કશ્મીરમાં આગળ શું થશે, શું થઈ શકે

પ્રથમ પગલું સોમવારથી કચેરીઓ અને શાળાઓ ખોલવાનું છે. ઘણી સરકારી કચેરીઓ ખુલી પણ છે અને બાકીની સોમવારથી ખુલશે. શાળાઓ પણ ખુલશે. લદ્દાખ અને જમ્મુ વિસ્તારમાં રાબેતા મુજબની સ્થિતિ ગયા અઠવાડિયાથી છે, પણ કાશ્મીર ખીણ વિસ્તારમાં અને શ્રીનગરમાં 144ની કલમ દૂર કરતા હજી વાર લાગશે. સાવચેતી લેવી જરૂરી પણ છે.  તોફાનો અને હિંસા પછી કરફ્યૂ લગાવવો પડ્યો હતો. જાનહાની થઈ હોત અને બે અઠવાડિયા લોકોએ ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું હોત. તેના બદલે હિંસા વિના અને જાનહાની વિના કરફ્યૂની મુશ્કેલી વેઠવી પડી. તેને સારી નહિ, પણ પ્રમાણમાં સારી કહેવી જોઈએ. આ ટૂંકા ગાળાની વાત છે, મધ્યમ ગાળે અને લાંબા ગાળે કાશ્મીરમાં હવે શું થઈ શકે છે અને શું થશે તેની પણ ચર્ચાઓ થવા લાગી છે. મધ્યમ ગાળાનું લક્ષ્ય પણ સ્પષ્ટ છે. સીમાંકન માટેની જાહેરાત પણ કેન્દ્ર સરકારે કરી દીધી છે. વસતિ અને પ્રદેશ બંનેને ધ્યાનમાં રાખીને સીમાંકન થાય તેમાં જમ્મુ વિસ્તારને ફાળે વધારે બેઠકો આવી શકે છે. રાજકીય રીતે તેનો વિરોધ થશે, પણ વ્યૂહાત્મક રીતે સરહદી રાજ્યમાં આવો નિર્ણય પણ લેવો પડે. સીમાંકન બાદ વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની છે. વધુ ઉમેદવારો ચૂંટણી લડે અને નવી નેતાગીરી ઊભી થાય તેવા પ્રયાસોમાં પણ કંઈ ખોટું નથી. જૂની કડવાશ જલદી ભૂલાઈ, બંને પક્ષે, તે વધારે સારું છે.

મધ્યમ ગાળે શાંતિ જાળવવાની પણ જવાબદારી રહેશે. હાલમાં સજ્જડ બંદોબસ્તને કારણે વિરોધ પ્રદર્શનો વધુ થયા નથી. નાના પાયે થયા છે. સજ્જડ બંદોબસ્ત લાંગા ગાળા સુધી રહેવાનો છે, પણ નાગરિકોને મુક્ત રીતે હરફર કરવાની મોકળાશ આપવાની રહેશે. તેના કારણે થોડા વધારે તોફાનો કરવાની કોશિશ થશે. વિરોધ પ્રદર્શનો, દેખાવો, ધરણાં, કદાચ ઉપવાસ આંદોલન – જે કાશ્મીરમાં થયાનું જાણમાં આવતું નથી – વગેરે થઈ શકે છે. તેને નિયંત્રણમાં રાખવાના રહેશે અને ચૂંટણી માટેની તૈયારી. પણ લાંબા ગાળે શું બીજા કોઈ મોટા પગલાં લેવાશે? લઈ શકાશે? જેમ કે વસતિની રચનામાં ફેરફાર માટે ખીણમાં વસાહતો સ્થાપવી. 1999 સુધી કાશ્મીર ખીણમાં રહેતી મોટી વસતિ જમ્મુમાં નિરાશ્રીત કેમ્પમાં રહે છે. તેમને ફરીથી તેમના સ્થાને વસાવવા માટે કેવી રીતની કોશિશ થશે? આ પુનઃવસવાટ જ છે, જ્યારે નવી વસાહતમાં નિવૃત્ત સૈનિકો સહિત બહારના લડાયક લોકોને સરહદે અને વ્યૂહાત્મક સ્થળે વસાવી શકાય છે. અમરનાથ યાત્રા જવાના માર્ગ પર નવી વસાહતો ઊભી કરીને યાત્રાને કાયમી ધોરણે સુરક્ષિત બનાવી શકાય છે.

શ્રીનગરમાં પણ વચ્ચે વચ્ચેના વિસ્તારોમાં નવી વસાહત ઊભી કરી શકાય છે. તેના માટે ઇઝરાયલનો દાખલો લેવાતો હોય છે. જેરુલસેમની અંદર અને આસપાસ ઇઝરાયલે આ રીતે યહુદી વસાહતો ઊભી કરી છે. શ્રીનગરની વચ્ચે અને તેની આસપાસ પણ આવું આયોજન થઈ શકે ખરું? આ મુદ્દો વચ્ચે વચ્ચે ચર્ચામાં રહેશે.
આ લાંબા ગાળાનું આયોજન છે. તેમાં વર્ષો નહિ, પણ દાયકા લાગી જાય. ચીને તીબેટને કબજે કરી લીધું, પછી ત્યાં મોટા પાયે હાન ચીની લોકોને વસાવ્યા છે. તીબેટના લોકો લડાયક નહોતા અને સશસ્ત્ર વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. તેના કારણે વસાહતો ઊભી કરવી સહેલી હતી. હાન ચીનાઓ માટે માળખાકીય સુવિધાઓ જ ઊભી કરવાની રહેતી હતી. શ્રીનગર, તેની આસપાસના વિસ્તારો, જમ્મુથી કટરા થઈને શ્રીનગર સુધી જતા હાઈવે પર બંને તરફ, અમરનાથ માર્ગ પર, લદ્દાખ જતા માર્ગ પર વસાહતો ઊભી કરવા માટે મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા પણ કરવી પડે.

નવી વસાહતમાં સ્થિરતા આવે તેને દાયકા લાગે, તો ત્યાં સુધી સલામતીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે આયોજકો માટે મૂંઝવતો સવાલ રહેવાનો. તેના કારણે તેનો અમલ શરૂ કરવાની વાત પણ સરકાર માટે મૂંઝવણભરી રહેવાની. ભારત એ ઇઝરાયલ અને ચીન નથી. ભારતે વધારે લોકતાંત્રિક પ્રણાલીઓ સાથે કોઈ પણ પગલું લેવું પડે. વધુમાં વધુ એટલું થઈ શકે, જેટલું કલમ 370 દૂર કરવા માટે થયું હતું. નિયમો અને કાયદાનો ઉપયોગ નવા અર્થઘટન સાથે કરવો પડે.  ઉદ્યોગો સ્થાપવા માટેની વાત છે તેમાં પણ એક રસ્તો રહેલો છે. જમ્મુ વિસ્તારમાં વધારે ઉદ્યોગો સ્થાપવામાં આવે. તે વધારે સરળ પણ છે, કેમ કે ખીણ અને લદ્દાખ કરતાં જમ્મુમાં વધારે મહિના સારું વેધર રહે છે. તેથી જમ્મુમાં પણ દક્ષિણમાં ઉદ્યોગો આવે તેમાં કાશ્મીર ખીણના લોકોને રોજગારી માટેની તક આપી શકાય. તે રીતે ત્યાંથી વસતિને પણ જમ્મુમાં વસાવી શકાય. આ રીતે પરસ્પર વસાહતો બને તો વિવાદ ઓછો પણ થાય.

કાશ્મીર ખીણના લોકો માટે સમગ્ર દેશના દ્વાર ખુલ્લા જ છે. કલમ 370 હટાવ્યા પછી દેશમાં વસતા કાશ્મીરીઓને મુશ્કેલી ના પડે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી. તેનું પાલન પણ થયું છે. તેથી કાશ્મીરીઓ વધારે મુક્તમને દેશભરમાં કોઈ પણ જગ્યાએ વ્યવસાય અર્થ જઈ શકે છે. તે રીતે પણ ખીણમાં વસતિ ઓછી કરીને અન્યત્ર વધારવા માટેનું સરકાર વિચારી શકે ખરી? આ બધા લાંબા ગાળાના અને અમલમાં મૂકવા અઘરા વિષયો છે. માટે ચર્ચા વધારે થશે, તે દિશામાં પ્રયાસો તરત થાય તેવું લાગતું નથી. પરંતુ સીમાંકન કરવાના, જમ્મુની બેઠકો વધારવાના, ચૂંટણી કરવાના પ્રયાસો નજીકના ભવિષ્યમાં થઈ શકશે. એક નિર્ણય બીજો પણ સરકાર ધારે તો લઈ શકે છે. નવા કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની શ્રીનગરના બદલે જમ્મુને કરી શકાય છે. શિયાળુ અને ઉનાળુ એમ બે રાજધાની છે, તેના બદલે સમગ્ર વર્ષ માટે અને કાયમી રાજધાની જમ્મુને કરી શકાય છે.


શ્રીનગરને માત્ર ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વધારે પ્રમોટ કરી શકાય છે. સત્તાનું તે કેન્દ્ર ના રહે તેનાથી મોકળાશ આવશે તો ટુરિઝમ વધારે સારી રીતે ચાલી શકશે. ટુરિઝમ વધવા સાથે નવરા પડેલા યુવાનોને જેહાદના બદલે રોજગારીમાં વધારે રસ પડી શકે છે.  વાહન વ્યવહારની સુવિધા હજી વધારે સારી કરી શકાય છે. શ્રીનગર માટેની વિમાની સેવાને પ્રમોટ કરવાના પ્રયાસો કરી શકાય છે. રેલવે લાઇનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ઝડપી અને સુરક્ષિત રેલવે શ્રીનગર સુધી આવવા જવાની સરળતા કરી આપશે.

તો જોતા રહેશો કે કાશ્મીરમાં આગળ શું શું થાય છે…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]