ભારત સાથે વેપારના મુદ્દે અમેરિકાનો આકરો મિજાજ કેમ?

મેરિકન સંસદે એવો કાયદો કરેલો છે કે અમેરિકાના હિતોને નુકસાન કરનારા દેશોનો સામનો કરવા માટે આર્થિક પ્રતિબંધો લાગુ કરી શકાય. આ કાયદાના આધારે જ રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાને દુશ્મન ગણીને તેની સામે આર્થિક પ્રતિબંધો મૂક્યાં છે. પોતે તો આર્થિક પ્રતિબંધો મુકે, પણ દુનિયા પર પણ દબાણ કરે કે આ દેશો સાથે આર્થિક વ્યવહારો ન કરવા. દરવખતે એવું શક્ય હોતું નથી. ભારત અને ચીન જેવા મોટા દેશોએ દુનિયાના દરેક દેશ સાથે આર્થિક વ્યવહારો કરવા પડે.

દાખલા તરીકે ભારતે કહ્યું હતું કે ઈરાનમાંથી ક્રૂડની આયાત થોડી ઓછી કરી શકે છે, પણ તદ્દન બંધ કરી શકે નહીં. ભારત તથા જાપાન જેવા સાથે સારા સંબંધો રાખવા માટે અમેરિકાએ ઘણી વાર સમાધાનો પણ કરવા પડે છે. આ પ્રકારના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટેનો અધિકાર આ કાયદા હેઠળ અમેરિકાના પ્રમુખને છે. તેથી ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે ત્યારે ભારતને રશિયા, ઈરાન સાથે વેપાર કરવા દઈ શકે છે.

અમેરિકાની ઇચ્છા ન હોય ત્યારે પણ ભારત વેપાર કરી શકે છે. ભારત કરે પણ છે અને પોતાની દુનિયામાં અવગણના ન થઈ શકે તે મેસેજ પણ આપે છે. રશિયા સાથે ભારતે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો સોદો ધરાર કર્યો છે. અમેરિકાની સતત ચેતવણી પછી પણ ભારતે પાટનગર દિલ્હીને મિસાઇલના આક્રમણથી બચાવવા માટે જરૂરી આ રશિયન ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટેનો કરાર કરી લીધો છે.

કરવો પણ પડે, પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે વધારે આકરા મિજાજમાં છે. તેમણે ફરીથી જીતીને આવવાનું છે એટલે પોતાના ટેકેદાર વેપારી વર્ગને ધ્યાનમાં રાખીને વેપારની બાબતમાં ભારત અને ચીન પર દબાણ કરે છે. ભારત હાર્લે ડેવિડસન મોટરસાઇકલ પર ભારે વેરો લે છે તેનો વિરોધ ટ્રમ્પે કર્યો છે. આ ખાનગી કંપનીને ફાયદો અને અમેરિકન હિતો જળવાઇ તેવું દબાણ છે, જે ભારત ચલાવી લઈ શકે નહીં.

5Gના મુદ્દે પણ ટ્રમ્પ દબાણ વધારી રહ્યાં છે. (ચિત્રલેખાએ અગાઉ આપેલો 5G અંગેનો અહેવાલ વાંચો…(httpss://bit.ly/2Kai3D0 ) ચીનની કંપની હ્યુવેઇએ આ ટેક્નોલૉજીને કામ કરતી કરવામાં એટલી મહારત હાંસલ કરી છે કે દુનિયાભરમાંથી વરદી મળી રહી છે. ભારતમાં પણ 5Gનું પરિક્ષણ શરૂ થઈ ગયું છે અને ઝડપથી તેનો અમલ કરવા ઈચ્છે છે. ભારતીય કંપનીઓ પણ કદાચ ચીનની ટેક્નોલૉજીને જ પસંદ કરશે, કેમ કે તે વધારે સસ્તી અને સરળ છે. અમેરિકા અહીં પણ દબાણ લાવી રહ્યું છે કે ચીની કંપની સાથે કોઈએ વેપાર કરવો નહીં.

જાપાનમાં G20ની પરિષદ વખતે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ટ્રમ્પ અને મોદીની મુલાકાત થાય તે પહેલાં જ ટ્રમ્પે સોશિઅલ મીડિયામાં મેસેજ મૂકીને ભારત ટ્રેડ બેરિયર હટાવે તેવી માગણી કરી હતી. પોતાના ભાષણમાં પણ ટ્રમ્પે આ વાતનો ઉલ્લેખ કર્યો અને અમેરિકાના વેપારી હિતોની રક્ષા માટે તેમણે ભારત સહિતના દેશોની વસ્તુઓ પર આયાત જકાત લગાવવાની ફરી વાત કરી છે.

ભારતે જોકે હજી સુધી કોઈ જવાબ જાહેરમાં આપ્યો નથી. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વૉર થાય તેમાં બંનેને નુકસાન છે. અમેરિકાથી બદામ, અખરોટ જેવી વસ્તુઓ ભારત આવે છે તેનાથી ત્યાંના મોટા ખેડૂતોને ફાયદો થાય છે. ભારતમાંથી ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરીની મોટા પાયે નિકાસ અમેરિકામાં થાય છે. આ બંને ક્ષેત્રોમાં પાયાના સ્તરે મોટા પ્રમાણમાં રોજગારી રહેલી છે. તેથી તેની નિકાસ ઘટે તો ભારતની રોજગારીની મુશ્કેલી વધે.

આ રીતે બંને નેતાઓ માટે આર્થિક બાબતો સાથે પોતાની રાજકીય બાબતો જોડાઈ ગઈ છે. બંને નેતાઓ આ મુદ્દે રાજકીય નુકસાન થાય તે સહન કરી શકે નહીં. તેથી આગળ ટ્રેડ વૉર કેવી રીતે ચાલે છે તે જોવું રહ્યું. દુનિયાના બાકીના દેશોને પણ ચિંતા છે, કેમ કે ચીન સાથેના અમેરિકાના ટ્રેડ વૉરને કારણે મંદીનો માહોલ વિશ્વવેપારમાં ઓલરેડી છે. ભારત સાથે વેપાર મુદ્દે ઘર્ષણ વધે તો મંદી વધારે ઊંડી થાય.

દ્વિપક્ષી સંબંધો ઉપરાંત આવા મુદ્દાની ચર્ચાઓ હવે G20 અને આગલા દિવસે યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પણ થાય છે. વિશ્વ વેપાર હવે દ્વિપક્ષી નહીં, પણ બહુપક્ષી બન્યો છે. બે દેશો વચ્ચેના વેપારી સંબંધોની અસર ત્રીજાથી લઈને 30મા દેશ સુધી થાય છે. ટ્રમ્પ વારંવાર કહેતાં હોય છે કે તેઓ મેક અમેરિકા ગ્રેટ અગેઇન – એટલે કે અમેરિકાને ફરીથી મહાન બનાવવાનો છે.

અમેરિકા મહાન બનવા માગતું હોય, એકમાત્ર મહાસત્તા તરીકેનો દબદબો જાળવી રાખવા માગતું હોય ત્યારે બીજા દેશોની પણ મહત્ત્વાકાંક્ષાઓ હોય. ચીનની મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટપણ મહાસત્તા બનવાની છે. ભારત પણ દુનિયામાં પોતાનું મહત્ત્વ સ્થાપવા માગે છે. ભારત મહાસત્તા બનવાની વાત સીધી રીતે નથી કરતું, પણ ભારત દુનિયાની સત્તાઓ સામે દબાણથી પણ કામ કરવા માગતું નથી. આ બધી બાબતોને કારણે અમેરિકાએ પોતાની અકડ આજે નહીં તો કાલે છોડવી પડશે. ભારતે થોડું નુકસાન સહન કરીને પણ ટક્કર લેવી પડશે. સાથે જ વિશ્વના બીજા દેશોને પણ સાથે લઈને અમેરિકાની વેપારી નીતિઓનો વિરોધ કરવો પડશે.

જોકે ભારત અને ચીન એક થઈ શકે તેમ નથી તે વાસ્તવિકતા છે. અમેરિકા (અને રશિયા, જાપાન સહિતના બીજા દેશો પણ) કોશિશ કરશે કે ભારત અને ચીન વચ્ચેના મતભેદો ઓછા ના થાય. ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ રહે તેમાં મહાસત્તાઓને અને દુનિયાને રસ રહેવાનો. આ વાત ભારત અને ચીન બંને સમજે છે, બંનેના નાગરિકો અને નેતાઓ પણ સમજે છે, પણ ગૂંચ એવી ઊભી થઈ છે કે બંને દેશો સાથે બેસીને સમસ્યાનો ઉકેલ લાવી શકે તેમ નથી. બંને દેશના નેતાઓ પોતપોતાના નાગરિકો સમક્ષ પોતે બહુ મજબૂત છે અને સામા દેશને ટક્કર આપે છે તેવું બતાવવા માગે છે. તેથી નજીકના ભવિષ્યમાં, બંનેનો સ્વાર્થ હોવા છતાં સંબંધોમાં ખાસ સુધારો દેખાતો નથી.

ટ્રમ્પ બીજી મુદત માટે ચૂંટણી જીતી જાય અને તે પછી કદાચ રાજકીય મુસદ્દો રહે નથી. તે સંજોગોમાં બીજી ટર્મમાં તેનું વલણ બદલાઈ શકે તેમ માની શકાય. પણ તે માન્યતા તદ્દન સાચી પડે તેવી શક્યતા ઓછી છે. 5Gમાં ચીની, તાઇવાની અને કોરિયાઈ કંપનીઓ આગળ નીકળી ગઈ છે. અમેરિકન કંપનીઓનો ગરાસ લૂંટાઈ રહ્યો છે. ડેટાને સ્થાનિક ધોરણે સ્ટોરેજ કરવા માટે ભારતે દબાણ કર્યું તે પછી અમેરિકાની સોફ્ટવેર અને સોશ્યલ મીડિયાની જાઈન્ટ કંપનીઓ અકળાઈ રહી છે. તેનું દબાણ અમેરિકન સરકાર પર છે. ભારતે રશિયા અને ફ્રાન્સ સાથે મોટા શસ્ત્ર સોદાઓ કર્યો છે. તેથી અમેરિકા પર શસ્ત્રો માટે આધાર નથી. તેથી અમેરિકન શસ્ત્ર ઉત્પાદક કંપનીઓનું દબાણ પણ છે. બદામ ઉગાડતા ખેડૂતો અને હાર્લે ડેવિડસન મોટરબાઇક બનાવતી કંપનીઓથી માંડીને હવે ભારતના રિટેલ માર્કેટમાં પ્રવેશેલી એમેઝોન અને વૉલમાર્ટનું પણ દબાણ છે. ભારતે રિટેલ માર્કેટ પર ગાળિયો કસ્યો છે. તગડાં ડિસ્કાઉન્ટ આપીને સ્થાનિક રિટેલ વેપારી વર્ગને ખતમ કરી નાખવાનું લાંબા ગાળે શક્ય ના બને તેવા નિયમો ભારત લાવી રહ્યું છે. તેથી પણ અમેરિકન કંપનીઓ અકળાઈ રહી છે.

આ બધાનો મતબલ એ થયો કે ભારત અને અમેરિકા વચ્ચે આગળ પણ વેપારના મુદ્દે ચકમક થતી રહેવાની. તેમાંથી તણખા પણ ઝરતા રહેવાના. તણખામાંથી આગ લાગે તેવું બેમાંથી એક પણ દેશ નથી ઈચ્છતો. એક હદથી વધારે ઘર્ષણ થાય તેવું મલ્ટિનેશનલ કંપનીઓ પણ ઇચ્છતી નથી હોતી. પણ સરવાળે વેપારના મુદ્દે બંને દેશો વચ્ચે નજીકના ભવિષ્યમાં ટક્કર થતી રહેવાની છે, ત્યારે બંને દેશના નેતાઓ કેવું વલણ લે છે તે પણ જોવાનું રહ્યું.