મહાગઠબંધન મુદ્દે જુદા જુદા નિવેદનોનો અર્થ શું થાય છે?

જી થયું નથી, પણ થવાનું છે તે મહાગઠબંધનના સંભવિત નેતાઓ જુદા જુદા નિવેદનો આપતા રહે છે. સૌનો સૂર એક જ છે કે ભાજપને હરાવવું, પણ તેમાં સૌનો પોતપોતાનો સ્વર પણ ભળે છે. દરેક નેતાની અંગત મહત્ત્વાકાંક્ષા અને ગણતરીઓ છે. ક્યારેય વિરોધાભાસની નિવેદનો પણ લાગે, કેમ કે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં શરદ પવારે કહ્યું કે ભાજપ સામે એક મહામોરચો રચવો ‘પ્રેક્ટિકલ’ નથી. પ્રેક્ટિકલ ના હોય તો ગઠબંધન કેવી રીતે થશે તેવો સવાલ થાય, પણ ઇન્ટરવ્યૂમાં આગળ પવાર જ વળી કહે છે કે રાજ્યોમાં યથાસ્થિતિ જોડાણો થતા રહેશે.આનો અર્થ શો કરવો? આનો અર્થ એ કે નેતાઓ પોતાનો સિક્કો ખરો કરાવવા માટે અત્યારે નિવેદનો કરી રહ્યા છે. અંદરથી તેમને ખબર છે કે ભાજપ સામે સંયુક્ત રીતે લડવું પડશે, નહિતો હાર નિશ્ચિત છે. ભાજપને એકલે હાથે હરાવી શકે તેવો કોઇ પાનઇન્ડિયા પક્ષ અત્યારે ઇન્ડિયામાં નથી.

શરદ પવારના નિવેદનનો અર્થ એ નથી કે તેઓ મહામોરચાને પ્રેક્ટિકલ નથી ગણી રહ્યાં. તેઓ કોંગ્રેસ સાથે બાર્ગેઇનિંગની કોશિશ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને પવારની એનસીપી વચ્ચે ગઠબંધન નક્કી છે, પણ ગુજરાતમાં કોંગ્રેસ તેમને દાદ આપવા માગતી નથી. એ જ રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કોંગ્રેસ એનસીપીને દાદ આપવા માગતી નથી. શરદ પવાર ઇચ્છે છે કે બીજા રાજ્યોમાં પણ તેમના પક્ષને ટિકિટો મળે.
આ રમતને જાણીને જ કોંગ્રેસે તરત નિવેદન આપ્યું હતું કે દરેક રાજ્યમાં અલગઅલગ ગઠબંધન થશે. પ્રાદેશિક સ્થિતિ પ્રમાણે ગઠબંધનો થશે અને કોંગ્રેસ તે માટે તૈયાર છે. કોંગ્રેસે સ્પષ્ટ નથી કહ્યું, પણ જૂનિયર પાર્ટનર બનવા માટે પણ તૈયાર છે. ના હોય તો તેને જૂનિયર પાર્ટનર બનવા માટેની શીખ તેજસ્વી યાદવે આપી પણ છે. કોંગ્રેસે પોતાની સ્થિતિ અનુસાર મોરચામાં જોડાવું જોઈએ એવું તેજસ્વી યાદવે કહ્યું છે. બિહારમાં નીતિશકુમારની અવઢવને કારણે આરજેડીને ફરી એકવાર ફાયદો દેખાઇ રહ્યો છે, ત્યારે કોંગ્રેસને વધુ બેઠકો આપવાની તેની ગણતરી નથી. તેથી સલાહ સાથે આ સંદેશ પણ યાદવે આપ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે રાજ્યો પ્રમાણે ગઠબંધનો થશે. તેમણે બે રાજ્યોના દાખલા પણ આપ્યા – ગુજરાત અને બિહાર. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ગઠબંધન છે, પણ ગુજરાતની વાત જુદી છે. ગુજરાતમાં કોંગ્રેસ નંબર વન પાર્ટી છે. બિહારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ત્યાં આરજેડી સાથે ગઠબંધન થાય, પણ તે ગઠબંધન યુપીમાં બહુ કામનું નથી. તામિલનાડુમાં ડીએમકે નંબર વન પાર્ટી હશે, પણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબમાં કોંગ્રેસ નંબર વન પાર્ટી હશે. આ રીતે કોંગ્રેસને જૂનિયર પાર્ટી બનવા માટે મળી રહેલા સંદેશનો જવાબ અપાયો છે.

દરમિયાન પશ્ચિમ બંગમાં મમતા બેનરજીને પ્રેશરમાં રાખવા સ્થાનિક કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું છે કે અમારે તૃણમૂલ કોંગ્રેસ સાથે સમજૂતિ કરવી નથી. મમતા બેનરજીએ કર્ણાટક વખતે અગત્યનું ભૂમિકા ભજવી હતી અને કોંગ્રેસને અને માયાવતીને સલાહ આપી હતી કે ત્યાં ભાજપને સરકાર બનાવતા રોકો. તે પછી દિલ્હીમાં કેજરીવાલની મદદે તેઓ દોડી ગયા હતા, જે કોંગ્રેસને બહુ ફાવે તેવું નહોતું. પશ્ચિમ બંગમાં મમતા પોતાને નંબર વન પાર્ટી ગણે તે સ્વાભાવિક છે. પણ કોંગ્રેસ કે ડાબેરી સાથે કેવી રીતે સમજૂતિ કરવી તેની મૂંઝવણ મમતાને પણ છે. જોકે કોંગ્રેસને ખ્યાલ આવ્યો છે કે ત્યાં પોતાની અવગણના થશે એટલે સ્થાનિક ધોરણે કંઇક જુદો સૂર કાઢવામાં આવ્યો છે.

દરમિયાન બિહારમાં જુદા જુદા નિવેદનો આવી રહ્યા છે તે ધ્યાન ખેંચે તેવા છે. જિતન રામ માંઝીને એક વાર મુખ્યપ્રધાન બનવા મળ્યું હતું, પણ પછી નીતિશકુમારે સિફતપૂર્વક તેમને હટાવી દીધા નારાજ થયેલા માંઝીએ પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો છે. તેમને મહાગઠબંધનમાં રસ છે. જોકે તેમણે નીતિશ સામેની નારાજી જુદી રીતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બિહારમાં હવે મહાગઠબંધન થાય ત્યારે મુખ્યપ્રધાનના દાવેદાર તરીકે તેજસ્વી યાદવને જ આગળ કરાશે. તેજસ્વીને ભાવી સીએમ બનાવવાના હોય તો જ નીતિશકુમારને ગઠબંધનમાં લાવવાના છે.
હવે નીતિશ ગઠબંધનમાં પરત ફરશે કે કેમ તે સમજાતું નથી. ભાજપ અંગેનો તેમનો મોહભંગ બહુ ઝડપથી થઈ રહ્યો છે. નીતિશે જે દિવસે ભાજપ સાથે જોડાણ કર્યું તે દિવસે જ તેમની આબરૂના કાંકરા થઈ ગયા હતા. તે પછી ભાજપે તે કાંકરાને પણ દળી નાખીને તેની ધૂળ કરી નાખી છે.નીતિશકુમારની હેસિયત પ્રાદેશિક કક્ષાના નબળા અને ભાજપના આશ્રિત જેવી થઈ ગઈ છે. પીએમ બનવાના સપના જોવા લાગેલા નીતિશ ફરી એકવાર પોતાનું પ્યાદું ગોઠવવા માગે છે. તેમણે યોગ દિવસના કાર્યક્રમોમાં હાજરી આપી નહોતી. નોટબંધી નકામી હતી તેવું પણ તેમણે કહી દીધું છે અને કેન્દ્ર સરકારના કાર્યક્રમોની ધીમે ધીમે ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે નીતિશ ભાજપથી છુટ્ટા પડશે કે કેમ તેવી સ્પેક્યુલેશન શરૂ થઈ છે. નીતિશ માટે હવે મુશ્કેલ છે, કેમ કે મહાગઠબંધનમાં તેમના પર હવે કોઈ વિશ્વાસ ના કરે.

તે સંદર્ભમાં જ કેટલાક નેતાઓએ નિવેદનો આપ્યા છે કે નીતિશ પર ભરોસો કરવો મુશ્કેલ છે. તેઓ અમુક વચન આપતા હોઇએ તો સાથે લઇએ એવું પણ સાથોસાથ કહ્યું છે, કેમ કે ગણિત પ્રમાણે બિહારમાં નીતિશને સાથે લેવા જરૂરી છે. ભાજપ અને જેડી (યુ) સંયુક્ત રીતે બિહારમાં હજી પણ મજબૂત છે. આરજેડી અને કોંગ્રેસની જોડી થોડી ટક્કર આપશે, પણ પૂરતી નહિ. ભાજપ વિરોધી મતો વહેંચાઇ જતા રોકવાની જે ઓરિજિનલ યોજના છે, તે પ્રમાણે બિહારમાં જેડી(યુ)એ પણ વિપક્ષની સાથે રહેવું પડે. યુપી પછી બિહાર લોકસભા માટે અગત્યનું રાજ્ય છે. મહારાષ્ટ્ર પણ 48 બેઠકો સાથે અગત્યનું રાજ્ય છે. ત્યાં પણ શિવસેનાની સ્થિતિ નીતિશ જેવી જ છે. શિવસેના અલગ રહીને લડે તો હેતુ ઊંધો પડે. ફાયદો ભાજપને થાય. બિહારમાં પણ નીતિશ છેવટે ભાજપને છોડીને એકલા લડવાની કોશિશ કરે તો હેતુ ઊંધો પડે. ફાયદો ભાજપને થાય.

દરમિયાન વધુ એક પ્રાદેશિક પક્ષનો જન્મ પણ ગયા અઠવાડિયે થઈ ગયો. રાજસ્થાનમાં ભાજપના સિનિયર ગણાતા નેતા ધનશ્યામ તિવારીએ આખરે છેડો ફાડ્યો. છેલ્લા કેટલાક વખતથી તેઓ ભાજપની ટીકા અંદર રહીને કરતા હતા. છએક મહિના પહેલાં તેમને શોકોઝ નોટીસ પણ આપવી પડી હતી, કેમ કે તેમણે ભાજપના પ્રધાનો પર ભ્રષ્ટ્રાચારના આક્ષેપો કર્યા હતા. તેમના પુત્રે હવે અલગ પક્ષની રચના કરી છે. ધનશ્યામ તિવારીએ ભાજપ છોડ્યું અને રાજસ્થાનના ભાજપી નેતાઓ પર ભ્રષ્ટાચાર ઉપરાંત કેન્દ્રના ભાજપના નેતૃત્ત્વ પર પણ પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વણકહી કટોકટી જેવી સ્થિતિ છે. જાહેર કરેલી કટોકટી કરતાંય વણજાહેર આ કટોકટી વધારે ખરાબ છે એમ તેમણે કહ્યું. તિવારીના પુત્રની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે કે કોંગ્રેસ તેમને મહત્ત્વ આપશે કે કેમ તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થાય ત્યારે પોતાના ચહેરા પર કેવો રંગ હશે તેની ચિંતામાં જ નેતાઓ અત્યારે ભળતાસળતા નિવેદનો કરી રહ્યા છે. આમ એવું લાગે કે આ પ્રકારના નિવેદનોથી મહાગઠબંધન એટલે શંભુમેળો તેવી ટીકા પ્રબળ બનશે. પણ ટીકાટીપ્પણીથી ચૂંટણી જીતાતી નથી. શંભુમેળો કહો કે તકસાધુઓની ટોળી કહો, આ પક્ષો ભેગા થાય તો ભાજપને ભારે પડે જ. તેથી જ માત્ર નિવેદનોને કારણે વિપક્ષ બદનામ થાય અને ભાજપને ફાયદો થાય તેવું જરૂરી નથી. નિવેદનોમાંથી વાત વણસી પડે અને ખરેખર ગઠબંધન ના થાય ત્યારે ભાજપને ફાયદો થશે. ઘણા રાજ્યોમાં ફ્રેન્ડલી મેચ થશે, તેનો થોડો ફાયદો ભાજપને પણ થશે. સેના એનસીપી સાથે નહિ જોડાય, પણ ખાનગી સમજૂતિ કરશે. ફાયદો ભાજપને પણ થશે. નીતિશ ગઠબંધનમાં નહિ હોય, એકલા ચૂંટણી લડશે, પણ ખાનગીમાં સમજૂતિ કરશે. ફાયદો ભાજપને થશે. પશ્ચિમ બંગમાં ટીએમસી, કોંગ્રેસ, ડાબેરી ત્રણેય અલગ લડશે, પણ ખાનગીમાં ટિકિટોની વહેંચણીમાં સમજૂતિ જેવું રાખશે. ફાયદો ભાજપને થશે.

ટૂંકમાં અત્યારે વિપક્ષના નેતાઓ દ્વારા થતા નિવેદનો જુદા જુદા સંદેશ આપવા માટે છે, તેને આમ ગંભીરતાથી, પણ આમ બહુ ગંભીરતાથી લેવાની કે તેમાં ઊંડા અર્થો શોધવાની જરૂર નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]