રજનીકાંતની ફિલ્મના વિવાદમાં મુંબઈની અંધારીઆલમ

કાલા ફિલ્મ વિશે વિવાદ ચાલી રહ્યો છે. રજનીકાંત જેવા સુપરસ્ટારની ફિલ્મ હોય એટલે ચર્ચા હોય, પણ આજકાલની ફેશન પ્રમાણે ફિલ્મ વિશે વિવાદ થાય તો વધારે સારું તેમ ફિલ્મવાળાઓ માને છે. લગભગ દરેક મહત્ત્વની ફિલ્મ વિશે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ઊભો કરવાનો ચાલ બની ગયો છે. ટીવી ચેનલોની ટીઆરપીને પણ આવા વિવાદનો ફાયદો થાય છે એટલે વિવાદને શુક્રવારે ફિલ્મ આવે તે પહેલાંથી બરાબરનો ચગાવાય છે. સોમવારે વિવાદ શરૂ થાય તે ગુરુવાર સુધીમાં પીક પર લઇ જવાય અને શનિ-રવિમાં પણ ફિલ્મ વિવાદ પ્રમાણે કેવી છે તેના બકવાસ રિવ્યૂ સાથે બીજા સોમવાર સુધી વાતને પહોંચાડાય છે. પછી કમાણીના આંકડાં તરફ વાતને વાળી લઈને હળવેકથી ફિલ્મનો વિવાદ ભૂલવાડી દેવાય છે.કાલાનો વિવાદ પણ એ જ રીતે ચગાવાયો છે. કર્ણાટકમાં ફિલ્મ રજૂ નહિ થવા દેવાય તેવો વિવાદ થયો. કેટલીક જગ્યાએ ફિલ્મ રજૂ થઈ અને કેટલીક જગ્યાએ ના થઈ. એક જ ફિલ્મને એકથી વધુ ભાષામાં ડબ કરીને એક સાથે રજૂ કરાય છે. તે ચાલ પ્રમાણે કાલાને હિન્દીમાં પણ ડબ કરીને રજૂ કરાઇ છે અને તેના કારણે મુંબઈમાં તે કેવી ચાલશે તેના પર પણ સૌની નજર છે.

ફિલ્મોમાં મુંબઈની અંધારીઆલમની કથાને વણી લેવાનો પણ ચાલ છે. તે ચાલમાં પણ આ ફિલ્મ ચાલી છે, કેમ કે તેમાં કથા છે તે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની છે. દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, જે જમીન પર ઊભી થઈ તે દુનિયાની સૌથી મોંઘી રિયલ એસ્ટેટ પણ બની ગઈ છે. ગંદીગોબરી, સાંકડી ઝૂંપડપટ્ટીની શી કિંમત હોય તેમ વિચારનારે વિચાર કરવો કે આ મુંબઈની ઝુગ્ગીની વાત છે. મુંબઈમાં એક લાદી એક લાખની થતી હોય ત્યાં ઝૂંપડું કેટલા લાખનું થાય તે ગણતરી સહેલી નથી.

એક જમાનામાં અહીં માત્ર કાદવ ભર્યો રહેતો હતો. મેન્ગ્રોવની ઝાડીમાં મચ્છરો એટલા કે ત્યાં ઊભું પણ ના રહી શકાય. ધીમે ધીમે મુંબઈમાં દરિયો પૂરાતો ગયો, તેમ આવી ઝાડી પણ કપાતી ગઈ. કાદવકિચડની માથે રેતની ભરતી કરીને ઝૂંપડા લાયક જગ્યા થવા લાગી હતી. સાયનની આવી કિચડવાળી જમીનમાં વર્ષો પહેલાં એક તામિલ છોકરો આવીને વસ્યો. તામિલનાડુથી ટ્રેનમાં અહીં પહોંચી ગયો હતો. પગ મૂકવાની જગ્યા નહોતી એટલે કિચડની ઉપર જ્યાંત્યાંથી માટી લાવીને પુરાણ કર્યું અને વસવાટ શરૂ કર્યો. પોતાના વતનથી આવી જ રીતે મુંબઈ આવી ગયેલા લોકોને પણ વસાવાનું શરૂ કર્યું અને તે રીતે ઊભી થઈ ગઈ ઝૂંપડપટ્ટી. ધારાવીની ઝૂંપડપટ્ટી.ધારાવીનું નામ આવે એટલે વરદાભાઇનું નામ આવે. વરદાભાઇના નામે એકથી વધારે ફિલ્મો બની ગઇ છે, પણ આ ફિલ્મનું પાત્ર વરદાભાઇ સિવાયના એક તામિલ પરથી લેવાયું છે, જેનું નામ જ કાલા સેઠ હતું. ગુડવાલા સેઠ તરીકે પણ તેઓ જાણીતા હતા, કેમ કે તેમનો ધંધો ગોળ વેચવાનો હતો.

1950ના દાયકામાં દેશ આઝાદ થયો, પણ દુકાળને કારણે તામિલનાડુમાં સ્થિતિ ખરાબ હતી. તિરુનેવેલી જિલ્લામાંથી લોકો ટ્રેનમાં બેસીને ટ્રેન જ્યાં લઇ જાય ત્યાં જતા રહેતા. જોકે મોટા ભાગે ચેન્નઇ બંદરેથી કાંતો બર્મા અને નહિતો સિલોન પહોંચી જતા હતા. 16 વર્ષનો એસ. થિરાવીયમ નાદર પણ ટ્રેનની સીટની નીચે સંતાઇને સૂઇ ગયા. તે ટ્રેન ચેન્નઇના બદલે તેને મુંબઈ લઈ આવી.

મુંબઈમાં સાયનમાં ખાલી પડેલી જમીનમાં પોતે ઝૂંપડી બનાવી અને પોતાની જેમ તિરુનેવેલીથી આવનારા બીજા લોકોને પણ ઝૂંપડા બનાવી દીધા. પોતે ધંધો કરવા લાગ્યા. ગોળ અને ખાંડની લેવેચ કરતા હતા. ધીમે ધીમે તામિલ લોકોના આગેવાન તે બની ગયા હતા. આગળ દુકાન અને પાછળ જ સૂતા રહેવાનું. તે રીતે ધારાવીની ઝૂંપડીઓ તૈયાર થઈ, ત્યાં આજે કરોડોનો કારોબાર થાય છે.આગળ જતા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિકસાવાની વાત આવી ત્યારે ધારાવીની ઝૂંપડપટ્ટીની કિંમત કરોડોમાં હતી. નેતાઓનો ડોળો તેમના પર હતો. નેતાઓ સામે રક્ષણના નામે તામિલ લોકોના મસીહા તરીકે વરદાભાઇ અને હાજી મસ્તાન મશહુર થયા હતા. પરંતુ તેની સિવાય શિવસેના સામે લડનારા તરીકે કાલા સેઠ જાણીતા થયા હતા. તેમણે આ ઝૂંપડીઓ તોડીને ત્યાં વસાહતો બને તેવી શિવસેનાની યોજનાનો વિરોધ કર્યો હતો.

આ વાતો આજે તેમના પુત્ર અને મુંબઈમાં પત્રકાર તરીકે કામ કરતાં જવાહર નાદર જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમના પિતા એસ. થિરાવીયમ નાદર સ્થાનિક લોકોના મસીહા હતા, પણ તેમણે ક્યારેય દાણચારી કે દારૂના ધંધા જેવા ગેરકાયદે કામ કર્યા નહોતા. પોતાના પિતા સામાજિક કાર્યકર જ વધારે હતા અને તેથી તેઓ ક્યારેક વરદરાજન જેટલા પ્રખ્યાત થયા નહોતા.

જોકે તેમની સ્ટોરી આજના સંદર્ભમાં રસ પડે તેવી છે. શિવસેના જેવી શક્તિશાળી પાર્ટીનો સામનો તેમણે કર્યો હતો. 60ના દાયકામાં દક્ષિણ ભારતીયો વિરુદ્ધ સેનાની ઝુંબેશ ચાલી ત્યારે તામિલ લોકોને આશરો આપવાનું કામ તેમણે કર્યું હતું. બાદમાં તેમણે જ આ ઝૂંપડપટ્ટી હટાવીને તેની જગ્યાએ વસાહતનો વિરોધ કર્યો હતો.

કાલા ફિલ્મમાં આવી જ સ્ટોરી છે. કાલાસેઠની જેમ તેનો હિરો નેતાઓ અને ધનિકોની સામે ગરીબ લોકો માટે લડે છે. રજનીકાંતની કે બીજા કોઇ પણ હિરોની આવી ફિલ્મોની નવાઈ નથી, પણ અત્યારે તેના સંદર્ભો બદલાઇ ગયા છે. રજનીકાંત પોતે રાજકારણમાં આવી ગયો છે. પોતાના રાજકીય પક્ષની સ્થાપના કરીને તામિલનાડુની ચૂંટણી તેણે લડવાની છે. તે વખતે ચોક્કસ વિચારધારાના રાજકીય નેતાઓ સામે લડતા હિરો તરીકેની તેની ફિલ્મ તેના ચાહકોને ગમે. ગમવા સાથે તેમાં રાજકીય મેસેજ પણ મળે છે.જોકે રાજકીય મેસેજના કારણે જ ગરબડ થઈ છે. રજનીકાંત હજી ફિલ્મવાળો જ છે, પાકો રીઢો રાજકારણી હજી બની શક્યો નથી. તેથી થોડા દિવસ પહેલાં તુતીકોરિનની મુલાકાત લઇને એવો બકવાસ કરી આવ્યો કે તેને ભારે પડી ગયું. તુતીકોરિનમાં કોપર સ્મેલ્ટર પ્લાન્ટનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન હિંસક બન્યું ત્યારે તામિલનાડુની પોલીસે આડેધડ ગોળીબાર કર્યો તેમાં 13 સ્થાનિક લોકોનાં મોત થયા.

આ મામલો બહુ વિવાદાસ્પદ બન્યો છે, કેમ કે પોલીસનું કામ પગમાં ગોળીઓ મારીને ટોળું વિખેરવાનું છે. તેના બદલે તામિલનાડુની પોલીસે કમાન્ડોને બોલાવીને, નિશાન લેવરાવીને નાગરિકોને ઢાળી દીધા હતા. રજનીકાંતે તુતિકોરિનની ગયા અઠવાડિયે મુલાકાત લીધી. મુલાકાત લેવા પાછળ પોતાની ફિલ્મની પબ્લિસિટીનો પણ પેંતરો હતો. તેમણે ત્યાં જઇને નિવેદન આપ્યું કે વિરોધ પ્રદર્શનમાં કેટલાક તોફાની લોકો ભળી ગયા હતા. આ ગુંડાઓએ હિંસા કરી એટલે પોલીસે ગોળીબાર કરવો પડ્યો.

રજની સામે ભારે રોષ ફાટી નીકળ્યો. તો શું માર્યા ગયેલા લોકો ગુંડાઓ હતા? તોફાન કરનારા ગુંડાઓ ક્યાં ગયા? બીજું તામિલનાડુની એઆઇએડીએમકેની સરકારે પણ આવો જ બચાવ કર્યો હતો. તેથી એવું લાગ્યું કે રજનીકાંત સરકારનો બચાવ કરવા નીકળ્યો છે. રજનીકાંતે સ્પષ્ટતા નથી કરી, પણ તેનું રાજકારણ ભાજપને માફક આવે તેવું છે. તે ભાજપના ખોળામાં જઈને જ બેસવાનો છે તેવું વિરોધીઓ કહી રહ્યા છે. ભાજપે શશિકલાને હટાવીને પોતાના પ્યાંદા જેવા નેતાઓને એઆઇએડીએમકેમાં બેસાડી દીધા છે. જયલલિતાની ગેરહાજરીમાં આ પક્ષ પર આડકતરો કબજો કરીને ભાજપ તામિલનાડુમાં તેની સાથે રહીને ચૂંટણી લડવા માગે છે.

કમલ હાસન ભાજપને ગમતા પક્ષની સરકારની તરફેણ કરે અને તક મળી જાય તે વિરોધીઓ છોડે નહિ. રજનીકાંત પર બરાબરના માછલા ધોવાઇ રહ્યા છે.

દરમિયાન આ ફિલ્મની જાણ થતા પત્રકાર જવાહર નાદરે રજનીને અને ફિલ્મના ડિરેક્ટર, નિર્માતા રંજિત વગેરેને પણ નોટીસ મોકલી દીધી છે. 36 કરોડ રૂપિયાનો દાવો જ માંડી દેવાયો છે. આ ફિલ્મની કથા મારા પિતાના જીવન પર આધારિત છે અને કોઈ મંજૂરી લેવામાં આવી નથી એવી ફરિયાદ તેમણે કરી છે. મોટા ભાગે પૈસાની લેતીદેતી ખાનગીમાં થઈ જશે અને વિવાદ શમી જશે. ત્યાં સુધીમાં ફિલ્મ રિલિઝ થઈને કમાણી પણ કરી લેશે કે પછી ફ્લો પણ જશે.

જે થાય તે, પણ કાલા ફિલ્મના કારણે મુંબઈની અંધારીઆલમ, મુંબઈનો પક્ષ, ઝૂંપડપટ્ટી હટાવવા સામે લડતો હિરો અને તામિલનાડુના રાજકારણમાં તેના પડઘા તે ઝડપથી શાંત થશે નહિ.