‘કાલા’ ફિલ્મમાં રજનીકાંતના રાજકારણનો કેવો રંગ દેખાયો?

જનીકાંતે કાલા ફિલ્મમાં રાજકીય અંડરટોન સાથેનો રોલ કર્યો છે તે વાતની નવાઇ નથી. દક્ષિણ ભારતમાં ફિલ્મોમાં એવો ટોન રહ્યાં કર્યો છે. હિન્દી ફિલ્મોમાં અને બીજા ભાષાની ફિલ્મોમાં પણ ખરો. પણ બીજી ફિલ્મો અને રજનીકાંતની આ ફિલ્મની ચર્ચમાં એટલો ફરક પડવાનો કે રજનીકાંત પોતે હવે રાજકારણમાં આવવા માગે છે. રાજકારણમાં આવવાની જાહેરાત કર્યા પછી આ ફિલ્મ બની છે, તે પછી શૂટિંગ થયું છે અને તે પછી વિવાદ પણ થયો છે એટલે રજનીકાંતે અગાઉની ફિલ્મો કરતાં કંઈ જુદો મેસેજ આપ્યો ખરો એવું શોધવા લાગ્યાં હતાં વિશ્લેષકો.

ઉપર ઉપરથી તો કશું નવું નથી. ટીકા કરવા કહી શકાય કે ધનવાનો અને સત્તાધીશો સામે લડતો હીરો એવી ફાલતુ સ્ટોરી અને ફાલતુ ફિલ્મ છે. ધારાવીની ઝૂંપડપટ્ટી પર નેતાઓનો અને બિલ્ડરોનો ડોળો છે. સોનાની લગડી જેવી જમીન પચાવી પાડીને ગરીબોને ત્યાંથી હાંકી કાઢવાના છે, પણ કાલા સેઠ ઝૂંપડાવાસીઓ માટે લડી લે છે. તેમના માટે મસીહા બનીને ઊભો રહે છે. રજનીકાંત સ્ટાઇલની, દક્ષિણ ભારતની શૈલીની ફિલ્મ છે, પણ તેમાં રંગોનો ઉપયોગ થયો તેની કેટલાકનું ધ્યાન ખેંચાયું હતું.

આ રંગોમાં શું ક્યાંય ભગવો રંગ દેખાય છે ખરો?

ફિલ્મમાં બે રંગનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે – ફિલ્મનું નામ જ કાલા છે એટલે એક તો કાળો રંગ. તેની સામે સમજી શકાય છે, સફેદ રંગ. પણ અહીં પ્રતીકો ઉલટાવાયા છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ લોકો કેવા કાળા કામો કરે છે તે દેખાડવા વિલન નાના પાટેકર સફેદ વસ્ત્રોમાં સજ્જ રહે છે. તેમનો ભવ્ય બંગલો પણ સફેદ રંગાયેલો છે. તેની સામે હીરો રજનીકાંત કાળા રંગના પ્રતીકમાં શ્વેત કાર્યો કરનારો હીરો છે.

અહીં માત્ર કાળા-ધોળાના ભેદની વાત નથી, રામ રાવણનો ઉલ્લેખ પણ આવે છે. દક્ષિણ ભારતીયો કાળા છે અને ઉત્તર ભારતીયો ઘઉંવર્ણા તેની ટક્કર પણ કોઈને દેખાય. રાક્ષસ અને દેવનો ઉલ્લેખ આવે ત્યારે શુભ અને અશુભની લડાઇનો ખ્યાલ આવે, પણ રામ અને રાવણનો ઉલ્લેખ આવે ત્યારે ફરીથી ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારતની લડાઇનો, આર્ય વિરુદ્ધ દ્વવિડનો, આર્ય વિરુદ્ધ અનાર્યનો સંઘર્ષ દેખાય.

આવો સંઘર્ષ જોવાની કોશિશ પણ નિરીક્ષકોએ નથી કરી, તેમને રસ એ હતો કે ભગવો કલર ફિલ્મમાં ક્યાંય દેખાય છે કે કેમ. તેનું કારણ એ કે રજનીકાંતની રાજકારણી તરીકેની વાણીમાં તે ભાજપ તરફ ઢળતો દેખાય છે. નરેન્દ્ર મોદી ખાસ તેમને મળવા માટે પહોંચ્યાં હતાં. તે પછી જોકે તેમણે વારંવાર ચોખવટ કરી છે, પણ દ્રવિડ રાજકારણ વચ્ચે રજનીકાંત ભગવું રાજકારણ કરવા માગે છે તેવો મેસેજ વહેતો રહ્યો છે.આ ફિલ્મમાં પોલીસ ઓફિસરનું નામ શિવાજીરાવ ગાયકવાડ રખાયું છે. રજનીકાંતનું અસલી નામ પણ શિવાજીરાવ ગાયકવાડ છે. શિવાજીરાવ ગાયકવાડના પાત્રના મોઢે ફિલ્મમાં એવું બોલાવાયું છે કે હું જનતાની સાથે છું. આ કદાચ રજનીકાંતનું પોતાનું રાજકીય સ્ટેટમેન્ટ છે કે હું લોકોની સાથે છું. પણ લોકો એટલે કયા લોકો? તામિલનાડુમાં દ્વવિડ રાજકારણ બહુ ઊંડો પાયો નાખીને બેઠેલું છે. નામ પ્રમાણે જ રજનીકાંત અસલી તમિળ નથી. તે કન્નાડીગા છે. કન્નાડીગામાં પણ મુંબઈ કર્ણાટક તરીકે ઓળખાતા પ્રદેશમાં તેના વડવાઓના મૂળીયાં નીકળે છે. આ વિસ્તારમાં મરાઠી અસર પણ ખરી.

દ્રવિડ રાજકારણ આર્ય રાજકારણનો વિરોધ કરે છે. જયલલિતાએ દ્વવિડ પક્ષ પર કબજો જમાવ્યો હતો એટલે એઆઇએડીએમકેનું રાજકારણ દ્વવિડ હોવા છતાં ડીએમકે જેટલું દ્વવિડ ખરું એવો સવાલ થાય. જયલલિતાની ગેરહાજરીમાં શશીકલાને હટાવીને ભાજપે પોતાને ફાવે તેવા નેતાઓને તેમાં આગળ કર્યા છે, જેથી ભવિષ્યમાં તેની સાથે જોડાણ થઈ શકે તેવી વ્યાપક માન્યતા છે. જોડાણ થશે કે કેમ તે નક્કી નથી, કેમ કે જયલલિતાએ ક્યારેય એવી પરવા કરી નહોતી. જયલલિતાના નામે હવે મતદારો પાસે જવાનું છે ત્યારે તેમની નીતિથી વિરુદ્ધ જઈ શકાશે કે કેમ તે પણ જોવું પડે.

દરમિયાન તુતીકોરિનની મુલાકાત લઇને રજનીકાંતે બફાટ કર્યો હતો. રજનીકાંતે કહ્યું કે તોફાનોમાં અસામાજિક તત્ત્વો ઘૂસી ગયાં હતાં એટલે હિંસા થઇ. તુતીકોરિનમાં કોપર સ્મેલ્ટર પ્લાન્ટ આવેલો છે. તેનો સ્થાનિક લોકો વિરોધ કરે છે. પખવાડિયા પહેલાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું ત્યારે પોલીસે બેફામ ગોળીબાર કર્યો. તેમાં 13 લોકો માર્યા ગયાં એટલે સરકાર ભીંસમાં આવી ગઈ છે. સરકારે એવો બચાવ કરેલો કે અસામાજિક તત્ત્વોએ હિંસા કરેલી અને તેથી પોલીસને ગોળીબારને ફરજ પડી હતી. એ જ લાઇન રજનીકાંત પણ લીધી.

તેથી લોકોએ એવો તાળો મેળવ્યો કે રજનીકાંતની કોશિશ ભાજપ તરફી મનાતી રાજ્ય સરકારની તરફેણ કરવાની છે. તો પછી કાલા ફિલ્મમાં ભાજપની અથવા તો ભગવા રાજકારણની તરફેણ ખરી? જવાબ ના આપવો પડે, કેમ કે ફિલ્મમાં શ્વેત અને અશ્વેત રંગ છે, પણ ભગવો રંગ નથી. ઉલટાનું કાલા સેઠ જેનો વિરોધ કરે છે, તે પાર્ટી ભલે શ્વેત રંગે રંગાયેલી દેખાડી હોય, તેનો અંદરનો રંગ ભગવો છે. તેથી રજનીકાંતે હકીકતમાં ભગવા કલરનો વિરોધ કર્યો છે એવું તારણ પણ અનુકૂળતા ખાતર કાઢી શકાય તેવું છે.

આ સિવાય રામરાવણના સંદર્ભમાં થયેલા સંવાદથી પણ લોકોના કાન ચમક્યાં છે. નાના પાટેકરના પાત્રને પૌત્રી પૂછે છે – રામે ખરેખર રાવણને માર્યાં હતાં? પાટેકરનું પાત્ર સીધો જવાબ આપવાના બદલે કહે છે -વાલ્મિકીએ એવું લખ્યું છે એટલે રામે જ માર્યા હશે. ધારાવીની ઝૂંપડપટ્ટીઓ પર કેમેરા ફરે છે ત્યારે તેમાં A-1 Beef Shopનું બોર્ડ દેખાઇ જાય છે. પાટેકરનું ભ્રષ્ટાચારી નેતાનું પાત્ર ધારાવી કબજે કરી લેવા માટે પ્યોર મુંબઈ હોઉં જોઈએ તેવી વાત કરે છે. તેનો અર્થ એ કે દક્ષિણ ભારતીયોને હટાવો અને શુદ્ધતા લાવો.

આવા સંદર્ભોને કારણે રજનીકાંતે ભગવા રંગના રાજકારણનો, આર્ય રાજકારણનો ઉલટાનો વિરોધ કર્યો છે અને તે તામિલનાડુમાં દ્વવિડ રાજકારણને જ વળગી રહેશે તેવું તારણ કાઢવામાં આવ્યું છે. કબાલી ફિલ્મના બે વર્ષ પછી આ ફિલ્મ આવી છે અને તેના ડિરેક્ટર એના એ જ રંજિત છે. મજાની વાત એ છે કે થીમ પણ લગભગ એની એ જ છે. કબાલીમાં મલેશિયામાં તમિળ લોકોનો ઉદ્ધાર કરનારો મસીહા રજનીકાંત કાલા ફિલ્મમાં ધારાવીના તમિળોનો ઉદ્ધાર કરનારો મસીહા બન્યો છે.

હવે પોતાના જ રાજ્યમાં તમિળ નાગરિકોના, તમિળ મતદારોના મસીહા બનવા માટે વાસ્વવિક જીવનમાં, રાજકીય જીવનમાં રજનીકાંતનો કલર કયો રહેશે? તેમના પક્ષના ધ્વજનો રંગ કેવો રહેશે? ભારતના રાજકારણમાં ભગવો, લીલો અને ડાબેરીનો લાલ રંગ આપણે જોયો છે. માયાવતીના દલિતોના પક્ષે વાદળી રંગનો સહારો લીધેલો છે. પ્રાદેશિક પક્ષોના પોતપોતાના રંગ છે, ત્યારે તમિલનાડુમાં રજનીકાંત બ્લેક કલરનો ધ્વજ ફરકાવશે? કે પછી સફેદ ધ્વજમાં કાળા રંગનું પ્રતીક હશે?

રજનીકાંતની સાથોસાથ કમલ હસન પણ રાજકારણમાં આવી રહ્યો છે અને તેણે બહુ સ્પષ્ટપણે દ્વવિડ રાજકારણને ફાવે તેવા નાસ્તિક રાજકારણના અણસાર આપ્યા છે. રજનીકાંતે આસ્તિક અણસાર આપેલા છે, પણ ફિલ્મમાં હવે સ્પષ્ટપણે ભગવા રંગને ટાળીને શ્વેત અને અશ્વેતની લડાઇ દેખાડી છે. કાળા ધોળાની લડાઇ, પણ પરંપારથી ઉલટી – શ્વેત અહીં ઇવિલનું પ્રતીક છે, અશ્વેત એ જ અસલી પ્રકાશમય, નીતિ, પ્રાણાણિકતા, ન્યાય અને સત્યનો રંગ છે એવું રજનીકાંતનું પાત્ર દેખાડે છે. ગોરા રંગના શોષણખોરો સામે ઘઉંવર્ણાની મુક્તિની લડાઇ પછી ઘઉંવર્ણાની સામે શ્યામવર્ણાની લડાઇ… એવું ખરું?