ફાંસીનો ફંદો માત્ર બક્સરની જેલમાંથી જ કેમ આવે છે?

ફાંસીનો ફંદો એટલે આમ તો 16 ફૂટ લાંબું જાડું અને મજબૂત દોરડું. આવું દોરડું ક્યાંય પણ બની શકે, પરંતુ ભારતમાં ફાંસી આપવા માટે દોરડું મંગાવવાનું હોય ત્યારે તેને બિહારની બક્સર જેલમાંથી મંગાવવામાં આવે છે. નિર્ભયા મામલામાં બહુ ઉહાપોહ થયેલો અને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાયો હતો. તો પણ 7 વર્ષ થઈ ગયા છે અને હજીય ગુનેગારોને ફાંસીની સજા મળી નથી. ભારતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યાખ્યા કેવી કહેવાય તેનો આ નમૂનો છે.

હજી પણ કેટલા વર્ષ આમ ને આમ નીકળ ગયા હોત કે નીકળી જશે તે નિશ્ચિત કહી શકાય નહિ. એક ગુનેગારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે દિલ્હીમાં પ્રદૂષણ એટલું છે કે આમ પણ માણસ ઝડપથી મરી જવાનો છે. તો ફાંસી શા માટે આપવી? આવી અરજીઓ પણ કોર્ટે સાંભળવી પડે છે. રાષ્ટ્રપતિ કોવિંદે સૂચન કર્યું કે બળાત્કાર અને હત્યાના અત્યંત ક્રૂર અપરાધમાં માફી માટેની અરજી કરવાની જોગવાઈ પણ ના હોવી જોઈએ. પણ જોગવાઈ છે ત્યાં સુધી અરજીઓ થશે. નિર્ભયાના ગુનેગારો પણ હજી છેલ્લી વાર દયાની અરજી કરે તે નકારવાની કાગળિયા વિધિ રાષ્ટ્રપતિ ભવને કરવાની રહેશે.

તે પછી છને ફાંસી અપાશે અને તે માટે બિહારની બક્સર જેલમાંથી ફાંસીના ફંદાને મંગાવવા માટેનો ઓર્ડર અપાયો છે. દેશમાં ફાંસીગરની સંખ્યા ઓછી છે અને તેના માટે પણ ઘણી વાર બહારથી બોલાવવા પડતા હોય છે. બક્સરથી ફાંસી માટેના દોરડા મંગાવીને તૈયાર રખાશે, કેમ કે હૈદરાબાદમાં ફરી વાર એવો જ ક્રૂર બળાત્કાર અને હત્યાનો બનાવ બન્યો. હૈદરાબાદની પોલીસ આરોપીઓને તપાસ માટે સ્થળ પર લઈ ગઈ ત્યારે ભાગવાની કોશિશ કરી ત્યારે ચારેયને પોલીસે ઠાર કરી દીધા. દેશભરના લોકો તેનાથી બહુ રાજી થયા હતા અને કેન્દ્રમાં સરકાર એટલી દબાણમાં આવી ગઈ કે નિર્ભયાના ગુનેગારોને ફાંસી ઝડપથી આપવા સિવાય છૂટકો નથી. નિર્ભયાની માતાએ આવેશ વ્યક્ત કર્યો હતો તે પછી કોઈ પણ સરકાર માટે જવાબ આપવો ભારે પડે તેમ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ઝડપી કાર્યવાહીની તમારી વ્યાખ્યા શું છે? દરમિયાન આંધ્રના મુખ્યપ્રધાને જાહેરાત કરી કે બળાત્કારના કેસમાં અદાલતી કાર્યવાહી 21 દિવસમાં પૂરી થાય અને સજા આપી શકાય તેવો કાયદો કરવામાં આવશે. આ જરૂરી છે, કેમ કે એન્કાઉન્ટરના બદલે ઝડપી કેસ ચાલે અને ફાંસી થાય તે યોગ્ય છે. સરકાર, તંત્ર, પોલીસ અને અદાલતો ધારે તો ઝડપથી કેસ ચાલી શકે છે.

તિહાડ જેલના સત્તાધીશોને ખ્યાલ આવી ગયો કે હવે નિર્ભયાના ગુનેગારોને ગમે તે ઘડીએ ફાંસી આપવાની વાત આવશે એટલે તેમણે બક્સરથી દોરડા મંગાવ્યા છે અને ફાંસીગર માટેની વ્યવસ્થા કરી લેવાઈ છે. પણ બક્સરમાંથી જ કેમ ફાંસીનું દોરડું મંગાવવાનું? એવું કોઈ મોટું રહસ્ય પણ નથી, પણ એક પ્રથા પડી ગઈ છે કે બક્સર જેલમાં કેદીઓ દ્વારા જ બનાવાયેલું અને ત્યાંના ફાંસીગરે ચકાસેલું દોરડું લાવવું. આવું દોરડું લચકદાર હોય અને નિયમ પ્રમાણે ઈજા પહોંચાડ્યા વિના શ્વાસ રુંધવાનું કામ કરી શકે.

બંગાળમાં પગદંડો જમાવ્યા પછી અંગ્રેજોનું બીજું મોટું થાણું બિહારમાં થયું હતું. બિહારના બક્સરમાં ગંગા નદીના કિનારે જ મોટી છાવણી અંગ્રેજોએ બનાવી હતી. વિશાળ લશ્કરી થાણું હોવા સાથે જેલ તરીકે પણ છાવણી કામ કરતી હતી. આગળ જતા કેદીઓને ફાંસી આપવા માટેની વ્યવસ્થા પણ બક્સર છાવણીમાં થઈ હતી. અંગ્રેજોએ આગળ જતા બક્સર જેલમાં દોરડા વણવા માટેનું મશીન પણ લગાવ્યું હતું. ત્યારથી અહીં જ દોરડું તૈયાર થતું રહ્યું છે.
બક્સર સેન્ટ્રલ જેલના હાલના સુપ્રિન્ટેન્ડન્ટ વી. કે. અરોડાને મળવા માટે આજકાલ પત્રકારો મોટી સંખ્યામાં આવે છે. તિહાડમાં છને ફાંસીની તૈયારીઓ વચ્ચે સમાચાર આવ્યા કે બક્સરમાંથી દોરડું મંગાવાશે. સાથે જ કેટલાય કેદીઓને હજી ફાંસી આપવાની બાકી છે તેના આંકડાં પણ આવી રહ્યા છે. 21ને ફાંસી અપાઈ છે, પણ 1500 જેટલાને હજીય ફાંસી આપવાની બાકી છે. પણ નિર્ભયા મામલામાં સરકાર ભીંસમાં છે એટલે બાકીના કેદીઓ હજીય રાહ જોતા રહેશે, પણ છને ઝડપથી ફાંસી આપી દેવાશે તેમ લાગે છે.

અરોડાએ જુદા જુદા પત્રકારો સાથે વાતચીત કરી તેમાંથી ખ્યાલ આવે છે કે અંગ્રેજોએ દોરડું વણવાનું મશીન પ્રથમ અહીં વસાવ્યું હતું. તે એક કારણ ખરું, પણ પછી ઇન્ડિયન ફેક્ટરી લૉ પ્રમાણે અન્ય જેલોમાં દોરડું તૈયાર કરવાની મનાઈ પણ કરાયેલી છે. માત્ર બક્સરમાં દોરડું બની શકે છે, તેથી કાયદાકીય રીતે પણ એક જ જગ્યાએથી ફાંસીનો ફંદો આવે છે. ભારતીય જેલોમાં કેદીઓ પાસે કામ કરાવીને વિવિધ ઉત્પાદનો તૈયાર થાય છે, પણ તેમાં દોરડું બનાવી શકાય નહિ.

બક્સર જેલમાં પણ કોણ દોરડું બનાવી શકે તેના નિયમો છે. સામાન્ય કેદીને આ કામ સોંપવામાં આવતું નથી. જૂના અને આજીવન કારાવાસ ભોગવતા હોય તે કેદી દોરડું બનાવવાનું કામ કરે છે. બક્સરમાં જ બે કેદી એવા છે, જે ફાંસીની રાહ જોઈ રહ્યા છે. પણ ફાંસી અપાઇ હોય તે કેદી પાસે કોઈ કામ કરાવાતું નથી. બક્સર જેલમાં ચાર કર્મચારીઓની જવાબદારી દોરડા બનાવવાની છે. તેમની સૂચના અનુસાર જૂના અને અનુભવી કેદીઓ દોરડા બનાવે છે. તે વખતે થોડા ઓછા જૂના કેદીઓને સાથે રાખવામાં આવે છે, જેથી તેઓ પણ દોરડું બનાવવાનું કામ શીખે.
સામાન્ય રીતે બને તે રીતે જ દોરડું બને છે. પણ અરોડાના જણાવ્યા અનુસાર કદાચ ગંગા નદી કિનારે જેલ હોવાથી હવામાં ભેજ હોય છે. ભેજના કારણે સૂતર સારી રીતે તૈયાર થાય એવું બની શકે. પહેલાં બક્સર જેલમાં જ સૂતર કાંતવામાં આવતું હતું, પણ હવે તો J34 તરીકે ઓળખાતું સૂતર તૈયાર મંગાવી લેવાય છે. મોટા ભાગે પંજાબથી સૂતર આવતું હતું. તૈયાર દોરડા પર જે તે જેલમાં ફાંસીગર પણ પોતાની રીતે કામ કરતા હોય છે. તેના પર મીણ વગેરે ઘસીને તેને લચકદાર અને સુવાળું રાખવામાં આવતું હોય છે.

છેલ્લે 2016માં અહીંથી દોરડું તૈયાર કરીને પટિયાલા જેલ મોકલાયું હતું અને હવે તિહાડ જેલ માટે 10 દોરડા તૈયાર થઈ રહ્યા છે. મોટા ભાગનું કામ હાથે તૈયાર થાય છે. 154 સૂતરની એક લટ બને. તેની છ લટને જોડીને એક દોરડું, 16 ફૂટ લાંબું તૈયાર કરાતું હોય છે.

1880માં બક્સરમાં અંગ્રેજોએ સેન્ટ્રલ જેલ બનાવી હતી. તે પછી દોરડું બનાવવાનું શરૂ થયું હશે તેમ માની શકાય, પણ તેનો કોઈ સત્તાવાર રેકર્ડ ઉપલબ્ધ નથી. તે જમાનામાં બક્સર દેશની સૌથી મોટી જેલ હતી. અંગ્રેજોએ કેદીઓ પાસે કામ કરાવવા માટે અહીં ઓદ્યોગિક એકમો પણ ખોલ્યા હતા. તેમાં જાતભાતની વસ્તુઓ કેદી પાસે સાબુથી માંડીને ફર્નિચાર સુધીની વસ્તુઓ તૈયાર કરાવાતી હતી. બક્સર જેલ પહોંચેલા પત્રકારોને અધિકારીઓ તરફથી એક રસપ્રદ માહિતી એ પણ મળી હતી કે ફાંસીના ફંદાને મનીલા રસ્સી એવી ઓળખ પણ મળી હતી. તેનું કારણ એ કે ફિલિપાઇન્સના મનીલાથી રસ્સી આવતી હતી, તેમાંથી ફાંસીનો ફંદો બનતો હતો. તિહાર જેલ તરફથી 10 દોરડા મંગાવાયા છે, તેનું બિલ બક્સર મોકલશે તે 21,200 રૂપિયાનું હશે. છેલ્લે પટિયાલા જેલને દોરડું મોકલાયું ત્યારે એકની કિંમત 1375 રૂપિયા હતી, હવે ભાવવધારો ફાંસીના ફંદાને પણ લાગું પડ્યો છે – એક દોરડાના 2120 રૂપિયા.


ફાંસીના દોરડાની કિંમત અગત્યની નથી, પણ ફાંસીની સજા આપવી જોઈએ કે નહિ તેની ચર્ચા વધારે થાય છે. ફાંસી આપવાથી કે ના આપવાથી શું ફાયદા અને ગેરફાયદે તેની ચર્ચા પણ થતી રહે છે. ફાંસી આપી દેવાથી અપરાધો ઘટતા નથી એ વાત સાચી હશે, પણ તેના કારણે ફાંસી આપવાનું બંધ કરી દેવું એ વિકલ્પ હોય ખરો? હૈદરાબાદમાં ચારેય એન્કાઉન્ટરમાં ઠાર થયા તે પછીય રોજેરોજ બળાત્કારની ઘટનાના સમાચાર દેશભરમાંથી આવ્યા જ કરે છે. બીજી બાજુ નેતાઓ લોકલાગણીને સમજ્યા વિના બેફામ બફાટ કર્યા કરે છે. સ્મૃતિ ઇરાની સંસદમાં ગળું ફાડી ફાડીને બોલતા હતા તે જોઈને કોઈ પણ ચોંકી જાય. તમે વાતને તોડી મરોડીને, રાજકીય લાભ આખર ખાતર આટલા બરાડા પાડીને પણ જૂઠું બોલી શકો? એકબીજાના નિવેદનને તોડીમરોડીને નેતાઓ ટીકા કરતા હોય છે, પણ બળાત્કાર જેવા મામલે પણ રાબેતા મુજબનું જ રાજકારણ અને આક્ષેપબાજી કરતી વખતે આ નેતાઓને જરાક જેટલીય શરમ નહિ આવતી હોય?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]