‘વાજપેયી સરકાર જેવા જ હાલ મોદી સરકારના થશે’

દેશના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે એવો આક્ષેપ કર્યો છે કે દેશમાં દમનકારી દ્રષ્ટિકોણ લાદવામાં આવી રહ્યો છે અને એને કારણે દેશના લોકોની આઝાદી ઉપરાંત સમાજ ઉપર એક પદ્ધતિસરનો ખતરો ઊભો થયો છે.

સોનિયા ગાંધીએ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની કાર્યપ્રણાલી, કોંગ્રેસપ્રમુખ તરીકે રાહુલ ગાંધીની ક્ષમતા, દીકરી પ્રિયંકા ગાંધી-વાડ્રાના રાજકારણમાં પ્રવેશ, સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ, બેન્કોને સંડોવતા કૌભાંડો સહિત અનેક મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કર્યા છે. મોદી સરકારની કાર્યપદ્ધતિ પર સવાલ સાથે શંકા ઉઠાવીને સોનિયાએ ભારપૂર્વક કહ્યું કે અમે 2019માં નિર્ધારિત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફરી જીતવા નહીં દઈએ.

સંસદમાં વિપક્ષ દ્વારા વારંવાર હોબાળો મચાવવાથી કાર્યવાહીમાં પડતા વિક્ષેપ માટે સોનિયાએ મોદી સરકારને જવાબદાર ગણાવી છે. એમણે એવો આક્ષેપ કર્યો છે કે સરકાર અનેક મહત્વના મુદ્દાઓ પર વિપક્ષ સાથે મંત્રણા કરવામાંથી છટકે છે. વિપક્ષ નહીં, હવે તો ટીડીપી, ટીઆરએસ અને શિવસેના જેવી ભાજપની મિત્ર પાર્ટીઓ પણ સંસદમાં સરકારની વિરુદ્ધ બોલવા માંડી છે.

‘અચ્છે દિન’ના નારાથી મોદી સરકારના એ જ હાલ થશે જે હાલ 2004ની ચૂંટણીમાં વાજપેયી સરકારના ‘ઈન્ડિયા શાઈનિંગ’ નારાથી થયા હતા, એવો દાવો સોનિયાએ કર્યો છે.

કોંગ્રેસ પાર્ટીના પ્રમુખપદે સૌથી લાંબો સમય સુધી રહેવાનો સોનિયા ગાંધી વિક્રમ ધરાવે છે. હવે પોતે એક સામાન્ય કાર્યકર્તા છે અને પાર્ટી ઈચ્છશે તો પોતે 2019માં લોકસભાની ચૂંટણી જરૂર લડશે.

ઈન્ટરવ્યૂમાં સોનિયાએ કહ્યું છે કે હાલની સરકાર હેઠળ શાસક પક્ષના અનેક નેતાઓ ઈરાદાપૂર્વક ભડકાઉ નિવેદનો કરે છે. આ બધું અચાનક કે આકસ્મિક રીતે નથી બની રહ્યું, પણ ઈરાદાપૂર્વક થઈ રહ્યું છે. ખતરનાક યોજનાનો એક હિસ્સો છે.

વૈકલ્પિક અવાજોને ચૂપ કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, વિચારોની આઝાદી, મરજી પ્રમાણે લગ્ન કરવાની આઝાદી પણ ખતરામાં છે. ધાર્મિક તંગદિલીઓને ભડકાવવામાં આવે છે, ખાનગી ટોળકીઓને છૂટ્ટી મૂકી દેવામાં આવી છે, એમ ૭૧ વર્ષીય સોનિયાએ વધુમાં કહ્યું છે.

સોનિયાએ સવાલ ઉઠાવ્યો છે કે શું 2014ના મે મહિનામાં કેન્દ્રમાં ભાજપની સરકાર રચાઈ એ પહેલાં શું દેશમાં કંઈ સારું બન્યું જ નહોતું? શું દેશ 2014ની 26 મે પહેલા મોટા બ્લેકહોલ સમાન હતો? ભાજપના નેતાઓ લોકોને ભડકાવે છે. પાર્ટીના દાવાઓ દેશના લોકોની બુદ્ધિમત્તાના અપમાન સમાન છે.

તપાસકારી એજન્સીઓના દુરુપયોગ મારફત રાજકીય હરીફોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સંસદમાં મળેલી બહુમતીનો અર્થ એ લોકો મનમાની કરવાના લાઈસન્સ તરીકે ગણે છે. આપણું ન્યાયતંત્રમાં ગડબડ ઊભી થઈ ગઈ છે. દેશમાં રોજગારની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે, પરંતુ આપણને એવું જણાવવામાં આવે છે કે 2017માં 75 લાખ નોકરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

2004ની સાલમાં કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવી ત્યારબાદ નેતાગીરી વિશે પોતાની ભૂમિકા અંગે સોનિયાએ કહ્યું કે, હું જાણતી હતી કે મનમોહન સિંહ મારી કરતાં વધારે સારા વડા પ્રધાન બની શકશે. સાથોસાથ, હું મારી પોતાની મર્યાદાઓથી વાકેફ હતી.

રાહુલ ગાંધીની ક્ષમતા વિશે સોનિયાએ કહ્યું કે, રાહુલ એમની પર મૂકવામાં આવેલી જવાબદારીને સમજે છે. મારે એમને કોઈ સલાહ આપવાની જરૂર પડતી નથી. કામ કરવાની એમની પોતાની સ્ટાઈલ છે. મારી પોતાની સ્ટાઈલ હતી. કોંગ્રેસ પાર્ટીના અમુક નીતિનિયમો છે જેનું અમારે પાલન કરવાનું છે.

સોનિયાએ એવું નોંધ્યું પણ હતું કે કોંગ્રે સપાર્ટીને પણ સંસ્થાકીય સ્તરે લોકો સાથે કનેક્ટ થવા માટે નવી સ્ટાઈલ અપનાવવી પડશે.

2019ની ચૂંટણીને લક્ષમાં રાખીને સોનિયા ગાંધી આવતા અઠવાડિયાથી વિપક્ષી પાર્ટીઓ તથા અન્ય પાર્ટીઓના નેતાઓને મળવાનું શરૂ કરવાના છે. એમનું કહેવું છે કે વિપક્ષોએ રાજકીય મતભેદ ભૂલીને ભેગા થવું પડશે.

આજે દેશના 21 રાજ્યોમાં ભાજપનું શાસન છે. 2014માં કોંગ્રેસનું 13 રાજ્યોમાં શાસન હતું, પણ હવે માત્ર ચાર રાજ્ય જ એના હાથમાં રહી ગયા છે. આ વિશે સોનિયાનું કહેવું છે કે, આ એક પડકાર છે, પણ મને આશા છે કે અમે આ કપરા સમયનો સામનો કરીશું.

BJPએ કોંગ્રેસ પર લગાવ્યું મુસ્લિમ પાર્ટીનું લેબલ: સોનિયાનો આક્ષેપ

આગામી લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરવાના પ્રયાસોમાં લાગેલા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને પાર્ટી સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ BJP અને મોદી સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. એમણે આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની છબી એક મુસ્લિમ પાર્ટી તરીકે તૈયાર કરી, જેનું નુકસાન કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં થયું.

સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ મંદિરે જાય છે અને પોતે પણ મંદિરે જાય છે. પાર્ટી પ્રમુખપદ પદ છોડીને પુત્ર રાહુલને સોંપ્યા બાદ આ પ્રથમ અવસર હતો જ્યારે સોનિયા ગાંધીએ એક આત્મચિંતન ભાષણમાં પોતાના સંતાનો, પોતાની ઉણપ અને મર્યાદાઓ તેમજ ભારતમાં લોકતંત્રની ભૂમિકા સહિતના વિષયો પર ચર્ચા કરી હતી.

સોનિયા ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, લોકતંત્રમાં ચર્ચા અને મતભેદ હોવા સામાન્ય બાબત છે. પરંતુ એક જ વ્યક્તિનું ભાષણ હોવું જોઈએ નહીં. સોનિયા ગાંધીએ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે અને તેનો મુખ્ય મુદ્દો મોદી સરકારના વાયદા રહેશે.

સોનિયા ગાંધીએ સવાલ કર્યો કે, શું 26 મે 2014 પહેલાં ભારતમાં કોઈ વિકાસ થયો નહોતો? શું ભારતમાં જે કંઈ પણ પ્રગતિ થઈ છે તે શું ગત ચાર વર્ષને જ આભારી છે? આમ કહેવું ભારતના લોકોની બુદ્ધિમત્તાનું અપમાન ગણાશે. મંદિર જવાના સવાલ પર સોનિયા ગાંધીએ કહ્યું કે, BJPએ કોંગ્રેસ પાર્ટીને મુસ્લિમ પાર્ટી ગણાવી છે. અને BJP આમ કરવામાં સફળ પણ થઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]