લિવ ઇનમાં રહેવાનો અર્થ કોણ નક્કી કરશે?

કેરળનો જ આ એક કિસ્સો છે. એક યુવતી એક યુવક સાથે રહેવા માગતી હતી. તેના પિતા તેને રહેવા દેવા માગતા નહોતા. તેથી પિતા પહોંચ્યા કેરળ હાઇ કોર્ટમાં. હાઇ કોર્ટના ન્યાયાધીશને લાગ્યું કે દિકરી ભલે 19 વર્ષની થઈ ગઈ હોય, ભલે પુખ્ત થઈ ગઈ હોય, ભલે તે ઉંમરલાયક અને લગ્નલાયક હોય, પણ તે પોતાની મરજી વિના કોઈ યુવક સાથે રહી શકે નહિ. તેથી નામદારે હુકમ કર્યો કે તમારા લગ્ન ફોક થાય છે અને યુવતીને કહ્યું કે તારે તારા વાલીઓ સાથે રહેવા જતું રહેવું.

આ પ્રકારનો હુકમ યુવતીને મંજૂર નહોતો. તે પોતાની મરજીથી 20 વર્ષના યુવક સાથે રહેવા માગતી હતી. હાઇ કોર્ટના નામદાર ન્યાયાધીશે ટેક્નિકલ પોઈન્ટ શોધી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે યુવક હજી 21 વર્ષનો થયો નથી, તેથી લગ્નલાયક નથી. લગ્ન કરવા માટેની તેની ઉંમર થઈ નથી એથી આ લગ્ન ફોક ગણાય.

કાનૂની મુદ્દાના આધારે વાત વાજબી છે એવું પણ લાગે. કાયદામાં નક્કી કર્યું છે કે લગ્ન કરવા માટે પુરુષે 21 વર્ષ પૂરા કરવા પડે. ના કર્યા હોય તો લગ્ન થઈ શકે નહિ. હવે 21 વર્ષની ઉંમર જ લગ્નલાયક ઉંમર છે કે કેમ તેની ચર્ચા કરવાનો અર્થ નથી. કેમ કે કોઈ એક જગ્યાએ લક્ષ્મણ રેખા દોરવી પડે. ઉંબરાની આ તરફ દોરી કે પેલી તરફ દોરીના તેનાથી થોડા ઈંચનો જ ફરકે પડે છે. 18 વર્ષ સુધી વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ બંને સગીર ગણાય છે અને 18 પૂરા કરે એટલે તે કોઈના પણ વાલીપણામાંથી મુક્ત સ્વતંત્ર નાગરિક છે. 19 વર્ષ ને 11માં મહિને કેમ નહિ તેવી ચર્ચા કરવાનો અર્થ નથી, કેમ કે ફરક ફક્ત એક મહિનાનો જ છે.

એક રેખા ખેંચવી પડે. તે ખેંચી લીધી, પણ તે પછી રેખાની આ તરફ ઊભા હો કે પેલી તરફ, સમજદારી દાખવવાની હોય છે. માથે જવાબદારી આવી ત્યારે સંતાનો બાર તેર વરસે મોડા થઈ જાય છે. ‘મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મેલા’ જીવનભર નાદાન રહે છે. મુદ્દો એ નથી કે ટેક્નિકલ ગ્રાઉન્ડ લેવાયું કે નહિ, મુદ્દો એ છે કે અદાલતો ક્યાં સુધી આપણે કેવી રીતે રહેવું તે નક્કી કર્યા કરશે.

કેરળનો જ બીજો કિસ્સો હતો, યાદ હશે, હાદિયાનો. તેમાં ‘લવ જેહાદ’નો મુદ્દો ચગાવાયો અને 24 વર્ષની હાદિયાને મુસ્લિમ પતિ પાસેથી છોડાવીને તેના પિતા પાસે મોકલવાનો હુકમ કેરળની હાઇ કોર્ટે જ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તે હુકમ રદ કર્યો અને હાદિયાને, તે 24 વર્ષની હોવાથી ધર્મપરિવર્તનનો અને ઈચ્છે ત્યાં શાદી કરવા માટે નિર્ણય લઈ શકે તેમ જણાવ્યું હતું. તુષારા અને નંદકુમારના કિસ્સામાં પણ સુપ્રીમ કોર્ટે કેરળ હાઇ કોર્ટનો હુકમ રદ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે બહુ સારું કર્યું એમ કહેવાનું મન થાય, પણ સુપ્રીમ કોર્ટે પણ પોતાના હુકમમાં જે વધારીના વાતો ઉમેરી તેના કારણે પેલો સવાલ પૂછ્યો છે કે આપણે કઈ રીતે રહેવું તે અદાલતો ક્યાં સુધી નક્કી કર્યા કરશે. શું એક સમાજ તરીકે આપણે આટલી સદીઓ પછી સમજદાર નથી થયા કે નક્કી કરી શકીએ કે કઈ રીતે રહેવું તે વ્યક્તિગત મામલો છે. જાહેર શાંતિ, સુલેહ અને ‘સંસ્કારી’ વર્તનના ધોરણોનો ભંગ ના થાય ત્યાં સુધી વ્યક્તિગત બંધબારણા પાછળ પોતાની રીતે રહી શકે કે નહિ?

આપણે પાછળ જઈ રહ્યા છીએ એવું કહીશું તો તે પણ યોગ્ય નથી. લોકશાહી નહોતી ત્યારે વ્યક્તિ વધારે સ્વતંત્ર હતી. પોતાની મરજી પડે તેમ માણસ જીવી શકતો હતો.

લોકતંત્રમાં વ્યક્તિ પર અને નાગરિક પર બંધનો વધ્યા છે. સમાન નાગરિક ધારો લાવવાની વાત ચાલે છે, પણ નજીકના ભવિષ્યમાં લાવી શકાય તેમ નથી. તેથી નજીકના ભવિષ્ય સુધી ભારતીય નાગરિકે અદાલત માઇબાપની દયા પર રહેવાનું છે તેવી દયનીય સ્થિતિ 21મી સદીમાં ભારતીય નાગરિકોની છે.

સુપ્રીમ કોર્ટે તુષારા અને નંદકુમારના કેસમાં શું કહીએ તે પણ જોઈ લઈએ. કેરળના નામદાર ન્યાયધીશે એક નિયમ જોયો, તેમ સર્વોચ્ચ અદાલતના નામદાર ન્યાયાધીશે પણ બીજો એક નિયમ જોયો. અદાલતે કહ્યું કે હવે લીવ-ઈન રિલેશનશીપમાં રહી શકાય છે. લીવ-ઈનમાં હવે ડોમેસ્ટિક વાયોલન્સની જોગવાઈ લાગુ પડી શકે તે ધોરણ સ્થાપિત થયું છે, તેથી તુષારા અને નંદકુમાર લીવ-ઈન રિલેશનશીપમાં રહી શકે છે. નંદકુમાર 21 વર્ષનો નથી તેથી લગ્ન કરીને તુષારા સાથે રહી શકે નહિ, પરંતુ તે લીવ-ઈન રિલેશનશીપમાં રહી શકે. હવે કાયદામાં એવું તો ક્યાંક કહ્યું નથી કે 21 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ લીવ-ઈનમાં પણ ના રહી શકે! રાઇટ?

તુષારાને તેના પિતા સાથે રહેવા જવાની ફરજ પાડી શકાય નહિ. તે પોતાની મરજી પ્રમાણે જેને પ્રેમ કરે છે તે નંદકુમારની સાથે રહેવા માટે મુક્ત છે, પણ લીવ-ઈન રિલેશનશીપમાં રહે તેવો આ ચુકાદો છે.

સવાલ એ છે કે લીવ-ઈન રિલેશનશીપમાં રહેવું એવું પણ અદાલત શા માટે નક્કી કરે. શા માટે પુખ્ત વયની વ્યક્તિ તરીકે (18 વર્ષની મર્યાદારેખા માન્ય કર્યા સિવાય છૂટકો નથી) કશા જ બંધન વિના બે વ્યક્તિ સાથે ના રહી શકે. હકીકતમાં લીવ-ઈનનો મૂળભૂત હેતુ જ અદાલતોએ મારી નાખ્યો છે. લીવ-ઈન ઈઝ એઝ ગૂડ એઝ મેરેજ એવું થઈ ગયું છે.

વાત ફક્ત સ્ત્રી-પુરુષ મુક્તપણે સાથે રહે તે માટે નથી. એવી ‘સ્વછંદતા’ માટેની આ દલીલ નથી. પુરુષ-પુરુષ, સ્ત્રી-સ્ત્રી પણ સાથે રહી શકે માત્ર તે માટેની પણ આ વાત નથી.

વાત શુદ્ધ, નિર્ભેળ, મુક્તપણે, સ્વતંત્રપણે પોતાની મરજી પ્રમાણે એકલા રહેવાની, બેકલા રહેવાની કે સમૂહમાં રહેવાની છે. કોઈ પણ બંધન વિના પૃથ્વી પર થોડા ફૂટ જગ્યા, પૃથ્વીવાસીઓએ બનાવેલા નિયમો પ્રમાણે માલિકીહકથી પ્રાપ્ત કરેલી થોડા ચોરસફૂટ ધરતી પર પછી જે નાનકડું વિશ્વ બને, તે દુનિયાને તે સંસાર, જે તે વ્યક્તિના આગવા હોય. આસપાસની જગ્યામાં વસેલા નાગરિકો, જીવસૃષ્ટિને હાની કર્યા વિના તે રહે. મહેમાનો આવતા રહે, જતા રહે, કોઈ કાયમી મહેમાન બનીને પણ રહે. મરજીની વાત છે. કાયદો ત્યાં ક્યા આવે છે?
તેના બદલે 21મી સદીમાં ભારતમાં સ્થિતિ એવી છે કે તમે કયા ધરમ પાળો છો તેના પરથી નહિ, પણ તમે કઈ જ્ઞાતિના છો તેના આધારે તમારે કેમ રહેવું તે નક્કી કરી શકાય તેવી સ્થિતિ છે. તમે આદિવાસી કે ભટકતી જ્ઞાતિના હો તો એક નિયમ, તમે નગરવાસી જ્ઞાતિના હો તો બીજો નિયમ. બે સમાનધર્મી વ્યક્તિઓ મળે ત્યારે એક નિયમ, બે વિધર્મી વ્યક્તિઓ મળે ત્યારે બીજો નિયમ અને વિધર્મી વત્તા વિ-જ્ઞાતિના જણ મળે ત્યારે વળી ત્રીજો નિયમ. વાહરે દુનિયા!