ રાખે છે એટલે ધર્મને પણ જાણે છે અને તેથી બ્રહ્મને જાણનારા બ્રાહ્મણ પણ થયા. રાજકાજમાં કુશળ છે એટલે સારા વહીવટકર્તા અને સમાજના અગ્રણી પણ થયા.

આ વર્ણન ભક્તિભાવપૂર્ણ છે એટલે તેમાં હનુમાનજીની પ્રશસ્તિ જ છે, પણ તમે ધર્મ અને ભક્તિ ભૂલી જાવ અને રામાયણનું ઇતિહાસકથન તરીકે વિશ્લેષણ કરવાની કોશિશ કરો તો પણ ખ્યાલ આવી જાય કે હનુમાન વંચિત અને દલિત એવી કેટેગરીમાં ના મૂકી શકાય. તેમની સહાય વિના રામ કે લક્ષ્મણ રાવણની સેના સામે કશું કરી શકે તેમ નહોતા. આ સરખેસરખા બળિયાઓની ભાગીદારી હતી. આગળ જતા ધાર્મિક ગ્રંથોમાં હનુમાનને માત્ર ભક્ત અને રામના સેવક અને આજ્ઞાંકિત બનાવી દેવાયા તે જુદી વાત છે.

હનુમાન સહિતની રામકથા આપણે જે જાણીએ છીએ તે ટીવી સિરિયલમાંથી જ વધારે આવી છે. ટીવી સિરિયલવાળાએ લાંબી બુદ્ધિ દોડાવાને બદલે રામચરિતમાનસની ભક્તિ પરંપરાવાળી કથાને જ ઉઠાવી લીધી હતી. વાલ્મિકી રામાયણનો આધાર લેવાયો હોત તો પણ વિવાદ થાય તેવી સ્થિતિ છે. વાલ્મિકી રામાયણ સિવાય દેશમાં સેંકડો રામાયણ પ્રચલિત છે. જૈન રામાયણમાં રામના બદલે લક્ષ્મણના હાથે રાવણનો વધ બતાવાયો છે. કેમ કે જૈનની વાત આવે એટલે ગમે તેમ કરીને અહિંસાની વાત તેમાં લાવવી જ પડે. અન્ય રામાયણમાં રાવણનો વધ તેના ભાઈ વિભિષણના હાથે જ થતો બતાવાયો છે.

પૌરાણિક કથાઓમાં એટલી બધી ગરબડો કરાયેલી છે કે પોતાને અનુકૂળ અર્થ તેમાંથી કાઢી શકાય છે. શાસ્ત્રો એટલા બધા બનાવાયા છે કે પોતાની વાત ઠોકી બેસાડવા માટે તે કામ આવે. આવા પુરાણો અને શાસ્ત્રોની ગપ્પાબાજીમાં પણ કંઈક લોજિક ક્યાંક થોડુંક મળી આવે, પણ આપણા નેતાઓની ગુલબાંગોમાં કશો જ માથામેળ નથી. કોઈ વળી પોતાનું ગોત્ર બતાવવા માટે એક મંદિરમાં થયેલી નોંધને દર્શાવે છે. સામાવાળા કુદી પડે છે કે ગોત્ર પિતા તરફથી આવે, માતા તરફથી ના આવે.

અહીં જુઓ કે બે પ્રકારની બદમાશી થઈ રહી છે. એક તરફ ગોત્રની વાતો કરીને ફરીથી શાસ્ત્રોમાં આપણને ભેરાવવાની કોશિશ થઈ રહી છે. બીજી બાજુ મત લેવાની વાત આવે, રાજસ્થાનના 17.3 ટકા દલિત મત લેવાની વાત આવે એટલે યોગી આદિત્યનાથ શાસ્ત્રોને પડતા મૂકીને પોતાના કાવતરાખોર મગજમાં આવે તેવા ગપગોળા હાંકે છે. નેતાનું ગોત્ર કયું છે તેના કરતાં તે પ્રજા માટે શું કામ કરી શકે છે તે અગત્યનું છે. દેવીદેવતાને પણ જ્ઞાતિના ગોળમાં નાખી દેવાની વાત એ દર્શાવે છે કે રાજકારણીનું દિમાગ કેટલી હદે સડી ગયેલું હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]