‘જનરલ કન્સેન્ટ’ના પાંજરે સીબીઆઈનો પોપટ!

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની સરકારે સીબીઆઈ માટે રાજ્યના દરવાજા બંધ કરી દીધા છે. સીબીઆઈના અધિકારીઓ આંધ્ર પ્રદેશની હદમાં કામગીરી કરી શકે તે માટે આપવામાં આવેલી ‘જનરલ કન્સેન્ટ’ (સર્વસામાન્ય પરવાનગી) પાછી ખેંચી લીધી છે. કોઈ પણ કેસ સંદર્ભે આંધ્ર પ્રદેશનું પોલીસનું કાર્યક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે સીબીઆઈએ સ્થાનિક પોલીસની અથવા આડકતરી રીતે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે. જનરલ કન્સેન્ટનો અર્થ એ હતો કે વારેવારે કે દરેક કેસ પ્રમાણે મંજૂરી લેવાની જરૂર નહોતી. રાજ્યમાં કામગીરી કરવા માટેની સાર્વત્રિક મંજૂરી આપી દેવાયેલી હતી.
બધા જ રાજ્યોએ આ રીતે સીબીઆઈ માટે સાર્વત્રિક મંજૂરી આપી દીધેલી છે. તેના આધારે જ સીબીઆઈ કામગીરી કરતી આવી છે. નાયડુની જાહેરાત પછી મમતા બેનરજીનું પણ ધ્યાન પડ્યું કે આ કરવા જેવું છે. સીબીઆઈનો ઉપયોગ કરીને ભાજપની સરકાર વિરોધીઓને દબાવી રહી છે ત્યારે તેને અટકાવવા માટેનો આ કામચલાઉ ઉપાય છે. તેથી મમતા બેનરજીએ પણ જાહેરાત કરી છે કે તેમની સરકાર પણ સીબીઆઈને આપેલી જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લેશે. થોડા વખત પહેલાં આંધ્ર પ્રદેશમાં નાયડુની નજીક મનાતા વેપારીઓ પર ઇન્કમ ટેક્સના દરોડો પડ્યા હતા. તેથી નાયડુએ કહ્યું છે કે હવે ઇન્કમ ટેક્સ વિભાગ દરોડા પાડવા જશે, ત્યારે આંધ્ર પોલીસ મદદ નહીં કરે.
એક કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે ટીપ્પણી કરી હતી કે સીબીઆઈ પાંજરે પુરાયેલો પોપટ છે. સીબીઆઈનો ઉપયોગ કેન્દ્રમાં બેઠેલી સરકાર કરતી આવી છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે પણ તેનો ભરપુર ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને સીબીઆઈ એક આંટો દઈ ગઈ ત્યારથી વાઘેલા ભાજપનું કહ્યું કરે છે. કોંગ્રેસને થાય તેટલું નુકસાન વાઘેલા કરે છે અને લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ એનસીપીનો પાલવ પકડીને કોંગ્રેસને નુકસાન કરશે.
સીબીઆઈને પોતાના રાજ્યમાં આ રીતે કામ કરતી અટકાવી શકાય ખરી? સીબીઆઈ જે કાયદા હેઠળ કામ કરે છે તેના અર્થઘટનના આધારે જવાબ મળી શકે. કેન્દ્ર સરકાર એવું કહી શકે કે રાજ્યોની પરવાનગી પ્રોટોકોલ પાળવા ખાતર લેવાની રહે છે. સંઘીય વ્યવસ્થા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કામ, પોલીસનું કામ રાજ્ય સરકારના હસ્તક છે. પરંતુ એકથી વધુ રાજ્યને સ્પર્શતા કે ભ્રષ્ટાચાર જેવા હદને ના સ્પર્શતા કિસ્સામાં તપાસ કરવા માટે કોઈ એક રાજ્યની પોલીસના બદલે કેન્દ્ર કક્ષાની પોલીસની જરૂર પડે. તેથી તે કામ સીબીઆઈ કરે અને તે માટે રાજ્ય સરકાર મંજૂરી આપી દે. કેન્દ્રમાં જુદા પક્ષની સરકાર હોય અને સીબીઆઈના નામે ડરાવતી હોય ત્યારે રાજ્યમાં રહેલી જુદા પક્ષની સરકાર કહી શકે કે આ અમારું રાજ્ય છે, પોલીસનું કામ અમારું છે, અમારી મંજૂરી વિના સીબીઆઈએ કામગીરી કરવી નહીં. બંને સરકારોથી વિપરિત હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સીબીઆઈને કામગીરી માટે આદેશ આપી શકે છે તેવું સિદ્ધ થયેલું છે.
સરવાળે મામલો ગૂંચમાં પડે એવો છે. ભૂતકાળમાં તેની ચર્ચાઓ થયેલી છે અને કાનૂની બાબતોની સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ પણ વારંવાર ભલામણ કરી છે કે સીબીઆઈ માટે અલગથી કાયદો કરવાની જરૂર છે. છેલ્લે સીવીસી એક્ટ 2003 પાસ થયો તેમાં સીબીઆઈની કામગીરીની દેખરેખ માટેની જવાબદારી સીવીસીને સોંપવામાં આવેલી છે. પણ દેખરેખ એટલે શું તે વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. સીવીસી આદેશ કરી શકતી નથી.
સીબીઆઈ સામે રાજ્યોને કે રાજ્ય સરકારોને વાંધો પડ્યો હોય તેવો આ પહેલો કિસ્સો નથી. હકીકતમાં સીબીઆઈ સંસ્થા જ ગેરકાયદે અને ગેરબંધારણીય છે તેવો ચૂકાદો પણ આવેલો છે. આસામ હાઇ કોર્ટે 6 નવેમ્બર 2013ના રોજ ચુકાદો આપ્યો હતો કે સીબીઆઈ ગેરબંધારણીય છે, કેમ કે તેને બંધારણની કોઈ કલમનો આધાર નથી. આસામ હાઇ કોર્ટના ચુકાદા પછી તરત જ કેન્દ્ર સરકારે સુપ્રીમમાં તેની સામે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે એક મહિના પછી તે ચુકાદાનો અમલ અટકાવ્યો હતો, પણ કેસ હજી પેન્ડિંગ છે. તે કેસમાં આગળ શું થાય છે તે રસપ્રદ નીવડશે. આસામ હાઇ કોર્ટના ચુકાદા વખતે જ ચર્ચા જાગી હતી કે સીબીઆઈ બ્રિટિશ જમાનાના કાયદા પ્રમાણે કામ કરે છે તેની જગ્યાએ નવો કાયદો લાવવો જરૂરી છે. અન્ય સંસ્થાઓની જેમ સીબીઆઈને પણ સંપૂર્ણ બંધારણીય દરજ્જો આપે તેવો કાયદો કરવાની જરૂર છે એવું ધારાશાસ્ત્રીઓ માની રહ્યા છે.
સીબીઆઈ હાલમાં જે કાયદા હેઠળ કામગીરી બજાવે છે તે છે સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946. 1941માં તેની શરૂઆત થઈ હતી. બીજા વિશ્વ યુદ્ધ વખતે પુરવઠાની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. તેની તપાસ કરવા માટે 1941માં વિશેષ એજન્સી બનાવવામાં આવી હતી. તે વખતે વટહુકમથી એજન્સી બનાવી લેવાઈ હતી અને બાદમાં 1946માં તે માટેનો કાયદો બનાવ્યો. આ કાયદો બહુ નાનો છે અને તેમાં મર્યાદિત કલમો જ છે. પ્રાંતોની પોતાની પોલીસ હતી જ, તેથી તે સિવાયની વિશેષ પોલીસ કામગીરી માટે આ કાયદો હતો. તેમાં એક નાનકડી છઠ્ઠી કલમ છે, જેમાં એવું જણાવ્યું હતું કે રાજ્યોની મંજૂરી લેવી.
બીજી મહત્ત્વની વાત એ છે કે ભારતમાં બધી જ પોલીસ જે કામ કરે છે તેનો આધાર પણ બ્રિટિશરોનો પોલીસ એક્ટ છે. 1861માં બનેલા પોલીસ એક્ટ પ્રમાણે આજેય ભારતીય પોલીસ કામ કરતી આવી છે. અંગ્રેજોએ સ્પેશિયલ દિલ્હી પોલીસ બનાવી હતી, પણ તેમાંથી સીબીઆઈની રચના એપ્રિલ 1963માં થઈ હતી. મૂળ એજન્સીનું કામ યુદ્ધ વખતે થયેલી ખરીદીમાં ભ્રષ્ટાચારનું હતું. સીબીઆઈને સોંપાતા કેસોમાં સૌથી અગત્યના કેસો ભ્રષ્ટાચારના જ હોય છે. કોઈ પણ મોટું કૌભાંડ થાય ત્યારે સીબીઆઈને કેસ સોંપી દેવામાં આવે છે.
બહુ ચર્ચાસ્પદ બનતા ક્રાઇમ કેસ પણ સીબીઆઈને આપવામાં આવે છે. પણ તેનું મહત્ત્વ ભ્રષ્ટાચારના કેસોમાં થતી તપાસમાં જ હોય છે.અને તેના કારણે કોઈ સરકાર સીબીઆઈને મુક્ત કરવા માગતી નથી. તેને પાંજરાનો પોપટ જ બનાવી રાખવા માગે છે. વર્ષો સુધી કોંગ્રેસે સીબીઆઈનો મનફાવે તેવો ઉપયોગ કર્યો. ક્વાત્રોચીના બેન્ક ખાતાઓમાં સીલ લાગેલા હતા તે છોડાવી દેવાથી માંડીને હરિફોને સીબીઆઈના કેસમાં ફસાવી દેવાના કિસ્સા બનતા આવ્યા છે. પરંતુ આધાતજનક વાત એ છે કે ભાજપની સરકાર કેન્દ્રમાં આવી તે પછી સીબીઆઈનો એ જ ભરપુર દુરુપયોગ થતો રહ્યો છે. પોલીસની કામગીરી પણ પોતાના કબજામાં રહે તેવું દરેક સરકાર ઈચ્છે છે. તેથી પોલીસ એક્ટ પણ અંગ્રેજોનો જમાનાનો ચાલે છે. અંગ્રેજોની પોલીસનો ઇરાદો કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા કરતાંય પ્રજાને દબાવી રાખવા માટે હતો. આજની સરકારો પણ પોલીસનો એ જ ઉપયોગ કરવા માગે છે. વિરોધીઓને પોલીસની બીક બતાવીને દબાવી દેવાના.
તેના કારણે સીબીઆઈના કાયદામાં ફેરફાર કરવા અથવા તો તદ્દન નવો કાયદો બનાવીને તેને અદ્દલ બંધારણીય સંસ્થા બનાવવામાં કોઈ સરકારને રસ નથી. જોકે આ વખતે સરકારે સીબીઆઈમાં એટલી બધી દખલ કરી છે કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુરત જેવા તગડી કમાણીવાળા શહેરમાં લાંબો સમય પોલીસ કમિશનર તરીકે રહેલા રાકેશ અસ્થાના જેવા ભ્રષ્ટ અધિકારીને પરાણે સીબીઆઈમાં ઘૂસાડવામાં આવ્યા છે. અબજપતિ ઉદ્યોગપતિને છાજે એવી રીતે અસ્થાનાએ પોતાની દીકરીના લગ્ન વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં કર્યા હતા. વડોદરાના કૌભાંડી ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓની ડાયરીમાં પણ અસ્થાનાનું નામ નીકળ્યું છે. આધાત લાગે તેવી વાત એ છે કે સીબીઆઈમાં અત્યારે ટોચના સ્થાને રહેલા અધિકારીઓમાંથી ડઝન જેટલા અધિકારીઓ સામે જાતભાતની ગેરરીતિના આક્ષેપો થયેલા છે. ડિરેક્ટર આલોક વર્મા સામે જ લાંચના આરોપો થયા છે. આલોક વર્મા અને અસ્થાના બંનેને કાઢીને મૂકવામાં આવેલા ત્રીજા નાગેશ્વર રાવ તેનાથીય મોટા કૌભાંડીઓ હોય તેવા આક્ષેપો થયેલા છે. તેનો અર્થ એ કે આખી સીબીઆઈ સડી ગઈ છે.
સડેલી સીબીઆઈને સુધારવા માટે પણ લાગે છે કે સુપ્રીમ કોર્ટે જ પહેલ કરવી પડશે. અનેક બાબતોમાં સીમાચિહ્ન સમા ચૂકાદા આપનારી સુપ્રીમ કોર્ટ સુધી સીબીઆઈનો કબાડો પણ પહોંચ્યો છે. હાલ પૂરતો કેસ આલોક વર્મા સામેના ભ્રષ્ટાચારનો અને તેમને ડિરેક્ટર તરીકે હટાવાયા તે યોગ્ય છે કે કેમ તે પૂરતો છે. પરંતુ આસામ હાઇ કોર્ટનો સીબીઆઈને ગેરબંધારણીય ઠરાવતો કેસ પણ સુપ્રીમમાં પડ્યો જ છે. અન્ય સંસ્થાઓ પણ સીબીઆઈના મામલો કોર્ટમાં જશે તેમ લાગે છે.દરમિયાન નાયડુ પછી મમતા બેનરજી સીબીઆઈના દરવાજા બંધ કરવા તૈયાર થયા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ બળાપો કાઢ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકાર સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ વિભાગનો ઉપયોગ વિરોધીઓને દબાવવા માટે કરે છે. બીજા કેટલાક રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષોની સરકાર છે. ઓડિશામાં નવીન પટનાયક ભીંસમાં આવ્યા છે, કેમ કે ભાજપનું જોર ત્યાં વધી રહ્યું છે. કેરળમાં ડાબેરી સરકાર બચી છે અને તામિલનાડુમાં પણ પ્રાદેશિક અને ભાજપવિરોધી પક્ષ જીતવાનો છે ત્યારે બીજા રાજ્યો પણ સીબીઆઈ માટે દરવાજા બંધ કરશે કે કેમ તે જોવાનું રહ્યું. પંજાબની કોંગ્રેસ સરકાર કે કર્ણાટકની ટેકા સાથેની સરકાર કદાચ આ હદે ના જાય, પરંતુ પ્રાદેશિક પક્ષોની સરકારો સીબીઆઈના દરવાજા બંધ કરશે તો સીબીઆઈ માટે નવેસરથી અને સંપૂર્ણરીતે વિચારવાની ફરજ કેન્દ્રમાં બેઠેલી કોઈ પણ સરકારને પડશે. કે પછી… આ પણ ખોટો આશાવાદ છે? કેન્દ્રમાં બીજી સરકાર આવે તો શું તેને લાલચ નહીં થાય કે ભાજપની સરકાર પોતાને ભીંસમાં મૂકે તેવી ફાઇલો તૈયાર કરીને ગઈ છે તેનો નિકાલ કરવા માટે સીબીઆઈનો પાળેલો પોપટ જ કામમાં આવશે?
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]