વાનરો મનુષ્ય સાથે સંવાદની ભાષા કેળવી રહ્યાં છે?

પણાં સાહિત્યમાં પ્રાણી જગતનું સ્થાન અગત્યનું રહ્યું છે. બાળવાર્તાઓ ખરી, અન્ય પ્રકારના સાહિત્યમાં પણ પ્રાણીઓનું નિરૂપણ થતું રહ્યું છે. બોલતો પોપટ અને માલિક માટે જાન આપી દેવા શ્વાન અને અશ્વોની કથા અજાણી નથી. રામાયણમાં વાનર અને રીંછની સેનાા યુદ્ધમાં જોડાય છે. આ કથાઓમાં પ્રાણીઓને બોલતા દર્શાવાયા છે. વિશ્વના લગભગ દરેક સાહિત્યમાં પ્રાણીકથાઓમાં પશુપક્ષીઓ બોલતા દેખાડાયાં છે. જોકે તેમની ભાષા એ મનુષ્યની ભાષા છે. પ્રાણીઓની આગવી ભાષા હોય તેવી કલ્પના પણ થઈ છે, પણ તેનું નિરૂપણ જે તે ભાષામાં લખાયેલા સાહિત્યમાં, સ્વાભાવિક છે કે તે જ ભાષામાં થયું હોય.

પ્રાણીજગત સાથેના સંવાદની વાત આવે ત્યારે વિજ્ઞાન તેને અલગ રીતે જુએ છે. પ્રાણીઓ કેવી રીતે અવાજ કરે છે તેનો અભ્યાસ થાય છે. આપણે જાણી છીએ તેમાં પોપટનું ગળું સૌથી વધારે વિકસેલું છે અને તે મનુષ્યની ભાષાની નકલ કરી લે છે. પરંતુ ભાષાના અર્થમાં પ્રાણીઓની પોતાની ભાષો હોય ખરી?

અવાજ કરીને સ્થિતિની જાણ કરવી એક બાબત છે અને ચોક્કસ અવાજો તથા હાવભાવ કરીને પોતાના મનની સ્થિતિ દર્શાવવી તે અલગ બાબત છે. વિજ્ઞાન કહે છે કે એક વ્યક્તિ પોતાના મનની સ્થિતિ વિશે અન્યને જણાવી શકે ત્યારે જ તે ભાષા થાય. મનની સ્થિતિ, ભાવ અને સંવાદ દ્વારા શું ઇરાદો છે તે દર્શાવવું તે ભાષા થાય. ચોક્કસ પ્રકારના અવાજથી ભય છે અથવા તો અહીં ખાવાનું છે એટલું જ દર્શાવી શકાય છે. પણ ખાવાનું છે અને તું આવી જા તારા માટે રાહ જોઈએ છીએ તેવું ચોક્કસ જણાવી શકાય ત્યારે ભાષા થઇ કહેવાય.

ભાષાશાસ્ત્રીઓ તેને થીયરી ઓફ માઇન્ડ એવી રીતે ઓળખે છે. ચોક્કસ ઇરાદાથી, ચોક્કસ હેતુ માટે, ચોક્કસ સંદેશ, ચોક્કસ ધ્વનિ અને હાવભાવથી અપાય ત્યારે સંવાદ થયો કહેવાય. તેની શાસ્ત્રીય ચર્ચા બહુ સમજાય તેવી નથી, પણ આપણે એટલું સમજીએ કે પ્રાણીજગત સંવાદ કરે ત્યારે શું થાય અને મનુષ્યોની આસપાસ વસતા પ્રાણીઓ સંવાદ કરે ત્યારે શું થાય. શહેરો વિકસતા જાય અને આસપાસના ખેતરોની હરિયાળી ખતમ થતી જાય. તેના કારણે મોર અને વાનર દૂર જવા લાગે, પણ એક તબક્કે વધુ દૂર તેઓ જઈ શકતા નથી. મોર જતા રહે છે, પણ વાંદરા કોન્ક્રીન્ટના જંગલને સ્વીકારી લે છે. બચેલા વૃક્ષથી ફ્લેટની બાલ્કનીમાં, એક અગાશીથી બીજી અગાશીમાં, દોડભાગ કરવાનું અને કૂદવાનું શીખી લે છે.

બાલ્કનીમાં ઘૂસ આવતા વાનરોને નજીકથી જોયા પછી ખ્યાલ આવે છે કે નવું ઘણું આ પ્રાણીઓએ શીખી લીધું છે. બારીમાંથી હાથ નાખીને અંદરથી બંધ કરેલી બારણાની કડી ખોલી નાખે છે. બંધ બોટલનું ઠાકણું ફેરીને ખોલી શકે છે. રસોડાંમાં જાળીમાં રાખેલા બટેટા જાળી ખોલીને, ટોપલી આડી પાડીને લઈ જાય છે.

આ ઉપરાંત ફરવાના સ્થળે, જૂનાગઢની તળેટી હોય કે ગબ્બરની ટેકરી, વાંદરાઓનું ટોળું પ્રવાસીઓની વચ્ચે ખાવાનું મેળવવા ફરતું રહે છે. કોણ ખાવાનું આપશે અને કોની થેલી ખાલી છે તે વાંદરા સમજવા લાગ્યા છે એમ નિરીક્ષણ કરનારા સમજવા લાગ્યા છે. વધુ ધ્યાનથી જોનારા કે સ્થાનિક લોકો જે નિયમિત અહીં આવનજાવન કરતા હોય કે પછી પેલા ફેરિયા, જેમનો ધંધો વાનરોને ખાવાનું આપવાથી ચાલે છે તે એ પણ જાણે છે કે વાનરો તમારી સામે જોઈને સંવાદ કરી શકે છે.

આ વિશે પદ્ધતિસર અભ્યાસો પણ થયા છે અને સંશોધકો કહે છે કે વાનરો તમારું ધ્યાન ખેંચવા માટે અમુક પ્રકારે અવાજો પણ કરે છે. તમારું ધ્યાન ખેંચાય અને તમે સામું જુઓ તો ચોક્કસ અવાજ કરીને અને હાવભાવ કરીને સંવાદ કરવાની કોશિશ કરે છે. વિદેશમાં આવા અભ્યાસો વધારે થતા હોય છે. થિયરી ઓફ માઇન્ડને ધ્યાનમાં રાખીને કેટલાક અભ્યાસ ગ્રંથો પણ તૈયાર થયા છે. ડેવિડ પ્રિમેક નામના સંશોધકે 1978માં એક અભ્યાસ પ્રગટ કર્યો હતો, જેનું નામ હતું ‘Does the chimpanzee have a theory of mind?’ – શું ચિમ્પાન્ઝીમાં થિયરી ઓફ માઇન્ડ હોય છે? પોતાના પેપરમાં તેમણે લખ્યું છે કે મનુષ્યના મનમાં શું ચાલે છે તે ઘણા અંશે ચિમ્પાઇન્ઝી સમજી જતા હોય છે.
ભારતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝમાં આવો એક અભ્યાસ થોડા વખત પહેલાં થયો હતો.

બેંગાલુરુમાં આવેલી આ સંસ્થામાં કામ કરતા અનિન્દ્ય સિંહા અને તેમના ગ્રુપે ભારતીય વાનરો પર અભ્યાસ કર્યો હતો. આ વાનરોનું શાસ્ત્રીય નામ જંગલી bonnet macaques એવું છે. કર્ણાટકના બાંદીપુરમાં આ વાનરો થાય છે. તેના ટોળામાં એકબીજા સાથે સંવાદ થતો હોય તેવું આ અભ્યાસમાં જોવા મળ્યું છે. સંશોધકોએ પોતાના અભ્યાસ પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે મનુષ્યો સાથે પણ ચોક્કસ ઇરાદા સાથે આ વાનરો સંવાદ કરવાની કોશિશ કરે છે. ખાવાનું માગવું હોય ત્યારે ચોક્કસ રીતે વર્તે છે અને અમુક નિશ્ચિત ધ્વનિ કાઢે છે. માણસના હાથમાં જો ખાવાનું હોય તો તે હાથ લંબાવે છે અને હથેળી ઉપરની તરફ રાખે છે. મનુષ્યો કોઈ વસ્તુ લેવા માટે હથેળી આગળ ધરે તેના જેવું આ હોય છે. સંશોધકો કહે છે કે આ રીત નવી જોવા મળી છે. જંગલમાં ખાવાનું મળે ત્યારે વાનરો જુદી રીતે અવાજો કાઢે છે. જ્યારે અહીં માણસ પાસેથી ખાવાનું લેવાનું હોય ત્યારે જુદો ધ્વનિ કાઢતાં થયાં છે.

એટલું જ નહીં, માણસ પાસે ખાવાનું હોય કે ના હોય, કે ખાવાનું આપતો કે ના આપતો હોય, માણસનું ધ્યાન ખેંચવાનું પણ આ વાનરો શીખ્યા છે એમ આ ગ્રુપને લાગ્યું છે. પોતાનું ડોકું આગળની તરફ લંબાવી માણસને ખાવાનું આપવાનું તે કહે છે. મનુષ્યની તરફ સતત જોયા કરે છે અને તેનું ધ્યાન ખેંચવા કોશિશ કરતા રહે છે. તે વખતે ચોક્કસ અવાજ પણ કાઢે છે. ખાવાનું ના મળે ત્યાં સુધી અવાજ કરતા રહે છે, ડોકું તાણી તાણીને જોયા કરે છે. જો મનુષ્યનું ધ્યાન પડી જાય તો હાથ લાંબો કરે છે. આ રીતે ખાવાનું મળી જાય ત્યારે ખુશી થઈ હોય તેવો અલગ ધ્વનિ પણ કાઢે છે.

જંગલમાં રહેતા વાનરોનું આ પ્રકારનું વર્તન પ્રથમવાર તપાસવામાં આવ્યું છે અને તેનું ડોક્યુમેન્ટેશન કરાયું છે તેમ આ સંશોધકો કહે છે. અન્ય વાનરોમાં થયેલા અભ્યાસ સાથે તેની સરખામણી કરવામાં આવે ત્યારે આ વાનરો ઇરાદા સાથે, ચોક્કસ બાબત વિશે સંવાદ કરે છે તેવું સાબિત થઈ શકે છે એમ સિંહા અને તેમના સાથીઓ માને છે. તેના પુરાવા તરીકે પેપરમાં જણાવાયું છે કે ધ્યાન ખેંચવા માટે અમુક રીતે અવાજ થાય છે. એકવાર મનુષ્યનું ધ્યાન પડે અને તે સામે જુએ છે એમ વાનરને ખ્યાલ આવે તે પછી જ ખાવાનું માગવા માટેનો અવાજ કરે છે. તે પછી જ હાથ આગળ કરે છે તે વારંવાર નોંધવામાં આવ્યું અને તેના આધારે આવું તારણ કાઢવામાં આવ્યું છે.

તેનો અર્થ એ થયો કે વાનરોમાં મનુષ્ય સાથે સંવાદ સાધવાની ફ્લેક્સિબિલીટી વિકસી રહી છે. મનુષ્ય તેમના તરફ ધ્યાન આપે છે કે નહી તેનો ખ્યાલ પણ વાનરોને આવે છે. મનુષ્ય પોતાની હાજરીની નોંધ ના લે તો તે ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે. આ સંશોધકોના તારણો છે, બાકી શહેરોમાં વાનરોને બાલ્કનીમાં આવીને ધમાલ કરતા જોનારા લોકો જાણે છે કે મનુષ્યથી તે ખાસ્સા ટેવાયેલા છે. મનુષ્યને ડરાવવા માટે તે દાંતિયા પણ કરે. લાકડી જેવું હાથમાં રાખીને જાવ તો જ ભાગે. સહેલાઇથી ભાગે પણ નહી, તેવો અનુભવ શહેરી લોકોને પણ થયેલો છે. ફરવાના સ્થળે હાથમાંથી પરાણે મગફળીનું પડીકું ખેંચી લે તેનો અનુભવ પણ થયેલો જ છે.

મનુષ્ય સાથે કેટલાક પ્રાણીઓનો નાતો અતૂટ રીતે જોડાઇ ગયો. ગાય, ભેંસ, ઊંટ, ઘેટા, બકરાં, ગધેડાં, શ્વાન અને અશ્વ મનુષ્યને ઉપયોગી થયા છે. હાથીને પણ મનુષ્ય પાળે છે. તે મંદિરમાં પણ હોય અને સેનામાં પણ હોય. બંદરિયાને નચાવતા અને રીંછના નાકમાં દોરડું બાંધીને ખેલ કરવા આવતા મદારીઓ પણ આપણે જોયા છે. મદારી સાપ અને નોળિયા પાળે. બિલાડી અને પોપટ અને કાકાકૌવાને પાળવાનો શોખ પણ લોકોને છે. તે સીધી રીતે મનુષ્યને ઉપયોગી થતા નથી, પણ મનોવિજ્ઞાનીઓ કહે છે પશુપક્ષી પાળવાથી તેની સાથે બંધાતો નાતો એકાકી માણસને માનસિક સધિયારો આપે છે.

પાળીતા પશુ સાથે સંવાદ શબ્દો વિનાનો હોય છે, પણ વિજ્ઞાન માટે લાગણી અગત્યની નથી, વિજ્ઞાન માટે અભ્યાસ અગત્યનો હોય છે. વિજ્ઞાનીઓ આ પ્રકારના અભ્યાસથી અત્યારે એટલું જ તારણ કાઢવાની કોશિશ કરી રહ્યા છે કે ભાષા શીખવા માટે જરૂરી ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો અત્યંત પ્રાથમિક કક્ષાનો અંશ વાનરમાં ઉપલબ્ધ હોય તેમ લાગે છે.
ચિમ્પાન્ઝી, ઉરાંગઉટાંગ અને વાનરનો અભ્યાસ વધારે થાય છે, કેમ કે આપણે ભણ્યા છીએ તે થિયરી પ્રમાણે મનુષ્યની ઉત્ક્રાંતિમાં તેમાંથી થઈ છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે. વિજ્ઞાન સક્ષમ થયું તેને હજારેક વર્ષ જ થયા છે એટલે આ હજારમાં થયેલી જરા અમથી ઉત્ક્રાંતિ માંડ નોંધી શકાઇ છે. બીજા હજારો વર્ષના ઓબ્ઝર્વેશન પછી ઉત્ક્રાંતિ વધારે સ્પષ્ટ થશે. ત્યાં સુધી વિજ્ઞાનનું આ પેપર વાંચવામાં રસપ્રદ લાગતું રહેશે કે વાનરો પણ મનુષ્ય સાથે સંવાદ વધારવાની કોશિશ કરી રહ્યા છે. શહેરીકરણ વધી રહ્યું છે તે જોત શું વાનરે પણ કદાચ ગાય, ભેંસ અને શ્વાનની જેમ ઘર આંગણાના પશુ બનવું પડશે? શ્વાન પણ ચોકિદારી માટે એટલો ઉપયોગી છે કે કેમ તે વિશે ભિન્ન અભિપ્રાય છે, પણ વાનર વળી મનુષ્યને શું ઉપયોગી થઈ શકે? તે વિચારવાની આમ તો અત્યારે જરૂર નથી, કેમ કે મનુષ્ય અને વાનર વચ્ચે સંવાદ વધે તો પણ તેને થોડા હજાર વર્ષ લાગશે, કદાચ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]