બજેટ પછી નારાજ થયેલા કોને અમિત શાહે ફોન કર્યો?

જેટ પહેલાં શું અપેક્ષાઓ હોય તેની ચર્ચા થતી હોય છે. બજેટ પછી અપેક્ષાઓ પૂરી ના થાય તેના કારણો અને પરિણામોની પણ ચર્ચા થાય. શેરબજાર આ વખતે બહુ નારાજ થયું, પણ તેનાથીય વધારે ચિંતા ભાજપને થઈ છે પોતાના એક સાથીની નારાજગીથી. ચંદ્રબાબુ નાયડુનો પક્ષ તેલુગુ દેસમ્ બજેટ પછી અકળાયો છે. એટલો અકળાયો છે કે રવિવારે નાયડુએ ખાસ બેઠક બોલાવીને બળાપો કાઢ્યો હતો. સાંસદો, ધારાસભ્યો અને પક્ષના સિનિયર નેતાઓ સાથેની બેઠકથી તેલુગુ દેસમ્ ભાજપનો સાથ છોડીને એનડીએમાંથી નીકળી જશે એમ લાગતું હતું.આ સંજોગોમાં ભાજપના પ્રમુખ અમિત શાહે તેમને ફોન કર્યો હતો. તેમને હૈયાધારણ આપી છે કે તમારી માગણીઓ વિશે કેન્દ્ર વિચારી જ રહ્યું છે. આ ફોનની અસર હોય કે પછી રાજકીય વાસ્તવિકતા સામે આવીને ઊભી હશે – જે હોય તે, પક્ષના પ્રવક્તા કંબમપતિ રામમોહન રાવે સ્પષ્ટતા કરી કે ગઠબંધન તોડી નાખવામાં આવશે નહીં. ટીડીપી અત્યારે ભાજપની સાથે રહેશે, પણ સંસદમાં તેમના સભ્યો સરકાર વિરુદ્ધ ભારે ધમાલ મચાવશે એવું ચોખ્ખું કહેવાયું છે.

શિવસેના પછી તેલુગુ દેસમ બીજો એવો સાથી પક્ષ હશે, જે ભાજપ સામે સતત બોલતો રહેશે. શિવસેનાએ પણ કહ્યું છે કે આગામી ચૂંટણીઓ તે એકલો લડવાનો છે. જોકે મહારાષ્ટ્ર સરકારમાંથી સેના અત્યારે નીકળી ગઈ નથી. એ જ રીતે કેન્દ્રની સરકારમાંથી ટીડીપી અત્યારે નીકળી જવા માગતું નથી. પરંતુ તેની નારાજગી હવે છાની નહીં રહે તે નક્કી છે. ચિત્રલેખાએ ગત અઠવાડિયે જ અહેવાલ આપ્યો હતો કે આંધ્રને વિશેષ સહાયની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો નાયડુ નારાજ થવાના છે.

આંધ્રપ્રદેશનું વિભાજન થયું તે વખતે કેટલાક વચનો કેન્દ્ર સરકાર તરફથી આંધ્રને મળ્યાં હતાં. હૈદરાબાદ સંયુક્ત પાટનગર રાખવાની હતી, પણ આખરે અલગ રાજધાનીનું નગર અમરાવતી ખડું કરવાનું નક્કી થયું છે. અમરાવતીના વિકાસ માટે વિશેષ સહાય અપાશે તેવું વિભાજન વખતે નક્કી થયું હતું. આ ઉપરાંત ટેક્સમાં 16000 કરોડની ખોટ જાય તે ભરપાઇ કરી આપવી, પોલાવરમ જેવી વિશાળ સિંચાઇ યોજનાને રાષ્ટ્રીય યોજના ગણીને ઝડપથી પૂરી કરવી, વિશાખાપટ્ટનમમાં રેલવેનું અલગ ડિવિઝન ખડું કરવું વગેરે પાંચેક મુખ્ય માગણીઓ હતી.

બજેટમાં આ માગણીઓને સમાવી લેવાની માગણી કરવામાં આવી હતી. છેલ્લા દોઢેક વર્ષથી નાયડુની ઉપેક્ષા થઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મળવાનો સમય જ આપ્યો નહોતો. આખરે બજેટ પહેલાં તેમની સાથે મુલાકાત થઈ. તે વખતે રજૂઆતો થઈ હતી કે બજેટમાં આ સહાયને સમાવી લેવી, જેથી કેન્દ્ર સરકાર તે માટે બંધાઈ જાય.

જોકે નરેન્દ્ર મોદી કદી આ રીતના રાજકીય દબાણમાં કામ કરતા નથી. શિવસેનાની ધરાર અવગણના કરીને તેને મજબૂર કરાઈ છે કે તે જાતે ભાગીદારી છોડી દે. કદાચ એ જ સ્થિતિ તેલુગુ દેસમની થાય તેવી શક્યતા છે. ચંદ્રબાબુ નાયડુ મજબૂત થાય તે રાજકીય રીતે મોદીને અને ભાજપને દક્ષિણ ભારતમાં બહુ પરવડે નહીં. કોંગ્રેસમાંથી છૂટ્ટાં પડેલા અને કોંગ્રેસને તોડી પાડવા તનતોડ મહેનત કરી રહેલા જગનમોહન રાવને ભાજપ સાધી રહ્યું હોય તેવું જાણકારો કહે છે. જગન મોહનને મજબૂત કરીને નાયડુને નબળા પાડવાની ભાજપની ચાલ છે. જગન મોહન સામે ભ્રષ્ટાચારના અનેક કેસ થયેલા છે. જગન મોહનને કેન્દ્રમાં જેની સરકાર હોય તેની વધારે ગરજ છે. તે વધારે ગરજવાન થઈને, કહ્યાગરા થઈને રહે તેવા સાથીદાર છે.નાયડુ એકવાર સત્તા ગુમાવીને ફરી બેઠા થયાં છે. જોકે આંધ્રના ભાગલા પછી તેમની સ્થિતિ થોડી મુશ્કેલ છે. હૈદરાબાદ જેવું શહેર અને ત્યાં ઊભી થયેલી આઈટી ઈન્ડસ્ટ્રીની ચમકદમક નાયડુને કામ આવતી હતી. એ ચમકદમક વિના તેઓ પોતાની કામગીરીને ચકચકિત કરીને અલગ થયેલા આંધ્રમાં એટલા મજબૂત થઈ શક્યાં નથી. આ મજબૂરીને ધ્યાનમાં રાખીને જ તેમની માગણીઓ બજેટમાં સમાવી લેવાઈ નથી.

તેલુગુ દેસમની માગણીઓ સ્વીકારવામાં આવશે, પણ એ રીતે કે મોદી સરકારે આંધ્ર પર ઉપકાર કર્યો હોય. નાયડુ પોતાના રાજ્ય માટે કેન્દ્ર પાસેથી સહાય લઈ આવ્યા તેવી છાપ ના ઊભી થવા દેવાની ચાલ છે. બિહારમાં જેમ નીતિશકુમારને કૂણા પાડીને શરણે લઈ લેવાયાં છે, તે રીતે નાયડુ નમી જવા તૈયાર થાય ત્યારે જ કેટલીક માગણીઓની જાહેરાત ઉદારતા સાથે દિલ્હીથી કરવામાં આવશે.

જોકે મહારાષ્ટ્ર કરતાં આંધ્રની સ્થિતિ થોડી જુદી છે. મહારાષ્ટ્રમાં એકલે હાથે સત્તા મેળવવાની ભાજપને ખાતરી થઈ છે. તે પછી શિવસેનાને ધીમે ધીમે નબળી પાડવામાં આવી છે. આંધ્રમાં ભાજપ એકલા હાથે લડી શકે તેવી સ્થિતિમાં નથી. જગન મોહન રાવ જેલમાંથી જામીન પર આવીને રેલીઓ કરે છે, પણ ભાજપ માત્ર તેના પર આધાર રાખીને આગળ વધી શકે નહીં. તેમના પરના ભ્રષ્ટાચારના કેસો લાલુ યાદવની જેમ લાંબે ગાળે નડતરરૂપ થાય તેવા છે. તેથી નાયડુ વધારે નારાજ ના થાય તે માટે પણ ભાજપ સાવચેત છે. તેથી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાતે નાયડુ સાથે વાતચીત કરીને તાત્કાલિક ગઠબંધન તૂટી ના જાય તેની કાળજી લીધી છે.

બંને પક્ષો હવે પોતપોતાની રીતે સામા પક્ષને ચીત કરવા કોશિશો કરશે. ટીડીપીના સાંસદો સંસદમાં ધમાલ મચાવવાના છે. કેન્દ્રનો હડહડતો અન્યાય એ વાત હવે તેઓ જોરથી બોલવાના છે. નાયડુની સ્ટ્રેટેજી કેન્દ્ર સરકાર મદદ કરી નથી એવું દર્શાવીને સહાનુભૂતિ મેળવવાની છે. બજેટમાં કોઈ પેકેજ ના મળ્યું તેની નારાજી માત્ર ટીડીપીમાં છે એવું નથી. સોશિઅલ મીડિયામાં તેલુગુ લોકોએ ભારોભાર નારાજી વ્યક્ત કરી છે. આ સંજોગોમાં તેલુગુ દેસમ્ માટે ભાજપવિરોધી રાગ આલાપવો અનિવાર્ય બની ગયો છે. રાજકીય વાસ્તવિકતા એ છે કે તાત્કાલિક કેન્દ્રની સરકારમાંથી નીકળી જવાય તેમ પણ નથી. તેથી આ રાગ કેવો બેસૂરો હશે તે આગામી દિવસોમાં સંસદભવનમાં સંભળાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]