પ્રચારના પડઘમમાં આચારસંહિતા અંતરિક્ષમાં અવાક

પ્રચાર વસ્તુ વેચવામાં કામ આવે, પણ વિચાર વહેંચવામાં કામ આવે ખરો એની કસોટી 2019માં થવાની છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં માત્ર અમુક વિચાર વહેંચવામાં આવી રહ્યો છે. એવું જણાવાઈ રહ્યું છે કે બાકી બધું ભૂલી જાવ, અમુક જ બાબત સર્વોપરી છે માટે તેના પર જ ધ્યાન આપો. બીજી કશી ચર્ચા ના કરો, માત્ર એની જ ચર્ચા કરો જે ચર્ચા તમને પીરસવામાં આવે. તમારી તબિયતનું ધ્યાન રાખવા માટે આ ઔષધી બની છે. તેને ગટગટાવી જાવ.
મહત્ત્વની જાહેરાત મારા તરફથી કરવામાં આવશે તેવી જાહેરાત સોશ્યલ મીડિયામાં મૂકીને આખા દેશનો શ્વાસ અધ્ધર કરી દેવાયો. આખરે જાહેરાત થઈ ત્યારે ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એના જેવી હાલત થઈ. એક કલાક સુધી ફૂટેજ બરાબર ચાલ્યું, પણ તે પછી ફિલ્મની પટ્ટીમાં કશું રસપ્રદ રહ્યું નથી એટલે ખેલ ખતર કરી દેવાયો. વિશેષ શૉનું આયોજન ટીવી ચેનલોમાં ફટાફટ કરી લેવાયું હતું તે રદ કરી દેવું પડ્યું.
આચારસંહિતા શબ્દ ચૂંટણીની જાહેરાત સાથે ચર્ચાતો થાય છે, પણ આચારસંહિતા શું અને આદર્શ રીતે તેનું પાલન કેવી રીતે થવું જોઈએ તેનો ભાગ્યે જ કોઈને ખ્યાલ આવે છે. સાવ સાદો દાખલો લો, જાહેર સ્થળોએ સત્તાધારી પક્ષોના નેતાઓની તસવીરો લાગી હોય તે હટાવી લેવાની હોય. સરકારી હોર્ડિંગ્સ હટાવી લેવાના, સરકારી વેબસાઇટ પરથી પણ પ્રધાનોની તસવીરો હટાવી લેવાની. આઇડિયા એ છે કે તસવીરો કોઈ જોઈ જાય તો પ્રચાર થઈ જાય.
આ કેટલી બેવકૂફીની વાત છે! સરકારી તંત્ર હોર્ડિંગ્સ ઉતારવા જાય તેની તસવીરો લેવા ફોટોગ્રાફરો જાય. હવેના જમાનામાં વિડિયોગ્રાફર પણ વધારે જાય છે. ચાર રસ્તા પર પસાર થતા થોડા હજાર માણસોમાંથી થોડા સો લોકોનું ધ્યાન તેના પર પડવાનું હોય. તેના બદલે હવે લાઇવ દૃશ્યો ટીવી પર વહેતા થાય એટલે લાખો લોકો પ્રધાનશ્રીનો કે મુખ્યપ્રધાશ્રીનો ચહેરો જુએ.
વાત જ જવા દો. લાઇટ ટીવીના જમાનામાં પ્રચારને નિયંત્રણમાં લેવો મુશ્કેલ છે. ચૂંટણી દરમિયાન પ્રચારને નિયંત્રણમાં લેવાનો વિચાર પણ બહુ યોગ્ય નથી. રાજકીય પક્ષોએ પોતાની વાત જણાવવા માટે પ્રચાર કરવો જરૂરી હોય છે. પ્રચાર કરવાની મોકળાશ હોવી જોઈએ, પણ સૌને સમાન તક હોવી જોઈએ. વિપક્ષને, નાના પક્ષને, પ્રાદેશિક પક્ષને તક ના મળે તો સ્પર્ધા સમોવડિયાની ના કહેવાય. પ્રચારનો સમય અને સ્થળ વગેરેમાં સમાનતા રહેવી જોઈએ. કેવો પ્રચાર થાય તેના માટેના પણ કેટલાક આદર્શો હોવા જોઈએ. તે પછી દરેક પક્ષના નેતાની વકતૃત્ત્વ કલા કામ આવવાની છે.
પણ આચારસંહિતા લાગુ હોય ત્યારે રાષ્ટ્રને નામ સંદેશ આપવાના બહાને એક કલાક સુધી અમુક જ પ્રકારની ચર્ચા ચાલે તેવી ચાલાકી કરવામાં આવી તે કેટલા અંશે યોગ્ય? રાષ્ટ્રજોગ સંદેશની એક મર્યાદા છે. રાષ્ટ્રની હિતની બાબતમાં કશીક અનિવાર્ય એવી જાહેરાત કરવાની હોય ત્યારે જ રાષ્ટ્રજોગ સંદેશ હોય. કોઈ વૈજ્ઞાનિક સિદ્ધિ હાંસલ કરવામાં આવે તેની રાષ્ટ્રીય ઉજવણી હોઈ શકે, પણ રાષ્ટ્રજોગ સંદેશ ના હોય. એ પણ આચારસંહિતા લાગુ પડી ગઇ હોય અને મતદાનને આડે ત્રણેક અઠવાડિયા જ બાકી હોય ત્યારે આ નિયમોનું ઉલ્લંઘન એવી રીતે કરવાની ચાલાકી છે કે આચારસંહિતા લાગુ ના પડે.
ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ, પણ ચૂંટણીપંચે ક્લિનચીટ પણ આપી દીધી. રાબેતા મુજબ. આચારસંહિતા ભંગની ફરિયાદોમાં મોટા ભાગે આવું જ પરિણામ આવે છે. હકીકતમાં આચારસંહિતા વિશે વાંચવાની કોશિશ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આચારસંહિતાને કોઈ બંધારણીય આધાર નથી. 1962માં કેરળમાં ચૂંટણી વખતે આચારસંહિતા તૈયાર કરાઈ હતી. તેના માટેનો કોઈ કાયદો નથી. ઉપલબ્ધ કાયદા અને ચૂંટણીને લગતા કાયદાની કલમોને આધારે જરૂર પ્રમાણે કાનૂની કાર્યવાહી થાય છે. એ વાત જુદી છે કે ટી. એન. શેષન જેવો માથાફરેલો અમલદાર આવે ત્યારે આ જ આચારસંહિતા બહુ અસરકારક બની જતી હોય છે. જોકે શેષન બે ચાર દાયકામા એકવાર આવે છે.
અત્યારે ફરી એકવાર આચારસંહિતાના મુદ્દે ચર્ચા કરવાનો સમય છે. જમાનો બદલાયો છે અને તેના કારણે સોશ્યલ મીડિયા વિશે પણ કેટલોક વિચાર કરાયો છે. સોશ્યલ મીડિયા પર નજર રખાશે એમ ચૂંટણી પંચ કહ્યું છે, પણ તેમાં ભાગ્યે જ કશું નિપજશે. દાખલા તરીકે હાલમાં ખ્યાલ આવ્યો કે ફેસબૂકને એક પક્ષે કરોડો રૂપિયા આપ્યા હતા. યુઝર્સને જાતભાતની ગિફ્ટ ઓફર થઈ રહી હતી. ચૂંટણી પંચનું ધ્યાન દોરવામાં આવ્યું તે પછી તે બંધ થઈ ગઈ, પણ ત્યાં સુધીમાં લાખો સુધી સંદેશ પહોંચાડવાનો હતો તે પહોંચી ગયો.
24 કલાકની ચેનલો ચાલે છે તેના કારણે પણ પ્રચારની બાબતમાં કેટલાક નિયંત્રણો અર્થહિન થઈ ગયા છે. એક જગ્યાએ મતદાન ચાલતું હોય ત્યારે અન્યત્ર સ્ટાર પ્રચારકની સભા યોજાઈ હોય. તેનું જીવંત પ્રસારણ થતું હોય છે. જોકે તેને અટકાવવું પણ યોગ્ય નથી. ચૂંટણીમાં પ્રચાર અટકાવવાનું એક હદથી વધારે યોગ્ય નથી, જરૂરી પણ નથી. ફક્ત એટલું ધ્યાનમાં લેવાનું જરૂરી છે કે સત્તાધીશો હોય તે સરકારી તંત્રનો દુરુપયોગ ના કરી જાય.
કશીક જાહેરાત કરવાની છે એમ કહીને કલાકો સુધીનું ફૂટેજ ખાઇ જવામાં આવ્યું તેને શું કહીશું? કદાચ લોકોએ શું યાર… એમ કહીને પ્રતિસાદ આપ્યો અને મોટી મજાક થઈ તે રીતે આખી વાતને લીધી અને થોડું મનોરંજન પણ લીધું, કદાચ તેટલો પ્રતિસાદ પૂરતો છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]