મોદીને મળેલી ગિફ્ટ્સની હરાજીની રકમનો સદુપયોગ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 2014ની સાલથી મળેલી આશરે 1,800 જેટલી ભેટસોગાદ કે સ્મૃતિચિન્હોનું રવિવારે નવી દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ખાતે લિલામ કરવામાં આવ્યું હતું.

જે રકમ ઉપજી છે એનો ઉપયોગ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (નમામી ગંગે) યોજના માટે કરવામાં આવશે.

પીએમ મોદીને મળેલી ભેટસોગાદો અને હરાજી માટે મૂકવામાં આવેલી ચીજવસ્તુઓમાં તલવાર, સંગીતના સાધનો, પાઘડી, શાલ, પરંપરાગત જેકેટ્સ, તીર તથા ઐતિહાસિક તેમજ રાજકીય મહાનુભાવોની તસવીરોનો સમાવેશ થાય છે.

દરેક ચીજની બેઝ પ્રાઈસ વડા પ્રધાનના કાર્યાલય તેમજ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવી હતી. રવિવારે એનું જીવંત ઓક્શન કરવામાં આવ્યું હતું. સેંકડો ચીજવસ્તુઓને રજૂ કરવામાં આવી હતી.

આ હરાજી પહેલાં 2018ના ઓક્ટોબરમાં યોજવાનું નક્કી કરાયું હતું, પણ વેચાણ મુલતવી રાખવામાં આવ્યું હતું.

1,800 ચીજવસ્તુઓમાંથી 100થી વધુ તો ચીજો તો લિલામ શરૂ થયાના માત્ર પહેલા અડધા કલાકમાં જ વેચાઈ ગઈ હતી. વડા પ્રધાન મોદીના ચિત્રોવાળી ચીજવસ્તુઓ ખરીદવામાં લોકોએ વધારે રસ લીધો હતો.

સૌથી ઊંચી કિંમતે વેચાયેલા સ્મૃતિચિન્હોમાં એક હતું થાંગા વોલ હેન્ગિંગ, જે રૂ. 12,500માં વેચાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલનાં સ્મારક ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને ટિબ્યૂટ આપતી એક લઘુ પ્રતિમા રૂ. 11,000માં વેચાઈ હતી. મહાત્મા ગાંંધી, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીનાં ચિત્રો દર્શાવતું એક પેઈન્ટિંગ રૂ. 9000માં વેચાયું હતું.

આ ખરીદીઓમાં કોઈ જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) લગાડવામાં આવ્યો નહોતો.

ગૌતમ બુદ્ધની એક પ્રતિમા પણ રૂ. 10 હજારની સૌથી ઊંચી કિંમતે વેચાઈ હતી, તો ચાંદીના ઢોળવાળો સાત-ઘોડાના રથની શિલ્પકૃતિ રૂ. 5,500માં વેચાઈ હતી.

નરેન્દ્ર મોદીને જુદા જુદા 9 અવતારમાં દર્શાવતું અને ‘નવરસ નાયક’ શિર્ષકવાળું એક ચિત્ર પણ રૂ. 5,500માં વેચાયું હતું.

આ લાઈવ ઓક્શન આજે પણ ચાલુ રહ્યું હતું.

વધારે મોંઘી ચીજવસ્તુઓનું ઈ-ઓક્શન મંગળવારથી શરૂ કરાશે અને ગુરુવાર સુધી ચાલશે. એ માટે આ વેબસાઈટ પર લોગઈન કરવું. https://www.pmmementos.gov.in

રેલવે સ્ટેશન પર ચાલતા મોદીનું ચિત્ર પાંચ લાખ રૂપિયામાં વેચાયું

દરમિયાન, આજે હરાજીના બીજા દિવસે, એક રેલવે સ્ટેશન પર હાથમાં બેગ પકડેલા નરેન્દ્ર મોદીનું એક ચિત્ર લિલામમાં રૂ. પાંચ લાખની કિંમતમાં વેચાયું હતું. આ ચિત્રની રિઝર્વ પ્રાઈસ રૂ. 50 હજાર રાખવામાં આવી હતી.

એવી જ રીતે, એક લાકડાની સાઈકલની સુંદર કૃતિ પણ પાંચ લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ સાઈકલની બેઝ પ્રાઈસ રૂ. 40 હજાર રાખવામાં આવી હતી.

આજે હરાજીના બીજા દિવસે 1900 ચીજવસ્તુઓમાંથી 270 ચીજવસ્તુઓ વેચાઈ ગઈ હતી.

ઈ-ઓક્શન ગુરુવારે પૂરું થયા બાદ કેટલી રકમ આવક તરીકે ઉપજી છે એનો હિસાબ કરવામાં આવશે અને ત્યારબાદ એ રકમ નમામિ ગંગે યોજના માટે ઉપયોગમાં આપી દેવામાં આવશે. ગંગા નદીને સ્વચ્છ બનાવવા માટે કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી છે.