રાજનાથ સિંહના ધ્યાન ખેંચતા નિવેદનો

રાજનાથ સિંહ સંસદમાં નરેન્દ્ર મોદીની બાજુની પાટલીએ બેસે છે. વડા પ્રધાન પછી તે બીજા નંબરનું અગત્યનું સ્થાન ગણાય છે. જોકે આ સત્તાવાર છે. બિનસત્તાવાર રીતે મોદી સરકારમાં નંબર ટુનું સ્થાન અમિત શાહનું છે. ચૂંટણી વખતે જ સંભાવના વ્યક્ત થવા લાગી હતી કે ફરીથી સત્તામાં આવ્યા પછી અમિત શાહ સરકારમાં પ્રધાન તરીકે જોડાશે. મોટા ભાગે ગૃહ પ્રધાન તરીકે જોડાશે તેવી ધારણા પણ પત્રકારોની હતી. પત્રકારોની ધારણા નેતાઓને ગમતી હોતી નથી. જોકે પત્રકારોની ધારણા મોટા ભાગે સાચી પણ પડે છે, એ પણ નેતાઓને ગમતું હોતું નથી. ગૃહ પ્રધાન તરીકે સરકારમાં પણ, સંગઠન પછી સરકારમાં પણ અમતિ શાહનું સ્થાન દ્વિતિય હશે તે નક્કી થઈ ગયું હતું. જોકે રાજનાથ સિંહે થોડી નારાજી દેખાડી હતી. તેમણે આરએસએસનો સંપર્ક સાધ્યો હતો. પત્રકારોની ધારણા પ્રમાણે તેમણે સંઘના વડીલોને સમજાવ્યું હતું કે તેમણે સત્તા માટે ક્યારેય જૂથવાદ કર્યો નથી. તેઓ નરેન્દ્ર મોદી કે અમિત શાહની જોડીને ક્યારેય નડ્યા પણ નથી. ઉલટાના 2014માં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે તેમણે એવી રીતે કામગીરી બજાવી હતી કે નરેન્દ્ર મોદી મોકળાશથી ચૂંટણી પ્રચાર કરી શકે.

2014માં મોદી સરકારની રચના થઈ ત્યારે સત્તાવાર અને બિનસત્તાવાર બંને રીતે રાજનાથ સિંહનું સ્થાન બીજા નંબરનું હતું. જોકે અરુણ જેટલી વધારે મજબૂત હતા અને વ્યવહારમાં બે નંબરનું કામ તેઓ કરતા હતા, પણ રાજનાથ સિંહ માટે પણ સ્થિતિ સારી હતી. 2019માં સ્થિતિ પલટાઈ. અમિત શાહ ગૃહ પ્રધાન બન્યા અને રાજનાથ સિંહને સંરક્ષણ પ્રધાન બનાવાયા. જોકે શપથવિધિ વખતે બીજી ખુરશી રાજનાથ સિંહ માટે જ રખાઈ હતી અને તે પ્રોટોકોલ થોડા દિવસ ચાલ્યો હતો, પણ પછી છે કેબિનેટ કમિટિઓ બની તેમાં રાજનાથ સિંહને માત્ર બેમાં જ સ્થાન મળ્યું હતું.  અમિત શાહ છએ છ સમિતિમાં હતા અને તે રીતે તેમનો ઉદય સ્પષ્ટ કરાયો હતો. જોકે રાજનાથ સિંહે કહ્યું હશે, પત્રકારોની ધારણા પ્રમાણે, કે મારું સન્માન જળવાઈ એવું કરો. તેથી તેમનું નંબરનું ટુનું સ્થાન અને બેસવાની જગ્યા યથાવત રખાયા છે. પણ વ્યવહારમાં અમિત શાહ નંબર બે છે. કલમ 370ના મામલે તેમણે આગેવાની લીધી તે પછી તેમનું સ્થાન ભાજપ સંગઠન અને ભાજપ સરકારમાં સુનિશ્ચિત થઈ ગયું છે.

કલ્પના કરો કે રાજનાથ સિંહ જ ફરીથી ગૃહ પ્રધાન બન્યા હોત તો કલમ 370ની નાબુદી પછી તેમનું કદ કેટલું વધી ગયું હોત. કલમ 370 ભાજપનો બહુ જૂનો મુદ્દો છે. તે અંગે લેવાયેલો નિર્ણય રાતોરાત ના લેવાયો હોય. લાંબા સમયથી તેના માટેની તૈયારી હતી. હકીકતમાં પીડીપી સાથે ગઠબંધન કરીને સરકારમાં ભાગીદારી કરી હતી, ત્યારથી ભાજપની તૈયારી હતી. ગત સરકારમાં ગૃહ પ્રધાન તરીકે રાજનાથ સિંહે કાશ્મીરના મુદ્દે આ બધી ચર્ચામાં અવશ્ય ભાગ લીધો હોય. સમસ્યાના ઉકેલની રૂપરેખા વિશેની ચર્ચામાં પણ તેમણે ભાગ લીધો હોય.  કલમ 370 મામલે સંસદ ગજવ્યા પછી અને પક્ષના કાર્યકરોને જણાવીને દેશભરમાં તેની ઉજવણી કર્યા પછી આ મામલો બહુ ના ગજાવવાનો પણ વ્યૂહાત્મક અભિગમ ભાજપનો રહ્યો છે. વિજયના ઉન્માદની છાપ ના પડે તે માટે કાળજી લેવાની કોશિશ થઈ હતી. તેથી ભાજપના નેતાઓ પણ ખાસ કોઈ મોટા નિવેદનો કરતા રહ્યા નથી. તેથી જ રાજનાથ સિંહે ગત અઠવાડિયે ત્રણ દિવસમાં બે મોટા નિવેદનો કર્યા તેનાથી ધ્યાન ખેંચાયું છે. 16 તારીખે તેઓ પોખરણની મુલાકાતે ગયા હતા. પોખરણમાં વાજપેયી સરકારે દ્વિતિય અણુપ્રયોગ કર્યો હતો. તેના માટેની તૈયારીઓ નરસિંહરાવ સરકારે કરી રાખી હતી. પણ તેમની સરકાર જતી રહી પછી તે જવાબદારી વાજેપીય સરકાર પર આવી હતી. વાજપેયી સરકારે તેમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

વાજયેપી સરકારે તેને સફળતાથી પાર પાડ્યા પછી દુનિયાને ખાતરી આપી હતી કે ભારતનો અણુકાર્યક્રમ શાંતિ માટેનો છે. મુખ્યત્વે અણુઉર્જા માટેનો છે અને દુશ્મન દેશ તરફથી અણુહુમલો થાય તો જ તેનો સામનો કરવા માટે અણુશક્તિનો ઉપયોગ કરવાનો છે. અર્થાત નો ફર્સ્ટ યુઝ. અણુહુમલાની પહેલ ભારત ક્યારેય નહિ કરે એવી નીતિ આપણે રાખેલી છે. આ નીતિ અને સંયમને કારણે જ ધીમે ધીમે આર્થિક પ્રતિબંધો પણ દૂર કરાવી શકાયા હતા અને મનમોહન સિંહ સરકાર અમેરિકા સાથે અણુઉર્જા માટે કરાર કરી શકી હતી.  પરંતુ રાજનાથ સિંહે કહ્યું કે ભારતની નો ફર્સ્ટ યુઝની નીતિ આજના દિવસે યથાવત જ છે, પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી હશે તેના આધારે તેમાં ફેરફાર પણ થઈ શકે છે. તેમનો કહેવાનો ભાવ એ હતો કે જરૂર પડ્યે ભારત પ્રથમ અણુહુમલો કરી પણ શકે. આક્રમણને સ્વરક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ભારતની નીતિ બદલાઈ શકે છે તેવા રાજનાથ સિંહના નિવેદન પછી પાકિસ્તાને તક મળી ગઈ છે. ઇમરાન ખાને દુનિયાને કહેવાનું શરૂ કર્યું છે કે ભારતના અણુશસ્ત્રો સલામત હાથોમાં નથી.

પાકિસ્તાનની વાત દુનિયામાં કોઈ માનતું નથી તે વાત જુદી છે. માત્ર ચીન પણ તેને દેખાવ ખાતરનો ટેકો આપે છે. ચીનને પણ સમજાવા લાગ્યું હશે કે પાકિસ્તાન જેવા દેશની સાથે સતત ઊભા રહેવાથી તેની પોતાની આબરૂનો પણ સવાલ થશે. જોકે અમેરિકા, રશિયા કે ચીન જેવા મોટા દેશોને આબરૂનો સવાલ નથી હોતો, હિતોનો સવાલ હોય છે. હિત છે એટલે ચીન પાકિસ્તાનને ટેકો આપે છે, પ્રેમને કારણે નહિ. આમ છતાં પાકિસ્તાનને બોલવાની તક મળે તેવા કોઈ નિવેદન આ તબક્કે શા માટે કરવા જોઈએ? બીજું, ભારતને આ નીતિથી ફાયદો જ થયો છે. પાકિસ્તાન અને ચીનને ધમકી આપવા માટે આ નિવેદન હોય તો તેનાથી ફરક પડવાનો નથી. બંને દેશોને ભારતની તાકાતનો અંદાજ છે. ભારત એકાદ હુમલો ખમીને વળતો ફટકો મારી શકવા સક્ષમ છે. હકીકતમાં દુશ્મન દેશ હુમલો કરવાની કોશિશ કરે તો તેને હવામાં જ અટકાવી દેવાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ ભારત પાસે છે. તે સંજોગોમાં કહ્યા વિના ભારતની ધાક છે કે ભારતનો વળતો ફટકો તમને ખતમ કરી નાખશે. તેથી દેખાવ ખાતર અને ભારત ધીરગંભીર દેશ છે તેવી છાપને મજબૂત કરતી નો ફર્સ્ટ યુઝ પોલિસીની વાતો કરતા રહેવામાં કંઈ ખોટું નથી.

બીજું નિવેદન તેમણે એવું આપ્યું કે પાકિસ્તાન સાથે હવે વાતચીત થશે તો માત્ર પીઓકેના મુદ્દે. પાકિસ્તાને કબજે કરેલા વિસ્તારનું શું કરવું તેની જ હવા વાત કરવાની રહેશે. ભારતે કલમ 370 અને રાજ્યના બે ટુકડા તથા ત્યાં કેન્દ્રનું શાસન જાહેર કરીને પોતાના કબજાના કાશ્મીરનો નિર્ણય કરી જ લીધો છે. તે અંગે હવે કંઈ વાતચીત કરવાનો અર્થ પણ નથી. કાશ્મીરને ભારતે માત્ર આંતરિક મામલો જ ગણી લીધો છે અને તે મુદ્દે હવે દ્વિપક્ષી વાટાઘાટનો પણ અર્થ નથી તેમ આડકતરી રીતે જણાવી જ દીધું છે.  તેથી પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે હવે વાટાઘાટ કરવાની કે પીઓકે માટે જ વાટાઘાટ કરવાના નિવેદનની પણ જરૂર, હાલના સમયે, નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનના પત્રને ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. ચીનના કહેવાથી અને દબાણથી બંધબારણે બેઠક થઈ હતી. સત્તાવાર કોઈ નિવેદન બહાર પડાયું નથી. માત્ર જૂની વાત જ આગળ કરાઇ છે કે ભારત અને પાકિસ્તાન સાથે બેસીને ઉકેલ લાવે.
વર્તમાન સરકારે હાલમાં એ નીતિ સ્પષ્ટ રાખી છે કે પાકિસ્તાન ત્રાસવાદને ઉત્તેજન આપવાનું બંધ કરે તે પછી જ વાટાઘાટો થશે. આ રીતે વાટાઘાટો માટે ભારતને જ હવે કોઈ ગરજ નથી. તેથી પીઓકે માટે જ માત્ર વાટાઘાટ થાય તેની પણ જરૂર નથી. પીઓકે માટે પણ ભારત એકપક્ષી નિર્ણય લઈ શકે છે.

બીજું પાકિસ્તાન સાથે વાટાઘાટમાં મુખ્ય મુદ્દો પીઓકે નથી. પીઓકે માટે ભારતે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. પીઓકે માટે ચર્ચાની પણ જરૂર નથી. પાકિસ્તાન સાથે ચર્ચાનો મુખ્ય મુદ્દો ત્રાસવાદને ઉત્તેજન બંધ કરવાનો છે. પાકિસ્તાન કેવી રીતે ત્રાસવાદને ઉત્તેજન બંધ કરે, કેવી રીતે ત્યાં સ્થપાયેલા આતંકી તાલીમના અડ્ડા બંધ કરે, કેવી રીતે લશ્કરની દરમિયાનગીરી ઓછી કરે તે જ ચર્ચાના મુખ્ય મુદ્દા છે. તેમાં પણ તાત્કાલિક કશું થાય તેમ નથી. પાકિસ્તાનમાં હજી એકવાર આંતરિક સંઘર્ષ થવાનો બાકી છે. સેનાની દાદાગીરી બંધ કરીને સાચા અર્થમાં ત્યાં લોકશાહી આવે ત્યાં સુધી મોટા પાયે નીતિ પરિવર્તન થાય તેવી શક્યતા નથી. આ સંજોગોમાં અણુનીતિ કે પીઓકે મુદ્દે જ વાતચીત થશે વગેરે મુદ્દાની ચર્ચા અત્યારે ભારતે કરવાની જરૂર પણ નથી. ભારતે અત્યારે કાશ્મીરને થાળે પાડવાનું છે. સીમાંકન કરીને જમ્મુ વિસ્તારની બેઠકો વધારીને ચૂંટણી કરાવવાની છે. ત્યાં પેધા પડી ગયેલા નેતાઓને દૂર કરીને નવી નેતાગીરી ઊભી કરવાની છે. અલગતાની વાત કરીને મતો મેળવતા નેતાઓના બદલે, વેપારધંધાની, નાગરિક સુખાકારીની અને સુશાસનની વાત કરનારા નેતાઓ વચ્ચે સ્પર્ધા થાય તેવું વાતાવરણ પેદા થાય તો ઝડપથી શાંતિ સ્થાપના થાય. તેથી આમ ખાસ નવા કે ચોંકાવનારા ના હોવા છતાં રાજનાથ સિંહના નિવેદનો ધ્યાન ખેંચી રહ્યા છે.