રાષ્ટ્રીય હિતમાં રાષ્ટ્રીય સર્વસંમતિ કેમ નથી બનતી?

રાષ્ટ્રીય હિતની વાત આવે ત્યારે બધાં હકારમાં માથું ધૂણાવે છે, પણ પછી, પણ કહીને એકાદ મુદ્દો ઉમેરે છે. રાષ્ટ્રીય હિતના દુગ્ધમાં કશું પણ મેળવણ કરો એટલે દૂધ બગડી જાય છે. રાષ્ટ્રીય હિત નિર્ભેળ રાખવું પડે – વ્યક્તિગત, જૂથીય, પંથીય, સંસ્થાકીય, રાજકીય, વ્યવહારીય બધા જ હિતોને બાજુએ મૂકવા પડે. ભારતની આઝાદીની એક સદી પૂરી કરવામાં હવે થોડી વાર છે, પણ હજી સુધી ઘણી બધી બાબતોમાં રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી થઈ નથી.

આપણે જેને રાષ્ટ્રીય સર્વસંમતિ સમજીએ છીએ, તે રાષ્ટ્રીયગૌરવ કે વારસાનું મહાત્મ્ય એ સર્વસંમતિ નથી. વિવિધતામાં એકતા એ એક રાષ્ટ્રીય સર્વસંમતિ છે ખરી, પરંતુ તે વૈચારિક અને આદર્શિક સર્વસંમતિ છે. રાષ્ટ્રની ભૂમિ વાસ્તવિક ભૂમિ છે અને તેના માટે નક્કર અને વ્યવહારિક સર્વસંમતિ જરૂરી હોય છે.

ખાસ કરીને દેશની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ તે વિશે સર્વસંમતિ જરૂરી હોય છે. વિશ્વના મોટા ભાગના સફળ દેશોમાં આ બાબતમાં એક સર્વસંમતિ બની હોય છે. વિદેશ નીતિમાં પણ બે હિસ્સા હોઈ શકે છે. એક વિદેશ નીતિ એટલે દુનિયાભરના દેશો સાથે અથવા કહો કે દુનિયા સાથે સંબંધો રાખવાની નીતિ. બીજી સૌથી અગત્યની નીતિ પડોશી દેશો સાથે કેવા સંબંધો રાખવા તેની નીતિ. પડોશી બદલી શકાતો નથી. પોતાનું મકાન વેચીને સ્વંય બદલી જઈએ તે વાત જુદી છે. બીજે રહેવા જતાં રહીએ તે વાત પ્રાચીન કાળમાં શક્ય હતી, કેમ કે વિશાળ ધરતી ખુલ્લી પડી હતી. કોઈ એક સમૂહને અન્ય સમૂહ સાથે ના ભાવે ત્યારે ઊચાળા ભરીને દૂરની અજાણ ભોમકામાં વસવાટ કરવા જઈ શકાતું હતું. મનુષ્યોએ હવે ધરતીને સરહદોમાં વહેંચી નાખી છે અને સરહદો એટલી સહેલાઈથી હવે પાર કરી શકાતી નથી.

પડોશી દેશને બદલી શકાતો નથી. બદલી શકાતો નથી તે બંને અર્થમાં. પડોશી દેશનો બદમાશી કરનારો સ્વભાવ પણ (સહેલાઇથી) બદલી શકાતો નથી. અર્થાત સ્વંય બદલવું પડે. પડોશી ‘આડો ચાલતો’ હોય તો તેને ‘સીધો દોર’ કરી દેવા માટે પણ સ્વનો સ્વભાવ બદલવો પડે.

કમનસીબે ભારત પોતાના પડોશી દેશો સાથે કેવો વ્યવહાર કરશે તેની કોઈ રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી થઈ શકી નથી. કોઈ વૈચારિક સર્વસંમતિ પણ ઊભી થઈ શકી નથી. રાજકીય અને રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરતા પહેલાં વૈચારિક સર્વસંમતિ ઊભી કરવી પણ જરૂરી હોય છે. વૈચાલિક સર્વસંમિત ઊભી થાય તે પછી રાજકીય સર્વસંમતિ ઊભી થતી હોય છે. સમાજમાં કોઈ એક વિચાર પ્રબળ બને તેનું અનુસરણ રાજકીય પક્ષોએ કરવું પડતું હોય છે. દેશની નીતિ ઘડવાનું કામ વ્યવહારમાં રાજકીય પક્ષોએ કરવાનું હોય છે એટલે ત્રીજા તબક્કે તેમણે રાષ્ટ્રીય સર્વસંમતિ માટે સક્રીય થવું પડે છે.

પરંતુ શરૂઆત વૈચારિક સર્વસંમતિથી કરવી પડે. આમ તો ઘણી બાબતો છે અથવા તો બધી જ બાબતો એવી છે કે આપણને રાષ્ટ્રીય સર્વસંમતિ જોવા ના મળે. જરૂર પણ નથી, પણ સાર્વજનિક હિતની બાબત, અસ્તિત્ત્વને અકબંધ રાખવાની બાબત હોય તેટલા પૂરતી સર્વસંમતિ સૌના સ્વાર્થની વાત છે. દેશને સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવો એ સૌનો સ્વાર્થ છે. તેના માટે કેટલીક રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરવી પડે. જેમ કે સામ્યવાદ કે મૂડીવાદ કે પછી બંનેના મિશ્રણ જેવો નિયંત્રિક મૂડીવાદ કે અર્થવાદ. કોઈ એક બાબત પર સર્વસંમતિ જરૂરી છે. દુનિયા સાથે કેવી રીતે સંબંધો રાખીશું તે પણ એટલું જ અગત્યનું છે. પણ સૌથી અગત્યની વાત છે દુશ્મનાવટ ધરાવતા પડોશી દેશો સાથે કેવી રીતે પનારો પાડીશું તેની વાત.

અખંડ અને સુરક્ષિત દેશ માટે આંતરિક અને બાહ્ય બંને નીતિમાં સર્વસંમતિ જોઈએ, પણ તે બની નથી. અલગ મીઝોરમ, અલગ નાગાલેન્ડ કે ખાલિસ્તાન માટેની હિંસક માગણીને આપણે ઠારી શક્યા છીએ. તેથી અલગ કાશ્મીરની માગણીને પણ ઠારી શકીશું તેવું માનવામાં આવે છે. આ કદાચ એક આડકતરી રાષ્ટ્રીય સર્વસંમતિ છે, પણ સમજના અભાવ સાથેની રાષ્ટ્રીય સર્વસંમતિ છે. કદાચ સર્વસંમતિ છે પણ નહીં. વૈચારિક તબક્કે, રાજકીય તબક્કે પણ કાશ્મીરના મામલામાં સર્વસંમતિ હોય તેવું લાગતું નથી.

મહદ અંશે સૌ સહમત છે, ફક્ત કેટલાક ‘થોડા લોકો’ ‘મિથ્યા, આદર્શવાદી, ગેરમાર્ગે દોરાયેલા, માનવાધિકારવાળા કે રાષ્ટ્રદોહી’ લોકો જ જુદો વિચાર ધરાવે છે, માટે સર્વસંમતિ છે તેમ માની શકાય તેમ નથી. લોકશાહીમાં ‘થોડા લોકો’ પણ અગત્યના છે અને તેઓ પણ સર્વસંમતિમાં સામેલ થાય તે જરૂરી છે. સાચી સર્વસંમતિ ત્યારે જ ઊભી શકે છે. કાશ્મીરના મુદ્દે એવી રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી થઈ શકી નથી.

ઈશાન ભારતની ભાગલાવાદી પ્રવૃત્તિઓ કે ખાલિસ્તાની ચળવળને ધીમે ધીમે શાંત પાડી શકાય, કેમ કે લોકતાંત્રિક માર્ગે સમાધાનની ભૂમિકા ઊભી કરીને ઉકેલ લાવવાની આડકતરી રાષ્ટ્રીય સર્વસંમતિ કદાચ બની હતી. અલગ થવાના બદલે ભારત જેવા મોટા અને શક્તિશાળી તથા સર્વસમાવેશ દેશ સાથે રહેવામાં તમારો ફાયદો છે તે વાત આવા વિસ્તારની પ્રજાને સમજાવી શકાય હતી. આવી વાત કાશ્મીરની પ્રજાને સમજાવવી શક્ય છે ખરી?

બીજું કાશ્મીરની પ્રજાનો મુદ્દો માત્ર વધારે સ્વાયત્તતા અને સન્માનનો છે કે તેનાથી વિશેષ કશુંક છે? કાશ્મીરની સમસ્યા સાથે અથવા સમસ્યાના મૂળમાં જેહાદી ઈસ્લામી આતંકવાદ જોડાયેલો કે કેમ તેનો વિચાર કરવો પડે કે નહિ? જગતમાં જેહાદી ત્રાસવાદ ચાલે છે તે વાસ્તવિકતા છે અને તેનો સૌથી વધુ ભોગ ભારત બનતું રહ્યું છે તે પણ હકીકત છે. દરેક દેશ પોતપોતાની રીતે તેનો સામનો કરે છે અને કેટલાક દેશોના સંદર્ભમાં એવું પણ લાગે છે કે તેમને ત્યાં સર્વસંમતિ ઊભી થઈ શકી છે. ભારતમાં સર્વસંમતિ ઊભી થઈ શકી છે ખરી?

કદાચ નહિ. કાશ્મીરનું શું કરવું અને ખાસ કરીને પાકિસ્તાનનું શું કરવું તેના વિશે દેશમાં દુવિધા હોય તેવું લાગ્યા કરે છે. બાંગલાદેશના સર્જનમાં ભારતે ભૂમિકા ભજવી હતી અને વર્તમાન સમયે ભારતતરફી સરકાર છે. તેથી બાંગલાદેશ સરહદે શાંતિ છે, પણ ભવિષ્યમાં ત્યાંથી પણ કનડગત શરૂ નહિ થાય તેની કોઈ ખાતરી નથી. શ્રીલંકા અને નેપાળ સાથેના સંબંધોમાં ચડાવઉતાર આવતા રહે છે, પણ તે એટલી ચિંતાનું કારણ નથી. સંબંધોમાં હોય તેટલી સામાન્ય ખેંચતાણ તેમાં છે. એવી સામાન્ય ખેંચતાણ પાકિસ્તાન સાથેના સંબંધોમાં નથી. કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાન સાથે જોડાયેલો છે અને પાકિસ્તાનનો મુદ્દો જેહાદી ઈસ્લામી આતંકવાદ સાથે જોડાયેલો છે – આટલી રાષ્ટ્રીય વૈચારિક સર્વસંમતિ ઊભી કરવાની જરૂર છે.

કદાચ હવે સમય એ આવ્યો છે કે વૈચારિક સર્વસંમતિની રાહ જોવા વિના (કેમ કે મોડું થઈ ગયું છે અને બીજા એક કે બે દાયકા તેમાં કાઢવા જેવા નથી) રાજકીય સર્વસંમતિ ઊભી થાય. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારે પણ યોગ્ય રીતે કહ્યું કે સેનાને તેમની રીતે પગલાં લેવાની મોકળાશ આપી દેવામાં આવી છે.

આ વખતે મુખ્ય વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પત્રકાર પરિષદ ભરીને સંદેશ આપ્યો કે વિપક્ષ આ મુદ્દે સેના અને સરકાર સાથે છે. સર્વસંમતિનો આ એક પ્રકાર છે, પણ તેનાથી આગળ વધવું પડશે. સર્વપક્ષીય બેઠક પણ મળી અને તેમાં પણ દેશના હિતનો જ વિચાર થયો. સૌના મનમાં રાષ્ટ્રીય હિત છે તેનો ઇનકાર નથી. પણ હિત શેમાં છે, હિત કેવી રીતે હાંસલ કરવું તેની રીત પર સર્વસંમતિ સાધવાની છે. સર્વપક્ષીય બેઠક બોલાવીને વિચાર થાય તે લોકતાંત્રિક રીત છે. પણ એક ડગલું આગળ વધવું પડશે.

પ્રવર્તમાન સ્થિતિમાં સર્વપક્ષીય બેઠક મળી તેમાં વર્તમાનમાં શું કરવું રહ્યું તેનો વિચાર થશે. આગળ જતા કોઈ ઘટના ના બની હોય, લાગણીને ના સ્પર્શે, માત્ર બુદ્ધિને સ્પર્શે તેવો માહોલ હોય ત્યારે પણ સર્વપક્ષીય બેઠકો મળવી જોઈએ અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને ત્યારે શું કરવું તેની આગોતરી સર્વસંમતિ ઊભી રાખવામાં ડહાપણ છે. વધારે ડહાપણ એમાં છે કે આવી કોઈ ઘટના બને જ નહિ, ઘટના બને તે માટેના સંજોગો જ નિર્માણ ના પામે, સંજોગો નિર્માણ કરતી મૂળભૂત સ્થિતિને જ ખતમ કરી નાખવાની આગોતરી વૈચારિક, રાજકીય અને રાષ્ટ્રીય (બહુ આદર્શની વાત કરીએ તો માનવીય) સર્વસંમતિ બને.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]