સંઘ દ્વારા પોતાના કાર્યકરોની તાલીમ માટે સતત વર્ગો ચાલતા રહે છે. આવા જ એક શિક્ષા વર્ગની સમાપ્તિ વખતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આમંત્રણ આપવામાં આવ્યું છે. 7 જૂને નાગપુરમાં સંઘના વડામથકે યોજાનારા આ કાર્યક્રમમાં સંઘના મંચ પર મુખરજીને જોઈને કેટલાક મરશીયા ગાવા લાગ્યાં છે. પણ એવુંય બની શકે છે કે સત્તાની સગાઇની શરણાઇનો આ આરંભ પણ હોય. લોકસભાની ચૂંટણીને બસ હવે એક વર્ષ બાકી છે ત્યારે અત્યારથી ચોકઠા ગોઠવાવા લાગ્યાં છે અને સગાઇ અત્યારથી જ પાકી થવા લાગી છે.કોંગ્રેસે સત્તાવાર રીતે કહ્યું છે કે તેઓ ટીપ્પણી ના કરી શકે, પણ કેટલાક નેતાઓ સ્વતંત્ર રીતે એવી ટીકા કરી રહ્યા છે કે તેમણે સંઘના કાર્યક્રમમાં ના જવું જોઈએ. નીતિન ગડકરીએ કહ્યું કે આવવું જ જોઈએ, આવી રાજકીય આભડછેટ ચાલે નહિ. પ્રણવ મુખરજીએ પોતે હવે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી તે સ્પષ્ટ થાય તે માટે સોશિઅલ મીડિયામાં પોતાને સિટિઝન મુખરજી તે રીતે ઓળખાવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા પછી રાજકીય પક્ષનું સભ્યપદ છોડી દેવાનું હોય છે, રાજકીય મહત્ત્વાકાંક્ષા છોડી દેવાની હોતી નથી.
પ્રણવ મુખરજી, હવે ભારતના એક રીતે સામાન્ય નાગરિક અને એક જમાનાના જમાના ખાધેલ રાજકારણી પ્રણવ મુખરજીએ ક્યારેય પોતાની મહત્ત્વાકાંક્ષા છોડી નથી. ભાજપના સિનિયર નેતા એલ. કે. અડવાણીની જેમ તેઓ સદાયના પીએમ બનતા બનતા રહી ગયેલા નેતાની હરોળમાં આવે છે. આ બંને નેતાઓ ભેગા મળે તો શું થાય? અડવાણી અને મુખરજી અને તેમની સાથે ડાબેરી પક્ષના પ્રતિનિધિ તરીકે સીતારામ યેચુરી હોય? એક ડાબેરી નેતા જ્યોતિ બસુ પણ પીએમ બનતા બનતા રહી ગયા હતા. પરદા પાછળથી કેન્દ્રની (કોંગ્રેસ સહિતની) સરકારોને ટેકો આપીને જીવંત રહેલા ભારતના ડાબેરી પક્ષની પણ મહત્ત્વાકાંક્ષા અકબંધ છે.
આ યાદીમાં જોડો એવા એક નેતા, જે અત્યંત ચૂપચાપ પોતાના રાજ્યમાં કામ કરી રહ્યા છે. રાજ્યોમાં ચૂપચાપ કામ કરીને પણ અચાનક ભારતના વડા પ્રધાન બની શકાય છે. આપણી પાસે નમૂનો હાજર છે. દેવે ગોવડા. હરદનહલ્લી ડોડેગોવડા દેવે ગોવડા અચાનક પીએમ બની ગયા હતા અને તેમને મદદ કરનારા હતા હરકિશનસિંહ સૂરજિત. એક જમાનામાં દિલ્હીમાં ડાબેરી મોરચાના પ્રતિનિધિ અને રાજકારણના ખેલાડી સૂરજિતે દેવે ગોવડાને અચાનક શોધી કાઢ્યા અને તેમને પીએમ બનાવી દીધા. આ જ દેવે ગોડવા માટે હવે ફરી સપના જોવાનો સમય આવ્યો છે, કેમ કે દીકરો રાજકીય નસીબના જોરે કર્ણાટકમાં સીએમ બની ગયો છે. પેલું નામ બાકી રહી ગયું તે પણ તમને જણાવી દઈએ – અત્યારે ચૂપચાપ કામ કરતા, પણ જરૂર પડ્યે સીધા જ પીએમ બની જવા માગતા સરપ્રાઇઝ ભાવી પીએમ નવીન પટનાયક.
નવીન પટનાયક એટલે ઓડિશાના મુખ્યપ્રધાન. એકદમ મજબૂત નેતા. 20 વર્ષથી મુખ્યપ્રધાન છે. ચાર ચૂંટણીઓ જીતી ગયા છે અને પાંચમી જીતવામાં મુશ્કેલી પડે તેવું લાગતું નથી. ભાજપના ટેકાથી શરૂઆત કરીને કોંગ્રેસને નેસ્તનાબુદ કરી હતી અને પાછળથી ભાજપને પણ પડતો મૂકીને સ્વતંત્ર રીતે બીજુ જનતા દળની સરકાર ચલાવી રહ્યા છે. 2014માં ભાજપનો ભગવો ફરી વળ્યો ત્યારે તેમણે 21માંથી 20 બેઠકો જીતી લીધી હતી. એક જ રાજ્યમાંથી મળી હોવા છતાં અસ્પષ્ટ બહુમતી ધરાવતી સંસદમાં 20 બેઠકો બહુ મહત્ત્વની સાબિત થઈ શકે છે.
વિદેશ ભણેલા, ઉડિયા ભાષા આછીપાતળી જ જાણતા, ચાર પુસ્તકના લેખક, સૌમ્ય અને સૌજન્યશીલ નવીન પટનાયક પીઢ રાજકારણી સાબિત થયા છે. તેમણે બાપનું નામ ઉજાળ્યું છે, કેમ કે બીજુ પટનાયક 80ના દાયકામાં બહુ મોટા ગજાનું નામ હતું. બીજુ પટનાયક પાઇલટ હતા અને બર્મા જઇને લશ્કરી બળવા વચ્ચે સૂ ક્યીના પરિવારને બચાવીને લઈ આવ્યા હતા. તેમના દીકરો જો પીએમ બની જાય તો તે પણ એક પ્રકારનું પરાક્રમ જ હશે.
સરળ પ્રકૃત્તિના, હિન્દી ના જાણતા, મુખ્યપ્રધાન તરીકે વહીવટનો લાંબો અનુભવ ના ધરાવતા દેવે ગોવડા પીએમ બની શકતા હોય તો નવીન પટનાયક 20 વર્ષ સીએમ તરીકેની સફળતા પછી એક અગત્યના કેન્ડિડેટ છે. એલ. કે. અડવાણી, પ્રણવ મુખરજી, સીતારામ યેચુરી, દેવે ગોવડા અને અફકોર્સ નવીન પટનાયક યજમાન હોય, એક ટેબલ પર બેસીને ભોજન દરમિયાન ચર્ચા કરી રહ્યા હોય તે તસવીર શું કહી જાય છે?આ તસવીર બહુ જૂની નથી, આ વર્ષના જાન્યુઆરીની છે. નવીન પટનાયકે તેમના પિતા બીજુ પટનાયકની જીવનકથાના પુસ્તકનું વિમોચન કર્યું ત્યારે આ નેતાઓને બોલાવ્યા હતા. આ વાતને બહુ પ્રસિદ્ધિ નહોતી મળી, કેમ કે કોઈ ભવ્ય સમારોહ યોજીને વિપક્ષી એકતાનું પ્રદર્શન કરવાની કોશિશ થઈ નહોતી. પટનાયકના સ્વભાવની વિરુદ્ધ તે વાત છે. પટનાયકે જાતે આ તસવીર સોશ્યલ મીડિયામાં મૂકીને હાજરી પુરાવી હતી.
આ તસવીરનું મહત્ત્વ હવે વધ્યું છે. નાગપુરના કાર્યક્રમ વખતે મુખરજીની સાથે સ્ટેજ પર, સ્ટેજ પર નહિ તો પહેલાં કે પછી એલ. કે. અડવાણી સાથેની તેમની તસવીર ફરી બહાર આવશે ખરી? આવે તો નવાઈ લાગવી જોઈએ નહિ, કેમ કે પરદા પાછળની ગોઠવણ હવે પરદાની આગળ જાહેર જનતા સમક્ષ લાવવાની છે. હવે એક જ વર્ષ બાકી રહ્યું છે અને ચોકઠા ગોઠવી દેવાના છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત થઈ જવાનું મુખરજીના સ્વભાવમાં નથી. ઇતિહાસ તેમને ભૂતકાળમાં છેતરી ગયો છે, પણ વધુ એકવાર ઇતિહાસ રચીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન બનવાની તેમની ઇચ્છા હવે અજાણી રહી નથી, તેમ જાણકારો કહે છે.
અડવાણીની હાજરી આ ટેબલ પર સૂચક બની ગઈ છે. બીજુ સાથેના તેમના સંબંધોના કારણે તેમને મહેમાન તરીકે બોલાવવા સહજ લાગે, પણ પટનાયક જાણે છે કે તેમની લડાઇ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે પણ છે, કેમ કે ઓડિશામાં ભાજપ મજબૂત થઈ રહ્યો છે અને બીજેડીને તોડી પાડવાની કોશિશ છે. જય પાન્ડા જેવા વગદાર નેતાએ હાલમાં જ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપ તરફ સરકી રહ્યા છે. પાન્ડા અબજપતિ છે અને ઓડિશામાં ટીવી ચેનલ પણ ચલાવે છે. નરેન્દ્ર મોદીના વખાણ કરીને જય પાન્ડાએ પોતાની દિશા છેલ્લા કેટલાક વર્ષોથી દેખાડી આપી હતી.
પટનાયક જરા પણ મહત્ત્વાકાંક્ષા દાખવ્યા વિના ખેલ ખેલી રહ્યા છે. ભારતના રાજકારણમાં ત્યાગનું મહત્ત્વ છે. સત્તા જોઈને લાળ ટપકતી હોય, પણ હાથમાં રૂમાલ રાખીને તે સતત લુછતા રહેવાની. હું તો ફકીર છું અને ઝોળી લઈને ચાલતો થઈશ એમ તમારે કહેવું પડે. અડવાણી પીએમ બનવા માટે સદા આતુર દેખાતા રહ્યા અને વાજપેયી કવિતા કરતાં કરતાં, મારે કવિને સત્તા શું કરવી એમ કહીને સરળતાથી પીએમ બની ગયા હતા. મુખરજીએ પણ પોતાની પીએમ તરીકેની મહત્ત્વકાંક્ષા છતી કરી દીધી અને તેમના હાલ ખરાબ થઈ ગયા. નરસિંહરાવ બિસ્તરા પોટલા બાંધીને આંધ્ર જઈ રહ્યા હતા. મારે હવે કશું જોઈતું નથી એમ કહીને ચાલતા થયેલા નરસિંહરાવને કોંગ્રેસે પીએમ બનાવી દીધા. મનમોહન સિંહ ક્યારેય નેતા બનવાના નહોતા, તે સીધા પીએમ બની ગયા. મુખરજીએ ફરી એકવાર સ્વીકારી લીધું અને રાહ જોવાનું નક્કી કર્યું. બીજી વાર પણ મનમોહનને પસંદ કરાયા ત્યારે મુખરજી અકળાયા હતા. જોકે ધીમે ધીમે મનમોહનની છબી ઝાંખી પડવા લાગી ત્યારે ફરી એકવાર મુખરજીની મહત્ત્વાકાંક્ષા જાગી હતી અને 2012માં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે તેમને આશા હતી કે મનમોહન હવે પાંચ વર્ષ રાષ્ટ્રપતિ ભવનમાં આરામ કરશે અને છેલ્લા બે વર્ષ પોતાને પીએમ બનવા મળશે. તેમની મહત્ત્વાકાંક્ષા અછાની રહી નહોતી. ગાંધી પરિવારની વફાદારીને કારણે જ આટલે સુધી તેઓ પહોંચ્યા હતા, પણ ગાંધી પરિવાર જ તેમની મહત્ત્વાકાંક્ષાને કારણે વિશ્વાસ કરતો નહોતો અને છેલ્લે તેમને જ રવાના કરી દેવા રાષ્ટ્રપતિ ભવન.
આ તરફ એલ. કે. અડવાણીને કોરાણે કરી દેવાયા. પરિણામો આવી ગયા પછી પણ અડવાણીને આશા હતી કે તેમને થોડા વર્ષો માટે પીએમ બનવા દેવાશે. રાજકારણમાં આવા દિવાસ્વપ્નો ચાલતા નથી. દિવાસ્વપ્નો જોનારા રહી જાય છે અને વાસ્તવિકતા જાણનારા વડાપ્રધાન બની જાય. પરંતુ હજીય તંદુરસ્તી જાળવીને બેઠેલા આ બંને નેતાઓની મહત્ત્વાકાંક્ષા મરી ગઈ હોય તેમ માની લેવાની જરૂર નથી.
શું હવે 2019માં ફરી એકવાર ચોકઠા ગોઠવવાની વાત આવે ત્યારે અડવાણી અને મુખરજીની ભૂમિકા અગત્યની બની રહે ખરી? શું આ બંને નેતા મેં નહિ તો તું ભી નહિ, એ સૂત્રના બદલે મેં નહિ, તું સહી એવો સહયોગ જીવનના છેલ્લા પડાવે અપનાવે ખરા?
રાષ્ટ્રપતિ ભવનમાં બેસવાની સાથે જ મુખરજીએ ત્રીજા મોરચા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા તે અજાણ્યું નથી. યાદ હશે કે શિવસેનાએ તેમને ટેકો આપેલો. મમતા બેનરજીએ પણ તેમને બોંગોલીબાબુ તરીકે સ્પષ્ટ ટેકો આપેલો. મમતા બેનરજી પર મુખરજીનો બીજો પણ ઉપકાર છે. બંગાળમાં કોંગ્રેસ જાતે ડાબેરીને હરાવતી નહોતી અને મમતા જેવા નેતાઓને હરાવવા દેતી નહોતી. તે સંજોગોમાં દિલ્હીમાં બેઠેલા મુખરજીએ આડકતરી રીતે મમતાને મજબૂત કર્યા હતા અને કોંગ્રેસના બદલે તૃણમૂલ કોંગ્રેસનો વિકલ્પ ઊભો કરવામાં તેમણે મદદ કરી હતી. મુખરજીના સંબંધો કોંગ્રેસમાં હતા ત્યારે પણ બીજા પક્ષના નેતાઓ સાથે સારા રહ્યા હતા. તેમણે ધીમે ધીમે બિનકોંગ્રેસી, બિનભાજપી ત્રીજા મોરચા માટે પ્રયાસો કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવ્યા પછી ખાનગીમાં તેમના પ્રયાસો ચાલતા રહ્યા હોવાનું કહેવાય છે. (મમતા બેનરજી અને ઉદ્વવ ઠાકરે વચ્ચે મુંબઈમાં મુલાકાત થઈ હતી તેની પણ નોંધ લેવાઈ હતી. ચિત્રલેખાએ ત્યારે આ અહેવાલ આપ્યો હતો – “મમતા બેનરજી મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને કેમ મળ્યાં?”)
તેનો અર્થ આમ થાય – ત્રીજો મોરચો બને અને તેમાં કોંગ્રેસને લેવામાં ના આવે તે સંજોગોમાં ફરી એકવાર ટેકાનું રાજકારણ શરૂ થશે. પ્રણવ મુખરજી બંને તરફની બાજી ખેલવા માગે છે. જરૂર પડ્યે ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસને ટેકો ત્રીજા મોરચા માટે લાવી આપવો. (જોકે મુખરજીની તે માટે જરૂર નથી, બીજા નેતાઓ આ કામ કરી શકે છે, પણ મુખરજી મધ્યસ્થી બની શકે છે. એક જમાનામાં સૂરજિતે મધ્યસ્થી કરીને શરતો નક્કી કરાવવામાં અને બધા પક્ષોને સાથે રાખવામાં ભૂમિકા ભજવી હતી.)ત્રીજો મોરચા બને, કોંગ્રેસ દૂર રહે અને ભાજપ પણ સરકાર રચવાની સ્થિતિમાં ના હોય ત્યારે ત્રીજા મોરચાની સરકાર ભાજપના ટેકાથી બનાવવી. ભાજપ ટેકો આપે અને ત્રીજો મોરચો સરકાર બનાવે તેમાં કોને રસ હોઇ શકે? મોદી-શાહને નહિ, કેમ કે તેઓ તોડફોડ કરીને ભાજપની સરકાર બનાવવામાં જ માને છે. રસ પડી શકે છે અડવાણીને. અડવાણીની મદદથી, સંઘ સુધી મેસેજ પહોંચાડી ભાજપ ત્રીજા મોરચાને ટેકો આપે તે માટે મુખરજી પ્રયાસો કરી શકે છે. અડવાણી સાથે હોય તો સારું, પણ સાથે ના હોય અને તેમનું સંઘમાં હવે ઉપજતું ના હોય તો સીધો સંધ સાથે જ સંપર્ક રાખવામાં શું ખોટું? મુખરજીની સંઘના મંચ પરની હાજરીનું આ એક સૌથી મોટું પરિબળ છે એમ જાણકારો કહી રહ્યા છે.
અડવાણી પણ છેલ્લે છેલ્લે પોતાની તક અહીં જોઈ રહ્યા છે. આંકડાં એવા હોય કે કોઈની સરકાર ના બને અને ટેકાથી જ સરકાર બનાવવાની હોય તો સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ જ સરકાર બનાવે. ત્રીજો મોરચો તેને ટેકો આપીને સરકારમાં સામેલ થાય. પરંતુ વડાપ્રધાન કોણ થાય? અડવાણી પોતાના જીવનની મહત્ત્વાકાંક્ષા છેલ્લે પૂરી કરી શકે. મુખરજીને પણ સાથે રાખીને, સંઘને પણ સાથે રાખીને, સંઘને સમજાવવામાં પણ મુખરજીને સાથે રાખીને અડવાણી કહી શકે કે મોદી-શાહ માઇનસ ભાજપની કેન્દ્ર સરકાર બનાવવા માટે આ ઉત્તમ સ્થિતિ છે.
આ બે વયોવૃદ્ધ નેતાઓની લડાઈમાં હંમેશની જેમ ત્રીજો કોણ ફાવી શકે? ડિનરના ટેબલ પર બેઠેલા પાંચમાંથી ચાર મહેમાનને એમ લાગતું હશે કે યજમાન નવીન પટનાયક પોતાના રાજ્યની બહાર નીકળવા માગતા નથી. જ્યોતિ બસુએ ક્યાં કદીય ઊંચી ખુરશીની ખેવના કરી હતી? યેચુરી જાણે છે કે તેમના પક્ષે સ્વંય વડાપ્રધાનપદ જતું કર્યું હતું. પરંતુ અડવાણીનો વિરોધ ત્રીજા મોરચામાંથી થાય અને કોંગ્રેસે ટેકો આપવાનો હોય તો તેમના તરફથી મુખરજીનો વિરોધ થાય ત્યારે ત્રીજી ચોઈસ કોની? દેવે ગોવડા વિચારતા હશે, હું જૂનો અને જાણીતો, પરંતુ નવીન પટનાયક જાણે છે કે નવા જમાનામાં નવી ચોઈસ જોઈશે. નવીન પટનાયકે એક તસવીર દેશ સામે ઓલરેડી મૂકી દીધેલી છે – એક જ ટેબલ પર અડવાણી, મુખરજી અને યેચુરીને અને ત્રીજા મોરચાના પ્રતીક ગોવડાને પણ પોતે બેસાડી શકે છે.