કશ્મીરની સમસ્યાને સામાજિક ગણાવનાર પ્રધાનને કેમ હાંકી કઢાયા?

મ્મુ અને કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે હાથ મીલાવ્યા ત્યારે સૌ ચોંકી ગયા હતા. આ કયા પ્રકારની રાજકીય ગણતરી છે તે સમજવું નિષ્ણાતો માટે પણ મુશ્કેલ હતું. પાકિસ્તાનતરફી, વિભાજનવાદીતરફી તત્ત્વો તરફ કૂણું વલણ રાખતા મુફ્તિ બાપ-બેટી માટે ભાજપને કેમ પ્રેમ ઉભરાયો તે સમજવું થોડું મુશ્કેલ છે. પણ તેની પાછળ વિચારીને અમલમાં મૂકાયેલી સ્ટ્રેટેજી હતી. આ સ્ટ્રેટેજી લાંબા સમયથી ચાલી આવતી હતી અને હજી આગળના લાંબા ગાળે તેનો અસલી લાભ લેવાનો છે.ભાજપ અને સંઘની ગણતરી સત્તાસ્થાને પ્રવેશ મેળવવાનો છે. ગમે તેનો હાથ પકડીને સત્તાની ગલીમાં એકવાર જવાનું છે, કેમ કે આડીઅવળી આ ગલીમાં છે શું તે બહાર રહીને સમજ ના પડે. ગલીકૂંચીમાં અંદર ઘૂસવું પડે. નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ વિચારસરણીની રીતે જ જરાય મેળ ના ખાય તેવા લોકોના સહારે સરકારમાં ભાજપે ભાગીદારી કરી લીધી છે. આ નીતિનો અમલ ગુજરાતમાં પણ વર્ષો પહેલાં થયો હતો. ચીમનભાઇ પટેલના સહારે ભાજપે સત્તાનો પહેલો ટુકડો ચાખ્યો હતો.

બીજી સ્ટ્રેટેજી તરત સ્પષ્ટ નહોતી થઈ. તે હવે થઈ રહી છે. વિરોધી વિચારસરણી સાથે ગઠબંધન કરીને ભાજપને કોઈ નુકસાન થવાનું નથી, અથવા થવા દેવાનું નથી તે પ્રથમથી નક્કી હતું. નુકસાન સામેવાળાને થવાનું હતું, કેમ કે સામાવાળા સજાગ નહોતા. સત્તા મળે એટલા ખાતર જ મહેબુબા મુફ્તિ ભાજપનો સાથ લેવા તૈયાર થઈ ગયા. સરવાળે આજે પહેલાં કરતાં મહેબુબા મુફ્તિ વધારે નબળાં પડી ગયા છે. ભાજપ સાથ આપીને તેમને અંદરથી જ નબળા કરી દે છે તે સ્ટ્રેટેજી સમજાય ત્યાં સુધીમાં સાથી નબળો પડી ગયો છે.

શિવસેના સાથે વિચારસરણીનો પણ મેળ હતો, પણ તેને ધીમે ધીમે નબળી પાડી દેવાઈ છે. તે જ રીતે મહેબૂબાને ભાન થવા લાગ્યું છે કે નુકસાન પોતાને વધારે થયું છે. સરકારમાં સામેલ થવાના કારણે જમ્મુ વિસ્તારમાં ભાજપ ઉલટાનું મજબૂત બન્યું છે, કેમ કે સત્તામાં થોડી ઘણી અને આડકતરી સામેલગીરી પણ ટેકેદારોને રાહતરૂપ થઈ શકે છે. કાશ્મીર ખીણમાં એવો કોઈ લાભ પીડીપીના ટેકેદારોને મળવાનો નહોતો.

આ લાંબી પ્રસ્તાવના એટલા માટે કે આ સ્થિતિના કારણે મહેબૂબાએ પક્ષના એક મહત્ત્વના પ્રધાનની હાલમાં જ હકાલપટ્ટી કરી છે. હસીબ ડ્રબૂ મહેબૂબા સરકારમાં નાણાંપ્રધાન હતાં, બીજી હરોળના મહત્ત્વના નેતા હતાં અને સૌથી અગત્યની વાત; ભાજપ સાથે ગઠબંધન થયું તે ‘જોડાણ દરખાસ્ત’ના સૌથી અગત્યના શિલ્પી હતા. રાતોરાત એક નિવેદનનું બહાનુ કાઢીને તેમને 12મી માર્ચે પક્ષમાંથી રવાના કરાયા છે.બેન્કર રહી ચૂકેલા અને જમ્મુ-કાશ્મીરમાં નાણાંપ્રધાન તરીકે જીએસટીનો સફળતાપૂર્વક અમલ કરાવનાર હસીબ ડ્રબૂએ 9 માર્ચે નવી દિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યક્રમમાં કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીરને તનાવગ્રસ્ત કે રાજકીય સમસ્યાના રાજ્ય તરીકે જોવું જોઈએ નહીં, પણ એક સામાજિક સમસ્યાઓ સાથેના સમાજ તરીકે જોવું જોઈએ.’

કાશ્મીરમાં માત્ર સામાજિક મુદ્દો છે એવી વાત કરીને તેમણે મધપૂડો છેડ્યો. પક્ષે તેમને ખુલાસો કરવા લેખિતમાં જણાવ્યું, પણ ખુલાસો મળે તેની રાહ પણ જોવામાં આવી નહોતી. મુફ્તિના સલાહકાર મનાતા અમિતાભ મટ્ટૂએ આમાં ભૂમિકા ભજવી હોય તેમ મનાય છે, કેમ કે પ્રધાનને દૂર કરાયાનો પત્ર રાજભવન પહોંચે તે પહેલાં મટ્ટૂ ગવર્નરને મળવા પહોંચ્યા હતા.

આ મુલાકાત એટલા માટે મહત્ત્વની માનવામાં આવે છે કે હસીબને હટાવતાં પહેલાં નવી દિલ્હીને પણ વિશ્વાસમાં લેવાની કોશિશ થઈ હતી. ગવર્નર વોરા દિલ્હીના સત્તાધીશોની નજીક મનાય છે. બીજું મટ્ટૂ તેમને મળી રહ્યાં હતાં ત્યારે મહેબૂબા મુફ્તિ પોતે પણ દિલ્હી પહોંચ્યા હતાં અને ગૃહપ્રધાન રાજનાથસિંહ સહિતના ભાજપના સિનિયર નેતાઓને મળ્યાં હતાં. તેનો અર્થ એ થયો કે ભાજપ સાથે ગઠબંધનમાં અગત્યની ભૂમિકા ભજવનાર નેતાને હટાવતા પહેલાં ભાજપના નેતાઓને પણ વિશ્વાસમાં લેવાયાં હતાં. બીજું મહેબૂબા માટે આ નેતા જોખમ પણ ઊભું કરી રહ્યાં હતાં. મુફ્તિ ભાગલાવાદીઓ માટે કૂણી લાગણી ધરાવે છે, પણ તેના કરતાંય હસીબ વધારે ખુલીને આ મુદ્દા પર બોલતા હતાં. તેઓ હંમેશાં એવું વલણ લેતાં આવ્યાં છે કે ભાગલાવાદીઓ સાથે વાતચીત કરવી જરૂરી છે. જોકે ચાર વર્ષથી ચાલતી સરકાર ભાગલાવાદીઓ સાથે વાતચીત કરવી કે કેમ તે નક્કી કરી શકી નથી.
પોતાના જ ટેકેદાર વર્ગમાં હસીબ ભાગ પડાવી રહ્યાં છે અને કુશળ વહીવટ દ્વારા પણ સારી છાપ ઊપસાવનાર હસીબ આમ પણ જોખમી બન્યાં હતાં. તેથી તેમને દૂર કરવા માટે મોકો જોવાનો જ હતો. જોકે ભાજપને તો બંને હાથમાં લડ્ડુ છે. હસીબ પીડીપીમાં રહીને પણ મહેબૂબાને નબળા પાડી રહ્યાં હતાં. બહાર નીકળીને પણ તે પીડીપીના વફાદાર જૂથમાં ગાબડું પાડી શકે છે.

જોકે ભાજપ પણ હસીબને ટેકો આપી શકે તેમ નહોતો. ભલે ગઠબંધનમાં તેમની ભૂમિકા અગત્યની હોય, પણ તેઓ વધુ સ્પષ્ટપણે ભાગલાવાદીઓને સંબંધિત પક્ષ ગણીને તેમની સાથે વાતચીતની વાત કરતાં હતાં. ભાજપનું વલણ એ છે કે ભાગલાવાદીઓ ભાંગફોડ કરતાં રહે અને ભારતવિરોધી રહે ત્યાં સુધી તેની સાથે વાટાઘાટો થઈ શકે નહીં. પીડીપીમાંથી બહાર નીકળ્યા પછી ગઠબંધનની શરતોનો બોજ તેમના પર રહેશે નહીં. તેથી હસીબ ડ્રબૂ વધારે ઉગ્રતા સાથે ભાગલાવાદી તત્ત્વોની તરફેણ કરશે. કાશ્મીર ખીણમાં ભાજપને તે સ્થિતિ માફક આવી શકે છે, કેમ કે ભાગલાવાદી તત્ત્વો પીડીપી, હસીબ અને હુર્રિયત વચ્ચે વહેંચાઈ જાય તો કોઈ એક પક્ષને કાશ્મીર ખીણમાંથી વધારે બેઠકો મળે નહીં. પીડીપીની બેઠકો ઓછી થાય અને જમ્મુમાં ભાજપ બેઠક વધારી શકે તો ભવિષ્યમાં ફરી ગઠબંધનની સરકાર બને, પણ આ વખતે સરકાર ભાજપની હોય અને ટેકો અન્ય પક્ષોનો હોય તેવી કલ્પના તદ્દન અસ્થાને નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]