મિઝોરમની ચૂંટણીમાં રાજકીય કોમેડી: ભાજપ કોંગ્રેસ સાથસાથ…

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેમાં મિઝોરમનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. બહુ નાનું રાજ્ય છે. ફક્ત 11 લાખની વસતિ છે અને લોકસભામાં એક બેઠક. જોકે વિધાનસભામાં નાની નાની 40 બેઠકો બનાવાઈ છે. તે કોઈ જિલ્લા પંચાયતની બેઠક હોય તેવી રીતે લડાતી હોય છે. બહુમતી વસતી 87 ટકા ખ્રિસ્તી છે, હિન્દુ અને બૌદ્ધ 11 ટકા. 95 ટકા આદિવાસીઓ છે અને તેમાં કુકી આદિવાસીઓની બહુમતી છે. ચકમા આદિવાસીઓ બૌદ્ધ છે અને તેમની વસતી દસેક ટકા છે.ખ્રિસ્તીઓ સાથે ન ફાવતું હોવાથી ચકમા બૌદ્ધ માટે અલગ સ્વાયત્ત જિલ્લો બનાવાયેલો છે. આ સ્વાયત્ત જિલ્લામાં જ કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને સત્તામાં છે. બહુ નવાઈ લાગે તેવી વાત નથી, કેમ કે ગુજરાત જેવા રાજ્યોમાં પણ અમુક જિલ્લા પંચાયતમાં અને ઘણી તાલુકા પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક થઈ જાય અને સંપીને શાસનમાં બેસી જાય તેવું બનતું હોય છે.

મિઝોરમમાં થોડી નવાઈ વાત એટલા માટે લાગે છે કે હાલમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આવું જોડાણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસ છેલ્લા દસ વર્ષથી સત્તામાં છે અને તેમની સામે સ્પર્ધામાં છે મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ). મિઝોરમની રચના 1972માં થઈ હતી અને 1987થી રાજ્યનો દરજ્જો અપાયો હતો. પ્રારંભના એક દાયકામાં મિઝો પિપલ્સ કોન્ફરન્સને સત્તા મળી હતી, હવે તે નાના પ્રાદેશિક પક્ષ તરીકે માંડમાંડ ટકી રહ્યો છે. 1984થી કોંગ્રેસ અને એમએનએફ વચ્ચે જ સ્પર્ધા રહી છે. એમએનએફ મૂળ તો અલગ મિઝોરમની રચના માટે લડનારું સંગઠન હતું, પણ બાદમાં કેન્દ્ર સાથે સમાધાન કરીને રાજકીય પક્ષ બન્યો હતો. કોંગ્રેસના લાલથનહાવલા અને એમએનએફના ઝોરામથાંગા વારાફરતી મુખ્ય પ્રધાન બનતા આવ્યા છે.આ બંને પક્ષો વચ્ચે હવે આ વખતે ભાજપની હાજરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈશાન ભારતમાં કોંગ્રેસ પાસે પાંચ રાજ્યો હતા, તેમાંથી એક મિઝોરમ વધ્યું છે અને તે પણ હાથમાંથી જાય તેવી શક્યતા છે. કેમ કે ભાજપ અને એમએનએફ વચ્ચે ખાનગીમાં સમજૂતિ થયેલી છે. જાહેરમાં બંને એકબીજાની વિરુદ્ધ છે. પરંતુ સૌ જાણે છે કે ઇશાનભારતમાં બનાયેલા એનડીએમાં એમએનએફ સભ્ય છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં એમએનએફે જુદો ચોકો માંડવો જરૂરી છે. ભાજપને ખ્રિસ્તી વિરોધી પાર્ટી માનવામાં આવે છે, તેથી એમએનએફ કોઈ જોખમ લેવા માગતો નથી. પરંતુ ભાજપ સાથેની તેની દોસ્તી ખાનગી રહી નથી. તેથી એમએનએફ હવે ઉલટાનો એવો આરોપ મૂકી રહ્યો છે કે મિઝોરમમાં કોંગ્રેસ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે.

કોમેડી આના કારણે થઈ છે. ભાજપ સાથે ખાનગીમાં કુલડીમાં ગોળ ભાંગી રહેલી એમએમએફ એવું સાબિત કરવા માગે છે કે મિઝોરમમાં હકીકતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ છે. ચકમા સ્વાયત્ત કાઉન્સિલમાં બંને ભાગીદાર બન્યા છે અને પોતાને સત્તાથી દૂર રાખ્યો છે એવો બળાપો એમએનએફ કાઢી રહ્યો છે. આ વાત સાબિત કરવા માટે ચકમા જિલ્લાના કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક સાથે મંચ પર હોય તેવી તસવીરો વાઇરલ કરવામાં આવે છે. બીજી બાજુ કોંગ્રેસ પણ એનડીએની સભાઓમાં, અમિત શાહ સાથેની સભાઓમાં એમએનએફના નેતાઓની તસવીરોને ફેલાવી રહ્યું છે. અમિત શાહે જાહેરાત કરી છે કે આ વખતે ડિસેમ્બરમાં મિઝોરમમાં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. ગુજરાતના ડાંગના ખ્રિસ્તી આદિવાસીઓ વિચારતા હશે કે હવે ભાજપ ડાંગમાં ક્યારે નાતાલની ઉજવણી ધામધૂમથી કરે છે.આસામ, ત્રિપુરા, મણિપુર અને અરૂણાચલ પ્રદેશ જીતી લીધા પછી મિઝોરમમાં પણ એમએનએફ સાથે સત્તામાં ભાગીદારીની ભાજપની ગણતરી છે. તે સાથે જ ઇશાન ભારતના સાતેસાત રાજ્યોમાં ભાજપ સત્તામાં આવી ગયો હશે. ચાર રાજ્યોમાં સીધી સત્તા ઉપરાંત મેઘાલય અને નાગાલેન્ડમાં સ્થાનિક પક્ષોની સરકારોમાં ભાજપની ભાગીદારી છે. મેઘાલયમાં કોંગ્રેસ પાસે વધારે બેઠકો હોવા છતાં ગોવાની જેમ તેને સરકાર બનાવા દેવાઈ નહોતી. મેઘાલય, નાગાલેન્ડની જેમ મિઝોરમ પણ ખ્રિસ્તી બહુમતીવાળું રાજ્ય છે. નાનું રાજ્ય છે, પણ ખ્રિસ્તી રાજ્યોમાં પણ પોતાની સત્તા છે તે ભાજપ સાબિત કરવા માગે છે.

બીજી બાજુ કોંગ્રેસ પાસે આ સાવ નાનકડું એક જ રાજ્ય વધ્યું છે. ગત વખતની ચૂંટણીમાં 40માંથી 34 બેઠકો કોંગ્રેસને મળી ગઈ હતી. તેથી આ વખતે પણ પાતળી સરસાઇ સાથે સત્તામાં પરત ફરવાની ગણતરી તેની હશે, પણ ઇશાન ભારતમાં જે રીતે પદ્ધતિસર કોંગ્રેસને ખતમ કરવા માટે ભાજપે પ્યાદા મૂક્યા છે તે સફળ રહ્યા છે. કોંગ્રેસના મજબૂત નેતાઓ એક પછી એક ભાજપમાં જોડાવા લાગ્યા છે. મિઝોરમ વિધાનસભાના સ્પીકર હિફાઇને હેમંત બિશ્વા સરમા ભાજપમાં લઈ આવ્યા છે. તેમણે કોંગ્રેસમાંથી અને સ્પીકરપદેથી રાજીનામું આપીને ભાજપનું શરણું લીધું છે. તેમના સહિત સપ્ટેમ્બરથી ઓક્ટોબર બે જ મહિનામાં પાંચ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે. કોંગ્રેસની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા બુદ્ધધન ચકમા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ગૃહપ્રધાન લાલઝિરલિયાના અને અન્ય એક પ્રધાન લાલરિનલિયાના સૈલો બંને કોંગ્રેસ છોડીને એમએનએફમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસ માટે પોતાનું ઘર સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. ચકમા જિલ્લામાં ભાજપનો સાથે તેણે છોડવો પડ્યો છે. સાત કોંગ્રેસી સભ્યોએ જાહેરાત કરી છે તેમણે ભાજપની આગેવાની હેઠળની પરિષદને ટેકો પાછો ખેંચી લીધો છે. ચકમા સ્વાયત્ત જિલ્લામાં 20 બેઠકોમાંથી એમએનએફને 8 મળી હતી, જ્યારે કોંગ્રેસને સાત અને ભાજપને પાંચ મળી હતી. કર્ણાટકમાં જે થયું હતું તેનું મિનિ સ્વરૂપ અહીં જોવા મળ્યું હતું. કોંગ્રેસે એમએનએફને સત્તા ના મળે તે માટે ભાજપના સભ્યોને પરિષદ બનાવવા કહ્યું હતું. ભાજપના પાંચ સભ્યોને કોંગ્રેસના સાત સભ્યોનો ટેકો હતો. જોકે હવે ચૂંટણીમાં તે મુદ્દો નડે તેમ છે એટલે ટેકો પાછો ખેંચી લીધાની જાહેરાત થઈ છે.પરંતુ આ બધા પ્રયાસો કોંગ્રેસ માટે મોડા સાબિત થયા છે. કોંગ્રેસે આ રીતે ભાજપને ટેકો આપેલો તેના કારણે સ્થાનિક કોંગ્રેસી કાર્યકરો નારાજ પણ થયેલા. ત્રણ સભ્યો પહેલેથી જ કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપી ચૂક્યા હતા. તેના બે પ્રધાનો, બે ધારાસભ્ય અને એક સ્પીકર પણ છોડીને જતા રહ્યા છે. ઇશાન ભારતમાં કોંગ્રેસની હવે સિમ્બોલિક હાજરી પણ જતી રહે તેવી શક્યતા એ વિસ્તારના જાણકારો હવે વ્યક્ત કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]