વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફોન ફેક્ટરીમાં ભારતમાં

મોબાઇલ ફોનનું માર્કેટ ભારતમાં બહુ મોટું છે, પણ તેની સૌથી મોટી ફેક્ટરી ભારતમાં હોય તે સમાચાર તરત માન્યામાં ન આવે. જોકે મોટા ભાગના અખબારોએ નોઈડામાં તૈયાર થયેલી સેમસંગની મોબાઈલ ફેક્ટરીના સમાચાર ચમકાવ્યાં તેના કારણે ઘણાં લોકો તે જાણતા થયાં છે. આ સમાચાર એ રીતે પણ અગત્યના છે કે ભારત સૌથી વધુ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની આયાત કરે છે. કીમતી હૂંડિયામણ ક્રૂડ ઓઈલ પાછળ નહીં, પણ સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી અને બીજી ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સની આયાતમાં વપરાઈ જાય છે. મોબાઈલ ફોનમાં ચીન, કોરિયા, તાઈવાનની કંપનીઓનો દબદબો છે. આઇફોન લોકપ્રિય થયો, પણ તેનુંય ઉત્પાદન થાય ચીનમાં.

ચીનમાં આવી જંગી મોબાઇલ ફોન ફેક્ટરી હોય તે માન્યામાં આવે, પણ ભારતે આ સિદ્ધિ મેળવી તે નોંધનીય છે. નોઇડા સેક્ટર 81માં સેમસંગની ફેક્ટરી ઘણા વર્ષોથી છે. તેની સામે જ બીજી વિશાળ જગ્યામાં માત્ર મોબાઇલ ફોન બનાવવા માટે ફેક્ટરી તૈયાર થઈ ગઈ, તે સૌથી વધુ સંખ્યામાં એક જ જગ્યાએ ફોનનું ઉત્પાદન કરશે. લગભગ બાર કરોડ ફોન બનશે. 35 એકરમાં સેમસંગ કંપનીએ ફેક્ટરી ઊભી કરી છે. લગભગ 20 વર્ષ પહેલાં સેમસંગે અહીં ફેક્ટરી શરૂ કરી હતી. તે વખતે ટીવી બનાવવાનું શરૂ થયું હતું, કેમ કે સોની અને તોશિબા જેવી જાપાની કંપનીઓ અને ભારતની ઓનિડા, વિડિયોકોન જેવી કંપનીઓને પાછળ રાખીને સેમસંગ અને એલજી જેવી કોરિયન કંપનીઓ અહીં જામી ગઈ હતી. તેમના ટીવી વધારે આધુનિક અને વધારે સસ્તાં હતાં.

1997માં ટીવી ઉત્પાદનથી શરૂઆત પછી, 2003માં ફ્રિજ અને 2007થી મોબાઇલ ફોન બનાવવાનું પણ સેમસંગે શરૂ કરી દીધું હતું. તેનું એક યુનિટ નોઇડા સેક્ટર 81માં હતું જ. હવે વધુ ક્ષમતા જોડીને આ યુનિટને વિશાળ બનાવી દેવાયું છે. લગભગ 5000 કરોડ રૂપિયાનું રોકાણ સેમસંગે કર્યું છે, કેમ કે સેમસંગ જાણે છે કે ભારત તેના માટે સૌથી મોટું માર્કેટ છે. ઓપ્પો અને વીવો જેવી ચીની કંપનીઓનો સામનો કરવા માટે સેમસંગે 6.7 કરોડ ફોન બનતા હતા, તેની જગ્યાએ હવે 12 કરોડ ફોનના ઉત્પાદનની ક્ષમતા ઊભી કરી દેવાઈ છે. એક જ સ્થળે મહિને એક કરોડ ફોન તૈયાર થશે.સેમસંગ માટે ભારત કેટલું અગત્યનું માર્કેટ છે તેનો અંદાજ એના પરથી પણ આવશે કે ભારતમાં જ પાંચ આરએન્ડડી સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે. ભારતના લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોનની ડિઝાઇન તૈયાર કરાય છે. એટલું જ નહિ, સાદા મોબાઇલ ફોન પણ ગામડામાં સૌથી વધુ સેમસંગના જ વેચાય છે. પોતાનો બજાર હિસ્સો જાળવા રાખવા માટે સેમસંગ ભારત સતત વિસ્તરણ કરે છે. તામિલનાડુમાં શ્રીપેરુમ્બુદુરમાં પણ કંપનીનો પ્લાન્ટ આવેલો છે. રિટેલ આઉટલેટની સંખ્યા વધારીને દોઢ લાખની કરી દેવાશે, જેનો અર્થ એ થયો કે દેશનો એકેય તાલુકો સેમસંગના રિટેલ સ્ટોર વિનાનો નહિ હોય.

ફ્લેટ ટીવીના માર્કેટમાં સેમસંગ છવાઈ ગયું હતું. તે પછી મોબાઇલ ફોનમાં બંનેમાં તે માર્કેટ લીડર છે. સાદા ફિચર્સ ફોન અને સ્માર્ટફોન બંનેમાં સેમસંગ સૌથી મોટો બજાર હિસ્સો ધરાવે છે. ગેલેક્સી એસ3 સિરિઝનો સ્માર્ટફોન રજૂ થયો તેનું ઉત્પાદન નોઇડામાં શરૂ કરાયું હતું. 2012થી માર્કેટમાં એકહથ્થુ હિસ્સો ધરાવતા સેમસંગ સામે જોકે ઘણી કંપનીઓ હરિફાઇમાં ઉતરી છે. ચીનની કંપનીઓ ઉપરાંત ભારતની માઇક્રોમેક્સ અને ઇન્ટેક્સ પણ સ્પર્ધામાં આવી હતી. નોકિયા નવેસરથી સ્થાન જમાવવા માગે છે અને આઇફોનનું ઉત્પાદન પણ ભારતમાં થવાનું છે ત્યારે સેમસંગે ફિચર્સ અને સ્માર્ટ ફોન બંનેમાં હરિફાઇનો સામનો કરવાનો છે. ભારતમાં જ ફોનનું ઉત્પાદન થાય તો વાજબી ભાવે ફોન આપી શકાય. ભારત સરકાર પણ મોબાઇલ કંપનીઓને પ્રેશર કરી રહી છે કે ફોનનું ઉત્પાદન સ્થાનિક ધોરણે કરવામાં આવે. તેના કારણે બીજી કંપનીઓએ પણ ભારતમાં યુનિટ ખોલી દીધા છે અથવા ખોલવાની તૈયારીમાં છે.

સેમસંગ માટે ટીવી અને ફ્રીઝ કરતાંય મોબાઇલ ફોનનું માર્કેટ અગત્યનું બન્યું છે. ભારતમાં સૌથી વધુ ટર્નઓવર મોબાઇલ ફોનમાંથી આવી રહ્યું છે. ગયા વર્ષે કંપનીએ કુલ 50,000 કરોડનું ટર્નઓવર કર્યું, તેમાંથી 34,300 કરોડ રૂપિયાનું ટર્નઓવર એકલા મોબાઇલ ફોનમાંથી આવ્યું હતું. તેનાથી સમજી શકાય છે કે મોબાઇલ માર્કેટ સેમસંગ માટે કેટલું અગત્યનું છે. સ્થાનિક ઉત્પાદનના કારણે સેમસંગને ફાયદો મળશે તો ભવિષ્યમાં આવી જ સફળતા માટે સેમસંગ સ્માર્ટ ટીવી અને સ્માર્ટ ફ્રીજ અને એસીનું ઉત્પાદન પણ ભારતમાં કરવા વિચારે તેવી શક્યતા છે.મેક ઇન ઇન્ડિયા માટે નરેન્દ્ર મોદીએ ઘણી જાહેરાતો કરી હતી, પણ દુનિયાનું ધ્યાન ખેંચે તેવો કઈ પ્રોજેક્ટ ભારતમાં આવી શક્યો નથી. તે સંજોગોમાં સેમસંગે દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરી ભારતમાં તૈયાર કરી તે દુનિયાને દેખાડવા માટે પણ ભારતને ઉપયોગી થશે. મેક ઇન ઇન્ડિયા માટે આ ફેક્ટરીનું ઉદાહરણ અપાતું રહેશે. જોકે આ ફેક્ટરીમાં બનતા મોટા ભાગના ફોન ભારતમાં જ વેચાશે, પણ તેમાંથી કેટલાક હિસ્સાની સાર્ક દેશોમાં નિકાસ પણ થશે. ગયા વર્ષે સેમસંગના ફોનના વેચાણમાં 27 ટકાનો વધારો થયો હતો. આ વધારો ટકી રહે તેવી શક્યતા છે. તેની સામે ઉત્પાદન ક્ષમતા બમણી થઈ ગઈ છે તેથી નિકાસ માટે ચારેક કરોડ ફોન તો પણ બનાવી શકાય છે.

મેક ઇન ઇન્ડિયાનો ઉદ્દેશ મલ્ટીનેશનલ કંપની ભારતમાં ઉત્પાદન કરે અને વિદેશમાં વેચે તેનો છે. સેમસંગ જેવી કંપની બંને રીતે ફાયદો મળે તે માટે પ્રયાસો કરી રહી છે. તેનો ફાયદો દેશને પણ થશે, કેમ કે સ્થાનિક માંગ પૂરી કરવા માટે ચીન, કોરિયા, તાઇવાનથી ફોન આવે તેના બદલે સ્થાનિક ધોરણે તૈયાર થાય તેનો ફાયદો જ છે. ક્રૂડ કરતાંય ઇલેક્ટ્રોનિક્સની આયાત અટકાવવી ભારત માટે વધુ જરૂરી છે અને તે દિશામાં સેમસંગે નોઇડામાં બનાવી તેવી વધુ જાઈન્ટ ફેક્ટરીઓની પણ જરૂર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]