રાજ્યસભાની ઈનિંગ્ઝ પૂરી: સચીન, રેખા સહિતને અપાઈ વિદાય

દેશની સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી કુલ ૮૫ સભ્યો નિવૃત્ત થયા છે. એમાંના ૪૦ સભ્યોને આજે વિદાયમાન કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગૃહના નેતા અરૂણ જેટલી અને ગૃહના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે આ સભ્યોને વિદાય આપી અને એમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.

આ સભ્યોમાં, ઉપાધ્યક્ષ પી.જે. કુરિયન, અરૂણ જેટલી, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદનો પણ સમાવેશ થાય છે, પરંતુ જેટલી અને પ્રસાદ ઉપરાંત બીજા અનેક સભ્યોને એમની પાર્ટીઓએ ફરી નામાંકિત કરી દીધા છે.

નિવૃત્ત થતા સભ્યો માટે કરેલા સંબોધનમાં નેતાઓએ કહ્યું કે, જાહેરજીવનમાં કોઈ વ્યક્તિ સેવાનિવૃત્ત થતી નથી. જે વ્યક્તિને સેવા બજાવવી હોય એ પોતાના ક્ષેત્રમાં જે અવસર મળે એને ઝડપી લઈને સેવા બજાવવાની ચાલુ રાખે છે.

નિવૃત્ત થયેલા 40 સભ્યો છેઃ દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકર, પીઢ બોલીવૂડ અભિનેત્રી રેખા, રાજીવ શુક્લા, વિનય કટિયાર, પ્રકાશ જાવડેકર, રેણુકા ચૌધરી, દક્ષિણી ફિલ્મ અભિનેતા ચિરંજીવી, નરેશ અગ્રવાલ, મુનક્વોદ અલી, શાદીલાલ બત્રા, સત્યવ્રત ચતુર્વેદી, લા ગણેશન, કુણાલકુમાર ઘોષ, તુલ્લા દેવેન્દર ગૌડ, વિવેક ગુપ્તા, મેઘરાજ જૈન, ભુષણલાલ જાંગડે, કે. રેહમાન ખાન, મહેન્દ્ર સિંહ માહરા, કિરણમય નંદા, બાસવરાજ પાટીલ, રજની પાટીલ, રામકૃષ્ણ રંગસાયી, રપોલુ આનંદ ભાસ્કર, અનિલકુમાર સહાની, મુનવ્વર સલીમ, અજય સંચેતી, તપન કુમાર સેન, આલોક તિવારી, પ્રમોદ તિવારી, ડી.પી. ત્રિપાઠી, શંકરભાઈ એન. વેગાડ, દર્શન સિંહ યાદવ, નરેન્દ્ર બુદાણીયા, અનંગ ઉદય સિંહ દેવ, એ.વી. સ્વામી, દિલીપ ટિર્કે (ભૂતપૂર્વ હોકી ખેલાડી), અનુ આગા.

‘ભારત રત્ન’ સચીન તેંડુલકર 2012માં રાજ્યસભામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ક્રિકેટની રમતમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રપતિએ એમને સમ્માનિત કર્યા હતા. સચીન તેંડુલકર આજે વિદાયસમારંભ વખતે પણ હાજર રહી શક્યા નહોતા. પોતાની છ વર્ષની મુદત દરમિયાન તેઓ ગૃહમાં ક્યારેય સંબોધન કરી શક્યા નહોતા. ગયા વર્ષની 21 ડિસેમ્બરે ‘રાઈટ ટુ પ્લે’ વિષય પર પોતાનું પહેલું સંબોધન કરવા ઊભા થયા હતા, પણ સભ્યોએ ભારે ઘોંઘાટ કરતાં તેઓ સંબોધન કરી શક્યા નહોતા. ત્યારબાદ એમણે પોતાનું સંબોધન ફેસબુક પર મૂકી દીધું હતું.

વિદાયસંદેશમાં પીએમ મોદીએ નિવૃત્ત સભ્યોની સેવાને બિરદાવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સભામાં આજથી નિવૃત્ત થયેલા 40 સભ્યોનાં યોગદાનની સરાહના કરી હતી અને એમને માટે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી હતી.

મોદીએ નિવૃત્ત થયેલા સભ્યોને આજે સવારે વિદાય આપી હતી.

આજે રાજ્યસભામાં પોતાના સંબોધનમાં, વડા પ્રધાને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગૃહમાંથી નિવૃત્ત થયેલા આ સભ્યો હવે સમાજસેવાના ક્ષેત્રમાં વધુ સારી ભૂમિકા ભજવશે. આ તમામનું અનોખું મહત્વ રહ્યું છે, એ દરેક પોતપોતાની રીતે યોગદાન આપ્યું છે. એમણે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે એમની શ્રેષ્ઠ કુશળતા અનુસાર સેવા બજાવી છે. રાષ્ટ્ર એમના યોગદાનને ક્યારેય નહીં ભૂલે.

વડા પ્રધાન મોદીએ નિવૃત્ત થયેલા ઘણા સભ્યોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ સભ્યોની ગેરહાજરી ગૃહમાં સાલશે. આ ગૃહમાં ટ્રિપલ તલાક ખરડા પર નિર્ણય લેવાનો હજી બાકી છે. એ જ્યારે લેવાશે ત્યારે આ સભ્યો એનો હિસ્સો નહીં બને તે એક કમનસીબી કહેવાશે.

વડા પ્રધાને કહ્યું કે નિવૃત્ત સભ્યો માટે સંસદ તથા વડા પ્રધાન કાર્યાલય (PMO)ના દ્વાર હંમેશાં ખુલ્લા જ રહેશે.

httpss://youtu.be/bZWgI2gxOf4