તળાવને બચાવવા અરીઠાં વાપરશે આ શહેર…

બેંગાલુરુનું એક જાણીતું તળાવ છે. નામ છે તેનું બેલન્દુર. નિયમિત ટીવી જોનારાએ બેંગાલુરુ તળાવના સમાચાર જોયા હશે અને યાદ રહી ગયા હશે, કેમ કે આખું તળાવ ફીણફીણ થઈ ગયું હોય અને તેના ફીણ રસ્તાઓ પર ફરી વળ્યા હોય તેવા દૃશ્યો બહુ ચગ્યા હતા. એટલા બધા ફીણ વળ્યા હતા કે તળાવ દસ ફૂટ ઊંચું થઈ ગયું હતું અને રસ્તા પર આખી કાર અંદર સંતાય જાય તેટલા માટો ફીણ ફરી વળ્યા હતા.

બેલન્દુર બેંગાલુરુનું સૌથી મોટું તળાવ છે અને હવે શહેરની મધ્યમાં આવી ગયું છે. હૈદરાબાદની મધ્યમાં પણ વિશાળ હુસૈનસાગર તળાવ આવેલું છે. તે પર્યટન સ્થળ તરીકે પણ જાણીતું છે. બેલન્દુર તળાવને પર્યટન સ્થળ બનાવી ના શકાય એટલું ગંદું તે થઈ ગયું છે. અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ બન્યું ત્યારે સુંદર લાગતું હતું, પણ હવે એટલું ગંદું થઈ ગયું છે કે ત્યાં ફરવા જઈ શકાય તેમ નથી. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ગટર લાઈનો સ્ટોર્મ વૉટર ડ્રેનેજમાં જોડી દે છે, તેના કારણે સંડાસ-બાથરૂમનું ગંદું પાણી સીધું જ તળાવમાં ઠલવાય છે. સ્ટોર્મ વૉટર ડ્રેનેજ એટલે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા. શહેરમાં પાણીના જવાનો માર્ગ રહે નહિ એટલે પાણી ભરાવા લાગે. પછી ત્યાં કરોડો ખર્ચીને વરસાદી પાણીના માટેની પાઇપો નાખવી પડે. આયોજનનો અભાવ તે આનું નામ.મુદ્દો આયોજનના અભાવનો પણ છે અને ટૂંકી દૃષ્ટિને કારણે આડેધડ વિકસેલા શહેરો હવે મુશ્કેલી સર્જી રહ્યા છે. ત્યારે સરકાર કશું કરવાની નથી. નાગરિકોએ પગલાં લેવા પડે તેવી સ્થિતિ આવી છે. મુંબઈના ચારકોપના દરિયાકિનારે સ્વચ્છતા માટે સંસ્થાઓએ પ્રયાસો કર્યા ત્યારે ખબર પડેલી કે લાખો ટન ગંદકી આપણે જળસ્રોતમાં ફેલાવીએ છીએ. રાજકારણને કારણે જાતજાતના મહોત્સવો અને વિસર્જન વધી રહ્યા છે અને તહેવાર પછી મૂર્તિ વિસર્જનને કારણે અત્યંત ગંદકી ફેલાય છે. ધાર્મિક લોકો કઈ રીતે આવી ગંદકી ફેલાવી શકે તે સમજવું મુશ્કેલ છે.

તળાવમાં આટલા બધા ફીણ કેમ વળે તે સમજવું પણ મુશ્કેલ લાગશે. પણ પરિસ્થિત જાણશો તો નવાઈ નહિ લાગે. આગામી વર્ષોમાં અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં પણ ફીણ દેખાય ત્યારે ચોંકશો નહિ. વડોદરાના સુરસાગરમાં કે જામનગરના લાખોટા તળાવમાં પણ એકાદ દાયકામાં આટલી ગંદકી થશે તો નવાઈ નહિ લાગે. ફીણ થવાનું કારણ છે ગટરોનું પાણી. ગટરોના પાણી સાથે આવતી સંડાસ બાથરૂમની ગંદકી. ગટરોના પાણીની સાથે આવે છે ઢગલાબંધ સાબુ અને ડિટરજન્ટ શહેરીજનો વાપરે છે. સાબુ અને ડિટરજન્ટ સાથેનું પાણી તળાવમાં ભેગું થાય ત્યારે તથા અન્ય કારણોસર ફીણ વળવા લાગે છે.

સૌને પોતાના ઘરમાં અત્યંત ચોખ્ખાઇ જોઈએ છે. જાહેરમાં ભલે ગમે તેટલી ગંદકી થાય. બહાર જેટલી ગંદકી વધી રહી છે એટલા વધુ સાબુ અને શેમ્પૂ શહેરીજનો બાથરૂમમાં વાપરતા થયા છે. મશીનોમાં ધોવાતા કપડાં અને વાસણો ધોવામાં પણ લિક્વિડનો ઉપયોગ થાય છે તે પણ ફીણ પેદા કરે છે. તેના કારણે બેંગાલુરુનું બેલન્દુર તળાવ ફીણ સાથે દસ ફૂટ ઊચું થઈ ગયું હતું અને રસ્તા પર આવી ગયું હતું. માન્યામાં ના આવતું હોય તો ડોલમાં થોડું પાણી લો, તેમાં શેમ્પૂ કે ડિટરજન્ટ નાખો અને બરાબર હલાવો. ડોલ છલકાઈ જશે.

ઉપાય શું છે? ઉપાય છે સાબુ, શેમ્પૂ અને ડિટરજન્ટ વાપરવાનું બંધ કરવાનો. એ શક્ય છે ખરું? 80થી 90 વર્ષના દાદાદાદી ઘણા પરિવારોમાં હશે. પૂછો તેમને. તેમને પૂછો કે તમારા વખતમાં સાબુ હતો ખરો? કપડાં ધોવા માટે અને વાળ ધોવા માટે શું વપરાતું હતું? બીજા જવાબ સાથે એક જવાબ મળશે અરીઠાં.

અરીઠાં અજાણ્યા નથી પણ તેનો ઉપયોગ આપણે ભૂલી ગયા છીએ. દાતણની જગ્યાએ ટૂથબ્રશ અને પેસ્ટ આવી, તેમ અરીઠાંની જગ્યાએ સાબુ અને શેમ્પૂ આવ્યા છે. અને માત્ર ભારતમાં નહિ, દુનિયાભરમાં અરીઠાંનો ઉપયોગ સ્વચ્છતા માટે, સફાઈ માટે, જંતુનાશક પદાર્થ તરીકે વાસણ અને કપડાં ધોવા માટે થાય છે. દુનિયાના કેટલાક વિકસિત દેશો ફરી તેના તરફ વળ્યા છે અને અરીઠાંમાંથી બનેલા સફાઈ માટેના લિક્વિડ વેચાતા થયા છે.બેંગાલુરુના કેટલાક લોકો પણ અરીઠાં તરફ પાછા વળ્યા છે. સ્થાનિક અખબારોના અહેવાલો અનુસાર તળાવમાં ફીણ વળતા જોયા પછી અને સરકાર કશું કરવાની નથી તે જાણ્યા પછી લોકો અરીઠાંનો ઉપયોગ કરતાં થયા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે અરીઠાંનું વેચાણ છેલ્લા બેએક વર્ષમાં વધ્યું છે.

સ્વંયસેવી સંસ્થાઓ પણ અરીઠાંનો ઉપયોગ સફાઈ માટે વધે તે માટે જાગૃત્તિ ફેલાવવાનું કામ કરી રહી છે. સંસ્થા પ્રચાર કરી રહી છે કે કઈ રીતે ઘરે અરીઠાંને લાવીને તેનાથી સફાઈ થઈ શકે. સાદી વાત છે. અરીઠાં લઈ આવો. તેને પાણીમાં પલળવા મૂકી દો. 48 કલાકે એકદમ પોચા થઈ જાય ત્યારે તેને પાણીમાં જ હાથથી મસળીને પાણી સાથે મિક્સ કરી દો. વાસણ સાફ કરવા માટે, પોતું મારવા માટેનું સફાઈ પ્રવાહી તૈયાર. અરીઠાંથી વાળને કેમ સાફ કરાય તે જણાવવાની જરૂર નથી. ઘણા લોકો અરીઠાંનો ઉપયોગ વાળ ધોવા માટે કરે છે.

બેંગાલુરુમાં અરીઠાંના ઉપયોગ માટેની ચર્ચા એટલી વધી છે કે નવી આવેલી કુમારસ્વામીની સરકારે પણ તેની નોંધ લેવી પડી છે. કોંગ્રેસના ટેકાથી સત્તામાં આવેલા કુમારસ્વામીનું પ્રથમ બજેટ રજૂ થયું, તેમાં 10 કરોડ રૂપિયા અરીઠાંના વૃક્ષો વાવવા માટે ફાળવવામાં આવ્યા છે. કુમારસ્વામીએ બજેટ વખતે કહ્યું હતું કે “વિકસિત દેશોમાં પર્યાવરણને હાની ના કરે તેવા ડિશ વૉશ સોપ અને વૉશિંગ મશીન સોપ માટે અરીઠાંનો ઉપયોગ થાય છે.”કસા મુક્ત બેલન્દુર અને બેંગલોર ઈકૉ ટીમ જેવી સંસ્થાઓ સ્કૂલોમાં જઈને અરીઠાંનો ઉપયોગ કેટલો ફાયદાકારક છે તેનો પ્રચાર કરે છે. શહેરના સૌથી મોટા તળાવને બચાવવું હશે તો અરીઠાં વાપરવા પડશે તે માટેનો પ્રચાર હવે શહેરના અન્ય જૂથો પણ કરવા લાગ્યા છે. કેટલીક સંસ્થાઓએ અરીઠાંમાંથી બનેલા ઉત્પાદનો તૈયાર થાય અને લોકોને તૈયાર લિક્વિડ મળી જાય તે માટેના પ્રયાસો પણ શરૂ કર્યા છે. શહેરમાં રહેલા લોકોને દાતણ વિશે વાતો કરવી ગમે છે, પણ તે લેવા જવાની ઝંઝટને કારણે દાતણ વાપરવાનું બંધ થયું હતું. બીજું વિદેશી કંપનીઓએ મીઠું અને કોલસો અને લવિંગ વગેરે દાંતને કેટલા નુકસાન કરે છે તેવો પ્રચાર પણ શરૂ કરેલો. હવે ચક્કર ફર્યું છે અને અમારી પેસ્ટ કેટલી કુદરતી તત્ત્વોથી ભરેલી છે તેનો પ્રચાર શરૂ કર્યો છે.

અરીઠાંનું પ્રવાહી પણ એ જ રીતે આકર્ષક પેકિંગ સાથે અને ગ્રીન પ્રોડક્ટ તરીકેના માર્કેટિંગ સાથે વેચાતું થશે. વેચાવા લાગ્યું પણ છે. ગો રસ્ટિક નામની શોપ અરીઠાંની સાથે અરીઠાંમાંથી બનેલી પ્રોડક્ટ પણ વેચવા લાગી છે. ગો રસ્ટિકના માલિક કહે છે કે વર્ષ પહેલાં તેઓ મહિને 20 કિલો અરીઠાં વેચતા હતા, હવે 50 કિલો વેચાય છે. બાયોલોજિકલ રિસર્ચ એન્ડ ઇન્નોવેશન સેન્ટર અરીઠાં જેવા કુદરતી પદાર્થોમાંથી બનતી વસ્તુઓ ઘણા શહેરોમાં વેચે છે.

જોકે ફ્રેન્ડ્ઝ ઓફ લેક્સના સભ્યો કહે છે તે પ્રમાણે થોડા જાગૃત પરિવારો અરીઠાં વાપરતા થાય તેના કારણે તળાવ સ્વચ્છ થઈ જવાનું નથી. આસપાસના વિસ્તારના 80 ટકા લોકો સાબુ અને શેમ્પૂનો ત્યાગ કરે તો જ સ્વચ્છતા આવે. જોઈએ કેટલા લોકો અરીઠાં વાપરતા થાય છે. ભારતમાં એક કંપનીને કુદરતી તત્ત્વો અને આયુર્વેદ માટે લોકોમાં વધેલા રસને કારણે ફાયદો થયો છે અને વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓા કેમિકલ સામે પોતાના ઉત્પાદનોનો બિઝનેસ અબજોમાં પહોંચાડ્યો છે. અરીઠાંમાં પણ આવી કોઈ કંપનીને રસ પડી જાય તો ધંધાનો ધંધો અને સેવાનું અને કુદરતની રક્ષાનું કામ બંને થઈ શકશે. તમે આજે કરિયાણાની દુકાનેથી લઈ આવવાનો છો અરીઠાં?