ત્રીજા મોરચાનું ત્રેખડ ત્રણ રાજ્યોમાં ભાજપને ફળશે?

ર્ણાટકની ચૂંટણીના પરિણામો સાથે જ નાટકીય વળાંકો આવ્યાં તેના કારણે આખું અઠવાડિયું દેશભરમાં તેની ચર્ચા ચાલી. તેના કારણે એવી છાપ ઊભી થઈ છે કે કર્ણાટકનું રાજકીય મોડેલ આગામી દિવસોમાં દેશના રાજકારણમાં છવાયેલું રહેશે. વાત સાચી છે, પણ તે પહેલાં ત્રણ અગત્યના રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે. ચોથું નાનું રાજ્ય છે મિઝોરમ, તેમાં પણ ચૂંટણી છે અને તે નાનું હોવા છતાં ઈશાન ભારતમાં ભાજપની સ્ટ્રેટેજી માટે અગત્યનું રાજ્ય છે.
કર્ણાટકમાં શરમજનક સ્થિતિમાં યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું તે પછી જેડી (એસ) અને કોંગ્રેસ વચ્ચે હજી ચર્ચા ચાલી રહી છે કે કઈ રીતે સરકારમાં અને સત્તામાં ભાગીદારી કરવી. આ ઉપરાંત ત્રીજા મોરચાની રચના કરવા ઈચ્છતાં પ્રાદેશિક પક્ષો પણ વિચારી રહ્યાં છે કે આગળ શું કરવું. બુધવારે બેંગાલુરુમાં પ્રાદેશિક પક્ષોનું શક્તિ પ્રદર્શન થશે. કુમારસ્વામીની શપથવિધિમાં કોણ કોણ હાજર રહેશે તેની ગણતરીઓ થવા લાગી છે.

આ બાજુ ભાજપ કર્ણાટકને ભૂલીને આગળ વધી ગયો છે અને રવિવારે જ ભાજપના પ્રમુખ અમિત શાહ મિઝોરમમાં હતાં અને ત્યાં ભાષણમાં ફરી તેમણે એ જ વાત કરી – કોંગ્રેસમુક્ત. આગામી ડિસેમ્બરમાં મિઝોરમમાં ચૂંટણી આવશે એટલે ઈશાન ભારત કોંગ્રેસમુક્ત થઈ જશે એમ તેમણે કહ્યું.

એનડીએ જેવું જ, પણ અલગથી એનઇડીએ એટલે કે નેડા સંગઠન ઈશાન ભારતમાં ઊભું કરવામાં આવ્યું. નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (નેડા)ની બેઠક ગુવાહાટીમાં યોજાઈ હતી, તેમાં સ્ટેજ પર બેઠેલા ભાજપના છ મુખ્યપ્રધાનો અને સાતમા મુખ્યપ્રધાન સાથી પક્ષનાને દેખાડીને અમિત શાહે કહ્યું કે છ મહિના પછી અહીં આઠમાં મુખ્યપ્રધાન પણ બેઠાં હશે. તે આઠમા મુખ્ય પ્રધાન એટલે મિઝોરમના મુખ્યપ્રધાન, જ્યાં હાલ કોંગ્રેસનું શાસન છે.

2016માં નેડાની રચના કરવામાં આવી હતી. તેમાં કોંગ્રેસવિરોધી પ્રાદેશિક પક્ષોને સમાવી લેવાયા છે અને રાષ્ટ્રીય પક્ષ તરીકે મુખ્ય સાથી ભાજપ બન્યો છે. આસામ અને અરૂણાચલ પ્રદેશમાં સફળતા મળ્યા પછી ભાજપે આઠેઆઠ રાજ્યોમાં તે સ્ટ્રેટેજી આગળ વધારી હતી. આ બે રાજ્યો પછી સૌથી અગત્યની સફળતા મળી તે થોડા મહિના પહેલાં યોજાઈ ગયેલી ત્રિપુરાની ચૂંટણીમાં મળી હતી. મજબૂત લાગતી ત્રિપુરાની ડાબેરી સરકારને હરાવી દેવાઈ હતી.

તેનો અર્થ એ થયો કે કર્ણાટકને ભૂલીને ભાજપ ત્રણ પોતાના શાસિત રાજ્યો અને હિન્દી બેલ્ટના અગત્યના રાજ્યો ઉપરાંત મિઝોરમ જેવા નાના અને બાકી રહી ગયેલા ઈશાન ભારતના છેલ્લા રાજ્યમાં કામે લાગી ગયો છે. સમગ્ર ઈશાન ભારતમાં લોકસભાની 25 બેઠકો છે, તેમાંથી વધુમાં વધુ બેઠકો મેળવવાની ભાજપની ગણતરી છે, કેમ કે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં બધેબધી બેઠકો મળી ગઈ હતી તેવું આ વખતે થવું શક્ય નથી.
બીજું, કર્ણાટકની ચૂંટણીમાં સરકાર ન બની તે મોટું નુકસાન થયું છે, પણ કોંગ્રેસમુક્તનું સૂત્ર ચાલે છે તે ભાજપને સમજાયું છે. કોંગ્રેસમુક્તનું સૂત્ર ભાજપ બે કારણસર ચલાવે છે. પ્રાદેશિક પક્ષોનો મૂળ અને જૂનો કોંગ્રેસવિરોધ હોય તેનો ફાયદો લેવો અને આઝાદી પછી સતત સત્તા પર રહેલી કોંગ્રેસને જ ભારતની બધી સમસ્યાઓ માટે જવાબદાર ગણાવી નાગરિકોમાં પણ તેનો વિરોધ ઊભો કરી તેમના મતો મેળવવા. પેઢીઓ પણ હવે બદલાઈ ગઈ છે અને વર્તમાન સમયમાં યુવાનોને જે કંઈ અકળામણ થાય છે તેને કોંગ્રેસવિરોધી દિશામાં વાળવા માટેની આ સ્ટ્રેટેજી અત્યાર સુધી સફળ રહી છે. આઝાદી પછી દેશ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થયો હતો અને તે વખતે દેશને અખંડ રાખીને મૂળભૂત માળખું ઊભું કરવાની વધારે જરૂર હતી. કોંગ્રેસે તે કામ કેવા સંજોગોમાં કર્યું હતું તે વાત જૂની પેઢી સમજી શકે છે. નવી પેઢી માટે તે વાત હવે કલ્પનાનો જ વિષય છે અને કલ્પના પણ ત્યારે કરી શકે, જ્યારે તે સમયના ઇતિહાસની ઝલક તેમને જોવા મળે.

તેનો અર્થ એ થયો કે વર્તમાન યુવાન મતદારને પશ્ચિમના દેશોમાં જોવા મળતી ઝાકઝમાળ અને મલ્ટિનેશનલ કંપનીઓમાં જોવા મળતો ડબલ ડિજિટ ગ્રોથ અને કોર્પોરેટ પદ્ધતિએ રીઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક કલ્ચરની વાતો આકર્ષે છે. તેમના એસ્પિરેશનને સંતોષી શકાય તેમ નથી, તેથી પોતાનો વિકલ્પ શું છે તેવા કરવાથી સામા સવાલો થાય. તેની સામે કોંગ્રેસના 48 વર્ષ અને અમારા 48 મહિના એમ સરખામણી કરી, કોંગ્રેસમુક્તનું સૂત્ર આપી, અત્યાર સુધી નથી થયું તે કેમ નથી થયું તેના તરફ રોષ વાળવાની વાત છે.

વિપક્ષો એ નથી સમજી શક્યાં કે કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર એ માત્ર કોંગ્રેસવિરોધી સૂત્ર નથી. યુવાનો અને નવી પેઢીના મતદારોને ધ્યાનમાં રાખીને, કશુંક થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થશે તેવી આશા બંધાવવાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. આ સ્ટ્રેટેજી કર્ણાટકમાં કામ આવી હતી તેવું વિપક્ષ ન સ્વીકારે, પણ અન્ય લોકો સ્વીકારે છે. કોંગ્રેસની સ્થિતિ કર્ણાટકમાં આટલી ખરાબ થશે તેવી અપેક્ષા નહોતી, પરંતુ નરેન્દ્ર મોદીએ પ્રચારનો ધમધમાટ કરીને કોંગ્રેસમુક્ત સૂત્રની પાછળ રહેલી સમગ્ર માનસિકતાનો માહોલ યુવાન અને નવા મતદારો સામે ઊભો કર્યો હતો. ભાષાનું નડતર પણ તેમાં રહ્યું નહોતું અને તેના કારણે છેલ્લા મહિને જ વાતાવરણ પલટાયું અને કોંગ્રેસના હાથમાંથી બાજી જતી રહી હતી.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપે આ સૂત્રને જુદી રીતે ઉપયોગમાં લાવવાનું છે અને પોતાના હાથમાંથી બાજી જતી ન રહે તે જોવાનું છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ત્રણ મુદતથી સરકાર છે. રાજસ્થાનમાં તેની પેટર્ન પ્રણામે વારાફરતી સરકાર બદલાતી રહે છે, તે પેટર્ન તોડવાની પણ ભાજપની ગણતરી છે. જોકે કોંગ્રેસનું મોરલ વધ્યું છે તે જોતાં કોંગ્રેસ પેટર્ન જાળવી રાખે અને આ વખતે રાજસ્થાનમાં સત્તા મેળવે તેવી શક્યતા વધુ છે.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ફરી ભૂલ કરે તેવી શક્યતા છે. કેમ કે નવી નેતાગીરીને સંપૂર્ણ તક આપવાને બદલે ફરી એકવાર કમલ નાથ જેવા જૂના નેતાને આગળ કરાયાં છે. બેલેન્સ કરવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આગળ કરાયાં છે, પણ રાજકારણમાં આવું થાગડથીગડ હવે ચાલતું નથી. યુવાન મતદારોને આવા બેલેન્સમાં રસ નથી. તેમને સ્પષ્ટતા જોઈએ છે, તેમને મોરાલિટી, પ્રણાલી, અનુભવોનું ભાથું, વડીલોનું માનસન્માન તેમાં રસ નથી. રસ નથી અર્થાત રાજકારણમાં આ બાબતોને સ્થાન નથી તેમ પ્રેક્ટિકલ થયેલો નવો મતદાર માને છે. દાયકા જૂના નેતા છે માટે તેમને અવગણના ન કરાય એમ માનીને ચલાવે રાખો, તેની અસર પક્ષના કાર્યકરોમાં થાય છે, સાથોસાથ મતદારો પર પણ થાય છે. કેશુભાઇ પટેલને ભાજપે ગુજરાતમાં એકબાજુ મૂકી દીધાં હતાં. રાષ્ટ્રીય સ્તરે અડવાણીને કોરાણે કરી દીધાં હતાં. તેની સામે કર્ણાટકમાં જરૂર હતી તો 75 વર્ષના યુદિયુરપ્પાને આગળ પણ કર્યા હતા. રીઝલ્ટ ઓરિએન્ટેડ કોર્પોરેટ કલ્ચરનો આ નમૂનો છે, જે નવા યુગના મતદારોને વાજબી લાગે છે. એ વાત જુદી છે કે તેનાથી ધાર્યા પરિણામો આવતા નથી અને કોર્પોરેટ કલ્ચરમાં તમારો માર્કેટ શેર ઘટ્યો હોય તેનેય આંકડા અને સ્ટ્રેટેજી ગણાવી શકાય છે. આપણે નિશ માર્કેટ ઊભું કરી રહ્યા છીએ અને માસ માર્કેટમાંથી નીકળીને હાઇ માર્જિન માર્કેટમાં જઈ રહ્યા છીએ તેવું કોર્પોરેટ કલ્ચરમાં સમજાવી દેવાય છે. રાજકારણમાં પણ એવું થાય છે અને અહીં કહેવાય છે કે ભલે હાર્યા પણ મેન્ડેટ આપણને મળ્યો છે.

પરંતુ તે સિવાય નક્કર રાજકીય વાસ્તવિકતા પ્રમાણે ચાલતો રાજકીય પક્ષ મતદારોને માફક આવે છે. ગમે તેટલી આબરૂ ગઈ, પણ યેનકેનપ્રકારેણ સરકાર રચવાની ભાજપની કોશિશ, ભાજપના કોર મતદારોને ગમી હતી. કાર્યકરોને સાવધાન કરવા માટે તેનો ઉપયોગ હવે બાકીના ત્રણ રાજ્યોમાં થશે. કોંગ્રેસમુક્તનું સૂત્ર બંને રીતે ભાજપને ત્રણેય રાજ્યોમાં કામ આવશે. સત્તા માટે અને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ કોઈ પણ ગઠબંધન કરી શકે છે તેવો પ્રચાર કરવાની જરૂર ભાજપને ના રહી. આપોઆપ તે પ્રચાર ત્રણેય રાજ્યોમાં થયો જ છે. કેન્દ્રમાં આવી જ તડજોડવાળી સરકાર આવી સમજો એવો પ્રચાર ભાજપ હવે પ્રબળ બનાવશે.

બીજું, છ મહિના દરમિયાન કર્ણાટકની સરકારમાં બંને ભાગીદાર પક્ષો વચ્ચે ચકમક નહી ઝરે તેમ માની લેવાની જરૂર નથી. થોડી ખેંચતાણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. હજી આગળના મહિનાઓમાં પણ ભાજપ સભ્યો તોડવાની કોશિશ કરવાનો છે. તે સંજોગોમાં અમારા સભ્યોને અમે સંભાળી રાખ્યાં છે, જ્યારે પોતાના સભ્યો જાળવવાની જવાબદારી કોંગ્રેસની છે તેવું સ્પષ્ટ કુમારસ્વામીએ કહ્યું છે. કુમારસ્વામીએ દિલ્હી કોંગ્રેસના મોવડીમંડળ સાથે મુલાકાત કરવા જતી વખતે પણ સ્પષ્ટ કહ્યું કે સરકારમાં અડધીઅડધી મુદત સત્તાની ભાગીદારી કરવાની નથી. અર્થાત્ અઢી વર્ષ પછી કોંગ્રેસનો મુખ્યપ્રધાન આવશે તેવું બનશે નહીં. ભાજપ એવું કહી રહ્યો છે કે બે ડેપ્યુટી સીએમ હશે. તેના વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પણ તે મુદ્દો કોંગ્રેસમાં આંતરિક રીતે અને જેડી (એસ) સાથેના જોડાણમાં બંને જગ્યાએ અવરોધરૂપ બની શકે છે. સમગ્ર ડ્રામામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ડી.કે. શિવકુમારની મહત્ત્વાકાંક્ષા ડેપ્યુટી સીએમ બનવાની છે. તેની સામે કોંગ્રેસમાંથી દલિત નેતા પરમેશ્વરાને આગળ કરાશે. તો શું બે ડેપ્યુટી સીએમ બનશે – એ સવાલ પણ ઊભો થયો છે. શનિવારે બંને પક્ષોની બેઠકો મળી, તેમાં કેટલીક બાબતો નક્કી થઈ છે, કેટલીક હજી બાકી છે. સૌથી વધારે પ્રધાનો કોંગ્રેસના હશે, પણ ડેપ્યુટી સીએમ કેટલા અને કોણ હશે અને ખાતાંની ફાળવણી કઈ રીતે થશે તેની ચર્ચા હજી બાકી છે.

બુધવારે દેશભરમાંથી ત્રીજા મોરચાના નેતાઓ એકઠાં થશે, તેના કારણે પણ લોકસભા પહેલાંની ગઠબંધનની દિશા નક્કી થશે. ત્રીજા મોરચાના કારણે દેશમાં અસ્થિરતા આવતી રહી છે તે મુદ્દો ભાજપે હંમેશા ગજવ્યો છે. કોંગ્રેસે પણ તે મુદ્દા ભૂતકાળમાં આગળ કરી ચૂકી છે, પણ હવે કોંગ્રેસે આવા ત્રીજા મોરચાનો ભાગ બનવાનો છે. પણ મહત્ત્વનો તફાવત એ છે કે કોંગ્રેસે રાષ્ટ્રીય પક્ષ તરીકે નહીં, પણ પ્રાદેશિક પક્ષ તરીકે મહત્ત્વના રાજ્યોમાં મોરચામાં જોડાવું પડે તેમ છે. યુપી, બિહાર, બંગાળ, તામિલનાડુમાં કોંગ્રેસે જૂનિયર સાથી બનવું પડે.

તે સંજોગોમાં બીજેપી વર્સીસ ઓલની સ્થિતિ ઊભી થઈ શકે છે. આંકડાકીય રીતે તે સ્થિતિ ભાજપને તકલીફ કરાવે તેવી છે, પરંતુ સ્ટ્રેટેજિક રીતે ભાજપ તેની વિરુદ્ધ પ્રચાર કરી શકે છે. કર્ણાટકમાં જો છ મહિના દરમિયાન થોડી પણ અસ્થિરતા ઊભી થઈ તો તેને પ્રચારનો મુદ્દો ત્રણેય રાજ્યોમાં બનાવાશે. ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની કોઈ ભૂમિકા નથી અને સીધી લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે એટલે કોંગ્રેસ સામેની શંકાઓ પ્રાદેશિક પક્ષોમાં ત્યાં સુધી નહીં જાગે. પરંતુ તે ત્રણ રાજ્યોના પરિણામો પછી જે સ્થિતિ હશે તે પ્રમાણે કોંગ્રેસના અને પ્રાદેશિક પક્ષોના સંબંધો આકાર લેશે.

પણ અત્યારે તો ભાજપે ત્રણ મોટા રાજ્યો અને એક નાનું રાજ્ય મિઝોરમ તેના માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ત્રણ રાજ્યોમાં ત્રીજા મોરચાનું ત્રેખડ નથી એટલી તેની ચિંતા કર્યા વિના આત્મવિશ્વાસમાં આવી ગયેલી કોંગ્રેસને કોઈ અન્ય ટ્રેપમાં લેવાની છે. એક ટ્રેપ ગોઠવી શકાય તેવી વ્યવસ્થા ઓલરેડી કોંગ્રેસે સ્વંય કરી આપી છે. જેમ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પીઢ નેતાઓ અને યુવાન નેતાઓને સમાંતર રાખવા. ચૂંટણી પછી યુવાન ચહેરાને મુખ્યપ્રધાન બનાવાશે તેવું ચિત્ર ખડું કરવાનું (મધ્યપ્રદેશમાં સિંધિયા, રાજસ્થાનમાં પાઇલટ), પરંતુ ચૂંટણી પૂર્વે પ્રચાર અને ટિકિટ વહેંચણીમાં પીઢ નેતાઓનું સ્થાન જોખમાયું નથી તેવું દેખાડવાનું છે. આ બેલેન્સ કરવામાં કોઈ જગ્યાએ વિવાદ થાય ત્યારે ભાજપ તેને આંતરિક અસંતોષમાં ફેરવી નાખવા માટેની ટ્રેપ ગોઠવી શકે છે.

ગમે તેવી ટીકા છતાં ગુજરાતમાંથી કોંગ્રેસના સભ્યો તોડી નંખાયા હતાં. ગમે તેટલી ટીકા છતાં, ધરાર સરકારની રચના કરીને કોંગ્રેસ અને જેડી (એસ)ને તોડી નાખવાની કોશિશ કરી હતી. ગમે તેટલી ટીકા છતાં હજી પણ કર્ણાટકમાં સામા પક્ષનો સભ્યોને તોડીને અસ્થિરતા માટે કોશિશ થશે. ગમે તેટલી ટીકા છતાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસના સભ્યોને તોડવાની કોશિશ નહીં થાય તેમ ન માનવા માટે કોઈ કારણો નથી.

કર્ણાટકમાં કોંગ્રેસ મજબૂત બની નથી. કર્ણાટકને અર્ધકોંગ્રેસમુક્ત કર્યું જ છે. મિઝોરમને કોંગ્રેસમુક્ત કરવાનું છે, ત્યારે રાજસ્થાન ફરી કોંગ્રેસયુક્ત ન થાય તે જોવાનું છે – આ પ્રચાર ભાજપને કરવામાં અનુકૂળતા રહેશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટક્કર છે, ને ટક્કર છે એટલે ભાજપને આશા પણ છે કે સત્તા જાળવી શકાશે. કુલ ચાર રાજ્યોમાં બેમાં કોંગ્રેસે બચાવની સ્થિતિમાં છે, છત્તીસગઢ અને મિઝોરમ. બેમાં ભાજપ બચાવની સ્થિતિમાં છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. મુકાબલો બરાબરીનો છે અને બરાબરીના મુકાબલમાં ભાજપને સીધી હાર 2014 પછી કોંગ્રેસ આપી નથી. ભાજપ આ વાત વધારે સારી રીતે જાણે છે, કોંગ્રેસ આ વાત સારી રીતે સ્વીકારતું નથી. તેથી કર્ણાટકમાં જે કંઈ થયું, તેમાંથી હવે વધારેમાં વધારે સ્ટ્રેટેજિક લાભ આ ત્રણે મોટા રાજ્યોમાં લેવાની સ્થિતિમાં ભાજપ વધારે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]